આરોગ્ય ગીતા - વત્સલ વસાણી
સાયેટિકા (રાંઝણ), સ્પોન્ડિલાઇટિસ અને ફ્રોઝન શોલ્ડરની સારવાર
રાંઝણ કફથી અને વાયુથી એમ બે પ્રકારની થાય છે. વાયુથી થયેલી રાંઝણમાં દુખાવો અસહ્ય હોય છે
આયુર્વેદની દ્રષ્ટિએ રાંઝણ એ વાયુથી થતો વ્યાધિ છે. આ રોગમાં સાયેટિકા નર્વ અને એની આજુબાજુના સ્નાયુ વાયુની વૃદ્ધિથી સૂકાવા કે સંકોચાવા લાગે છે અને તેથી ચાલતી વખતે સ્નાયુ ખેંચાવાથી પગ થોડો લંઘાય કે ખોડંગાય છે. થાપાના મૂળમાંથી શરૃ થઈ જાંઘ, પગ, પિંડી અને છેક પગની પાની સુધી આ દુખાવો પહોંચે છે.
મોટે ભાગે આ વ્યાધિ કોઈ એક પગમાં થતો હોય છે. પણ કેટલાક કેસમાં વ્યક્તિના બન્ને પગમાં પણ રાંઝણના કારણે દુખાવો થાય છે. સાયેટિકા નર્વ સૂકાવાથી એની સ્થિતિસ્થાપકતા ઘટે છે અને ચાલતી વખતે અંદરથી કશુંક ખેંચાતું હોય એમ પગ છૂટથી માંડી શકાતો નથી.
માલિશ અને શેક કરવાથી વ્યક્તિને સારું લાગે છે. નિર્ગુંડી તેલ અથવા તો મહાનારાયણ તેલની માલિશ કરી થોડીવાર તડકામાં બેસવું અથવા તો નગોડ, સરગવો અને એરંડાના પાનને અધકચરા કરી એક પોટલીમાં બાંધી તેનાથી વરાળિયો શેક કરવો. પાણીથી પોણી ભરેલી એક તપેલીમાં ઉપરોક્ત ત્રણે વનસ્પતિના પાંદડા કૂટીને નાખવા. અને આ બધું ઉકળીને વરાળ નીકળવાની શરૃ થાય ત્યારે તેના પર સ્ટીલની ચારણી મૂકી, જે વરાળ નીકળતી હોય તેના પર પોટલી મૂકી ગરમ થાય એટલે વારા ફરતી પોટલી બદલીને વરાળિયો શેક લેવો.
નગોડ એ રાંઝણનું એક ઉત્તમ ઔષધ છે. આથી નગોડના તેલથી માલિશ કરી નગોડના પાનનો ખાટલા શેક અથવા તો વરાળિયો શેક પણ આપી શકાય. નગોડના પાનનો અડધો કપ જેટલો તાજો રસ સવારસાંજ પીવાથી પણ રાંઝણના દરદમાં રાહત થાય છે.
એકાદ કપ જેટલું તાજું ગોમૂત્ર લાવી તેમાં એક ચમચી દેશી દિવેલ અને ચપટીક લીંડી પીપરનું ચૂર્ણ મેળવી રોજ સવારે પી જવું. એકધારા આ પ્રયોગથી વાયુ તથા કફથી થતી જૂની રાંઝણ પણ મટી જાય છે.
નગોડની જેમ લસણ પણ રાંઝણનું એક ઉત્તમ ઔષધ છે.
બજારમાંથી એક કળી વાળું લસણ લાવી પોતાને અનુકૂળ આવે તેટલી માત્રામાં ફોલીને તલના તેલમાં કકડાવી નાખવું. બપોરે અને રાત્રે જમતી વખતે આ રીતે લસણનો પ્રયોગ કરતાં રહેવાથી રાંઝણનું દરદ કાબૂમાં આવી જાય છે. લસણ લીધું હોય ત્યારે બેથી ત્રણ કલાક સુધી દૂધ ન લેવું. કેમકે લસણને દૂધનું મિશ્રણ થવાથી 'વિરુદ્ધ આહાર' બની જાય છે.
રાંઝણ કફથી અને વાયુથી એમ બે પ્રકારની થાય છે. વાયુથી થયેલી રાંઝણમાં દુખાવો અસહ્ય હોય છે. રાતના સમયે દુખાવો વધે છે અને દરદીની ઊંઘ પણ બગડે છે. ચાલવાથી કે કામ કરવાથી દુખાવો વધે છે. આરામ કરવાથી પીડા ઘટે છે. કફથી થતી રાંઝણમાં પગમાં ભાર લાગે છે અને સવારના સમયે દુખાવો વધે છે.
તૈયાર ઔષધોમાં મહા વાત વિધ્વંસન રસ, ચિંચા ભલ્લાતક વટી, મહા યોગરાજ ગૂગળ અને રાસ્ના ગૂગળ - આમાંથી જે ઉપલબ્ધ હોય તેની બેબે ગોળી સવાર સાંજ (ભૂકો કરીને) પાણી સાથે લેવી.
