પ્રકૃતિ અનુસાર ભોજન અને રોગમુક્તિ
- આરોગ્ય સંપદા-વિસ્મય ઠાકર
- કઈ પ્રકૃતિ અનુસાર શું ખાવું?, કેટલું ખાવું? અને ક્યારે ખાવું ? એમ પસંદગી પૂર્વક કરેલા આહારથી સ્વાસ્થ્યનું શ્રેય રહેલું છે
આ પણે જે ખોરાક ખાઈએ છીએ તે તમામને પોતાના ગુણ અને દોષ હોય છે. જેથી કરીને આહાર લીધા પછી તેની સારી કે ખરાબ અસર શરીર પર વર્તાતી હોય છે. અન્નમાં રહેલા ભૌતિક ગુણ અને ઔષધીય કર્મના પ્રભાવથી જ રોગ સારા થતાં હોય છે. તો ક્યારેક અયોગ્ય આહાર-(દેશકાળ અને પ્રકૃત્તિની સમજ વગર લેવાયેલો આહાર) મોટાભાગના રોગોનું કારણ બને છે. કઈ પ્રકૃતિ અનુસાર શું ખાવું ?, કેટલું ખાવું ? અને ક્યારે ખાવું ? એમ પસંદગી પૂર્વક કરેલા આહારથી સ્વાસ્થ્યનું શ્રેય રહેલું છે.
ખોરાકની પસંદગી કરવાની બાબતમાં વ્યક્તિના શરીરની પ્રકૃતિ, એને થતાં રોગો અનુસાર નીચે કેટલાક લક્ષણોની સૂચિ જણાવું છું. તે અનુસાર ખોરાક ત્યાગવો. તેમ કરવાથી મહદઅંશે રોગો થવાની સંભાવના ઘટી જશે.
સૌ પ્રથમ, વાયુના વધવાથી થતી સમસ્યાઓ પર નજર નાખીએ. વાયુ પ્રકોપ પામે ત્યારે અપચો, પેટ ફુલી જવું, પેટમાં ચૂંક, મૂંઝારો, ગભરામણ, હેડકી, છીંકો, ધુ્રજારી, શરીરના વિવિધ ભાગોનો દુઃખાવો, અંગ જકડાઈ જવું, બહેરાપણું, હાથે-પગે ખાલી ચઢવી, અનિંદ્રા, શરીરનું દુબળાપણુ, હાથે-પગે વાઢિયા, ચામડી ફાટવી, નાડીના ધબકારાની વધ-ઘટ, હિસ્ટીરીઆ (વાઈ) જેવી સમસ્યા તથા સાયટિકા, કબજિયાત અને મસા જેવા દરદો થતાં જોવા મળે છે.
ઉપર જણાવેલ વાયુ વધવાથી થતી સમસ્યાઓમાં નીચે જણાવેલા વાયુવર્ધક પદાર્થો આહારમાંથી ત્યાગવા જેમાં બાજરી, મકાઈ, નાચણી (રાગી), કોદરી જેવા ધાન્ય, ચણા, તુવેર, મઠ, વાલ, વટાણા અને ચોળા જેવાં કઠોળ, કારેલા, કોબી, ગુવાર, તુરિયા, પાલખ, બટાકા અને ભીંડા જેવા શાક થતા જાંબુ, ફણસ, કાચી કેરી, પાકુ પપૈયુ, પાકા બીલી, સીતાફળ, કોકમ, મગફળીનું તેલ અને વિશેષ કરીને વધુ પડતાં તળેલા અને તીખા પદાર્થો મુખ્ય છે.
હવે, પિત્ત વધવાથી થતી અસરો મુજબ જો મોઢુ ખાટુ કે કડવું રહે, પેટ કે છાતીમાં બળતરા થાય, મૂત્રમાર્ગે દાહ થાય, વધુ પડતો પીળો પેશાબ આવે, આંખે અંધારા, ચક્કર તથા સુસ્તી અને આળસ વધે એવા લક્ષણો દેખાય, વાળ અકાળે સફેદ થવા માંડે, જીભ અને ગલોફામાં વારંવાર ચાંદા પડે, એસીડીટી, ઊલટી, વારંવાર થતી હોય, આંતરડામાં ચાંદા પડે, મસામાંથી લોહી પડે, વારંવાર નસકોરી ફૂટે તો તુરંત પિત્ત વધે એવો ખોરાક ત્યાગી દેવો.
