- આરોગ્ય સંપદા-વિસ્મય ઠાકર
- કોથમીરનો ઉપયોગ વાનગીઓના શણગાર માટે નહિ પણ સ્વાસ્થ્યની વૃધ્ધિ અને શરીરની શુધ્ધિના આશયથી કરવો ઉચિત ગણાય
ઉ નાળાની શરૂઆત - પ્રખર તાપ - વૃક્ષોની ઘટતી જતી સંખ્યા - પ્રદૂષણ. વળી, બાંધકામોમાં વધતાં જતાં રિફલેક્ટીવ મટીરીયલ્સના વપરાશથી બાહ્ય વાતાવરણમાં વધતી ગરમી. સરવાળે શહેરી વિસ્તારોમાં ઊંચુ જતું તાપમાન.
વાતાવરણના પરિવર્તનની માનવ શરીર પર અસર થતી હોય છે. પ્રકૃતિના તાલમેલ સાથે અનુકૂલન સાધી ટકી રહેવામાં સ્વાસ્થ્યનું શ્રેય રહેલું છે. ગરમીના દિવસોમાં થતાં પુષ્કળ પરસેવાને કારણે જલત્વ સાથે પોષણ યુક્ત તત્વોનો પણ વ્યય થતો હોય છે. સનસ્ટ્રોક (લૂ લાગવી), ચક્કર, બેચેની, ગભરામણ, કામ કરવાની શક્તિ ઘટવી, આળસ, તંદ્રા તો ક્યારેક ગરમીને કારણે થતાં ઝાડા, ઉલટી, શરીરના વિવિધ ભાગોમાં દાહ, બળતરા, ભૂખનારા અને ખાવા પ્રત્યેની અરુચિ જેવી સમસ્યાઓ ગરમીના દિવસોમાં સવિશેષ જોવા મળે છે. આ સામે શાતા અને ઠંડક આપે એવી ઉનાળાની અમૂલ્ય ઔષધીઓ છે - ધાન્યક અને ઉશીર. આ અપ્રતિમ ઔષધીઓને રોજીંદા ખાન-પાન સાથે સમાવી લેવી જોઇએ. આમ કરવાથી ગરમીના ઉપદ્રવો સામે શરીરનું સંતુલન જાળવી શકાય.
સૌ પ્રથમ ધાન્યક એટલે કે ધાણા-લીલીકોથમીર વિષે વાત કરીએ. આપણએ ગુજરાતીઓ કોથમીરનો ઉપયોગ ઘણો ઓછો કરીએ છએ. વાનગીઓ સારી દેખાય એ સારુ દાળ-શાક કે ફરસાણ પર બે-ચાર પત્તા ભભરાવીએ છીએ. કોથમીરનો ઉપયોગ વાનગીઓના શણગાર માટે નહિ પણ સ્વાસ્થ્યની વૃધ્ધિ અને શરીરની શુધ્ધિના આશયથી કરવો ઉચિત ગણાય. ટૂંકમાં કોથમીરનો ઉપયોગ છૂટથી કરવો. ઉનાળાના દિવસોમાં બપોરના ભોજન સાથે પાંચથી દસ ગ્રામ જેટલી કોથમીરની ચટણી ખાઈ શકાય. આ કોથમીર ભૂખ લગાડનાર, પાચન કરનાર, શરીરમાં થતી દાહ અને બળતરા દૂર કરનાર, ઉબકા, ઉલટી અને ઝાડાને દૂર કરનાર, પેટની ચૂંક મટાડનાર તથા અન્નમાં સ્વાદ અને સુગંધની વૃધ્ધિ કરનાર છે. વિશેષ કરીને એમાં વિટામીન 'A'નું ઘણું પ્રમાણ છે. જે આંખોના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. કોથમીરનું સંસ્કૃત નામ ધાન્યક છે.
'ધારણે પોષણે પોષણે ચ હિતં સાધુવેતિ'
અર્થાત્ શરીરના ધારણ અને પોષણમાં જે હિતાવહ છે તે ધાન્યક, આવા ધાન્યક એટલે કે ધાણાને રોજીંદા ખોરાકમાં સ્થાન આપવાનું ચૂકશો નહિ.
બીજી એક અપ્રતિમ ઔષધીનું નામ છે ઉશીર. ઉશીરને હિન્દીમાં ખસ અને ગુજરાતીમાં વાળો કહેવાય. વાસ્તવમાં એ ઘાસ વર્ગની વનસ્પતિના સુગંધી મૂળિયા છે. ખસ ગુણથી શીતળ, બળતરા દૂર કરનાર, થાકને હરનાર, તરસ મટાડનાર અને મનને પ્રસન્ન કરનાર છે. ઉનાળાની આ અમૃતતુલ્ય ઔષધીના ઉપયોગો પર નજર નાખીએ.
ખસના આ મૂળિયાને બાંધી, વણી એની ખસટટ્ટી બનાવવામાં આવે છે. લઘુઉદ્યોગ અને ગૃહઉદ્યોગના ભાગરૂપે ભારતના અનેક ગામડાઓમાં એનું નિર્માણ થાય છે. આવી ખસટટ્ટી કરી બારી-બારણે લટકાવી રાખવાથી ઠંડક સાથે મનમોહક સુગંધીનો અનુભવ થાય છે. કેરાલા મેડિકલ રિસર્ચ સેન્ટરના ઉપક્રમે થયેલા અભ્યાસો અનુસાર ખસટટ્ટી લગાવીને સજ્જ કરેલા ઓરડામાં ટેન્શન, સ્ટ્રેસ અને વ્યગ્રતાની વ્યાધિથી ગ્રસ્ત વ્યક્તિઓને કેટલાક દિવસો સુધ રાખવામાં આવ્યા અને આશ્ચર્ય સાથે તેમના મનોવલણમાં સકારાત્મક પરિવર્તનો નોંધાયા.
- ખસના મૂળિયા ધોઈ સ્વસ્છ કપડામાં પોટલી કરી પીવાના પાણીના પાત્રમાં મૂકી રાખવી. ૧૨ બે દિવસે પોટલી બદલી. દિવસ દરમ્યાન આવું પાણી પીવાથી શરરીમાં ઠંડક થાય છે. ગરમીના દિવસોમાં રહેતો ઝીણો તાવ, શરીરનો ધગારો, સનસ્ટ્રોક, ઉબકા-ઉલટી, એસીડીટી, દાહ અને બળતરા મટે છે. પેશાબ અટકી ગયો હોય અને
પેઢુમાં ભાર લાગતો હોય તો આવું પાણી વારંવાર પીવું અને એની ઉપર એલચીના બે દાણા ચાવીને ખાવાથી પેશાબ છૂટથી થાય છે.
- ખસનાં ઉત્તમ અત્તરો સુંઘવાથી અને કપાળે લગાવી રાખવાથી ગરમીને કારણે થતાં માથાના દુઃખાવામાં રાહત થાય છે. આ અત્તર શરીર પર લગાવી રાખવાથી પરસેવાની દુર્ગંધ દૂર થાય છે. અજમેર અને લખનઉ બાજુ ખસનાં અત્તરનો ઉપયોગ આ માટે છુટથી થાય છે.
- કોપરેલ તેલમાં ખસના મૂળિયાને અધકચરા કૂટી અગિયાર દિવસ સુધી પલાળી રાખવા, ત્યારબાદ આ તેલનો ઉપયોગ કરવો. મૂળિયા તેલમાં જ રહેવા દેવા. આ તેલની માલિશ માથામાં કરવાથી ગરમીને કારણે થતો માથાનો દુઃખાવો, આંખોની બળતરા, નસકોરી ફૂટવી, ચક્કર વગેરેમાં ફાયદો થાય છે. આ જ તેલના ત્વચા પર બાહ્ય પ્રયોગથી હથેળી અને પગના તળિયાની બળતરા ઉપરાંત ગરમીમાં રક્તદોષને લીધે થતી અળઈ, ફોડલી, ગૂમડા મટે છે.
- શીતળા પર સુગંધી વાળો વાટી ગુલાબજળ મેળવી વારંવાર લગાવવાથી ત્વરિત ફાયદો થાય છે.


