- આરોગ્ય સંપદા-વિસ્મય ઠાકર
- વઘાર કર્યા વગર અને તળ્યા વગર પણ ખોરાક રૂચિકર તથા સ્વાદિષ્ટ બનાવી શકાય છે.
આ જે, પ્રવર્તમાન રોગોમાંથી એક એવા સિરોસિસ ઓફ લિવર વિષે વિસ્તૃત માહિતી
સિરોસિસ ઓફ લિવરમાં લિવરની પ્રતિરોધક શક્તિમાં ઘટાડો થાય, કોષોમાં ઈન્ફલેમેશન એટલે કે એક પ્રકારના શોથની સ્થિતિ સર્જાય. લિવરમાં મૃત થઈ જતાં કોષોની સંખ્યામાં વધારો જોવા મળે. અંતે, આવા મૃત થઈ જતાં કોષો ફાયબરસ ટિશ્યૂ અને નોડયૂલ્સમાં પરિવર્તિત થતાં લિવરના કદ-આકારમાં વિકૃતિ આવે.
રોગના અંતિમ તબક્કામાં લિવર સંકોચ પામે
પિત્તની પથરી, કમળો (જોન્ડીસ), સિફીલિસ, હૃદયરોગ જેવી રોગાવસ્થા, લાંબા સમય સુધી રહેતાં કાલાઝાર જેવા તાવની સ્થિતિ રોગ માટે જવાબદાર કારણ બનતાં હોય છે. ક્યારેક બેક્ટેરિઆ, વાયરસ કે પેરેસાઇટથી થતાં અમિબાયોસિસ, ગળા તથા છાતીના ચેપ અને દાંતના સડા જેવા રોગોથી પણ લિવર રોગગ્રસ્ત થઈ શકે છે. ખૂબ જ જાડા માણસોમાં લિવરના કોષોમાં મેદ જમા થવાથી લિવર પોતાનાં મૂળ આકારથી વિકૃત થાય છે. જો વ્યક્તિનું વજન ઘટી રહ્યું હોય તો મેદનો ક્ષય થવાથી મેદ પચાવનાર પિત્ત (બાઈલ) લિવરમાં વધી જઈ લિવરના કોષોને નષ્ટ કરી રોગાવસ્થા ઉત્પન્ન કરે છે.
સિરોસિસ ઓફ લિવરની રોગાવસ્થામાં સવારે ઊલટી તથા ઊબકા જણાય છે, ભોજન પછી પેટમાં ભાર, ખોરાક પ્રત્યેની અરૂચિ, માથાનો દુ:ખાવો અને બેચેની જેવા લક્ષણો જોડાયા હોય છે. ખોરાક ખાધા પછી પેટ ફૂલી જવું, ખાટા ઓડકાર આવવા તથા મોંમાંથી લાળ વધુ છૂટવી જેવા વિશેષ લક્ષણો જણાય છે. જીભ પર જામતો ધોળો થર, મોંની દુર્ગંધ અને કબજિયાત એ રોગની પ્રાથમિક અવસ્થાના સૂચક લક્ષણો બની જાય છે. રોગ જૂનો થતાં ચિકાશયુક્ત ઊલટી, અશક્તિ, ઝીણો તાવ, અને આખો દિવસ રહેતી બેચેની જેવા લક્ષણો દેખાય છે. ક્યારેક લાંબા સમય સુધી બિલકુલ ભૂખ ન લાગવી તથા લોહીની ઊલટી જેવાં ચિન્હો રોગની ઉગ્ર અવસ્થાનું સૂચન કરે છે. રોગની અંતિમ અવસ્થામાં ચામડીનો રંગ પિળાશ પડતો ફિક્કો થાય છે તથા આંખના પોપચા અને હાથ-પગ પર સોજા દેખાય છે. વધુ પડતાં દારૂનું સેવન કરતી વ્યક્તિઓમાં આંખો પરના સોજા, ચહેરા અને ગળા પર કરોળિયાના જાળા જેવા સફેદ ઝામા એ વિશેષ લક્ષણરૂપે દેખાય છે.
હવે, સિરોસિસ ઓફ લિવર સંબંધિ ઉપચારની વિગતો જોઈએ.
(૧) સૌ પ્રથમ, ખૂબ તીખા, ગરમ-મસાલાયુક્ત અને ખાટા પદાર્થો જેવા કે ટામેટા, આમલી, દહીં, આંબોળિયા, કોકમ વગેરે ત્યાગવા.
(૨) અતિશય તેલ-ઘી યુક્ત ચરબીવાળા પદાર્થો અને માંસાહાર સદંતર ત્યાગવા. વઘાર કર્યા વગર અને તળ્યા વગર પણ ખોરાક રૂચિકર તથા સ્વાદિષ્ટ બનાવી શકાય છે. એ માટે બાફેલા અને શેકેલા આહારનો મહિમા સમજો. આમ કરવાથી ખોરાક પચવામાં સરળ બનશે, લિવર પરનો ખોરાકના પચનનો બોજો ઘટશે અને એની કાર્યક્ષમતા વધશે. આ સાથે ગળપણ, મિઠાઈ અને વધુ પડતાં કાર્બોહાયડ્રેટયુક્ત પદાર્થોનું પ્રમાણ નિયંત્રિત કરવું. ખોરાક એક સાથે પેટ ભરીને ન ખાતા, ટુકડે-ટુકડે દિવસમાં ચારથી પાંચ વખત ખાવો.
(૩) દારૂ-આલ્કોહોલ, સિરકો, તમાકુ, કોફી, કૃત્રિમ સ્વાદ, રંગ અને સુગંધયુક્ત બજારૂ સિન્થેટિક
પદાર્થોના સેવન પછી પેદા થતાં વિષતત્ત્વો લિવરને દુષિત કરે છે જેથી એ સદંતર ત્યાગવા.
(૪) વિટામીન ‘B’ અને પ્રોટિનની આહારમાં ઉણપ રહેવાથી લિવરની ક્ષમતા નબળી થાય છે. આહારમાં પર્યાપ્ત માત્રામાં સારી રીતે બાફેલા કઠોળ, દૂધ અને ઋતુ અનુસાર ફળ-ફળાદિનો ઉપયોગ કરવો.
(૫) વધુ પડતો શ્રમ, વ્યાયામ કે મૈથૂન કરવાથી, મળ-મૂત્રના આવેગો રોકવાથી, અપૂરતી ઊંઘથી અને ઓછું પાણી પીનારને લિવર સંબંધિ સમસ્યા થઈ શકે છે.
(૬) સંખિયા, પારદ અને સ્વર્ણ જેવી ધાતુઓ અને ભારે અન્ટિબાયોટિક જેવી ઔષધિઓના વધુ પડતા સેવનથી લિવર ક્ષતિગ્રસ્ત થાય છે, માટે આ પ્રકારની ઔષધિઓનો ઉપયોગ ચિકિત્સકની સલાહ વગર કરવો નહિ.
સિરોસિસ ઓફ લિવરમાં ઉપયોગી સાદા અને સરળ ઉપચારની સૂચિ નીચે જણાવેલી છે. તબીબી ઉપચાર સાથે સહાયક ઔષધિનું સેવન રોગ નિવારણ માટે મદદરૂપ થઈ રહેશે. (૧) જાંબુનો રસ - પાંચ મી.લી.માં એક ચપટી નમક ઉમેરી ખોરાક લીધા પછી દિવસમાં ત્રણ વખત લેવો.
(૨) ૧૦ મી.લી. કુંવારપાઠા (એલોવેરા)નો રસમાં અઢી ગ્રામ હળદર અને ૧૦ મી.લી. પાણી ઉમેરી સવારે નરણાં કોઠે લેવું.
(૩) ખોરાક લેવાના અડધો કલાક પહેલાં દાડમનો રસ ચપટી નમક ઉમેરી દિવસમાં એક વખત લેવો.
(૪) ભોજન પછી મુખવાસરૂપે શેકેલી વરિયાળીનો ઉપયોગ કરવો.
(૫) અઢી ગ્રામ કાલમેઘનું ચૂર્ણ સરખા ભાગે સાકર મેળવી હુંફાળા પાણી સાથે, ખોરાક લેવા. કલાક પહેલા દિવસમાં એક વખત લેવું.
(૬) સાટોડી, રગતરોહિડો, જેઠીમધ તથા હરડેના પાંચ-પાંચ ગ્રામ ચૂર્ણ ભેગાં કરી, પાણીમાં ઉકાળો બનાવી સાંજના સમયે લેવો.
(૭) બંધકોષ નીવારવા ક્ષમતા અનુસાર દેશી દિવેલનો રેચ રાત્રે અઠવાડિયે એક વખત લેવો.
અને અંતે, જવની રોટલી, મગની દાળ તથા જૂના ચોખાની બનાવેલી ખીચડી, દૂધી, કોળું, પરવળ, બથુઆ, પાલખ વગેરે ભાજી, મોસંબીનો રસ, ચીકુ જેવો આહાર આ રોગ માટે શ્રેષ્ઠ પથ્ય છે.


