Get The App

એલર્જીજન્ય દમના વિશેષ ઉપચાર .

Updated: Nov 11th, 2025

GS TEAM

Google News
Google News
એલર્જીજન્ય દમના વિશેષ ઉપચાર                       . 1 - image

- આરોગ્ય સંપદા-વિસ્મય ઠાકર

- દમના હુમલા વખતે બહેડા છાલ મોમાં મૂકી ચૂસવી

(૩)

આ  પૂર્વેના બે લેખોમાં એલર્જી થવા પાછળના કારણો અને રોગપ્રતિકાર શક્તિ વધારનાર પરિબળો વિશે જાણ્યું. આજના લેખમાં એલર્જીની સમસ્યા માટેના વિશેષ ઉપચારો પર નજર ફેરવીએ. વિશેષ ઉપચાર રૂપે નાના-નાના ટુચકા ક્યારેક ઘણું મોટું કામ કરી જાય છે. નીચે જણાવેલા ટુચકામાંથી અનુકૂળ આવે તે અજમાવી શકાય. પ્રતિકૂળ જણાય તો તુરંત બંધ કરવા. સરળ અને સાદા આવા નુસ્ખા એલર્જીજન્ય રોગો માટે તમને ઘણાં ઉપયોગી થઈ રહેશે.

દમ (અસ્થમા) : દમની તકલીફ રહેતી હોય એવી વ્યક્તિઓએ સાંજના સમયે એક ચમચી દેશી દિવેલ હુંફાળુ ગરમ કરી પીવું. એની ઉપર શેકેલો અજમો તથા નમક ચાવીને ખાવા.

(૨) શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય ત્યારે જેઠીમધનો ઉકાળો લેવો.

(૩) છાતીમાં કફ ભરાઈ રહેતો હોય અને નીકળતો ન હોય ત્યારે પાંચ - પાંચ ગ્રામ સૂંઠ, વાવડીંગ, ગંઠોડા, પીપર તથા નમક લઈ એનાથી અડધા ભાગે મરી ઉમેરી ઉકાળો બનાવી ગરમ-ગરમ પીવો.

(૪) રાઈને વાટી સરસિયાનું તેલ મેળવી લુગદી બનાવી છાતી પર લેપ કરવો. લેપ આશરે કલાક લગાવી રાખવો. આ મુજબ સળંગ ચાર-પાંચ દિવસ કરવાથી છાતીમાં ભરાયેલો કફ છૂટો પડશે અને શ્વાસ લેવાનું સરળ બનશે.

(૫) જ્યારે દમનો હુમલો આવે ત્યારે દિવેલમાં શેકેલું કાયફળની છાલનું એક ગ્રામ ચૂર્ણ મધ સાથે મેળવી ચાટવું (નોંધ: કાયફળની છાલના ચૂર્ણથી કેટલીક વ્યક્તિઓને વમન (વોમીટ) થઈ શકે, જેથી માત્રા વિવેક રાખવો અને દિવસ દરમ્યાન વધુ વખત પ્રયોગ કરવો નહિ.)

(૬) દમનો હુમલો આવે ત્યારે તત્કાલ કરવા જેવો ત્રીજો પ્રયોગ - ટિકચર ઓફ કેમ્ફર (કપૂરના અર્ક)ના બે ટીપાં અથવા નાગરવેલના પાનના રસના પાંચ ટીંપા એક મોટી ચમચી હુંફાળા પાણીમાં મેળવી દર દોઢ-બે કલાકના અંતરે લેવા. શ્વાસ લેવામાં રાહત જણાય તો તરત પ્રયોગ બંધ કરવો.

(૭) દમના દર્દીઓના ઓરડામાં ધતૂરાના સૂકા પાનને સળગાવી. એની ધૂણી ફેરવવી. (નોંધ: ઓરડાના બારી-બારણા ખુલ્લા રાખવા)

(૮) દમ કે શ્વાસના ઉગ્ર હુમલા વખતે પચ્ચીસ ગ્રામ બેઠી ભોરીંગણીના પંચાંગનો ઉકાળો કરી, એમાં પાંચ ગ્રામ અરડૂસીનું ચૂર્ણ, બે ગ્રામ મરી તથા બે ગ્રામ નમક મેળવી ગરમ-ગરમ સૂપની જેમ લેવું.

