Get The App

વિરુધ્ધ આહાર એટલે રોગોનું ઘર

Updated: Jan 6th, 2026

GS TEAM

Google News
Google News
વિરુધ્ધ આહાર એટલે રોગોનું ઘર 1 - image

- આરોગ્ય સંપદા-વિસ્મય ઠાકર

- એક સાથે જાતજાતની વાનગીઓ ભેગી ન કરતાં સાદું અને સાત્વિક ભોજન સ્વાસ્થ્યપ્રદ છે

વિ રુધ્ધ આહાર એટલે શું ? સાદી સમજણ એ કે, અન્ન જીવનનો આધાર છે. ખોરાક એ શરીરના બંધારણ, વિકાસ, બુધ્ધિ અને કાર્યક્ષમતાનો પાયો છે. શરીરના સૂક્ષ્મ કોષો (CELLS)થી લઇને મનોમય કોષ સુધીની જટીલ દેહરચનાનો આધાર પણ ખોરાક થકી થતાં પોષણને આભારી છે. અન્નં વૈ પ્રાણ: - અન્ન જ પ્રાણ છે. આમ ખોરાકનો કેટલો બધો પ્રભાવ શરીર અને મન પર રહેલો છે ? પણ જો ખોરાક યોગ્ય રીતે - સમજણપૂર્વક ન લેવામાં આવે તો રાસાયણિક વિકૃતિઓ પેદા થાય અને આપણું શરીર અવનવા રોગોનું ઘર બને. ટૂંકમાં ભોજન કર્યા પછી જો શરીરના દોષો વધે અને એનો યોગ્ય નિકાલ ન થતાં રોગજન્ય સ્થિતિ સર્જાય તો એ વિરુધ્ધ આહાર થયો કહેવાય.

હવે દૂધ જેવાં રોજીંદા ખોરાક વિશે જોઇએ તો દૂધ સાથે નીચે જણાવેલી વસ્તુઓ વિરોધી થાય જેમ કે ખાટાં કે મીઠા ફળો, દહીં, કઢી, શ્રીખંડ જેવા ખાટાં પદાર્થો, ઇડલી, ઢોંસા, બ્રેડ, જેવી આથાવાળી વાનગીઓ, મઠ, વાલ જેવાં કઠોળ, મૂળો, સરગવો, તુલસી, કાંદો અને નમક વિશેષ કરીને માંસ અને માછલી. એમાં પણ કોડ-લીવર ઓઇલના ટીપાં દૂધ સાથે આપવાનો રીવાજ તદ્દન ખામીભર્યો છે. દૂધ સાથે ઉપર જણાવેલી વસ્તુઓનો સંયોગ કરવાથી કોઢ, કરોળિયા, ખરજવુ, ખંજવાળ, કુષ્ટ જેવાં અગણિત ત્વચાના રોગો થઇ શકે. આજકાલ દૂધ સાથે કૃત્રિમ રંગ અને સુગંધયુક્ત પપદાર્થોના સંયોજનથી બનેલા આઈસક્રીમ, કોલ્ડ-ડ્રીંક વગેરે કેટલું નુકસાન કરી શકે ? આહારની દ્રષ્ટિએ આ ચિંતાનો વિષય છે. દૂધ લીધું હોય એના ચાર-પાંચ કલાક પહેલાં અને પછી જ ઉપર જણાવેલી વસ્તુ લેવી હિતાવહ છે. આ સિવાય અડદ સાથે ગોળ અને મૂળા તથા ગોળ સાથે લસણ અને મૂળા પણ વિરુધ્ધ છે.

મધ વિષે પણ ઘણી પ્રચલિત છતાં ખોટી માન્યતાઓ રહેલી છે. જેમ કે, વજન ઉતારવાના નુસ્ખારૂપે લોકો ગરમ પાણી અને મધ લેતાં હોય છે, જે યોગ્ય નથી. ગરમ કરેલું મધ, ગરમ દ્રવ્ય, સાથે લીધેલું મધ, ખૂબ ગરમી પડતી હોય ત્યારે ખાધેલુ મધ એ રક્તસ્ત્રાવ (HAEMORRHAGE) ગર્ભપાત, દાહ, એસિડીટી, અલ્સર જેવી સમસ્યા ઊભી કરી શકે. ઘી સાથે કદી સરખા ભાગે મધ ન લેવું. એમ કરવાથી આ મિશ્રણ વિષ (POISON)  જેવું થઇ જાય છે અને શરીરમાં ઝેરી અસર ઉપજાવે છે.

