Get The App

બાળરોગ ઉપયોગી ઔષધિઓ .

Updated: Apr 22nd, 2025

GS TEAM


Google News
Google News
બાળરોગ ઉપયોગી ઔષધિઓ                          . 1 - image


- આરોગ્ય સંપદા-વિસ્મય ઠાકર

- કેસરની જાતોમાં સ્પેનથી આયાત થતું કેસર શ્રેષ્ઠ છે. જે ખાતરી કર્યા પછી લેવું સલાહભર્યું છે

આ પૂર્વેના લેખમાં બાળરોગ ઉપયોગી એવી બે ઔષધિઓ અતિવિષા અને અક્કલકરોના ઉપયોગ જોયા. આજે અન્ય ઔષધિ ઇલાયચી, કેસર અને કડુ વિષે.

ઘરના રસોડામાં રહેતી આ અપ્રતિમ ઔષધિ ઇલાયચીનું સંસ્કૃત નામ એલા છે. અંગ્રેજીમાં એને કાર્ડેમોમ કહેવાય. બજારમાં ઇલાયચીની ઘણી જાતો ઉપલબ્ધ છે. પણ બાળરોગમાં હંમેશા નાની અને સફેદ છોડાવાળી ઇલાયચી વાપરવી. આવી ઇલાયચીમાં સિનિઓલ નામનો તૈલી પદાર્થ સારી એવી માત્રામાં રહેલો છે. જે અસર બતાવે છે. બાળકોને વિશેષ કરીને સાંજથી રાતના સમય સુધી રહેતી ખાંસી-ઉઘરસમાં એલચીને સોયમાં પરોવી ઘી ના દીવાની જ્યોતથી બાળી અને રાખ મધ સાથે ચટાડવાથી તરત ફાયદો થાય છે. જ્યારે આલ્કોહોલ અને ખાંડની ચાસણીયુક્ત કફ સીરપ કામ ન આવે ત્યારે આવો સાદો અને સરળ પ્રયોગ ધાર્યું કામ કરી જાય છે.

કબજિયાત રહેતી હોય એવા બાળકોના મોંમાંથી દુર્ગધ આવતી હોય છે. આ બાળકોને જ્યારે પેટની સફાઈ થાય ત્યારે પણ દુર્ગંધયુક્ત વાછૂટ સાથે મળ આવતો હોય છે. આવા બાળકોને છેડા સાથે એલચી પીસી દૂધમાં મેળવી આપવી. કેટલાક બાળકોને દૂધ પચતુ નથી. દૂધ પીધા પછી એને બહાર કાઢી નાખે છે. તો ક્યારેક દૂધ પીધા પછી બાળકોના મોઢે ફીણ બાઝે છે. તેમને માટે એક ગ્લાસ દૂધ (આશરે ૧૫૦ મીલી.થી ૨૦૦ મી.લી.) માં સૂંઠ, ગંઠોડા, વાવડીંગ અને ઇલાયચીના અઢી-અઢી ગ્રામ (આશરે અડધી નાની ચમચી) ચૂર્ણો મેળવી આપવા.

અન્ય એક અતિઉપયોગી ઔષધિ કેસર (સેફ્રન)- જે બાળરોગમાં ખાસ કરીને તેમની પાચનસંબંધી સમસ્યામાં ઘણું સારું પરિણામ આપે છે તે વિષે. કેસર વિષે ઘણું સવિદિત છે. તેથી વિસ્તૃત ન કરતાં એટલું જાણવું જરૂરી છે કે બજારુ કેસર ખરીદતા પહેલા સાવધ રહેવું. આજકાલ કરડી, હજારીગલ, જાસૂદના ફૂલના તંતુઓને કૃત્રિમ રંગ અને સુગંધ મેળવી કેસર જેવી ઉપજ તૈયાર કરવામાં આવે છે. જે કાશ્મીરી કેસરના નામથી વેચાય છે. કેસરની જાતોમાં સ્પેનથી આયાત થતું કેસર શ્રેષ્ઠ છે. જે ખાતરી કર્યા પછી લેવું સલાહભર્યું છે.