(૯) દમના રોગીઓએ વીસ નંગ આકડાના ફૂલની કળી સો મી.લી. દેશી દિવેલમાં ઉકાળી, ગાળી એક સ્વચ્છ શીશીમાં ભરી લેવું. સવાર-સાંજ નાકના બંને નસ્કોરામાં આ દિવેલના બે-બે ટીપાં હુંફાળા કરી પાડવા.

(૧૦) દમના હુમલા વખતે બહેડા છાલ મોમાં મૂકી ચૂસવી.

(૧૧) દમના રોગીઓએ સમભાગે મેળવેલા નાગરમોથ, હરડે અને સૂંઠના બારીક ચૂર્ણમાં બમણો જૂનો દેશી ગોળ મેળવી, ચણા જેટલી ગોળી બનાવી રાખી, નિત્ય દિવસમાં એકાદ વખત સેવન કરવા યોગ્ય છે.

(૧૨) શ્વાસની ઉગ્ર અવસ્થામાં નાળિયેરના છોડાની રાખ મધ સાથે ચાટવી.

(૧૩) બાળકોને શ્વાસ કે દમની તકલીફ રહેતી હોય તો આંકડાના પાન પર દિવેલ લગાવી છાતી પર એનો શેક કરવો. (નોંધ: આંકડાના છોડમાંથી નીકળતું દૂધ ઝેરી હોઈ આંખો તથા મોંમાં ન જાય એનું ધ્યાન રાખવૂું.) શેક કરવા માટે પાન પર દિવેલ લગાવી છાતી પર મૂકવા. એની ઉપર તાવડી પર ગરમ કરેલું 

કપડું મૂકતાં જઈ પાંચ-દસ મિનિટ માટે હળવો શેક આપવો. જ્યારે દમનો હુમલો આવ્યો હોય ત્યારે આ પ્રયોગ ન કરતાં રાહતની અવસ્થામાં કરવો. આ સિવાય શેકેલા અજમાનો ભૂકો કરી એની નાની પોટલી બનાવી બાળકના ગળે બાંધવી અથવા ઓશીકા નીચે રાખવી.

દમ - (અસ્થમા)ના હુમલા પરના આ વિશેષ ઉપચારોની સાથે સાથે આટલી બાબતો અચૂક ધ્યાનમાં રાખજો. તમારી આસપાસના વાતાવરણમાં રહેલ ફુગ, બેક્ટેરીઆ કે વાયરસથી પણ એલર્જીજન્ય શ્વાસનો હુમલો આવી શકે છે. માટે પ્રાથમિક સ્વચ્છતા રાખવી આવશ્યક છે. ગાદી-ઓશીકા તડકે રાખવા, નમકના પાણીથી પોતા કરવા, લોબાન, ગુગળ અને લીમડાના પાનનો નિયમિત ધૂપ કરવો. ઓરડામાં પૂરતા હવા-ઉજાસ રહે એનું ધ્યાન રાખવું. ઘરમાં જે ભાગમાં સૂર્ય પ્રકાશની અછત હોય, ભેજ વર્તાતો હોય ત્યાં કપૂર રાખવું. તદુપરાંત દમ-અસ્થમાના રોગીઓએ નિયમિત અજમો નાખેલા ગરમ પાણીનો નાસ લેવો. નિત્ય સવારના કૂણા તડકામાં બેસી સૂર્ય સ્નાન કરવું. ઊંડા શ્વાસોચ્છવાસની ટેવ કેળવવી. દમના હુમલા વખતે દર્દીના કપડાં બહુ ચુસ્ત ન રહે એનું ધ્યાન રાખવું. ઓરડાના બારી-બારણાં બંધ ન રાખતા એવી રીતે ખુલ્લા રાખવા કે પૂરતો પ્રાણવાયુ મળે અને સૌથી મહત્વની બાબત - દમના હુમલા વખતે દર્દીએ પથારીમાં સૂઈ ન રહેતાં દિવાલને તકિયો ટેકવી પગ લાંબા કરી પથારીમાં આરામદાયક સ્થિતિમાં બેસવું.

એલર્જીજન્ય ખરજવું અને શીળસ માટેના વિશેષ ટુચકા આવતા લેખમાં

(ક્રમશ:)