Get The App

વિરુદ્ધ આહારથી થતા રોગો - વિસ્મય ઠાકર

Updated: Mar 21st, 2018

GS TEAM

Google News
Google News

મધ વિષે પણ ઘણી પ્રચલિત પણ ખોટી માન્યતાઓ રહેલી છે. જે આહારની દ્રષ્ટિએ ચિંતાનો વિષય છે

વિરુદ્ધ આહારથી થતા રોગો - વિસ્મય ઠાકર 1 - image(૧) અન્નમ્ વૈ પ્રાણ: - અન્ન જ પ્રાણ છે. અન્ન, એટલે કે આહાર જ જીવનનો સાચો આધાર છે. આહાર શરીરના બંધારણ, વિકાસ, બુદ્ધિ અને કાર્યક્ષમતાનો પાયો છે. શરીરના સૂક્ષ્મ કોષોથી લઈને આખાય શરીરની જટિલ રચનાનો આધાર પણ ખોરાક થકી મળતાં પોષણને આભારી છે. મનુષ્યના વિચારો, મનોવલણો પર પણ ખોરાકનો કેટલો બધો પ્રભાવ છે ?

પ્રત્યેક આહાર દ્રવ્યો (ધાન્ય વર્ગ, કઠોળ વર્ગ, શાકભાજી, ફળફલાદિ વર્ગ)ને પોતપોતાના ગુણ અને દોષ હોય છે. આવા ગુણ અને દોષને પારખી, સમજી કરેલું ભોજન રોગોને દૂર કરવાનું સામર્થ્ય ધરાવે છે. તો ક્યારેક બે વિરોધી તત્ત્વો ખોરાકમાં ભેગાં થવાથી રોગોત્પાદક અસરો કરે છે. અલગ અલગ ખોરાકના સંયોગથી રાસાયણિક વિકૃત્તિઓ પેદા ન થાય તેનું ધ્યાન રાખવું રહે. ભોજન કર્યા પછી વાત્, પિત્ત અને કફ જેવાં દોષો વધે અને તેમનો નિકાલ ન થાય તો અમૂક રોગજન્ય સ્થિતિ સર્જાય. આવા આહારને વિરુદ્ધ આહાર કહેવાય.

હવે, દૂધ જેવાં રોજીંદા ખોરાક વિષે વાત કરીએ. દૂધ પ્રાણીના શરીરમાંથી પ્રાપ્ત થયેલો ખાદ્યપદાર્થ છે. તેની સાથે નીચે જણાવેલી વસ્તુઓ વિરોધી થાય. જેમકે દૂધ સાથે કદિ ફળોનો સંયોગ કરવો નહિ. ફ્રૂટ સલાડ જેવી વાનગી ત્વચાને લગતાં અનેક રોગો પેદા કરે છે. વળી, દૂધ સાથે દહીં, કઢી અને શ્રીખંડ જેવા ખાટા પદાર્થો, ઈડલી, ઢોંસા, બ્રેડ જેવી આથાવાળી વાનગીઓ, મઠ, વાલ જેવાં કઠોળ, મૂળો, સરગવો, કાંદો જેવાં શાકભાજી, વિશેષ કરીને તુલસી તથા નમકનો કદિ ઉપયોગ કરવો નહિ. માંસ અને માછલી પણ ક્યારેય દૂધ સાથે ખાવા ન જોઈએ.

દૂધ સાથે કૃત્રિમ રંગ અને સુગંધયુક્ત પદાર્થોના સંયોજનથી બનેલા આઈસક્રીમ, કોલ્ડ ડ્રીંક હાનિકારક છે. દૂધ સાથે અડદ, ગોળ અને લસણ ખાવાથી લ્યુકોડર્મા (સફેદ દાગ) થવાની સંભાવના વધી જાય છે. દૂધ સાથે ઉપર જણાવેલો આહાર લેવાથી કરોળિયા, ખરજવું, ખંજવાળ, કુષ્ટ, હોજરીના ચાંદા (અલ્સર) જેવાં અગણિત રોગો થવાની સંભાવના વધી જાય છે.

દૂધ લીધાના ચાર-પાંચ કલાક પહેલાં અને પછી અન્ય આહાર લેવો ઉચિત ગણાય.

મધ વિષે પણ ઘણી પ્રચલિત પણ ખોટી માન્યતાઓ રહેલી છે. જે આહારની દ્રષ્ટિએ ચિંતાનો વિષય છે. જેમકે વજન ઉતારવાના નુસ્ખારૃપે લોકો ગરમ પાણી સામે મધ લેતાં હોય છે. જે યોગ્ય નથી. ગરમ કરેલું મધ, ગરમ દ્રવ્ય સાથે લીધેલું મધ અને ખૂબ ગરમી પડતી હોય ત્યારે ખાધેલું મધ રક્તસ્ત્રાવ (હેમરેજ) કરી શકે છે. આ સિવાય દાહ, એસડીટી, અલ્સર જેવી સમસ્યાઓ ઉભી કરી શકે. તો ગર્ભિણીઓમાં એ ગર્ભપાત જેવી ગંભીર સમસ્યા સર્જી શકે.

ઘી સાથે કદિ સરખા ભાગે મધ ન લેવું. એમ કરવાથી આ મિશ્રણ વિષ એટલે કે પોઈઝન જેવી અસર ઉપજાવી શકે.

ગરમ-ગરમ ભોજન પછી તરત ખાધેલો આઈસ્ક્રીમ કે ફ્રીજમાં ઠંડુ કરેલું પાણી લેવું અયોગ્ય છે. આધુનિક જીવનમાં અપનાવેલી ખાનપાનની આવી રીત ભૂલ ભરેલી છે. એમ કરવાથી અપચો, અર્જીણ અને આમ વાત (રહ્યુમેટીઝમ) જેવાં રોગો થઈ શકે છે.

ઠંડી ઋતુમાં વધુ પડતી ઠંડી વસ્તુઓ અને ગરમીની ઋતુમાં વધુ પડતી ગરમ વસ્તુ ખાવી એ પણ કાલવિરુદ્ધ એટલે કે સમય વિરુદ્ધનું ભોજન કહેવાય. જેમકે, ખૂબ ઠંડી પડતી હોય ત્યારે અતિશય ઠંડુ પાણી, ઠંડા પીણા, ઠંડા ડેસર્ટ કે મિઠાઈ ખાવાથી વાયુવિકાર થાય છે. જેનાથી લાંબા ગાળે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી શરદી અને તાવના લક્ષણો જણાઈ આવે છે.

વધુ ગરમી પડતી હોય ત્યારે લસણ, રાઈ, હિંગ, સૂંઠ, મરચું અને ગરમ મસાલા જેવાં ઉષ્ણ-ગરમ પદાર્થો ખાવાથી પિત્ત પ્રકોપ પામે છે. જેનાથી દાહ, એસીડીટી, બળતરા, હેમરેજ, ચાંદા-અલ્સર જેવી સમસ્યાઓ થઈ આવે છે. કાલવિરુદ્ધ ભોજન નપુંસકતા જેવી ગંભીર સમસ્યાઓ આણી શકે છે.

ભારતીય આહાર શૈલીના પાયાના નિયમો વૈજ્ઞાાનિક અને કલાપૂર્ણ રહ્યાં છે. વિરુદ્ધ આહારના સિદ્ધાંતને સમજી, અનુસરવા જેવો છે. તેમ કરવાથી કંઈક કેટલાય રોગોને આપણે દૂર રાખી શકીએ એમ છે. તે અંગે અન્ય કેટલાક મુદ્દાઓ હવે પછીના લેખમાં.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Tags :