હેબીચ્યુઅલ ઍબોર્શન (કોઠે રતવા)નો ઉપાય - વિસ્મય ઠાકર
ગર્ભ રહ્યા પછી આહાર-વિહારનાં નિયમોનું ચૂસ્તપણે પાલન કરવાથી અવશ્ય સફળ પરિણામ મળે છે
હેબીચ્યુઅલ ઍબોર્શનને ગુજરાતીમાં કોઠે રતવા કહેવાય. જેમાં સ્ત્રીને ગર્ભ રહે તો ખરો પણ એ ટકે નહિ અને બહાર ફેંકાઈ જાય. આવી કસુવાવડ એક પછી એક એમ બે કે તેથી વધુ વખત અને ગર્ભ રહ્યા પછી નિશ્ચિત સમયે થતી હોય છે.
સામાન્ય રીતે ગર્ભ રહ્યા પછી એટલે કે કંસેપ્શન રહ્યા પછીના આશરે સોળ અઠવાડિયા સુધીમાં થતાં ગર્ભસ્ત્રાવને ઍબોર્શન કહેવાય. જ્યારે સોળ અઠવાડિયાથી લઈને અઠયાવીસ અઠવાડિયા સુધીમાં થતાં ગર્ભપાતને મીસકેરેજ કહેવાય અને અઠયાવીસ અઠવાડિયા પછીના સમયમાં થતી કસુવાવડને પ્રિમેચ્યોર લેબર કહેવાય.
આમ થવા પાછળ ઘણાં કારણો છે. જેમકે, ગર્ભાશયનો ચેપ (ઇન્ફેકશન), ગર્ભાશયમાં થતી ગાંઠ, ફાઈબ્રોઈડ કે ટયૂમર, ગર્ભાશયનું ચાંદુ (અલ્સર), બીજા કેટલાક કારણોમાં હોર્મોન ઉત્પન્ન કરતી અંત:સ્ત્રાવી ગ્રંથીઓની વિફળતા મહત્ત્વની બાબત બનતી હોય છે. કેટલાંક વિશિષ્ટ કિસ્સાઓમાં સર્વિક્સ એટલે કે ગર્ભાશય ગ્રિવા જેવા મહત્ત્વના અવયવના અભાવની સ્થિતિ અથવા માલપોઝીંશનીંગ ઓફ યુટરસ (પોતાના સ્થાન પરથી ખસી ગયેલ ગર્ભાશય) કસુવાવડનું કારણ બનતા હોય છે. તદુપરાંત વધુ પડતું વજન (ઓબેસીટી) વધુ પડતો પરિશ્રમ અને અપૂરતું પોષણ (MALNUTRITION) ગર્ભનો વિકાસ થવા દેતાં નથી.
ક્વચિત્ ઉપર જણાવેલા કારણોમાંનું કોઈ કારણ લાગુ ન પડતું હોય, પરિક્ષણોના પરિણામ નોર્મલ આવતાં હોય છતાં પણ કોઈ અજ્ઞાાત કારણોસર કસુવાવડ થતી જોવા મળે છે.
જો કસુવાવડ થવાના સ્પષ્ટ કારણો જણાતા હોય તો એને નીવારવાના ઉપાય યોજવા. અને જો કારણોની સ્પષ્ટતા ન જણાતી હોય તો નીચે જણાવેલ વનસ્પતિનો અનુભૂત પ્રયોગ અજમાવી જુઓ.
આ પ્રયોગ માટે વપરાતી વનસ્પતિનું નામ છે 'દુર્વા' ગુજરાતીઓ એને ધરોના નામથી ઓળખે છે. ઉત્તર ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં એ ધ્રોખડ અને દક્ષિણ ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં એ દરોના નામથી ઓળખાય છે. ચોમાસા પછી બહોળી માત્રામાં ઊગી નીકળતી આ વનસ્પતિનો દેખાવ ઘાસ જેવો છે. મહારાષ્ટ્ર બાજુ બાગબગીચામાં એને પુષ્કળ ઊગાડવામાં આવે છે. ઢોરોનું એ પસંદગીનું ખાદ્ય છે. ગાંઠે-ગાંઠે મૂળિયા નાખી ઊગી નીકળતી આ વનસ્પતિનો ફેલાવો જમીન પર ઘણો વિસ્તરે છે. જેથી સંસ્કૃતમાં એનું એક નામ અનંતા છે.
