તીવ્ર પીડાદાયક માઇગ્રેન
આધાશીશીનો દુખાવો અમુક નિશ્ચિત સમય બાદ અથવા કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિ દરમિયાન દર્દીને વારંવાર પરેશાન કરે છે
માઇગ્રેનને ગુજરાતીમાં 'આધાશીશી' નામથી ઓળખવામાં આવે છે. આ રોગમાં માથાના અડધા ભાગમાં જ એટલો અસહ્ય દુ:ખાવો હોય છે કે દર્દીને કેટલીકવાર ઊલટીઓ પણ થાય છે. આ દુખાવો દર્દીની દિનચર્યાને અસ્તવ્યસ્ત કરી નાખે છે. તેના પર અવાર નવાર આ દુખાવાનો હુમલો થાય છે.
સામાન્ય રીતે કિશોરાવસ્થા કે યુવાવસ્થામાં આધાશીશીનો દુખાવો શરૃ થાય છે, જે અમુક નિશ્ચિત સમય બાદ અથવા કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિ દરમિયાન દર્દીને વારંવાર પરેશાન કરે છે. ઢળતી વયે આ દુ:ખાવામાં આપોઆપ ઘટાડો થતો જાય છે.
સ્ત્રીઓને થતો માથાનો અસહ્ય દુ:ખાવો
અલબત્ત આ દુખાવો પુરુષોને પણ થતો હોય છે, પરંતુ મોટાભાગે તો સ્ત્રીઓને જ તે વધારે થાય છે. ખાસ કરીને માસિક સ્ત્રાવ પહેલાના દિવસોમાં સ્ત્રીઓ આ દુ:ખાવાની ફરિયાદ કરતી હોય છે. સ્રાવ શરૃ થતાં જ દુખાવામાં રાહત થવા લાગે છે. જો કે સગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને આ દુ:ખાવો નથી થતો એવું પણ જોવા મળ્યું છે.
સામાન્ય રીતે આજકાલ ૧૦૦માંથી લગભગ પાંચ માણસો માઇગ્રેનથી પીડાતા હોય છે. આમાંના ત્રણ ચતુર્થાંશ કિસ્સાઓમાં દર્દીનાં નિકટનાં સંબંધીઓમાં પણ આ દુ:ખાવાની ફરિયાદ જ સાંભળવા મળે છે.
આથી આ રોગ વારસાગત હોવાનું પણ માની શકાય.
માઇગ્રેનનો દુખાવો અનેક રૃપમાં થાય છે. લગભગ ૩૦ ટકા કિસ્સાઓમાં માઇગ્રેનનું વિચિત્રાસભર રૃપ જોવા મળે છે. દર્દીને માઇગ્રેનનો દુખાવો શરૃ થવાનો હોય તેનો અગાઉથી જ ખ્યાલ આવી જાય છે. જે અચાનક જ વધારે પડતો ખુશખુશાલ દેખાય છે. કેટલાક દર્દીઓને એકાએક વધારે પડતી તરસ લાગે છે અથવા કંઇક ગળ્યું ખાવાની પ્રબળ ઈચ્છા જાગે છે. નજર સામે રંગબેરંગી તારા કે આડા અવળા લિસોટા તરવરે છે. કેટલાકને આંખોની એક બાજુએથી જ દેખાતું બંધ થઇ જાય છે. કેટલાકના શરીરનો એક ભાગ નિષ્પ્રાણ બની જતો લાગે છે કે અશક્તિ અનુભવે છે.
માઇગ્રેન શાથી થાય છે ?
થોડા સમય પહેલાં ડેનમાર્કના વૈજ્ઞાાનિકોએ માઇગ્રેનના દુખાવા વખતે દર્દીના મસ્તિષ્કમાં લોહીના પ્રવાહને લગતાં જે સંશોધન કર્યા છે તેના લીધે ડોકટરોની આ વિષયમાં ખાસ રુચિ ઉત્પન્ન થઇ છે કે માઇગ્રેનના દુખાવા દરમિયાન ખરેખર મગજમાં શું થાય છે. તેમણે એ વાત પ્રમાણિત કરી છે કે આવો દુખાવો મૂળ સ્નાયુઓ કે જ્ઞાાનતંતુઓ સાથે સંબંધ ધરાવતો હોય છે, રક્તવાહિનીઓ સાથે સંબંધિત નથી.