બાળક ખોરાક ખાધા પછી પેટમાં ચૂંક કે દુ:ખાવાની ફરિયાદ કર્યા કરતું હોય, પ્રમાણમાં ખોરાક ઓછો ખાતું હોય ત્યારે કેસર, જાયફળ, જાવંત્રી ઇલાયચી તથા સાકર મેળવેલું શરબત ભોજનના કલાક પહેલાં પીવા આપવું. કેસરમાં આમાશયને ઉત્તેજીત કરવાનો ગુણ હોઈ બાળકોના મંદાગ્નિ, ભૂખનાશનાં લીધે ખાતા પૂર્વે આવતાં ઉબકા પર શરબતનો પ્રયોગ સફળ પરિણામ લાવી શકે. બાળકો માથુ દુ:ખવાની, ચક્કરની ફરિયાદ કરતાં હોય તો કેસર વાટી એમાં ગાયનું ઘી મેળવી બે-બે ટીપાં નાકમાં પાંડવા (માથુ નીચે તરફ ઢળતું રાખી નસ્ય કરાવવું) કાશ્મીર અને તેની આસપાસ આવેલા પ્રાંતિય પ્રદેશો બાળકોની શરદી, કફ, સંસણી પર દૂધમાં કેસર ધોળી આપવાનો રિવાજ ઘણો પ્રચલિત છે. પેટમાં ગેસ ભરાઈ રહેતો હોય, વાછૂટ ન થતી હોય અને પેટ ફૂલી જતું હોય તેવા બાળકોને ઘી અને સાકર સાથે કેસર લસોટી ચટાડવું.

ત્રીજી અપ્રતિમ ઔષધિ છે. કડુ. મહારાષ્ટ્રના લોકો એને બાલકડુના નામથી ઓળખે છે. સંસ્કૃતમાં એને કુટકી કહેવાય. કંડુમાં પિક્રોરાઈઝીન નામનું ગ્લાયકોસાઈડ છે, જેના હાયડ્રોલીસીસથી. પિક્રોરાઈઝેટીન પ્રાપ્ત થાય છે. જે અત્યંત જલગ્રાહી- હાયડ્રોસ્કોપિક હોવાથી શરીરમાં ગયા પછી તુરંત એની અસર બતાવે છે. કંડુને હંમેશા લોખંડની તાવડીમાં શેકી (ભર્જિત કરીને) વાપરવાનો છે. નીચે જણાવેલ સમસ્યાઓ અને તેની સાથે સંકળાયેલ લક્ષણો પર ભર્જિત કડુ ઉત્તમ પરિણામ આપે છે. રોજીંદા ક્રમે એકથી દોઢ ગ્રામ જેટલું કડુ ગોળના પાણી, મધ અથવા ઘી સાથે આપી શકાય. મહત્તમ પચ્ચીસ થી ત્રીસ દિવસ સુધી કડુ આપી શકાય. તમામ પ્રકારના કૃમિ (હુકવર્મ, ટેપવર્મ વગેરે)ને કારણે બાળકોને રહેતી કબજિયાત, પેટની ચૂંક, આફરો, ઝીણો તાવ, ભૂખનાશ, ખંજવાળ, મોં માંથી લાળનું ટપકવું, રાત્રે ઊંઘમાં દાંત કચકચાવવા, મુજબ કડુનું એક મહિના સુધી સેવન કરાવવું. કડુ આપવાનો સમય રાત્રિ ભોજનના બે કલાક પછી એટલે કે સૂતા પહેલાનો રાખવો. કડુના સેવન પછી ઝાડાનો રંગ કાળાશ પડતો આવે તો ચિંતા ન કરવી.

Tags :