- આરોગ્ય સંપદા-વિસ્મય ઠાકર
- સનસ્ટ્રોક, કોલેરા, ઝાડા-ઉલટીમાં શરીરમાંથી જલ સાથે આવશ્યક પોષક તત્ત્વોનો વ્યય થાય છે. એવા વખતે નમક અને ખાંડ મેળવેલું પાણી વારંવાર પીતા રહેવાથી ફાયદો થાય છે.
- ભોજન સાથે એકાદ ઘૂંટડાથી વધુ લીધેલું પાણી પાચક રસોને મંદ કરી ખોરાકનાં પાચનમાં અંતરાય ઊભો કરે છે
સૃ ષ્ટિના સમગ્ર જીવોમાં રહેલાં જીવરસના બંધારણમાં જલતત્ત્વ રહેલું છે, જે જીવનક્રિયાનો મુખ્ય આધાર છે. જીવની ઉત્પત્તિ પણ લીલ-શેવાળ સ્વરૂપે સૌ પ્રથમ જલમાં થઈ હોવાનું મનાય છે. દશાવતાર મુજબ જીવોત્પત્તિનો પ્રથમ જીવ જલમાં પેદા થયેલ મત્સ્ય છે. શરીરના બંધારણ માટે, ચયાપચયની ક્રિયા માટે અને દેહના રાસાયણિક વ્યાપારો માટે આવશ્યક એવું જલ કેટકેટલાં રોગો દૂર કરી શકે છે ? ખાસ કરીને ઉનાળામાં પર્યાપ્ત માત્રામાં લીધેલું જલ આરોગ્યના આધારરૂપ છે. વિવિધ રોગાવસ્થામાં જલના ઔષધિય ઉપયોગો :-
(૧) કબજિયાત : જે વ્યક્તિઓને બંધકોષ - કબજિયાતની ફરિયાદ રહેતી હોય તેવી વ્યક્તિઓએ સવારે ઊઠીને નરણાંકોઠે બે થી ત્રણ ગ્લાસ જેટલું હુંફાળુ કરેલું પાણી લેવું. આમ કરવાથી આંતરડાની આકુંચન ક્રિયાને ઉત્તેજના મળશે. ગંઠાઈને સૂકાયેલો મળ પોચો પડશે અને હાજત જવાની ક્રિયામાં સરળતા રહેશે. આ પ્રમાણે કરેલું ઉષ:જલપાન કબજિયાતના દર્દીઓ માટે લાભદાયી છે.
(૨) પાચન સંબંધી ફરિયાદ રહેતી હોય, ખોરાક લીધા પછી એસીડીટી, દાહ-બળતરા થતી હોય, પેટ ફૂલી જતું હોય, ખોરાક લીધા પછી ઓડકાર આવતાં હોય, પેટમાં ચૂંક અથવા દુ:ખાવો રહેતો હોય, ખાવા પ્રત્યે અરૂચિ રહેતી હોય - આમાંના કોઈપણ લક્ષણ ધરાવતી વ્યક્તિઓએ ભોજનના અડધો કલાક પહેલાંના સમયગાળામાં ક્યારેય પાણી ન પીવું. ભોજન પછી તરત માત્ર એક ઘૂંટડો પાણી પીવું અને ભોજન કર્યાની ત્રીસથી પિસ્તાળીસ મિનિટ પછી એકથી દોઢ ગ્લાસ પાણી પીવું. આમ કરવાથી પાચક રસોનું ઉત્તેજન તથા મળ બન્યા પછી તેમાં રહેલાં પર્યાપ્ત જલતત્ત્વને આધારે પોષણયુક્ત તત્ત્વોનું શોષણ સુપેરે થાય છે. ડો. હચિન્સન જણાવે છે કે, ભોજન મધ્યે લીધેલું એક ઘૂંટડો પાણી - એક ઉત્તમ એપેટાઇટ જ્યૂસ છે, એનાથી પાચક રસોને ઉત્તેજના મળે છે અને ખોરાકનું પાચન યોગ્ય રીતે થાય છે. ભોજન સાથે એકાદ ઘૂંટડાથી વધુ લીધેલું પાણી પાચક રસોને મંદ કરી ખોરાકનાં પાચનમાં અંતરાય ઊભો કરે છે. સ્વાસ્થ્યનાં રક્ષણાર્થે ઉપર જણાવેલી રીત પ્રમાણે પાણીનું સેવન કરવું.
(૩) જેમને ઓક્યુલર પ્રેશર (આંખના ડોળાનું દબાણ) ઘટતું હોય અને જેથી કીકીના સંકોચ-વિકાસમાં વિક્ષેપ થઈ આંખોમાં ઝાંખપ રહેતી હોય એમણે પ્રતિ કલાકે ઘૂંટડો-ઘૂંટડો પાણી પીતા રહેવું.
