Get The App

ઉનાળાના અમૃત - (3) .

Updated: Apr 21st, 2026

GS TEAM

Google News
Google News
ઉનાળાના અમૃત - (3)                                        . 1 - image

- આરોગ્ય સંપદા-વિસ્મય ઠાકર

- હૃદયની નબળી પડેલી કાર્યક્ષમતા ગળો વધારે છે જેથી શરીરના રક્તપરિભ્રમણમાં સુધારો થતાં અન્ય અવયવોની કાર્યક્ષમતા પણ સુધરે છે

ઉ નાળાના અમૃત શીર્ષક હેઠળનો આ ત્રીજો લેખ છે. આ પૂર્વે ઉનાળામાં (ધાન્યક), ખસ (ઉશીર) અને ચંદન જેવી અપ્રતિમ ઔષધિઓના ઉનાળામાં સેવન કરવાથી થતાં લાભ વિષેની વિગતો જોઈ. આજે સાચા અર્થમાં જેનું એક નામ અમૃતા છે એવી વનસ્પતિ ગુળવેલ વિષે જાણીએ.

આ અદ્ભૂત વનસ્પતિનું લેટિન નામ છે ટીનોસ્પોરા કોર્ડીફોલિસ હિન્દીમાં એ ગિલોયના નામથી ઓળખાય છે. તો ગુજરાતીઓ એને ગુળવેલ અથવા ગળોના નામથી ઓળખે છે. વેલા રૂપે જોવા મળતી આ વનસ્પતિ ખાસ કરીને લીમડાના વૃક્ષો પર વીંટળાયેલી જોવા મળે છે. એના પાન હૃદયાકાર હોય છે. ગુળવેલની પરખ એ છે કે, એમાં ઊભો છેદ કરી - કાપીને મેગ્નીફાઈન્ગ ગ્લાસ દ્વારા દર્શન કરવાથી એમાં રથના પૈંડા જેવા આકારના ચક્રો જોવા મળે છે. તેથી જ સંસ્કૃતમાં તેનું એક નામ ચક્રલક્ષ્મણા છે. મેનિસ્પર્મેસી કુટુંબની આ વનસ્પતિ પાણી, ખાતર કે સૂર્યપ્રકાશની અનુપસ્થિતિમાં મહિનાઓ સુધી જીવંત રહેવા સક્ષમ છે. એટલું જ નહિ એને કાપી નાખ્યા પછી પણ એ જીવતી રહે છે અને એમાંથી નવી વેલના ફણગા ફૂટે છે. વિશ્વમાં આવી દુર્લભ વનસ્પતિ બીજી એક પણ નથી.

અમૃતાના રાસાયણિક સંગઠનનું વિશ્લેષણ કરીએ તો એની તાજી લીલી ડાળખીઓમાંથી સ્ટાર્ચ જેવો રવાદાર પદાર્થ નીકળે છે જે એના સત્વ સ્વરૂપે હોય છે. આ પદાર્થ શરીરમાં સરળતાથી પચી જઇ તુરંત પ્રભાવકારી છે. આ સત્વનું કર્મ (ફીઝીઓલોજીકલ એકશન) રક્તમાં વધી ગયેલા બાઈલ (પિત્ત)ના શમીકરણ (ન્યુટ્રાલાઇઝેશન)નું છે. આ ઔષધિના નિયમિત સેવનથી શરીરના કોઈપણ ભાગમાં થતી બળતરા વિશેષ કરીને મૂત્રમાર્ગનો દાહ  (UTI) પેટના ચાંદા (અલ્સર), જનન અવયવ પરની ચાંદી તથા લેપ્રસી જેવા રોગ દૂર થાય છે. એટલું જ નહિ જૉન્ડીસ (કમળો) જેવી રોગાવસ્થા દરમ્યાન આ ઔષધિનું સેવન લાભદાયી છે. તદુપરાંત અમૃતા કેટલાક એસિડસ સાથે રાસાયણિક સંયોજન કરી શમીકરણનું કર્મ પણ કરે છે જેથી ગાઉટ જેવી સમસ્યા (જેમાં યુરીક એસિડનું પ્રમાણ વધી જઈ, ગાંઠો થઇ સાંધામાં દુ:ખાવો થતો હોય છે) માં પણ એનું સેવન સફળ પરિણામ લાવી શકે છે.