ચાર ચમચી રાસ્ના સપ્તક અથવા મહારાસ્નાદિ ક્વાથમાં ચાર ચમચી દશમૂલ ક્વાથ મેળવી એટલું જ સામે પાણી ઉમેરી સવારસાંજ પીવું.
નિષ્ણાત ચિકિત્સક દ્વારા કરવામાં આવેલી પંચકર્મ ચિકિત્સા પણ આ રોગમાં ખૂબ સારું પરિણામ આપે છે.
પગમાં જેમ રાંઝણ થાય છે તેમ હાથમાં 'વિશ્વાચી' નામનો વ્યાધિ થાય છે. ખભાથી શરૃ થઈ હાથના આંગળા સુધી આ વેદના પ્રસરે છે. હાથમાં ઝણઝણાટી થાય છે અને ખાલી પણ ચડી જાય છે. હાથમાંથી વિજળીનો ધીમો કરંટ પસાર થતો હોય એવું લાગે છે. અને ક્યારેક હાથમાં ખાલી પણ ચડી જાય છે. વિશ્વાચિનું દરદ જો ઘર કરી જાય તો આવી વ્યક્તિને હાથ ઊંચો કરવાની તકલીફ પડે છે.
રાંઝણ માટેની મોટા ભાગની સારવાર આ રોગમાં પણ પરિણામ આપી શકે છે. સિંહનાદ ગૂગળ, વાત વિધ્વંસન રસ, સમીર પન્નગરસ, મહારાસ્નાદિ ક્વાથ આમાં ખૂબ સારું પરિણામ આપી શકે. અભ્યંગ અને સ્વેદનથી પણ રોગ મટાડવામાં મદદ મળી શકે.
આયુર્વેદના સંહિતા ગ્રંથોમાં 'અવબાહુક' નામના વ્યાધિનું વર્ણન મળે છે. એલોપથીમાં તેને 'ફ્રોઝન સોલ્ડર' નામથી ઓળખવામાં આવે છે કેમકે તેના લક્ષણો અવબાહુક સાથે સામ્ય ધરાવે છે. વિશ્વાચિ શુદ્ધ વાતજન્ય વ્યાધિ છે તો અવબાહૂકમાં કફ વાતની પ્રધાનતા હોય છે.
કરોડના મણકામાં સોજો આવવાથી ડોક જકડાઈ જાય છે અને બોચીને આમતેમ ફેરવવી હોય તો પણ સખત દુખાવો થાય છે. આયુર્વેદમાં આ વ્યાધિને 'મન્યાસ્તંભ' અને એલોપથીમાં 'સ્પોન્ડિલાઇટીસ' અથવા તો 'સર્વાઇકલસ્પોન્ડિલાઈટીસ' કહે છે.
આયુર્વેદમાં આ રોગની પણ વ્યવસ્થિત સારવાર છે. વાત વિધ્વંસનરસ, બૃહદ્ વાત ચિંતામણિ રસ, વાત ગજાંકુશ રસ, વાતારિ ગૂગળ, નવજીવન રસ, પુનર્નવા મંડૂર, નારસિંહ ચૂર્ણ, અજમોદાદિચૂર્ણ, દશમૂલ ક્વાથ, મહારાસ્નાદિ કવાથ તથા મહાયોગરાજ ગૂગળનો ચિકિત્સકની સૂચના અનુસાર ઉપયોગ કરવાથી ચોક્કસ લાભ થાય છે. ઔષધોની સાથે આયુર્વેદની પંચકર્મ ચિકિત્સા કરવાથી રોગ જલદીથી કાબૂમાં આવે છે. મહા વિષગર્ભ તેલ અથવા તો સૈંધવાદિ તેલથી માલિશ કરી શેક કરવામાં આવે તો લાભ થાય છે. રેતીની પોટલીનો કે હિટિંગ પેડનો શેક સારો રહે છે.
રોજિંદા ખોરાકમાં લસણ, સરગવો, મેથી, રીંગણ, અડદ, તલતેલ, હિંગ, ઘી, દૂધ, માખણ વગેરેનો ઉપયોગ સવિશેષ કરવો. અને દહીં, છાશ, લીંબુ, શિખંડ, આમલી, ટામેટા, કાચી કેરી, આથો આવીને તૈયાર થતા હોય એવા ખાદ્ય પદાર્થો અને વાલ, વટાણા, ચોળા, પાપડી, ગુવાર, બટાકા કે ચણા જેવા વાયુ કરનારા ખાદ્ય પદાર્થો બંધ કરી દેવા.
આરામ આ રોગમાં ખાસ જરૃરી હોય છે. એરકંડિશન્ડ, ઠંડા પાણીથી સ્નાન અને અતિ પરિશ્રમ,- સ્પોન્ડિલાઇટીસના દરદી માટે વર્જ્ય-નુકસાનકારક છે.
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar