જય આદ્યા શક્તિ માં... જય..
આવતી કાલથી દરેક જગ્યાએ એક ગીત ફરજિયાત ગવાશે. એ ગીત એટલે શિવાનંદ સ્વામી રચિત આરતી..
જય આદ્યા શક્તિ માં... જય..
આખા ગુજરાતની અનેક નવરાત્રીઓ વચ્ચે એક સામ્ય જોવા મળશે. આવતી કાલથી દરેક જગ્યાએ એક ગીત ફરજિયાત ગવાશે. એ ગી એટલે શિવાનંદ સ્વામી રચિત જગદંબાની આરતી..
આરતી તો ઠેર ઠેર ગવાય છે, પણ શિવાનંદ સ્વામી ખાસ જાણીતા નથી. ગુજરાતી સાહિત્ય કોષના પ્રથમ ખંડમાં નોંધાયા પ્રમાણે તેઓ સુરતના વડનગરા નાગર હતાં. તેમના જન્મ અને મરણ અંગે ચોક્કસ તારીખો મળતી નથી. પરંતુ ૧૫૫૦થી લઈને ૧૬૫૦ વચ્ચેના ગાળામાં તેઓ થઈ ગયા હોવા જોઈએ.
શિવભક્તિ એ શિવાનંદનની કવિતાનો મુખ્ય વિષય હતો. આરતી, થાળ, ધૂન, ભજન-કિર્તન સહિત વિવિધ પ્રકારના સવા બસ્સો પદોની રચના કરી હતી, જેમાંથી સૌથી જાણીતી રચના જગદંબાની આરતી 'જય આદ્યા શક્તિ' છે.
જગદંબા તેમણે ઉપરાંત હનુમાન, ગણપતિ, ભૈરવ, દ્વાદશ જ્યોતિર્લિંગ વગેરેની આરતીઓ તૈયાર કરી હતી. વિવિધ દેવી-દેવતાઓની આરતીઓ પૈકી મોટા ભાગની આરતીઓ તેમની રચના છે. જગંદબાની તેમણે રચેલી મૂળ આરતીમાં ૧૮ કડીઓ છે. તેમનું નામ શિવાનંદ પંડયા પણ 'ભણે શિવાનંદ સ્વામી' એવા ગાયનને કારણે શિવાનંદ સ્વામી તરીકે જ પ્રચલિત થયા હતાં અને આજે પણ છે.
શિવાનંદ સ્વામીએ ૩૫ વર્ષ સુધી રેવા કાંઠે ભક્તિ આરાધના કરી હતી. એક માન્યતા પ્રમાણે માતાજીએ તેમને પ્રત્યક્ષ દર્શન દીધા હતાં. એ પછી જ તેમના મુખમાંથી સહજ રીતે જે શબ્દો સરી પડયા હતાં એ શબ્દો એટલે આદ્યાશક્તિની આરતી.
આરતીમાં એક પંક્તિ આવે છે, 'સંવત સોળ સત્તાવન સોળસે બાવીસમાં, સંવત સોળે પ્રગટયાં રેવાને તીરે, ઓમ જય હો જય હો મા જગદંબે.' જે કદાચ તેમને માતાજીએ દર્શન વિક્રમ સંવત ૧૬૫૭માં આપ્યા હોવાની વાતને સમર્થન આપે છે.