- આરોગ્ય સંપદા-વિસ્મય ઠાકર
- દહીં, ટામેટાં, આમલી, અથાણા જેવાં ખાટા પદાર્થો સદંતર ત્યાગી દેવાં. વળી, ઠંડાં પીણા, આઈસક્રીમ અને ફ્રીજમાં રાખી પ્રીઝર્વ કરેલો ખોરાક ત્યાગવો.
(લેખ-4)
આ પૂર્વેના લેખોમાં એલર્જી થવાના કારણો, એલર્જીના ઉપચાર માટે પાયાના નિયમો તથા દમ જેવી એલર્જીજન્ય સમસ્યાના વિશેષ ઉપચારો જોયા. આજે શિળસ (અર્ટીકેરિયા) અને ખરજવુ (એકઝીમા) જેવાં રોગોના વિશેષ ઉપચાર વિષે માહિતી જોઈએ.
શિળસ :
શરીર પર નાના-મોટા લાલ રંગના ચકામા ઉપસી આવે છે. ક્યારેક ચકામાની ફરતે આવેલી ધાર ઘેરા રાતા રંગની અને અંદરનો ભાગ દબાયેલો જોવા મળે છે, તો ક્યારેક ચકામાનો આખો ભાગ ઉપસેલો હોય છે. આ ભાગમાં ખૂબ જ ખંજવાળ અને બળતરા થતી હોય છે. શિળસ ક્યારેક કોઈ ચોક્કસ ઋતુમાં દેખાઈ દે છે. ઋતુ સમાપ્ત થતાં એ મટી જાય છે અને ફરી બીજા વર્ષે એજ ઋતુમાં ઉથલો મારે છે. આમ થવા પાછળનું કારણ મોટે ભાગે જે તે ઋતુમાં ઊગતી વનસ્પતિ-ફૂલો અને તેમાં રહેલાં પરાગરજ (પોલન) હોય છે. આવા સૂક્ષ્મ અને વજનમાં હલકા પરાગરજ હવા સાથે હજારો કીલોમીટરનો પ્રવાસ ખેડતા હોય છે. દૂર દેશાંતરેથી હવાઈ મુસાફરી કરી ઊડતાં આવેલા પોલન શ્વાસ દ્વારા શરીરમાં દાખલ થઈ ક્યારેક શિળસ જેવાં એલર્જીજન્ય રોગોની ઉત્પત્તિ કરે છે. શિળસ જેવાં રોગના ઉપચાર માટે સૌથી પહેલાં તો દહીં, ટામેટાં, આમલી, અથાણા જેવાં ખાટા પદાર્થો સદંતર ત્યાગી દેવાં. વળી, ઠંડાં પીણા, આઈસક્રીમ અને ફ્રીજમાં રાખી પ્રીઝર્વ કરેલો ખોરાક ત્યાગવો. હવે, શિળસના વિશેષ ઉપચારો જોઈએ.
(૧) સરસિયાના તેલને ગરમ કરી આખા શરીરે ચઢતા ક્રમે માલિશ કરી સવારના કૂણા તડકામાં બેસવું. ત્યારબાદ ગરમ પાણીથી સ્નાન કરવું. (તેલ ઓછામાં ઓછું કલાક શરીર પર રહેવા દેવું.)
(૨) શિળસની સમસ્યા થઈ આવે ત્યારે સિન્થેટિક કપડાં ન પહેરતા કોટનના કપડાં પહેરવા અને એની ઉપર શુદ્ધ ઊન (પ્યોર વુલ)ના કપડાં પહેરવા. ઊનના કપડાં ચામડીના સીધા સંપર્કમાં ન આવે એનું ધ્યાન રાખવું.
(૩) કાળી જીરીની સાંજના સમયે ચા કરીને પીવી. એક કપ કાળી જીરીની ચામાં બેથી ત્રણ ચપટી પીપરનું ચૂર્ણ ઉમેરવું.
(૪) કાળા મરીને ઘીમાં સાંતળી, નમક ભભરાવી ખૂબ ચાવીને ખાવા. મરી ખૂબ જ ઉષ્ણ અને ગરમ હોઈ માત્રા વિવેક રાખવો. દિવસ દરમ્યાન બે-ત્રણ દાણાથી વધુ ન લેવાં.
(૫) આદુના રસમાં જૂનો ગોળ મેળવી દિવસમાં એકાદ વખત ખોરાક લેવાના કલાક પહેલાં ચાટવું.
ખરજવું :
ખરજવુ ખાસ કરીને હાથ, પગ, કાનની કોર જેવાં ભાગો પર થાય છે. ખરજવાના બે પ્રકાર છે. લીલું અને સૂકું. લીલા ખરજવામાં ચામડી પર ફોડલીઓ થાય છે, તે ફૂટે છે અને તેમાંથી ચીકણું પ્રવાહી ઝમે છે. સૂકા ખરજવામાં આમ થતું નથી. બંને પ્રકારના ખરજવામાં ચામડી બરછટ થઈ, સૂજીને ઉપસી આવે છે અને રંગ રાતાશ પડતો કાળો ઘેરો થઈ જાય છે. એ ભાગ પર ઘણી જ ખરજ (ખંજવાળ) આવતી હોઈ એનું નામ ખરજવું પડયું છે. હવે, ખરજવાના વિશેષ ઉપચારો જોઈએ.
લીલું ખરજવું :
(૧) સમભાગે શંખજીરૂ અને ફટકડીનું ચૂર્ણ ભેગું કરી, ભભરાવી કોરો પાટો બાંધી રાખવો. દર ચોવિસ કલાકે પાટો બદલતા રહેવું.
(૨) કરિયાતાનું ચૂર્ણ, બાવળના કોલસાની રાખ, ગેરૂ ચૂર્ણ અને લીમડાના પાનનું ચૂર્ણ સરખા ભાગે લઈ ખરજવા પર ભભરાવી કોરો પાટો બાંધી દેવો. રોજ પાટો બદલતા રહી એકવીસ દિવસ સુધી પ્રયોગ કરવો.
સૂકું ખરજવું :
(૧) લીંબોળીનું તેલ લગાવવું.
(૨) કણજીનું તેલ લગાવવું.
(૩) દેશી દિવેલમાં સમભાગે ગંધક ચૂર્ણ, ફટકડીનું ચૂર્ણ, માયુ ચૂર્ણ, મુલતાની માટી અને નીમપત્ર ચૂર્ણ કાલવી એનો લેપ કરવો.
(૪) ઘઉંનો જાડો લોટ બાફી હુંફાળો ગરમ હોય ત્યારે એનો લેપ કરી પાટો બાંધી રાખવો. બીજા દિવસે આ પ્રયોગ ન કરતા ખરજવાવાળો ભાગ ખુલ્લો રાખવો. ફરી ત્રીજા દિવસે લેપ કરવો. આમ એકાંતરે દિવસે પ્રયોગ એક મહિના સુધી કરવો.
વાચક મિત્રો, ઉપર જણાવેલા અનુભવસિદ્ધ વિશેષ ઉપચારો-ટુચકામાંથી તમને અનુકૂળ આવે એવો કોઈપણ એક ટુચકો અજમાવી શકાય. પ્રતિકૂળ જણાય તો તુરંત બંધ કરવો.


