Get The App

ઉનાળાના અમૃત - (2) .

Updated: Apr 14th, 2026

GS TEAM

Google News
Google News
ઉનાળાના અમૃત - (2)                                                . 1 - image

- આરોગ્ય સંપદા-વિસ્મય ઠાકર

- મૈસૂર સિવાયના ભૂમિપ્રદેશમાં ઉગતાં ચંદનનાં  વૃક્ષો ઊંચી ગુણવત્તાવાળી સુગંધ આપી શકતા નથી

ઉ નાળાની ઋતુમાં વધતાં તાપમાન સામે સ્વાસ્થ્યનું સંતુલન જાળવી રાખવું અનિવાર્ય છે. એ માટે ઉપયોગી થઈ પડે એવા ઉનાળાના અમૃત-ધાન્યક એટલે કે ધાણા અને ઉશીર એટલે કે ખસના ઉપયોગો આ પૂર્વેના લેખમાં જોયાં. આજે પરમ શીતળ ચંદનના આ ઋતુકાળમાં થતાં ઉપયોગો વિષે જાણીએ.

મૈસુર, કોઈમ્બુતુર તથા દક્ષિણ ભારતમાં ચંદનના વૃક્ષો ઉગાડી એની પદ્ધતિસરની ખેતી કરવામાં આવે છે. ચંદનના ઝાડ ઘણાં ઊંચા હોય છે. વીસેક વર્ષ પછી એના કાષ્ઠમાંથી સુગંધ પેદા થાય છે. વૃક્ષના પત્ર, પુષ્પ, છાલ વગેરેમાં કોઈ સુગંધ હોતી નથી માત્ર એના કાષ્ટમાં મનમોહક સુગંધ રહેલી છે. આખા વિશ્વમાં મૈસૂર ચંદનના ઉત્પાદન અને એની ગુણવત્તાની દ્રષ્ટિએ મોખરે છે. ચંદનના કાષ્ઠમાં રહેલી અદ્ભૂત સુગંધ તેમાં રહેલા ઉડ્ડનશીલ તેલ, ટેનિક એસિડ, આલ્ડીહાઈડસ અને ડીટોન જેવા રાસાયણિક સંયોજનને આભારી છે. ચંદન કાષ્ઠમાંથી ચંદનનું તેલ બનાવવામાં આવે છે જે વિદેશી બજારોમાં ઓઇલ ઓફ સેન્ડલવુડના નામે ઓળખાય છે. ગુજરાતીમાં ચંદનને સુખડના નામથી ઓળખવામાં આવે છે. આ ચંદન-સુખડના વૃક્ષોની ખૂબી એ છે કે, મૈસૂર સિવાયના ભૂમિપ્રદેશમાં ઉગતાં વૃક્ષો ઊંચી ગુણવત્તાવાળી સુગંધ આપી શકતા નથી. જાવામાં ચંદનની જાતિના વૃક્ષોમાંથી જ તેલ કાઢવામાં આવે છે, પણ ગુણવત્તાની દ્રષ્ટિએ મૈસૂરના સુખડ સામે એ ફિક્કા પડે છે.

ચંદન શરીરના કોઈપણ ભાગમાં (આંતરિક કે બાહ્ય) થતી બળતરા દૂર કરવા માટે શ્રેષ્ઠ ઔષધિ છે.

 ગરમી-તડકામાં ફરવાથી માથું ચઢતું હોય, માથામાં સતત દુ:ખાવા સાથે ઉબકા અને ઉલટી થતી હોય તેવી વ્યક્તિઓએ ચંદનને પથ્થર પર ઘસી એનો લેપ કપાળ અને લમણા પર લગાવી રાખવો. ઉપરાંત પથ્થર પર ઘસેલા એક ગ્રામ ચંદનનું ખડી સાકર ઉમેરેલા ઠંડા દૂધ સાથે સેવન કરવું.

 ગરમીમાં થતાં તાપોળિયા કે ગૂમડા પર ચંદનનો ઘસારો ચોપડવો.

 દૂઝતા હરસ પર ચંદનનો ઘસારો લગાવવો.

 ઊંચી ગુણવત્તાવાળા ચંદનના તેલના બે ટીપાં એક મોટી ચમચી દૂધમાં મેળવી બાળકોને આપવાથી એમની સૂજી જતી ડૂંટી તથા મૂત્રમાર્ગની બળતરામાં ફાયદો થાય છે. પાકતી ડૂંટી પર ચંદનનો લેપ પણ કરવો.

ગરમીને કારણે આખા શરીરમાં દાહ-બળતરા થતાં હોય, ડાયાબીટીસને કારણે હાથ-પગના તળિયા બળતાં હોય, તાપને લીધે રાત્રે ઊંઘ ન આવી અકળામણ-મૂંઝારો થતો હોય, સંતાપ રહેતો હોય, વારંવાર ગુસ્સો આવતો હોય, સ્વભાવ ચીડિયો થઈ જતો હોય તેવી વ્યક્તિઓએ નીચે જણાવેલી રીત પ્રમાણે શુદ્ધ ચંદનનું શરબત બનાવી દિવસમાં બે થી ત્રણ વખત લેવું. ચંદનનું આ શરબત સ્વાસ્થ્ય માટે ઘણું ઉપયોગી છે. આ શરબતના સેવનથી શરીરમાં વધતાં એસિડસનું શમીકરણ (ન્યુટ્રલાઇઝેશન) થાય છે. બરોળ અને લિવર જેવા અવયવોની કાર્યક્ષમતા સુધરે છે, હૃદયને આશ્વાસન મળે છે, શરીરમાં શીતળતા વ્યાપે છે અને મન શાંત-પ્રફુલ્લિત થાય છે. વૃદ્ધો, બાળકો અને સ્ત્રીઓ સર્વે માટે ચંદનના આ શરબતનું સેવન ઘણું ઉપયોગી થઈ રહેશે.

ચંદનનું શરબત બનાવવાની રીત:  દસ ગ્રામ ચંદન કાષ્ઠને પથ્થર પર પાણી ઉમેરતા જઈ ઘસતા રહેવું. આમ કરવાથી ઘસાયેલું ચંદન લુગદી જેવું થઈ જશે. એની સાથે પચ્ચીસ ગ્રામ ઉશીર (ખસ)ના મૂળિયાનું ચૂર્ણ, પચ્ચીસ ગ્રામ સૂકવેલા ગુલાબની પત્તીનું ચૂર્ણ, પાંચ ગ્રામ ઈલાયચી અને જરૂર મુજબ ખડી સાકર ઉમેરી ત્રણ લીટર પાણીમાં આખી રાત પલાળવું.

 સવારે બારિક મતમલના કપડાંથી ગાળી કાચની સ્વચ્છ બાટલીમાં ભરી લેવું. રૂચિ અનુસાર આ શરબતનું સેવન કરવું.

 જે સ્ત્રીઓને માસિક પુષ્કળ પ્રમાણમાં ઘણાં દિવસો સુધી આવતું હોય, વારંવાર મૂત્રમાર્ગના ઈન્ફેકશન (યુરીનરી ટ્રેક્ટ ઈન્ફેકશન) - ઉનવા જેવી સમસ્યા થતી હોય તેમના માટે આ શરબતનું સેવન અમૃતતુલ્ય છે.

 હોજરીનું ચાંદુ (અલ્સર), એસીડીટી, ભોજન બાદ થતી છાતીની બળતરા પર આ શરબતનું સેવન વિશેષ કરીને ઉનાળાના દિવસોમાં રોજ કરવું જોઈએ.