(૪) જે સ્ત્રીઓને માસિક દુ:ખાવા સાથે ઓછું આવતું હોય, લાંબા અંતરે આવતું હોય એ સ્ત્રીઓ ઉપરાંત ગર્ભિણીઓએ ગર્ભજળની સમતા જાળવવા અને દુગ્ધપાન કરાવતી સ્ત્રીઓએ ધાવણની ગુણવત્તા વધારવા સભાનતાપૂર્વક રોજના બારથી પંદર ગ્લાસ પાણી લેવું આવશ્યક છે.
(૫) ભોજનક્રિયા પછી પેદા થતાં યુરિયા, યુરીક એસિડ, ક્રિએટીનીન જેવાં વિષતત્ત્વો જલદ્રાવ્ય હોઈ મૂત્ર દ્વારા શરીરની બહાર ફેંકાઈ જતાં હોય છે. જો રીપોર્ટસમાં આ તત્ત્વોનું પ્રમાણ વધતું હોય તો ભોજન કર્યા પછીના ત્રણ કલાકે બે થી ત્રણ ગ્લાસ પાણી એક સાથે ધીમે-ધીમે શાંતિથી પીવું અને મૂત્રવિસર્જન પછી પણ એકાદ ગ્લાસ જેટલું પાણી પીવું.
(૬) પાણી-જલ એ શરીરમાં સૌથી વધુ ભાગ ધરાવતું પરમ આશ્વાસનકર્તા તત્વ છે. ચક્કર, તાણ, કોમા, હિસ્ટીરીઆ, ઉન્માદ, ગાંડપણ, દુ:ખ, ઉદાસીનતા, આઘાત અને ક્રોધ જેવી મનની વિક્ષિપ્ત
અવસ્થાઓમાં માટી પાત્રમાં ઠંડુ કરેલું પાણી પરમ આશ્વાસનકારી ઔષધ છે. ચિત્તની આવી વિક્ષિપ્ત અવસ્થાઓમાં શરીરના જલતત્ત્વનું સંતુલન ખોરવાતું હોય છે. આવા સમયે તત્કાલ કરેલો જલપ્રયોગ રાહત આપે છે. હાવર્ડ યુનિવર્સિટીના સંશોધન મુજબ ટૂંકાગાળાની યાદશક્તિનો ઘટાડો, મંદ થઈ જતી ચેતના અને આળસ પાછળનું જવાબદાર કારણ અપૂરતું પાણી છે. અપૂરતાં જલથી રક્તમાં રાસાયણિક વિકૃતિઓ પેદા થાય છે. પરિણામ સ્વરૂપ ચેતાવાહી નાડીતંત્ર વિફળ બને છે. પૂરતાં પાણીથી આવા દોષો દૂર થઈ વ્યક્તિની જીવનક્રિયા સુધરે છે અને યાદશક્તિ સતેજ થાય છે.
(૭) સનસ્ટ્રોક (લૂ લાગવાથી), કોલેરા, ઝાડા-ઉલટીમાં શરીરમાંથી જલ સાથે આવશ્યક પોષક તત્ત્વોનો વ્યય થાય છે. એવા વખતે નમક અને ખાંડ મેળવેલું પાણી વારંવાર પીતા રહેવાથી ફાયદો થાય છે. જે વ્યક્તિઓનું બ્લડપ્રેશર ઘટતું હોય એવી વ્યક્તિઓએ પણ આવું પાણી વારંવાર પીધા કરવું.
(૮) સાંધાનો ઘસારો - જેમાં કાર્ટીલેજમાં સાઇનોવિઅલ ફલુઈડ ઘટતું હોય, વળી હાડકાં બરડ થવાથી વારંવાર ફ્રેકચર થતાં હોય તેવી વ્યક્તિઓ માટે નિયત સમયાંતરે પીધેલું પાણી ઉત્તમ ઔષધિ પુરવાર થઈ છે.
(૯) લોહી ગંઠાઈ જતું હોય જેને કારણે હૃદયની કાર્યક્ષમતા મંદ પડતી હોય તેવી વ્યક્તિઓ માટે જલ એ આર્શીવાદરૂપ છે.
(૧૦) ત્વચાના વિકારો તેમાં પણ રૂક્ષ થતી, સૂકી પડતી ત્વચા, કરચલીઓ પડવી, ત્વચાના તેજ-ચમક ઘટી જવા, ચહેરા પરની કાળાશ માટે દિવસ દરમ્યાન પ્રતિ કલાકે પાણી પીતા રહેવું.
(૧૧) જીરણ તાવ અને ધગારા માટે કાળી માટીના પાત્રમાં ઠંડુ કરેલું જલ ઉત્તમ ઔષધિ છે.
જલોપચારનું મહત્ત્વ જાણ્યા બાદ, વિશેષ કરીને ઉનાળાના દિવસોમાં રોજના બારથી પંદર ગ્લાસ પાણી પીવાનું ચૂકશો નહિ.


