ગરબાનો અમર સંગ્રહ..
નવરાત્રીમાં મોટા ભાગના આયોજકો એક જ સરખા ગરબા વગાડતા હોય છે કાં તો ગાયકો પાસે ગવડાવતા હોય છે. વળી ગુજરાતી ભાષામાં ગરબીની કમી હોય એમ ફિલ્મી ગીતો પર ઝૂમ બરાબર ઝૂમ થવાની પ્રથા હવે ચલણી બની ગઈ છે.
શેરી ગરબામાં પણ આ જ સ્થિતિ જોવા મળે છે. મૂળ કારણ એ છે કે આયોજકોને ખબર જ નથી હોતી કે ગુજરાતીમાં ગરબાનું કેટલું વૈવિધ્ય છે. એ વૈવિધ્ય જાણવા માટે ઝવેરચંદ મેઘાણીએ સંપાદિત કરેલો સંગ્રહ 'રઢિયાળી રાત' જોવો પડે.
તેમાં ગુજરાતી ભાષાના ૪૫૦થી વધુ ગરબા-ગીતો-લોકગીતો છે, જે નવરાત્રી દરમિયાન ગાઈ-વગાડી શકાય. સદ્ભાગ્યે ગુજરાતમાં રઢિયાળી રાત સાવ ભુલાઈ નથી ગઈ. દર વર્ષે ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા ગુજરાતના અનેક સ્થળોએ રઢિયાળી રાતના ગરબાના કાર્યક્રમો યોજાય છે. ઝવેરચંદ મેઘાણીએ ગામડે ગામડા ખૂંદીને એકથી એક ચડિયાતા ગીતો મેળવ્યા હતા.