Get The App

ગુજરાતી લોકનાટય ભવાઈના જનક અસાઈત ઠાકર

Updated: Nov 8th, 2017

GS TEAM


Google News
Google News

ઉત્તર ગુજરાતના લોકો સારા-નરસા પ્રસંગે ભવાઈ ખેલ રમાડવાની માનતા માને છે અને મનોકામના પૂર્ણ થતાં ચૈત્ર માસ કે નવરાત્રિના સમયમાં પોતાના ઘેર ભવાઈમંડળીને રમવા નિમંત્રે છે

ગુજરાતી લોકનાટય ભવાઈના જનક અસાઈત ઠાકર 1 - imageઆપણાં દેશના અનેક પ્રદેશોમાં જુદા જુદા પ્રકારનાં લોકનાટયો એ જે તે રાજ્યોની આગવી ઓળખ છે. જેમ કે, મહારાષ્ટ્રમાં 'તમાશા', 'દશાવતાર', મધ્યપ્રદેશમાં 'માચ', ઉત્તરપ્રદેશમાં 'નવટંકી', કર્ણાટકમાં 'યક્ષગાન' તો ગુજરાતમાં ભવાઈ એ તેનું વિશિષ્ટ લોકનાટય છે.

ભવાઈ એ ભૂમિજાત સ્વયં સ્ફૂરિત કળા છે. ગ્રામજનોના ઉર્મિ અને આનંદનો એમાં આવિષ્કાર થયો છે. લોકોના આંતરિક ભાવોની સાહજિક અભિવ્યક્તિ સાથે તેનું સર્જન થયું છે અને એટલે જ તો આપણે તેને લોકકલા કે લોકનાટય સ્વરૃપે  ઓળખીએ છીએ.

ભવાઈ સ્વરૃપ અને તેના વેશોના જનક, આદ્ય કે પિતા એવા અસાઈત ઠાકરનો જન્મ આનર્તની કળાનગરી એવા સિધ્ધપુર નગરમાં ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે પોતાના સમયની સામાજિક, રાજકીય પરિસ્થિતિ કે પોતાને થયેલા અન્યાયના પ્રતિભાવ રૃપે ભવાઈના અનેક વેશોનું સર્જન કરીને આ લોકનાટયને ઘણું મોટું પ્રદાન કર્યું છે. જો કે, આ લોકનાટય ભવાઈની ઉત્પત્તિ પાછળ એક લોકવાયકા પ્રચલિત હોવાનું મનાય છે.

અનુશ્રુતિ મુજબ ચૌદમી સદીમાં હિન્દુસ્તાનમાં અલ્લાઉદ્દીન ખિલજીના રાજ્યકાળમાં જ્હોન રોઝા નામનો અંગ્રેજ સરદાર દિલ્હીથી કન્નૌજ ઉપર ચડાઇ કરીને ગુજરાત ઉપર ચડી આવ્યો. ઉંઝા ગામના હેમાળા પટેલની દીકરી ગંગાના સૌંદર્યની પ્રશંસા સાંભળીને તેણે ઉંઝા ગામના પાદરે પોતાનો પડાવ નાંખ્યો. પોતાની સખીઓ સાથે ગામના કૂવે પાણી ભરવા નીકળેલી દીકરી ગંગાને સિપાહીઓ સરદારના આદેશ મુજબ અપહરણ કરીને છાવણીમાં લઇ ગયા.

હેમાળા પટેલ આ ઘટનાથી દુખી થઇને પોતાના ગુરૃ સમા યજમાન અને ભલાઈના જનક એવા અસાઈત ઠાકરને પોતાની દીકરી ગંગાને બચાવી લેવાની વિનંતિ કરવા આવ્યા. અસાઈત ઠાકર યજુર્વેદી ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ હતા. તેથી તેઓ ગાયન-વાદન સાથે કથા કરીને આસપાસના ગામોમાં વિદ્વાન કથાકાર રૃપે ખ્યાતિ ધરાવતા. અસાઈત અને હેમાળા પટેલ વચ્ચે ગુરૃ - યજમાનનો સંબંધ હતો.

અસાઈતના કાને દીકરી ગંગાના અપહરણની વાત આવતાં તેમણે અંગ્રેજ સરદારને પોતાની સંગીતકળાથી ગાઈ-વગાડીને રીઝવીને પોતાની પુત્રી ગણાવીને છોડાવી લાવવાનો વિચાર કર્યો. સંગીતની મહેફિલમાં પ્રસન્ન થયા પછી સરદારે અસાઈતને કંઇક માંગવા કહ્યું. અસાઈતે તેના બદલામાં દીકરી ગંગાને મુક્ત કરવા જણાવ્યું.