ટૉમોગ્રાફ યંત્ર દ્વારા મગજ પરિક્ષણ કરતાં એવું જાણવા મળે છે કે આપોઆપ શરૃ થતાં માઇગ્રેનના દુખાવા વખતે ડાબા ભાગમાં ઉપરની તરફ લોહીનો પ્રવાહ એકદમ ઓછો થઇ જાય છે.
જોકે આ ચિહ્નો માત્ર થોડીવાર માટે જ જોવા મળે છે. લગભગ પાંચ મિનિટથી અડધા કલાક સુધી જ દર્દી ઉપર્યુક્ત લક્ષણો અનુભવે છે. એક દર્દીને વારંવાર થતા દુ:ખાવામાં એક જ પ્રકારના પૂર્વરૃપ જોવા મળે છે.
આ ચિહ્નો લુપ્ત થતાં જ ધીમે ધીમે માથામાં અસહ્ય દુખાવો શરૃ થઇ જાય છે. માથાના એક ભાગમાં લોહીનું પરિભ્રમણ ઝડપી થઇ જાય છે. માથાની ધમનીઓમાં ઝડપથી લોહી વહેતું હોય ત્યારે કોઇ માથા પર હથોડા ઠોકતું હોય કે માથામાં સતત મશીન ચાલતું હોય તેમ લાગે છે. આ દુખાવો કેટલાય કલાકો કે એકાદ-બે દિવસ સુધી પણ રહે છે.
માઇગ્રેનના વધુ પ્રચલિત રૃપને સામાન્ય માઇગ્રેન કહે છે. આનાં પૂર્વસૂચક ચિહ્નો નહિવત જ હોય છે. તેમાં અચાનક જ દુખાવો શરૃ થઇ જાય છે. જે માથાની એક તરફ, બન્નેતરફ અથવા આખા માથામાં થાય છે.
કેટલાક દર્દીઓને આ દુખાવો એટલો તીવ્ર થાય છે કે, તેમનો ચહેરો ફિક્કો પડી જાય છે અને તેમને ઉબકા આવે છે. પરિણામે દર્દી પોતાનું બધું કામ છોડીને માથા પર કચકચાવીને કપડું કે રુમાલ બાંધીને એક અંધારિયા રૃમમાં સૂઇ રહે છે. કેટલાકને સામાન્ય દુ:ખાવો જેવો જ દુ:ખાવો થતો હોવાથી તેઓ માથાના દુખાવાની દવા લઇ ચૂપચાપ પોતાનું કામ કર્યા કરે છે.
જો કે માઇગ્રેનનો દુખાવો ભલે ગમે તે પ્રકારનો હોય, પરંતુ તે અવારનવાર થાય છે. એનો સમયગાળો નિશ્ચિત હોતો નથી તેમજ ક્યારે દુ:ખાવો શરૃ થઇ જશે. તે પણ નિશ્ચિત હોતું નથી. આમ છતાં દુખાવો મટી ગયા પછી ફરી દુખાવો ન થાય ત્યાં સુધી દર્દી સ્વસ્થ રહે છે.
માઇગ્રેન થવાનાં કેટલાંક કારણ :
અમુક વિશેષજ્ઞાોના મત મુજબ મગજ સાથે જોડાયેલી ધમનીઓમાં થતી અવ્યવસ્થાને લીધે આ દુખાવો થાય છે. આમાં ધમનીઓ થોડીવાર માટે સંકોચાઇ ગયા બાદ પહોળી થવા લાગે છે. આથી માથાના એટલા ભાગમાં થોડીવાર માટે લોહીનું પરિભ્રમણ ઓછું થઇ જાય છે અને પછી જરૃર કરતાં વધારે ઝડપી થવા લાગે છે.
ઓછા દબાણ વખતે માઇગ્રેનનાં શરૃઆતનાં ચિહ્નો જેવાં કે, આંખ આગળ તારા કે કાળા ટપકાં દેખાવા, શરીરનો કોઇ હિસ્સો નિષ્પ્રાણ થઇ જવા વગેરે જોવા મળે છે. જ્યારે લોહી ઝડપથી પરિભ્રમણ કરવા લાગે ત્યારે દુખાવો શરૃ થઇ જાય છે. સામાન્ય રીતે ઝળહળતી રોશની ટી.વી. કે ફિલ્મ જોવાથી, માનસિક તાણ, ચિંતા અને શોરબકોર ઇત્યાદીને લીધે માઇગ્રેન થવાની સંભાવના વધી જાય છે.
સ્ત્રીઓમાં માસિક સ્ત્રાવના દિવસો દરમિયાન હોર્મોનને લગતાં પરિવર્તનોથી પણ માઇગ્રેન થઇ શકે છે. એ ઉપરાંત અમુક ખાસ ખાદ્યપદાર્થો તેમજ પીણાં જેવાં કે, પનીર, ચોકલેટ, સરકો, શેરી, રેડ વાઇન તથા ચાઇનીઝ ભોજન વગેરેથી પણ માઇગ્રેન થાય છે. એનું કારણ એ છે કે આ તમામ પદાર્થોમાં 'ટાયરામિન' નામનું રસાયણ અને ચાઇનીઝ ભોજનમાં 'ગ્લુટોમિક એસિડ' હોય છે. જેના લીધે માઇગ્રેનનો દુ:ખાવો થાય છે.
'ક્લસ્ટર હેડએક'માં પણ માથામાં એક બાજુએ જ દુખાવો થાય છે, પરંતુ આમાં વિચિત્ર ફરિયાદો જોવા મળતી નથી. આ દુખાવો લગભગ ૯૦ ટકા પુરુષોમાં જ જોવા મળે છે. મોટાભાગે દુ:ખાવો રાતના સમયે અથવા એકબે કલાકની ઊંઘ લીધા પછી થાય છે. 'નામ પ્રમાણે ગુણ'ની કહેવત મુજબ આ દુખાવો એક પછી એક રાતે ગુચ્છની જેમ આવતો રહે છે. દુખાવા દરમિયાન આંખો લાલ થઇ જાય છે તથા નાક અને આંખોમાંથી પાણી વહે છે.
આ સિવાય મસ્તિષ્કના કેટલાક વિકાર જેવા કે, મસ્તિષ્ક ધમની પહોળી થઇ જવી (એન્યૂરિઝમ) અથવા ધમનીની દિવાલમાં ટયુમર (ગાંઠ) વગેરે એવાં કારણો છે જેમાં માઇગ્રેનના દુખાવા જેવો જ અસહ્ય દુ:ખાવો થાય છે. તો જો કે આ કિસ્સા અલ્પ પ્રમાણમાં જ જોવા મળતા હોય છે.
દર્દીએ કોઇ કુશળ ચિકિત્સકને બતાવવું જોઇએ. જો ચિકિત્સકને જરૃરી લાગે તો કેટલાક દર્દીઓના મગજની કેટસ્કેન અને ઇ.ઇ.જી. તપાસ પણ કરવામાં આવે છે.
માઇગ્રેનનો કોઇ કાયમી ઈલાજ ન હોવા છતાં અમુક ઉપચાર દ્વારા તેના હુમલાના પ્રમાણમાં ઘટાડો અવશ્ય કરી શકાય છે. દુ:ખાવો શરૃ થવાની સાથે જ દવા લઇ લેવાથી વધારે દુ:ખાવો થતો અટકી જાય છે અને અસહ્ય દુખાવો હોય તો તેની તીવ્રતા ઘટાડી શકાય છે.
આવા દર્દીએ બને ત્યાં સુધી દુ:ખાવો થવાની સંભાવના હોય તેવી પરિસ્થિતિમાંથી દૂર રહેવું જોઇએ. પનીર, ચોકલેટ, રેડવાઇન વગેરે ટાયરામિનયુક્ત પદાર્થો તેમજ ગ્લુટામિક એસિડયુક્ત અથાણાં, જેમ તથા મુરબ્બા ના ખાવા, સમયસર, ભોજન કરવું, કેમ કે વધુ સમય સુધી જોવા મળતા હોય છે. ભૂખ્યા રહેવાથી પણ દુખાવો થવાની સંભાવના રહે છે.
જો વધુ પડતી તાણને લીધે દુખાવો થતો હોય, તો તાણ ઘટાડવાના ઉપાય કરવા જોઇએ. આમાં સાઇકોથેરાપી (મનોરોગ ચિકિત્સા) તેમજ યોગાસન મદદરૃપ થાય છે. દર્દીએ પોતાના જીવનની પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરી સમસ્યાઓના ઉકેલ શોધવાં જોઇએ.
માઇગ્રેન અસાધ્ય રોગ હોવા છતાં દવા લેવાથી તથા સાવચેતીપૂર્વક પરેજી રાખવાથી આ રોગને સાધારણ સ્તર પર લાવી શકાય છે.
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar