ઘરગથ્થુ ઇલાજમાં ખૂબ કામ લાગતા દિવેલના અસરકારક પ્રયોગો
પેટમાં વાયુ ભરાવવાને કારણે દુખાવો થાય ત્યારે એરંડિયુ લાભ કરે છે. બે ચમચી એરંડિયાને ગરમ દૂધમાં ભેળવી પીવાથી ફાયદો કરે છે
એરંડિયાનો પાક વર્ષા ઋતુમાં થાય છે. એના મૂળિયા, છાલ, પાંદડા, બિયાં તથા તેનું તેલ પણ ઉપયોગી છે. આ બધું જ ઔષધી બનાવવાના ઉપયોગમાં આવે છે. ઘરેલુ ઉપચાર માટે તે અતિ ઉપયોગી છે. તેના વૃક્ષ સમસ્ત ભારતમાં ઉગે છે. એરંડા બે પ્રકારના હોય છે. સફેદ તથા લાલ.
ધોળો એરંડો તીખો, તીક્ષ્ણ, ગરમ, મધુર, કટુ, જડ, સ્વાદુ છે. તથા વાયુ કોઢ, બદ, ગુલ્મ, બરોળ, આમપિત્ત, પ્રમેહ, ઉષ્ણતા, વાતરક્ત, મેદ અને અંડવૃધ્ધિનો નાશ કરે છે.
રાતો એરંડો તૂરો, રસકાળે તીખો, લઘુ અને કડવો છે. તથા વાયુ, કફ, દમ, ઉધરસ, કૃમિ, રક્તદોષ, પાંડુ, અરૃચિનો નાશ કરે છે.
બંનેનાં પાંદડા વાતપિત્તને વધારનાર અને મુત્રકૃચ્છનો નાશ કરે છે.
વળી રક્તદોષ તથા પિત્તને વધારે છે. એનાં બિયાંના ગોળા અગ્નિદીપક, અતિ ઉષ્ણ, તીખા, મીઠા, ખારા, સ્નિગ્ધ, મલભેદક અને લઘુ છે. તથા ગુલ્મ, શૂળ, કફ, યકૃત, વાતોદરનો નાશ કરે છે. એરંડા તેલ એટલે કે એરંડિયુ મધુર, ઉષ્ણ, ગુરુ, રૃચિકર, સ્નિગ્ધ અને કડવું છે તથા બદ, ઉદરરોગ, ગુલ્મ, વાયુ, કફ, સોજો, વિષમજવર અને કમર, પીઠ, પેટ ગુદાના શૂળનો નાશ કરે છે.
એરંડાના ફાયદા
મલાવરોધ : કબજિયાત દૂર કરવામાં એરંડિયુ રામબાણ ઇલાજ છે. રાત્રે સુતી વખતે બે ચમચી એરંડિયુ પીવાથી મળ સાફ આવે છે.
તેને ગરમ દૂધ અથવા હુંફાળા પાણીમાં ભેળવી પીવાથી લાભ થાય છે.
વાયુ : પેટમાં વાયુ ભરાવવાને કારણે દુખાવો થાય ત્યારે એરંડિયુ લાભ કરે છે. બે ચમચી એરંડિયાને ગરમ દૂધમાં ભેળવી પીવાથી ફાયદો કરે છે.
હરસ : હરસ બહાર નીકળી ગયા હોય તો નિયમિત એરંડિયુ લગાડવાથી સૂકાઈ જાય છે. ઉપરાંત દુખાવામાં પણ રાહત થાય છે. કબજિયાતની તકલીફ રહેતી હોવાને કારણે પણ હરસ થાય છે. કબજિયાત દૂર કરવાથી હરસને કારણે મળ ત્યાગ વખતે તકલીફ થશે નહિ.
સાંધાનાં સોજો
સાંધામાં સોજો આવી જાય તો એરંડાના પાન પર થોડું એરંડિયુ અથવા સરસવ તેલ લગાડી ગરમ કરી સોજા પર લગાડી શકાય. ઉપરાંત સોજાના સ્થાન પર કપડું બાંધી દેવું. નિયમિત આ પ્રયોગ કરવાથી દુખાવા તથા સોજામાંથી રાહત મળશે.
વાયુ વિકાર : વાયુ વિકારથી થતા પેટના વિકાર, કમરનો દુખાવામાં રાહત કરે છે. એરંડાના બિયાની પેશી ૧૦ ગ્રામ વાટી તેમાં પા લીટર દૂધ તથા તેના કરતાં અડધુ પાણી તેમાં ભેળવી પાણી બળી જાય અને દૂધ રહે ત્યાં સુધી ઉકાળવું ત્યાર બાદ તેમાં સાકર ભેળવી સાંજે પીવું.
જખમ : માર લાગવાને કારણે ઘામાંથી રક્ત વહેતું હોય તો એરંડિયું લગાડી પાટો બાંધવાથી લાભ થાય છે.
યોનિ શૂલ : રૃના પુમડાંને એરંડિયામાં પલાળી રાતના સુવાના સમયે યોનિમાં રાખવાથી શૂલમાં લાભ થાય છે. આવશ્યક્તાનુસાર થોડા દિવસ સુધી નિયમિત પ્રયોગ કરવો.
પાયોરિયા : એરંડિયું પાયોરિયાને દૂર કરે છે. એરંડિયામાં થોડું કપૂર ભેળવી નિયમિત સવાર-સાંજ પેઢા પર ઘસવાથી પાયોરિયામાં લાભ થાય છે.
નેત્ર : આંખમાં માટી, કચરો, ધુમાડાથી તકલીફ થાય તે સમયે એરંડિયાનું એક ટીપું આંખમાં નાખવાથી રાહત થાય છે.
એડીની ત્વચા ફાટવી : પગની એડીની ત્વચા ફાટે ત્યારે એરંડિયુ લાભ કરે છે. એરંડિયુ લગાડયા પૂર્વે પગને ગરમ પાણીથી ધોવા અથવા તો પાંચ મિનિટ સુધી હુંફાળા પાણીમાં ડુબાડી રાખવા, ત્યાર બાદ એરંડિયું લગાડવાથી ફાયદો થાય છે.
સ્તનની નીપલ ફાટે ત્યારે : સ્ત્રીઓના સ્તનની નીપલ ફાટે ત્યારે તેના પર એરંડિયું લગાડવાથી લાભ થાય છે. દિવસમાં ત્રણ ચાર વખત લગાડવું અને આવશ્યક્તાનુસાર ત્રણ ચાર દિવસ સુધી પ્રયોગ કરી શકાય. સ્તનની નીપલ અંદરની તરફ હોય તો એરંડિયાથી માલિશ કરવાથી ફાયદો જણાશે.
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar