- આરોગ્ય સંપદા-વિસ્મય ઠાકર
- સાઇકિયાટ્રી ડિપાર્ટમેન્ટના અમેરિકી પ્રોફેસર કાર્લ સ્પેન્સર ડીપ્રેશન અને નબળી માનસિકતા ધરાવતા રોગીઓ માટે સ્નાનને બેસ્ટ થેરાપી ગણાવે છે
આ જના ભાગદોડભર્યા યુગમાં સ્નાન કરવું એ ઉતાવળે પતાવી દેવાની એક યંત્રવત્ ક્રિયા બની ગઈ છે. સ્નાન એ માત્ર ઉપરછલ્લી સ્વચ્છતાનો વિષય નથી. આપણી સંસ્કૃતિએ સ્નાનને જીવનશૈલીમાં એક મહત્વનું સ્થાન આપ્યું છે. ઋષિ ચરક કહે છે કે, નિર્મળ જળથી વહેતી નદીમાં પ્રાત:કાળે કરેલું સ્નાન અનેક રોગોને હણનારું છે. આચાર્ય વાગ્ભટ્ટ જેને જઠરાગ્નિ પ્રદિપ્ત કરનાર એટલે કે ભૂખ ઉઘાડનાર અને ઉત્સાહ વધારનાર કહ્યું છે. વેદો સ્નાનને સર્વઈન્દ્રિયોની શુદ્ધિ કરનાર અને મનના દુ:ખ તથા સંતાપ હણનાર કહે છે. રશિયન ડોક્ટર પુડોસ્કીએ ગુનાખોરી જેવાં માનસિક વલણ ધરાવતી વ્યક્તિઓ પર કરેલા સ્નાનના પ્રયોગો પછી નોંધ્યું છે કે, દિવસમાં બે વખત પધ્ધતિસરના સ્નાનથી મનમાં ચાલ્યા કરતાં નકારાત્મક વિચારોમાં અભૂતપૂર્વ સકારાત્મક પરિવર્તનો આવ્યા હતા. આવી વ્યક્તિઓમાં રહેલી ગુનાહીત વૃત્તિઓમાં ઘટાડો થયો હતો. સાઇકિયાટ્રી ડિપાર્ટમેન્ટના અમેરિકી પ્રોફેસર કાર્લ સ્પેન્સર ડીપ્રેશન અને નબળી માનસિકતા ધરાવતા રોગીઓ માટે સ્નાનને બેસ્ટ થેરાપી ગણાવે છે. સ્વીડનમાં સ્નાન પછી કરાવવામાં આવતી ડીલીવરી (પ્રસવની ક્રિયા) વધુ સરળતાથી અને કષ્ટ વગરની થતી હોવાનું માનવામાં આવે છે. લીડસ યુનિવર્સીટીના ડો. જોન્સ તેમના ‘PERSONALITY OF THE SKIN’ પરના પ્રવચનમાં જણાવે છે કે, 'ત્વચાની શુદ્ધિ માટે સ્નાન જરૂરી છે, કારણ કે, ત્વચાથી માણસનું ચારિત્ર્ય પ્રગટ થાય છે.' કેલિફોર્નીઆની હોસ્પીટલમાં અનિંદ્રા (INSOMNIA) થી પીડાતા રોગીઓ પર થયેલાં પ્રયોગો અનુસાર ઊંઘતા પહેલાં કરેલાં વિધિવત્ સ્નાનથી વીસ ટકા લોકોમાં ટ્રાન્કવીલાઇઝર (ઊંઘ લાવનારી દવાઓ)ની માત્રા ઘટી હતી. અને લાંબે ગાળે નિયમીત સ્નાન કરવાથી આવી ઔષધિના ઉપયોગ વગર પણ તેઓ ઊંઘી શક્યા હતાં.
ગરમીના દિવસો દરમ્યાન પરસેવો થતાં ત્વચા મેલ-રોગાણુનું આશ્રયસ્થાન બને છે અને ત્વચાને લગતાં રોગો- અળઈ, ફોડલી, દાદર, ખંજવાળ વિગેરે પરેશાનીનું કારણ બને છે. વધતી ગરમીમાં શરીરની ઠંડકનું સંતુલન જાળવવું પણ એટલું જ અનિવાર્ય બને છે. આવા સમયે પ્રસન્નતા આપનાર અને ત્વચાગત તથા મનોગત કેટલાય રોગોને દૂર કરનાર વિધિવત સ્નાનનો પ્રયોગ સૂચવું છું.
સ્નાન કેવાં પાણીથી કરવું ?
સવારે ઠંડા પાણીથી સ્નાન કરવાથી રક્તનલિકાઓ શરૂઆતમાં સંકોચ પામે અને પછી વિસ્તૃત થઈ આખા શરીરમાં રક્તસંચાર વધારે જેથી શરીર પ્રફુલ્લિત થાય. જ્યારે સાંજ પછી હુંફાળા પાણીથી સ્નાન કરવું જેથી ત્વચાની ચીકાશ, મેલ અને આખા દિવસના શ્રમ પછીનો થાક દૂર થાય. ઠંડી ઋતુમાં ખૂબ જ ઠંડા પાણીથી અને ગરમ ઋતુમાં વધારે પડતાં ગરમ પાણીથી સ્નાન ન કરવું. આપણો દેશ ગરમ હોઈ અનુકૂળ આવે તો બારેમાસ ઠંડા પાણીથી સ્નાન સ્વાસ્થ્યપ્રદ છે. માથે ક્યારેય ગરમ પાણી ન રેડવું. એમ કરવાથી આંખનું તેજ ઘટે. વૃષણ (TESTICLES) પર ગરમ પાણી રેડવાથી વીર્યનાશ થાય.
સ્નાન શેનાથી કરવું?
કઠ, કાળી માટી, મુલતાની માટી, ચણાનો લોટ, હળદર, લોધર, ચંદન, લીમડાની પત્તીનું ચૂર્ણ, આમળાનું ચૂર્ણ અને ગુલાબપત્તી ચૂર્ણના સમભાગે લીધેલા મિશ્રણને દૂધ અથવા ગુલાબજળમાં મેળવી સ્નાન કરવું. ગરમીના દિવસોમાં કેસૂડો અને લીમડાના પાંદડા આખી રાત પાણીમાં પલાળી રાખી, સવારે આ પાણીથી સ્નાન કરવું.
સ્નાન કેવી રીતે કરવું ?
ગરમીની ઋતુ હોય તો કોપરેલ અને ઠંડીની ઋતુ હોય તો તલના તેલને ચઢતા ક્રમે (નીચેથી ઉપર તરફ) સ્નાનના કલાક પહેલાં ચોળી રાખવું. ત્યારબાદ દસ-પંદર મિનિટ સવારના કૂણા તડકામાં સૂર્ય સ્નાન કરવું (તડકો શરીર પર લેવો). ઉપર જણાવેલું મિશ્રણ ચઢતા ક્રમે શરીરે ચોળવું. પાંચ મિનિટ રહેવા દેવું. ત્યારબાદ શુદ્ધ જળથી શરીર ધોવું. એ પછી જો ચીકાશ જણાતી હોય તો, સારા જંતુઘ્ન ટોયલેટ સોપથી ચીકાશ દૂર કરવી. પગની એડી અને તળિયા પર જ્યાં વધારે મેલ જામતો હોય એવા ભાગને લીંબુ નીચોવેલા ગરમ પાણીમાં બોળી રાખેલા ખાદીના જાડા કપડાથી ઘસીને સાફ કરી શકાય. સ્નાન પછી સૂતરાઉ અથવા ખાદીના કપડાથી ચઢતા ક્રમે મધ્યમ ભારથી શરીર લૂછવું. આવી અંગમાર્જન વિધિ એટલે શરીર લૂંછવાની ક્રિયાથી ત્વચાનું તેજ વધે અને રક્તાભિસરણ (BLOOD CIRCULATION) સુધરે.
કેવી વ્યક્તિએ સ્નાન ન કરવું ?
તાવ આવતો હોય, ઝાડા થયા હોય, કાનમાંથી પરૂ વહેતું હોય, લીવર કે બરોળનું ઈન્ફેકશન હોય, કમળો થયો હોય, પેટનો આફરો કે અજીર્ણ થયું હોય, ખૂબ ઠંડી લાગતી હોય અને શરીર ધુ્રજતું હોય એવી વ્યક્તિઓએ સ્નાન ન કરવું. આકરો ઉપવાસ કર્યો હોય, પરિશ્રમ પછી ખૂબ થાક લાગ્યો હોય અને ભારે ભોજન પછી તુરંત સ્નાન ન કરતા થોડો સમય જવા દઈ પછી સ્નાન કરવું.
સ્નાનથી શું ફાયદા થાય છે ?
થાક ઓછો થાય, ચામડી શુદ્ધ થવાથી ત્વચાને લગતાં ચેપી રોગો-દાદર, ખંજવાળ, ફોડલી, રક્તપિત્ત વગેરે મટે, સાંધાના દુ:ખાવા, પચન સંબંધી સમસ્યા જેમકે ભૂખ ઓછી લાગવી, લો બ્લડ પ્રેશર, અનિંદ્રા, મંદ કામેચ્છા, સ્થૂળતા, જડતા, નિસ્તેજતા, દુર્બળતા તથા મનોગત સમસ્યામાં ફાયદો થાય.
ગોધૂલી સ્નાન (ગાયના ધણના ચાલવાથી ઊડતી રજથી થતું સ્નાન)થી ત્વચાના રોગો, સૂર્ય સ્નાનથી હાડકાના રોગો, સમુદ્રના પાણીના સ્નાનથી અશક્તિ, થાક, ગરમ પાણીના ઝરાના સ્નાનથી ચામડીના ચેપી રોગો, વરસાદના પાણીના સ્નાનથી અળઈ જેવા ગરમીમાં થતાં રોગો મટે છે. અનેક રોગો હરનાર, બળપ્રદ, શરીર અને મનને તાજગી આપનાર વિધિવત સ્નાન ગરમીના દિવસોમાં આશીર્વાદરૂપ છે.