પિત્ત વધારે એવા પદાર્થોની સૂચિમાં બ્રેડ, ઢોકળા, હાંડવો, ઈડલી જેવાં તમામ આથાવાળા પદાર્થો અગ્રેસર છે. આ ઉપરાંત ટામેટા, રીંગણ, રતાળુ, મોગરી, સૂરણ, મૂળા, મેથીની ભાજી, ગાજર, પાઈનેપલ, કીવી તથા ધાન્યમાં બાજરી, મકાઈ અને નવા ચોખા અને કઠોળમાં અડદ, ચોળા અને વાલ શરીરમાં પિત્તનો પ્રકોપ કરે છે. વિશેષ કરીને અજમો, આદુ, તુલસી, મરી, તજ, જેવાં ગરમ મસાલા પણ પિત્તનો પ્રકોપ કરે છે. વિશેષ કરીને લાલ અને લીલુ મરચું, લસણ, રાઈ અને હિંગ જેવા ઉષ્ણ પદાર્થો પિત્ત વધવાના કેટલાક કારણોમાંનું એક મહત્વનું કારણ છે. સરસિયાનું તેલ, અને જૂનું મધ પણ પિત્તજન્ય સમસ્યાઓ કરતા હોઈ ત્યાગવા યોગ્ય છે.
કફ દોષ વધવાથી વધુ પડતી ઊંઘ, શરીર ભારે લાગવુ, આળશ વધવી, અવાજ ખોખરો થવો, વારંવાર શરીર ઠંડુ પડી જવું અને ઝાડો તથા પેશાબ સફેદ રંગના આવે એવા લક્ષણો દેખાય. વળી, કફનું પ્રમાણ શરીરમાં વધતાં ત્વચા પરની ખંજવાળ, ગૂમડા, ફોડલી જેવી સમસ્યા થઈ આવે છે. આ ઉપરાંત શરદી, સાયનસ, હાઈ કોલેસ્ટેરોલ, મેદસ્વીતા અને ડાયાબીટીસ જેવી સમસ્યાઓને પણ કફના વધતા સાથે સંબંધ છે. આવી સમસ્યાઓ જણાતા નીચે જણાવેલા તમામ કફવર્ધક પદાર્થો ત્યાગવા.
ખાંડ, ગોળ, મીઠાઈ, આઈસ્ક્રીમ, કેક, પેસ્ટ્રી, ઠંડા પીણા જેવા ગળ્યા પદાર્થો અને તેલ, ઘી, માખણ, મલાઈ જેવાં તમામ ચીકણા પદાર્થો કફ વધારનાર છે. ઘઉં, મકાઈ, અડદ અને ચોળાથી પણ કફ પ્રકોપ પામે છે. શાકભાજીમાં પાકી કાકડી, ગુવાર, ડુંગળી, ઘીલોડા, તુરિયા, બટાકા, ભીંડા, કોળુ, રતાળુ
અને દૂધી કફ વધારવામાં અગ્રેસર છે. કેળા, જમરૂખ, રાયણ, નાળિયેર (કોપરુ અને એનું તેલ), મોસંબી, સીતાફળ, બોર, શીંગોડા અને શેરડીથી કફ વધે છે. દૂધ (વિશેષ કરીને ભેંસનું દૂધ), દહીં અને દહીંની બનાવટો કફ વધારે છે. ઉપરાંત ખસ-ખસ, તલ, અંજીર, ચારોળી અને પિસ્તા જેવો સૂકો મેવો પણ કફવર્ધક હોઈ કફજન્ય સમસ્યામાં ત્યાગવા લાયક છે.
વાચકમિત્રો, ઉપર જણાવેલી સૂચિમાંથી જે આહાર પ્રતિકુળ જણાય તે ત્યાગવાથી દોષજન્ય રોગાવસ્થામાં રાહત મળશે.