Get The App

ચિત્રકૂટ વૉટર ફૉલ : ભારતનો નાયગ્રા ગણાતો આ ધોધ સદીઓથી બારેમાસ વહે છે

Updated: Jun 6th, 2018

GS TEAM

Google News
Google News
ચિત્રકૂટ વૉટર ફૉલ : ભારતનો નાયગ્રા ગણાતો આ ધોધ સદીઓથી બારેમાસ વહે છે 1 - image

વરસાદની સિઝનમાં આ ધોધની  પહોળાઇ ૫૦૦ ફૂટ સુધી પહોંચી જાય છે. તેમાંથી પ્રતિ સેકન્ડ ૨૧ લાખ લિટર પાણી વહે છે. એક વ્યકિતને પીવા માટે દરરોજ ૪ લિટર પાણીની જરુર પડે એમ ગણીએ તો આ ધોધ માત્ર ૩૦ મીનિટમાં  ૫૦ કરોડ લોકોની તરસ છીપાવી શકે છે. ચિત્રકૂટ ધોધ પરથી પડતા પાણીનું દબાણ ૫૦૦ હાથીઓના વજન જેટલું હોય છે. અમેરિકામાં નાયગ્રા ધોધ છે જયારે છત્તીસગઢમાં આવેલો વિશાળ ચિત્રકૂટ ધોધ ભારતનો નાયગ્રા તરીકે ઓળખાય છે. અમેરિકાના નાયગ્રા વિશે તો ઘણા જાણે છે પરંતુ ભારતના આ નાયગ્રાથી સાવ અજાણ છે. આ ધોધ ચોમાસા દરમિયાન  રૌદ સ્વરુપ ધારણ કરીને વહેતો રહે છે. ચોમાસામાં સાત જયારે ઉનાળામાં ત્રણ જેટલા ફાંટાઓ સાથે બારેમાસ વહેતો રહે છે. આ ધોધની નીચે એક વિશાળ તળાવ રચાય છે. ઇદ્વાવતી નદીનું પાણી ૧૦૦ ફૂટની ઉંચાઇએથી ખાબકે ત્યારે ધોધ સર્જાય છે. ચોમાસા દરમિયાન એક સેકન્ડમાં ૨૦ લાખ લિટર પાણી વહે છે.

એક વ્યકિતને દરરોજ સરેરાશ ૪ લિટર પીવાના પાણીની જરુર પડે છે એમ ગણીએ તો આ ધોધ ૨૦ મીનિટમાં ૫૦ કરોડની તરસ છિપાવી શકે તેવો છે. ચટ્ટાનો ઉપરથી ખાબકતા પાણીનું દબાણ ૫૦૦ હાથીઓના વજન જેટલું હોય છે. ઓકટોબરથી ફેબુ્રઆરી સુધીમાં આ ધોધ ૬ ફાંટામાં વહયા કરે છે ત્યાર બાદ માર્ચ મહિનો શરુ થતા પાણીનો પ્રવાહ થોડો ઘટે છે. ઉનાળાની ગરમીમાં દેશવાસીઓ ચોમાસાની ચાતક નજરે રાહ જોતા હોય ત્યારે પણ આ ધોધ ત્રણથી ચાર જેટલા ફાંટામાં વહેતો હોય છે. આ ધોધનું પાણી દરેક સિઝનમાં રંગ બદલતું રહે છે.

ચોમાસામાં સ્થાનિક વિસ્તારની લાલ માટીના કણો ભળવાથી લાલ  જયારે ઉનાળામાં પાણી પારદર્શક બને છે. વાદળી આકાશ અને ઇન્દ્રાવતી નદી પરનો ધોધ એક ખૂબસૂરત નજારો ઉભો કરે છે. ઉનાળામાં પૂનમની અજવાળી રાતમાં તે સફેદ દૂધિયા પ્રકાશ જેવો લાગે છે. આથી જાણ કે દૂધનો અસ્ખલિત પ્રવાહ વહેતો હોય તેવું દ્વષ્ય સર્જાય છે. આ ધોધની ઝીણી ફૂવારીઓમાં મેઘ ધનુષના રંગો પણ રચાય છે.

આ ધોધ બન્યા પછી ઇન્દ્વાવતી નદી જાણે કે શાંત થઇ જાય છે અને આગળ ગોદાવરી નદીને મળે છે. પૃથ્વીની ભૂગોળ સદીઓથી ચાલતા વિનાશ અને નવસર્જનનું તે પરીણામ હોય છે. ચિત્રકૂટ ધોધના ખાડામાં પથ્થરો ઘસાઇને તૂટવાથી આપમેળે શિવલિંગ જેવા આકારની રચના થાય છે. આ પ્રક્રિયા આજકાલથી નહી હજારો વર્ષોથી ચાલે છે.

આ એક કુદરતનો અદ્ભૂત નજારો છે. આમ તો  ભારતનો નાયગ્રા કેનેડા અને અમેરિકા વચ્ચે આવેલા નાયગ્રા ફોલ કરતા નાનો છે. અમેરિકાના નાયગ્રા ફોલ્સની ઉંચાઇ ૧૬૭ ફૂટ છે. જયારે ચિત્રકોટ ધોધ ૯૫ થી ૧૦૦ ફૂટની ઉંચાઇ અને ૩૦૦ ફૂટ પહોળાઇ ધરાવે છે તેમ છતાં તે ભારતના નાયેગ્રા તરીકે ઓળખાય છે. કારણ કે ઇદ્રાવતી નદી ચોમાસામાં ગાંડીતૂર બનીને વિશાળ દરિયા જેવું રૌદ્ર સ્વરુપ ધારણ કરે છે. આથી વરસાદની સિઝનમાં આ ધોધની ઉંચાઇ ઉપરાંત પહોળાઇમાં ૫૦૦ ફૂટ જેટલો અસાધારણ વધારો જોવા મળે છે. ગર્જના કરતો ધોધ નીચે પડયા પછી જાણે કે સમુદ્ર હોય એવો વિશાળ લાગે છે.

છતીસગઢનો બસ્તર વિસ્તાર નકસલીઓ, આદિવાસી વિસ્તારની પરંપરાઓ અને ગરીબીના કારણે વર્ષોથી જાણીતો છે. આ બસ્તરના જગદલપુરથી ૩૯ કિમી દૂર ગાઢ જંગલો અને પથ્થરોની ચટ્ટાનો વચ્ચે ઘોડાની નાળ જેવા આકારનો આ ધોધ વહે છે. આ એવો વિસ્તાર છે જયાંના લોકો હજુ પ્રાકૃતિક જીવન જીવે છે. ૨૦૦૦ના વર્ષમાં  છત્તીસગઢ રાજયની રચના થઇ તે પછી જાણવા મળ્યું હતું કે ચિત્રકુટનો આ ધોધ ભારતમાં સૌથી પહોળો છે. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન ભારે વરસાદ થવાથી પાણીનો વિશાળ જથ્થો ધોધ સ્વરુપે પટકાય છે.

ચોમાસુ પુરુ થતા જ ધોધ પણ સુકાવા લાગે છે અથવા તો પાણીનો જથ્થો સાવ ઘટી જાય છે. જયારે ચિત્રકૂટ ફોલ એક સિમ્પલ ધોધ હોવા છતાં બારેમાસ વહયા કરે છે. તેમ છતાં દૂરની ચીજો પર સૌનું ધ્યાન પડે છે પરંતુ ઘર આંગણે હોય તેની કોઇ જ કિંમત સમજાતી નથી. જળ ધોધ એવો નજારો છે જેને ગમે તેટલો સમય જોયા કરીએ તો પણ મન ભરાતું નથી. આટલો બધો પાણીનો જથ્થો વહેતો જોવાનો આનંદ જ કંઇક ઓર હોય છે. છતીસગઢનો બસ્તર વિસ્તાર અદ્ભૂત પ્રાકૃતિક સૌદર્યથી ભરપૂર છે.

ભારતમાં હજુ પણ  અનેક અન ટચ ટુરિઝમ સ્પોટ છે જેના વિશે આપણે હજુ  ખાસ જાણતા નથી. કાંગડા ઘાટી રાષ્ટ્રીય ઉધાનમાં આવેલા ચિત્રકૂટ ફોલની નજીક તીરથગઢ નામનો ધોધ પણ વહેતો જોવા મળે છે. તે પણ ચોમાસામાં ૧૫૦ ફૂટની ઉંચાઇએથી વહે છે. જો કે તે ઉંચાઇ પરથી ફંટાઇને નાના ઝરણા સ્વરુપે વહી જતો હોવાથી ચિત્રકૂટ ધોધ જેવો નજારો ઉભો કરી શકતો નથી.

ઇન્દ્વાવતી નદી પર ચેક ડેમ અને આડશથી ધોધ પર જોખમ વધતું જાય છે

ઇન્દ્રાવતી નદી ઓરિસ્સાના કાલાહન્ડી જિલ્લાના રામપુર થૂયામલ સરહદ નજીકથી નિકળી છતિસગઢના બસ્તરમાં પ્રવેશ કરે છે. આ નદી ૨૩૩ કિમીનું અંતર કાપીને મહારાષ્ટ્ર અને છતિસગઢની સરહદ નજીક ગોદાવરી નદીને મળે છે. આથી તેને ગોદાવરી ની સહાયક નદી માનવામાં આવે છે. ઇદ્રાવતી નદી છત્તીસગઢના લોકો માટે આસ્થા અને ભકિતનું પ્રતિક છે.

આ ઉપરાંત  પીવાના પાણીની સમસ્યા ઉકેલવાનો પણ એક સોર્સ છે. ભાલૂગુંડા,માલગાંવ, કુમ્હારાવંડ, સિંગનપુર ભૌંડ, લામકરમાં વારંવાર પાણીની સમસ્યા ઉભી થતી હોવાથી  નદી પર ચેક ડેમ અને આડશ વધતા જાય છે. આથી ધોધ પરનું  જોખમ પણ વધતું જાય છે. પાણીનો પ્રવાહ અવરોધાઇને વહે ત્યારે ધોધની તાકાત ઘટવાથી પોતાનો અસલ મિજાજ ખોઇ બેસે છે.  

- હસમુખ ગજજર