ગર્ભ રહ્યા પછી જ્યારે માસિક આવતું બંધ થાય એના પ્રથમ અઠવાડિયાથી લઈ સળંગ ચાર માસ સુધી નીચેનો પ્રયોગ કરવો. આશરે દસ ગ્રામ તાજી લીલી દુર્વા (દુર્વાના મૂળનો ઉપયોગ ક્યારેય કરવો નહિ.) સ્વચ્છ પાણીથી ધોઈ, સાફ કરી, વાટી એની ચટણી બનાવી લેવી. એમાં પાંચ ગ્રામ ખડી સાકર ઉમેરી એક ગ્લાસ પાણીમાં હલાવી મિશ્રણ બનાવી લેવું. ત્યાર પછી એને મલમલના સ્વચ્છ કપડાંથી ગાળી નરણાં કોઠે પ્રતિદિન સેવન કરવું.
આ સાથે ગર્ભ રહ્યા પછી આહાર-વિહારનાં નિયમોનું ચૂસ્તપણે પાલન કરવાથી અવશ્ય સફળ પરિણામ મળે છે.
(૧) રીંગણ, પપૈયું, ફણસ, બાજરી, અખરોટ, કાજુ, લાલ તથા લીલું મરચું, તજ, લવિંગ અને મરી જેવાં ગરમ-ઉષ્ણ દ્રવ્યો ત્યાગવા. (૨) કોઈપણ ફળોના બીયા પેટમાં ન જાય એનું ધ્યાન રાખવું. (૩) વધુ પડતો પરિશ્રમ, ઉજાગરા, નિંદ્રા, મૈથૂન, ક્રોધ, ચિંતા, હાસ્ય અને ગળા સુધી ઠાંસીને કરેલું ભોજન - ત્યાગવું. (૪) વધુ પડતાં ગરમ કે ઠંડા પાણીથી સ્નાન ન કરવું. (૫) વજન ઊંચકવું, કૂદકો મારવો, ખાડા ટેકરાવાળા રસ્તા પરની મુસાફરી, કમરેથી વળીને કામ કરવું કે ઉભડક બેસવું યોગ્ય નથી. પૂરતો આરામ કરવો, બેડ-રેસ્ટ લેવો. (૬) જે ગર્ભિણી સ્ત્રીઓને કબજિયાત રહેતી હોય એમને મળત્યાગ વખતે ઘણું જોર કરવું પડતું હોય છે. જેની અસર ગર્ભાશયના સ્નાયુ પર થવાથી ક્યારેક કસુવાવડ થવી સંભવી શકે.
કબજિયાત ન રહે તે માટે આમળાનું ચૂર્ણ, ઈસબગુલ, પાણીમાં પલાળેલી બી કાઢેલી કાળી (સૂકી) દ્રાક્ષ જેવાં નિર્દોષ દ્રવ્યોનો ઉપયોગ કરી શકાય. (૭) ખનીજ, વિટામીન અને પ્રોટિનની પૂરતી માટે દૂધ અને દૂધની બનાવટો, તાજા ફળો, લીલા શાકભાજી તથા ફણગાવીને બાફેલા કઠોળનો રોજીંદા આહારમાં રુચિ અનુસાર ઉપયોગ કરવો. પોષણ માટે ગાયના ઘી થી બનાવેલો શીરો, ઘઉંના ફાડાની લાપશી, જૂના ચોખામાંથી બનાવેલી ખીરને ખોરાકમાં સ્થાન આપવું. આમ કરવાથી પોષણની સમતુલા જળવાશે અને કસુવાવડ થવાની શક્યતા ઘટશે.