ગરમ ભોજન પછી તરત ખાધેલ આઈસક્રીમ કે ફ્રીજમાં રાખેલાં ઠંડા ડેઝર્ટ મીઠાઈ યોગ્ય નથી. આધુનિક જીવનમાં અપનાવેલી ખાન-પાનની આવી શૈલી ક્ષતિગ્રસ્ત છે. તદુપરાંત ઠંડી ઋતુમાં વધુ પડતી ઠંડી વસ્તુ અને ગરમ ઋતુમાં વધુ પડતી ગરમ વસ્તુ ખાવી એ કાલવિરુધ્ધ ભોજન કહેવાય. આવા પાક અને કાલવિરુધ્ધ ભોજનથી સોજા, નપુંસકતા, અમ્લપિત્ત, ડાયાબીટીસ, ભગંદર, પથરી જેવાં ભયંકર રોગો થવાની શક્યતા રહેલી છે.

વ્યાયામ કર્યા પછી વધુ પડતો પરિશ્રમ કર્યા પછી કે ગરમીમાંથી આવીને તરત ઠંડુ પાણી ન લેવું. આને અવસ્થા વિરુધ્ધ ભોજન કહેવાય. મળમૂત્રનો ત્યાગ કર્યા વગર ભોજન કરવું, ભોજન પછી તરત સ્નાન કરવું, ગંદા વસ્ત્રો પહેરી, હાથ-પગ ધોયા વગર ભોજન કરવું ભોજન દરમ્યાન અને પછી તરત વધુ પડતંવ પાણી પીવું, એકાંત ન હોય એવી જગ્યાએ ભોજન કરવું યોગ્ય નથી.

પોતાની ક્ષમતા ન હોવા છતાં પેટ ભરીને ભોજન કરવું અથવા અપચો અને અજીર્ણ હોય ત્યારે તેલ-ઘી યુક્ત ભારે પદાર્થો ખાવા હિતકર નથી. ખરેખર ભૂખ કરતાં થોડું ઓછું ખાવું. એક ટંકમાં પેટ ભરીને ખાધેલા ભોજન કરતાં ટુકડે ટુકડે ખાધેલું ભોજન, 

એક સાથે જાતજાતની વાનગીઓ ભેગી ન કરતાં સાદું અને સાત્વિક ભોજન સ્વાસ્થ્યપ્રદ છે. જે સારી રીતે પકવ ન થયું હોય અને કાચું રહી ગયું હોય એ પણ ભોજનમાં લેવું અનુચિત છે. તાંબા કે એલ્યુમીનિયમના પાત્રમાં રાખેલું દહીં અથવાતો એલ્યુમીનિયમના બંધ પાત્રમાં લાંબા સમય સુધી રાખી મૂકેલો ખોરાક તથા કલાઈ ચઢાવેલા પિત્તળના વાસણમાં રાંધેલો ખોરાક વિરુદ્ધ કહેવાય. એમ કરવાથી ધાતુના ઓક્સિજન સાથેના સંયોગથી ઉત્પન્ન થતાં ઓક્સાઇડસ જેવાં ઝેરી રસાયણો ખોરાકમાં વિષજન્ય અસર કરી શકે.

શરીર અને મનને અનુકૂળ ન હોય તેવી વસ્તુ ક્યારેય ન લેવી, જેમ કે, શાકાહારી માટે માંસાહાર એ સાત્મ્ય વિરુધ્ધ ભોજન કહેવાય. કચ્છ, કાઠિયાવાડ જેવાં ગરમ પ્રદેશમાં ગુણથી ગરમ લુખું અને રુક્ષ ભોજન તથા દરિયા કિનારા નજીકના પ્રદેશોમાં વધુ પડતી ખાટી અને આથાવાળી વસ્તુઓ દેશવિરુધ્ધ ભોજન કહેવાય.

અને અંતે, ડૉક્ટર સ્મિથે તેમની નવ્વાણું વર્ષની ઉંમરે પોતાના સ્વાસ્થ્યનું રહસ્ય જણાવતાં કહેલું કે, 'જીવનના આટલાં વર્ષો મેં આહારૂપી લગામથી અશ્વ જેવાં સ્વાસ્થ્યનું નિયંત્રણ કર્યું. આ જ નિયંત્રણે મને હજી સુધી તો ઉથલાવીને પાડયો નથી.'