સરદારે પૂછ્યું કે આ તમારી દીકરી છે ? તો અસાઈતે હા પાડી. સરદારને ગંગા બ્રાહ્મણની પુત્રી હોવા વિશે શંકા ગઇ એટલે તેણે વિચાર્યું કે, બંનેને એક જ થાળીમાં ભોજન કરી દીકરી હોવાનું પ્રમાણ આપવા જણાવ્યું. જો પોતાની જ દીકરી હશે તો સાથે જમશે અને નહીં હોય તો અસ્પૃશ્ય થઇ જવાના ભયથી જમવાની ના પાડશે.

તેથી તેણે અસાઈતને દીકરી ગંગા સાથે એક જ થાળીમાં ભોજન લેવાનો આદેશ કર્યો. પરન્તુ અસાઈત તો જ્ઞાાતિ - જાતિના ભેદભાવોથી પર હતા એટલે તેમણે વિચાર્યું કે મિત્ર - યજમાનની પુત્રીને બચાવવા જતાં બ્રાહ્મણત્વ ભ્રષ્ટ થવાનું નથી. પરિણામે ભર્યા દરબારમાં તેમણે ગંગા સાથે એક જ થાળીમાં ભોજન લઇને દીકરી ગંગાને મુક્ત કરાવીને પાછા ફર્યા.

આ ઘટનાથી રોષે ભરાયેલા સિધ્ધપુરના ચૂસ્ત બ્રાહ્મણોએ અસાઈતને અસ્પૃશ્ય ગણાવી, તેની સજારૃપે તેમને જ્ઞાાતિબહાર મૂક્યા.

આથી અપમાનિત થયેલા અસાઈતે સિધ્ધપુરથી સ્થળાંતર કરીને પોતાના ત્રણ પુત્રો નારણ, માંડણ અને જયરાજ સાથે ઉંઝા નગરમાં આવીને વસ્યા. ત્રણ પુત્રોના ઘર ઉપરથી તેઓ 'ત્રિઘરાં' કહેવાયા. એનો અપભ્રંશ થતાં તેઓ 'ત્રગાળા' કે 'તરગાળા' રૃપે ઓળખાયા. આજે પણ ભવાઇનો ખેલ રમનારા તૂરી, બારોટ કલાકારો 'તરગાળા' રૃપે જ ઓળખાય છે. હેમાળા પટેલે તેઓના સન્માન રૃપે ત્રણેય પુત્રોને ઉંઝામાં પોતાના ખર્ચે મકાન બાંધી આપ્યાં.

જમીન આપી અને કડવા પાટીદાર જ્ઞાાતિએ તામ્રપત્ર ઉપર વંશપરંપરાગત અમુક હકો લખી આપ્યાં. ઉંઝામાં સ્થાયી થયા બાદ અસાઈત અને તેના ત્રણ પુત્રોએ પોતાને થયેલા આ અન્યાય સામે જેહાદ ઉપાડી અને અસ્પૃશ્યતા, અંધશ્રધ્ધા, જાતિવાદ જેવા દૂષણોને આધારે ત્રણસો ને સાઇઠ જેટલા ભવાઈના વેશો લખ્યા અને ગામડે - ગામડે જાગૃતિ માટે ભવાઈ વેશ રૃપે ભજવ્યા.

વિશેષ તો ભવાઈ સમાજના સામાન્યજનની વચ્ચે સર્જાતો - ભજાતો નાટયપ્રકાર હોવાથી સમાજને સીધી રીતે સ્પર્શતા પ્રશ્નો એમાં વણી લઇને સમાજ જાગૃતિનું કામ થાય છે.

આજે પણ ઉત્તર ગુજરાતના લોકો પોતાના જીવનના સારા-નરસા પ્રસંગે ભવાઈનો ખેલ રમાડવાની માનતા માને છે અને પોતાની મનોકામના પૂર્ણ થતાં ચૈત્ર માસ કે નવરાત્રિના સમયમાં પોતાના ઘેર ભવાઈમંડળીને રમવા નિમંત્રે છે. વાળુ પાણી પછી રાત્રીના અંધકારમાં સામૈયું કાઢી, ચાચર નોંધી ચારની પૂજા થાય છે

''ચાચર જહાં જાતર ભલી, જ્યોત તણી ઝગમગ
ઘણાં ગુણીજન રમી ગયા તેના પગની રજ''

ચાચરમાં ગણેશજીના આગમન પછી આખી રાત ભવાઈનો ખેલ રમાય. જો કે આજના સમયમાં કેટલાક સુગાળવા લોકો ભવાઈને અશ્લીલ હોવાનો આક્ષેપ કરે છે, પરંતુ માત્ર ગલગલિયાં કરાવતાં આજના નાટકો કે ફિલ્મો કરતાં તો ભવાઈનું સ્થાન સો ગણું ઊંચુ હતું અને છે એમાં કોઇ શંકાને સ્થાન નથી.

- પ્રો. ડૉ. ઋષિકેશ પટેલ
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Tags :