અમૃતામાં રહેલાં ગીલોઇન અને ગીલોઇનીન (C17H18O5) જેવાં ગ્લુકોસાઇડ હૃદય માટે ખૂબ જ હિતકારી છે. હૃદયની કાર્યક્ષમતા પર આ તત્ત્વનો પ્રભાવ સકારાત્મક હોય છે. હૃદયની નબળી પડેલી કાર્યક્ષમતા એ વધારે છે જેથી શરીરના રક્તપરિભ્રમણમાં સુધારો થતાં અન્ય અવયવોની કાર્યક્ષમતા પણ સુધરે છે. આથી જ પ્રાચિનોએ આ ઔષધિને 'રસાયની' કહી છે. આ ઔષધિના સેવનથી કોષોમાં નવસર્જનની ક્રિયાને વેગ મળતો હોઈ એને 'વયસ્થાપન' કહી છે.

અમૃતા પોતે ગુણથી મૂત્રલ (ડાયયુરેટિક) હોઈ કિડનીની વિફળતાને કારણે રહેતાં હાથ-પગના સોજા પર સારૂં કામ કરે છે. તે રસથી કડવી હોઈ ડાયાબીટીસને કારણે રાત્રે વારંવાર થતો પેશાબ, હાથ-પગની બળતરા તથા ઝણઝણાટીને દૂર કરે છે. રક્તમાં ઇશ્યૂલીનના અવશોષણ પર તેની સારી અસર જણાઈ છે જેથી ડાયાબીટીસના રોગીઓ માટે તે સેવન કરવા યોગ્ય છે.

અમૃતામાં રહેલું બર્બેરીન નામનું કડવું તત્ત્વ કોઈપણ પ્રકારના તાવ ખાસ કરીને એકાંતરિયો તાવ, 

જીરણ (જૂનો) તાવ, શરીરમાં ધગારો, ફૂડ પોઇઝનીંગને કારણે રહેતા તાવ પર અકસીર ઔષધિ પુરવાર થઇ છે. ઇન્ડિયન જર્નલ ઑફ એક્સપેરિમેન્ટલ બાયોલોજીની નોંધ અનુસાર માઈકોબેક્ટેરીઅમ જેવાં જીવાણુઓની વૃધ્ધિ અટકાવી ક્ષય (TB) જેવાં રોગોને વધતાં અટકાવે છે.

આર્થરાઇટીસ-સાંધાના ઘસારા જેવી રોગાવસ્થામાં શરીરના વિવિધ ભાગોમાં દુ:ખાવો રહ્યા કરતો હોય છે. અમૃતામાં રહેલાં વેદનાશામક ગુણને કારણે આવી સ્થિતિ વખતે એનું સેવન લાભદાયી છે. સોડિયમ સેલીસિલેટ જેવી દુ:ખાવા દૂર કરનાર કૃત્રિમ ઔષધિની તુલનાએ અમૃતા એ પ્રાકૃતિ અને આડઅસર રહિત એક ઉત્તમ ઔષધ પુરવાર થઇ છે.

ઉપર જણાવેલી વિવિધ રોગાવસ્થામાં અમૃતાનું સેવન ઘણુ ફાયદાકારક છે એ તો ખરૂં પણ વિશેષ કરીને ઉનાળામાં ગરમીને કારણે થતી સમસ્યાઓ જેમાં આળસ, કામ કરવાની અશક્તિ, જડતા, મૂર્ચ્છા, ચક્કર, શરીરમાં વિવિધ ભાગોની બળતરા, ગડ-ગૂમડ જેવાં ત્વચાના વિકારોમાં લાભપ્રદ છે. વળી વૃધ્ધાવસ્થા અને ઘડપણમાં રહેતી સમસ્યાઓ જેવી કે દ્રષ્ટિની નબળાઈ, ચિત્રભ્રમ, થાક, ઘટતી રોગપ્રતિકાર શક્તિમાં એ સેવન કરવા લાયક છે. આ વનસ્પતિ લાંબા સમય સુધી લેવામાં ભય નથી. નિત્ય પાંચ ગ્રામથી લઇને દસ ગ્રામ સુધી બાળકો, વૃધ્ધો અને સગર્ભા પણ આ વનસ્પતિનું સેવન કરી શકે.

જે ઔષધિનું નામ અમૃતા છે, જે કદી મરતી નથી એવી આ વનસ્પતિ શું આપણાં હૃદયમાં જીવે છે ખરી ? આપણે એને ઓળખીએ છીએ ખરા ? અમૃતાનો એક નાનો ટુકડો તમારા ઘર આંગણે રોપી જુઓ. જોતજોતામાં એનો વિસ્તાર વધી જશે જે તમને અનેક રોગોના ઉપચાર માટે ઉપયોગી થઇ પડશે.