ગોપ, ભારતનું સૌથી પ્રાચીન મંદિર
ઝીણવારી (જામ જોધપુુર)
મંદિર પ્રાચીન હોય તો ભક્તોનો તેના પર વિશ્વાસ વધી જાય. પણ જામનગર જિલ્લાના ઝીણવારી ગામની ભાગોળે એક અતિ પ્રાચીન મંદિર વર્ષોથી કોઈની રાહ જોઈને ઉભું છે. સંશોધકો સિવાય ત્યાં કોઈ જતું નથી. કેમ કે મંદિર ખંડેરસ્વરૃપે છે.
ગોપના મંદિર તરીકે ઓળખાતુ એ મંદિર અનેક રીતે વિશિષ્ટ છે. છઠ્ઠી સદીમાં એટલે કે દોઢેક હજાર વર્ષ પહેલા બનેલું મંદિર ભારતમાં ટકી રહેલા સૌથી જૂના સ્ટોન ટેમ્પલ પૈકીનું એક છે. બધા મંદિર પથ્થરમાંથી જ બને પરંતુ અહીં સ્ટોન (પથ્થર)નું એવું બાંધકામ કે જેમાં પથ્થરના જોડાણ માટે બીજો કોઈ પદાર્થ વાપરવામાં ન આવ્યો હોય.
અનેક વિદેશી આક્રમણખોરોએ ઘણા હિન્દુ સ્થાપત્યો તોડી પાડયા પરંતુ આ મંદિર એમાં સદ્ભાગ્યે સલામત રહ્યું છે. આ મંદિર ઐતિહાસિક નગર ઘૂમલી પાસે આવેલું છે. શિવજીનું આ મંદિર બરડાની ગોપ નામે ઓળખાતી ટેકરી પર આવેલું છે, માટે એ નામે જાણીતું થયુ છે. મંદિરની અત્યારે ઊંચાઈ માત્ર ૨૩ ફીટ છે, પણ ઈતિહાસમાં તેની ઊંચાઈ સદીઓ સુધી પહોંચે છે.