Get The App

કૉલેસ્ટેરોલ વિશે આટલું જાણો ,

Updated: Dec 9th, 2025

GS TEAM

Google News
Google News
કૉલેસ્ટેરોલ વિશે આટલું જાણો                                   , 1 - image

- આરોગ્ય સંપદા-વિસ્મય ઠાકર

- બેઠાડુ જીવન, વ્યાયામનો અભાવ અને માનસિક તનાવ કૉલેસ્ટેરોલ વધારી શકે છે

અ ઢારમી સદીના શરૂઆતના તબક્કામાં માઈકલ શેવરીઅલ નામના ફ્રેંચ વૈજ્ઞાનિકે પિત્તાશયમાં બનતી પથરી (ગૉલ બ્લેડર સ્ટોન) શબ્દ 'કૉલે' એટલે કે પિત્ત જેવું પીળું અને 'સ્ટીરીઓસ' એટલે સખ્ત કે કઠણ એમબે શબ્દોની સંધિ દ્વારા 'કૉલેસ્ટેરોલ' નામ આવિષ્કૃત કર્યું. ત્યારબાદ, અઢારસો પાંત્રીસમાં અન્ય સંશોધકોએ શરીરમાં કૉલેસ્ટેરોલના વધુ પડતાં સંગ્રહથી થતી સમસ્યાઓ વિશે વિસ્તૃત અહેવાલ આપ્યો. ઓગણીસો ત્રીસમાં એડૉલ્ફ વિન્ડાઉસ નામના વૈજ્ઞાનિકે એની રાસાયણિક ફોર્મ્યુલા C27H45OH  શોધી નાખી. સમય જતાં કૉલેસ્ટેરોલ વિશેના જ્ઞાનમાં અભિવૃધ્ધિ તો થઈ, સાથે-સાથે કૉલેસ્ટેરોલનું ઊંચું સ્તર ધરાવતી વ્યક્તિઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે.

કૉલેસ્ટેરોલ વાસ્તવમાં શું છે ? એ મીણ જેવો ચીકણો પદાર્થ છે. શરીરના લગભગ બધાંજ કોષોમાં એનું ઓછુંવધતું પ્રમાણ હોય છે. પણ મગજ, કરોડરજ્જુ, એડ્રીનલ ગ્લેન્ડ અને લીવરમાં એ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. સ્વાદ અને ગંધરહિત તેમજ સ્ફટિકરૂપ રચના ધરાવતો આ પદાર્થ  ૧૪૯ બ જેટલા ઉંચા તાપમાને ઓગળે છે તથા પાણી, તેજાબ જેવા અમ્લ દ્રવ્યો અને ક્ષારોમાં એ ઓગળતો ન હોવા ને કારણે જ શરીરમાં જમા થયેલો જોવા મળે છે. એ પ્રોટીન સાથે સંયોજીત થઈને લીપોપ્રોટિન સ્વરૂપે રહેલો હોય છે. એમાં પણ એચ.ડી.એલ. - એટલે હાઇ ડેન્સીટી લીપોપ્રોટિન, એલ.ડી.એલ. એટલે લો ડેન્સીટી લીપોપ્રોટિન અને વી.એલ.ડી.એલ. એટલે વેરી લો ડેન્સીટી લીપોપ્રોટિન જેવા પેટા વિભાગોમાં વહેંચાયેલો જોવા મળે છે. શરીર માટે એચ.ડી.એલ. એ સારૃં કે ઉપયોગી કૉલેસ્ટેરોલ ગણાય છે. જયારે એલ.ડી.એલ. અને વી.એલ.ડી.એલ. એ ખરાબ કૉલેસ્ટેરોલ ગણાય છે. સારા કૉલેસ્ટેરોલ શરીર માટે ઘણાં ઉપયોગી છે. જે કોષોની દિવાલ, એડ્રિનલ ગ્લેન્ડના હોર્મોન મગજ અને જ્ઞાનતંતુની મેમ્બ્રેન બનવા માટે મહત્વનો ભાગ ભજવે છે. તદુપરાંત ચરબીને પચાવનારા પિત્ત (BILE) ના નિર્માણ માટે પણ એની જરૂર પડે છે.

ખરાબ કૉલેસ્ટેરોલ શરીરમાં વધવાથી લોહીની નળીઓની કઠિનતા વધી એથરોસ્કલેરોસીસની સ્થિતી સર્જાય જેથી બ્લડપ્રેશર વધે અને સાથે હૃદયને લગતાં રોગો જેમાં માયોકાર્ડિઅલ ઇસ્કેમિયા, હાર્ટએટેક તથા મસ્તિષ્કને લગતાં રોગો જેમાં પેરાલીસીસ અને સ્ટ્રોક થઈ શકે છે.

શરીરમાં કૉલેસ્ટેરોલ વધવાના કારણો આ પ્રમાણે છે :

(૧) વારસાગત કે અનુવાંશિક કારણો, (૨) કીડનીની રોગજન્ય સ્થિતિ, (૩) ડાયાબીટીસ, (૪) થાઈરોઈડ ગ્રંથીની વિફળતા, (૫) ગાઉટ, (૬) પ્રાણીજ ચરબી જેમાં સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ વધારે હોય એવાં માખણ, ઘી, ક્રીમ, ચીઝ તથા ઈંડા, મટનટેલો, માછલી, કોડલીવર ઓઈલનું વધુ પડતું સેવન, (૭) વનસ્પતિ ઘી અને નાળિયેરના તેલનો વધુ ઉપયોગ (૮) આલ્કોહોલ કોફી, પોટેટો ચીપ્સ, તળેલી વેફર્સ, ગ્રેવી કે સોસ વાળો ખોરાક, ચોકલેટ, પેસ્ટ્રી અને માવાની મીઠાઈ જેવાં વધુ પડતી શર્કરાયુક્ત પદાર્થોનો ખોરાકમાં ઉપયોગ (૯) બેઠાડુ જીવન, વ્યાયામનો અભાવ અને માનસિક તનાવ કૉલેસ્ટેરોલ વધારી શકે છે.

કૉલેસ્ટેરોલને નિયંત્રીત કરવા માટે ઉપર જણાવેલા કારણભૂત આહાર દ્રવ્યોનો ત્યાગ કરવો. ઉપરાંત રોજના ખોરાકમાં લસણ, ગાજર, આદુ, મૂળા, દ્રાક્ષ, આમળા, 

લીલી ચા તથા હિંગનો માપસર ઉપયોગ કરવો. કરડીનું તેલ (સેફલાવર ઓઇલ), સૂર્યમુખીનું તેલ (સન ફલાવર ઓઇલ), સોયાબીનનું તેલ, ઓલીવ ઓઇલનો ઉપયોગ ખોરાકમાં કરી શકાય. વ્હીટ જર્મ ઓઇલ જેમાં વિટામીન ઈ રહેલું છે એનો ઉપયોગ તબીબી સલાહ અનુસાર કરી શકાય. બેઠાડુ જીવન ત્યાગી, વ્યાયામ અપનાવવો તથા તનાવમુક્ત થઈ પ્રસન્નચિત્ત રહેવું.

કૉલેસ્ટેરોલ નિયંત્રીત કરવા માટે સમયાંતરે સીરમ લીપીડ પ્રોફાઈલના રીપોર્ટ કરાવી તબીબી સલાહ લેવી આવશ્યક છે. આગળ જણાવેલ પરેજીનું કડક પાલન કરી સહાયક ઉપચારરૂપે નીચે જણાવેલો ઉકાળો દિવસમાં એક વખત લાંબા સમયસુધી સવારે નરણાં કોઠે લેવો. ચૂર્ણરૂપે મેથી તથા જેઠીમધ પાંચ-પાંચ ગ્રામ હરડે, બહેડા, આમળા, તમાલપત્ર, તજ, તાલીસપત્ર, અર્જુનછાલ, અજમો બે-બે ગ્રામ અને કાળા મરી, લીંડી પીપર તથા નમક એક-એક ગ્રામ લઈ, આશરે એક ગ્લાસ ઉકળતા પાણીમાં ઉમેરી, પાત્ર અગ્નિ પરથી ઉતારી લેવું. ઠંડુ પડે ત્યારે ગાળી, એમાં એક ચમચી મધ ઉમેરી સેવન કરવું.