- આરોગ્ય સંપદા - વિસ્મય ઠાકર
- ઉનાળાના દિવસોમાં એરકંડિશનરનો ઉપયોગ માપસર કરવો કિડનીના સ્વાસ્થ્ય માટે ઉચિત ગણાશે
ચોળાના દાણા જેવો આકાર, કદ માણસની મુઠ્ઠી જેટલું, વજન ફક્ત સવાસોથી દોઢસો ગ્રામ, કામ આખા શરીરમાં ફરતાં રક્તને માત્ર પાંચથી દસ મિનિટોમાં જ શુદ્ધ કરી નાખવાનું અને એ પણ આખા દિવસમાં ત્રણસોથી ચારસો વખત. શરીર રચનાની અદ્ભૂત કરામતોમાંની એક કીડની એટલે કે મૂત્રપિંડ વિશ્વમાં બનેલી કોઈપણ ફીલ્ટરીંગ સીસ્ટમ (શુદ્ધીકરણની પ્રણાલી) કરતાં ચઢિયાતી છે.
પેટના પોલાણમાં છેલ્લી પાંસળીઓની સમતલે ડાબી અને જમણી બાજુ એક-એક કીડની ગોઠવાયેલી છે જે રક્તના શુધ્ધિકરણથી લઈ સોડિયમ, પોટેશિયમ જેવાં મહત્વના ક્ષારોનું નિયમન કરે છે. વિષતત્વના નિકાલની વ્યવસ્થાથી લઈ કોઈપણ પ્રકારના ચેપ સામે રક્ષણ કરવા એ તત્પર રહે છે. પાણીના જથ્થાના નિયમનનો સવાલ હોય કે એસિડ બેઝના સંતુલનનું કાર્ય - આ બધામાં કિડનીનું ઘણું મહત્વનું પ્રદાન છે. એના કાર્યમાં એટલી તો ચોકસાઈ હોય છે કે, શરીર માટે જરૂરી વિટામિન્સ કે એમીનો એસિડસનો મૂત્ર માર્ગે એ વ્યય થવા દેતી નથી. એ આવા શરીરોપયોગી તત્વોનું પુનઃશોષણ કરી શરીરની ખપ સારું રક્તમાં પાછા મોકલી આપે છે.
આપણા શરીરનો તાલ- ઇરઆરસ જાળવી રાખતી અથવા તો એમ કહીએ કે એકધારાપણું જાળવી રાખતી આ કિડનીનું વજન કરવું આવશ્યક છે. જો એની સંભાળ ન રાખીએ, એની માવજત ન કરીએ તો એની કાર્યપ્રણાલીમાં સમસ્યા ઊભી થાય, લાંબે ગાળે એ રોગનો ભોગ બને અને કેટલાક ગંભીર પરિણામો આવી શકે. કિડનીની અવગણના કરવાથી થતાં રોગોની લાંબી યાદી છે. જેમાં કિડનીનો ચેપ, પથરી, સિસ્ટ, ગ્લોમેચ્યુલોનેફ્રાઈટીસ, યુરેમિયા, અસ્થિમૃદુતા (ઓસ્ટિઓ મેલેસિયા), હાયબ્લડપ્રેશર, હૃદયની વિફળતા અને રિનલ સેલ કાર્સિનોમા (મૂત્રપિંડનું કેન્સર) મુખ્ય છે. આ સૂચિ પર નજર નાખ્યા પછી કિડનીના જતનનું મહત્વ કેટલું છે તે સમજાશે. એ સારૂ કેટલાક સાદા નિયમોમાં અહીં આપું છું જે કિડનીની સંભાળ થકી સમગ્ર શરીરના સુસ્વાસ્થ્ય માટે ઉપયોગી થઈ રહેશે.
શરીરમાંથી પાણીના જથ્થાનો નિકાલ કરવાની બે પ્રણાલી છે. એક - કિડની થકી મૂત્ર વિસર્જન અને બીજું - ત્વચા થકી થતો પરસેવો. આમ કિડનીના સ્વાસ્થ્યનો ત્વચા સાથે સંબંધ છે. જો ત્વચા થકી પરસેવો વળે તો જ કિડની પર આવતા પાણીના નિકાલનો બોજો ઘટે. ઉનાળામાં ગરમી થકી પરસેવો વળવો સારી બાબત ગણાય. સામાન્ય ગરમીથી અસ્વસ્થ થઈ એરકંડિશ્નરથી કંડિશન્ડ થઈ જતી વ્યક્તિઓ લાંબે ગાળે કિડની સામે ખતરો વહોરી લે છે. એરકંડિશ્નરના વધુ પડતા ઉપયોગથી ત્વચાના છીદ્રો સંકોચાયેલા રહે છે અને પરસેવો વળતો નથી. દિવસ દરમ્યાન પરસેવો વળશે તો પરસેવા થકી વિષતત્વોનો નિકાલ થશે અને કિડનીના કામનો બોજો ઘટશે. ટૂંકમાં ઉનાળાના દિવસોમાં એરકંડિશ્નરનો ઉપયોગ માપસર કરવો કિડનીના સ્વાસ્થ્ય માટે ઉચિત ગણાશે.
બીજી વાત કે, ઓછું પાણી પીનાર વ્યક્તિઓએ પણ કિડની સંદર્ભે સાવધ રહેવા જેવું છે. જે વ્યક્તિઓ ખાસ કરીને ઉનાળાના દિવસોમાં પણ ઓછું પાણી પીવે છે તેમના શરીરમાં વિષતત્વનો સંચય થઈ કિડનીનો ચેપ લાગવાની શક્યતા રહેલી છે. પર્યાપ્ત પાણી પીવાથી રક્તની ઘનતા જળવાય છે અને મૂત્રવિસર્જનની ક્રિયા થકી વિષતત્ત્વોના નિકાલ માટે ઉપયોગી એવું વાહક જલ પૂરતી માત્રામાં મળી રહે છે.
અન્ય મહત્વની એક બાબત છે ખોરાકમાં નમક એટલે કે મીઠાના પ્રમાણને નિયંત્રીત કરવાની. વધુ પડતું નમક ખાનારી વ્યક્તિઓના શરીરમાં પાણીનો સંગ્રહ થઈ હાથે-પગે સોજા દેખાતા હોય છે. જેથી કરી લાંબેગાળે કિડની અને હૃદય પરનો બોજો વધી જાય છે. કિડનીના સારા સ્વાસ્થ્ય માટે ખોરાકમાં નમકના પ્રમાણને નિયંત્રીત કરવું રહે. તેનાથી તદ્દન વિપરીત - જે વ્યક્તિના શરીરમાં સોડિયમ-કલોરાઈડ (નમક) ખૂટી જતું હોય, અશક્તિ વર્તાતી હોય, હાથ-પગમાં ધુ્રજારી રહેતી હોય, વિશેષ કરીને ઉનાળામાં જેમને ઘણો પરસેવો વળતો હોય, તેમણે ખાંડ અને નમક મેળવેલું લીંબુનું શરબત દિવસમાં એકાદ વખત લેવું. શરીરમાં રહેલાં સોડિયમ, પોટેશિયમ જેવાં ઈલેક્ટ્રોલાઈટસના નિયમન માટે પણ કિડનીને સતત કાર્યશીલ રહેવું પડતું હોય છે. જો શરીરમાં સોડિયમનું પ્રમાણ વધે તો સોજા અને પોટેશિયમનું પ્રમાણ વધે તો હૃદયના કાર્યની વિફળતા જેવી ગંભીર સમસ્યા સર્જાઈ શકે. શરીરની સ્થિતિ અને જરૂરિયાત પ્રમાણે સોડિયમ-પોટેશિયમનું પ્રમાણ જાળવી કિડનીની કાર્યપ્રણાલીને આધાર આપવો.
પેશાબ જવાના કુદરતી આવેગને કદિ રોકવો નહિ. એમ કરવાથી રક્તમાં વિષતત્વનું પ્રમાણ વધશે. શરીરને થતાં ચેપી રોગ-ઈન્ફેકશન વખતે કિડનીને પણ ચેપ લાગવાની શક્યતા રહેલી હોય છે. સ્વચ્છતાના પ્રાથમિક નિયમો પાળી, લાંબાગાળાના ઉપવાસ ટાળી, પર્યાપ્ત પૌષ્ટિક આહાર લઈ શરીરની રોગપ્રતિકાર શક્તિ જાળવી કિડનીનું જતન કરી શકાય.
દુઃખાવા માટે વપરાતી દવાઓ ઉપરાંત ટેટ્રાસાયકલીન, સ્ટ્રેપ્ટોમાઇસીન, ઈરિથ્રોમાઈસીનનો વારંવાર વધુ પડતો ઉપયોગ, પારદ, સીસુ, જસત જેવી ધાતુઓ જેમાં વપરાતી હોય એવી ભસ્મીકરણ કરેલી આયુર્વેદિક ઔષધીઓ, કેલ્શીયમની ટીકડીઓ અને વિટામીન્સનો અતિરેક ક્યારેક કિડની બગડવાના કારણોમાંના એક બનતા હોય છે. આવી ઔષધીઓ ચિકિત્સકની સલાહ અનુસાર લેવી ઉચિત ગણાય. કાર્બન ટેટ્રાકલોરાઇડ જેવું રસાયણ (જંતુનાશક દવાઓમાં રહેલું છે)ના ઉપયોગથી પણ કિડનીને હાનિ થઈ શકે. કૃત્રિમ સુંગધ, રંગ કે સ્વાદવાળા પદાર્થો તથા કેમિકલયુક્ત ફર્ટિલાઇઝરના ઉપયોગથી ઉગાડેલા શાકભાજી તથા સારી રીતે રાંધ્યા ન હોય તેવા કઠોળ લાંબે ગાળે કિડનીની કાર્યક્ષમતા ખોરવી શકે છે.
મેદસ્વીતા, હાયબ્લડપ્રેશર, ડાયાબીટીસ, હૃદયને લગતાં રોગો અને અકસ્માતે શરીરનો મોટા ભાગનો હિસ્સો દાઝી જાય ત્યારે કિડનીની વિશેષ સંભાળ સારૂ ચિકિત્સક સાથે વિમર્શ કરવો સલાહભર્યું છે.


