Get The App

એલર્જીના ઉપચાર માટે પાયાની સમજણ

Updated: Nov 4th, 2025

GS TEAM

Google News
Google News
એલર્જીના ઉપચાર માટે પાયાની સમજણ 1 - image

- આરોગ્ય સંપદા-વિસ્મય ઠાકર

- એલર્જીના દર્દીએ હંમેશા ભૂખ કરતાં ઓછું, અલ્પ અને હલકો ખોરાક ખાવો 

દ મ (અસ્થમા), શીળસ (અર્ટીકેરિઆ) અને ખરજવું (એક્ઝીમા) જેવી એલર્જીજન્ય સમસ્યાઓ માટે વિવિધ ચિકિત્સા પદ્ધતિના સંદર્ભે લેવામાં આવતી દવાઓ લાંબા કે ટૂંકા ગાળાની અસરો બતાવી શકે છે. જ્યાં સુધી દવાઓ લેવામાં આવતી હોય ત્યાં સુધી રોગ નિયંત્રણમાં રહે. દવાઓ જેવી બંધ થાય એટલે રોગ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે, તો ક્યારેક અન્ય કોઈ રોગમાં પરિવર્તન પામે એવું શક્ય છે. ક્વચિત્ પેનીસિલીન અને આર્યનના ઇન્જેક્શનથી પેદા થતું એનાફિલેક્ટીક શોક જેવું એલર્જીક રિએક્શન પ્રાણઘાતક પણ થઈ શકે.

એલર્જીના ઉપચાર સંદર્ભે જ્યારે ઔષધશાસ્ત્ર કોઈ નિશ્ચયાત્મક વલણ અપનાવતું નથી, ત્યારે કોઈપણ ઉપચાર પદ્ધતિનું ઔષધ અપનાવતા પહેલા તમારી રોગપ્રતિકાર શક્તિનું સંતુલન જાળવી રાખવું આવશ્યક બને છે. ખાન-પાનના સાદા નિયમો પાળી, ઇમ્યુનીટી વધારનાર સરળ યુક્તિઓ અપનાવી એલર્જીજન્ય લક્ષણોને રોગાવસ્થા અને એ પાછળના કારણોને અસંતુલિત થયેલી પ્રતિકાર શક્તિ માને છે. શરીરમાં રહેલી આ પ્રતિકાર શક્તિ - ઇમ્યુનિટી વાયટલ ફોર્સ (VITAL FORCE) ને સંતુલનમાં રાખવા માટેના પાયાના નિયમો પર નજર નાખીએ.

(૧) એલર્જન નાક વાટે શરીરમાં પ્રવેશતાં જ શરીર સૌ પ્રથમ એનો પ્રતિકાર કરે છે. શરીર પોતે છીંકો કે ઉધરસ દ્વારા આ પ્રકારના તત્વોને બહાર ફેંકવા પ્રયત્ન કરે છે. આવા વખતે છીંકો કે ઉધરસ મટાડવા તાત્કાલિક કોઈ ઉપચાર કરવો નહિ. ધીરજ રાખી શરીરને એનું કામ કરવા દેવું. આ ઉપચાર માટેનો પ્રથમ નિયમ છે. નાકમાં પ્રવેશતા ધૂળ, ડસ્ટ કે પોલન જેવા એલર્જનને અટકાવવા નાકમાં હુંફાળુ કરેલુ દેશી દિવેલ લગાવી રાખવું. દિવેલની ચીકાશ સાથે આવા તત્વો ચોંટી રહેશે અને ફેફસામાં દાખલ થશે નહિ. પ્રદૂષિત વાતાવરણમાં નીકળો ત્યારે નાક આગળ કોટનનો રૂમાલ અથવા નેસલ માસ્ક પહેરી રાખવાથી પણ એલર્જન શરીરમાં પ્રવેશતા અટકાવી શકાય છે.

(૨) બીજો મહત્વનો નિયમ આહારના પ્રમાણનો છે. જ્યારે પણ એલર્જીજન્ય રોગનો હુમલો આવે ત્યારે ભોજનને સદંતર ત્યાગી આત્યંતિક ઉપવાસ કરવા ઉચિત નથી. એમ કરવાથી પણ રોગપ્રતિકાર શક્તિ નબળી પડે છે. વળી તેનાથી તદ્દન વિરૂદ્ધ પેટ ભરીને ભોજન કરવું, એની સાથે દવાના જોરથી રોગને કાબુમાં રાખવો એ પણ યોગ્ય નથી. એલર્જીના દર્દીએ હંમેશા ભૂખ કરતાં ઓછું, અલ્પ અને હલકો ખોરાક ખાવો. ગરમ-ગરમ અને રૂચિકર ભોજન ખાવું પથ્ય છે. વધુ પડતાં ખાટાં અને આથાવાળા પદાર્થો ત્યાગવા. સૂંઠ પોતે રોગપ્રતિકાર શક્તિ વધારનાર પરમ દ્રવ્ય હોઈ, સેવન કરવા યોગ્ય છે. સૂંઠ નાખી ઉકાળીને તૈયાર કરેલું હુંફાળુ પાણી પ્રતિ દોઢથી બે કલાકના અંતરે પીધા કરવું.

એલર્જી પેદા કરનાર એલર્જન જ્યારે શરીરમાં પ્રવેશે ત્યારે એની સામે લડત આપવા લોહીમાં એક પ્રકારના પ્રતિકણો (એન્ટિબોડી) પેદા થાય છે. જે રોગોત્પાદક તત્વોનો નાશ કરવા કાર્યશીલ બને છે. ક્યારેક એન્ટિજન અને એન્ટિબોડીના પરસ્પરના યુદ્ધ દરમ્યાન હિસ્ટામીન નામના તત્વનું પ્રમાણ લોહીમાં વધી જાય તો પણ એલર્જીના લક્ષણો વધુ ઉગ્ર બને છે. આવા વખતે હળદરમાં રહેલું કર્ક્યુમીન નામનું રંજક દ્રવ્ય હિસ્ટામીનને નિયંત્રીત કરી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. એ માટે બે થી અઢી ગ્રામ હળદર સરખા ભાગે સાકર ઉમેરી હુંફાળા પાણી સાથે સવાર-સાંજ એમ દિવસમાં બે વખત લઈ શકાય.

(૩) કબજિયાત - બંધકોષનું નિવારણ કરી આંતરડા શુદ્ધ રાખવા - એ રોગપ્રતિકારક શક્તિ વધારવા પાયાનો ત્રીજો નિયમ છે. એ માટે ક્ષમતા અનુસાર દેશી દિવેલનો રેચ લઈ શકાય. મળશુદ્ધિ થવાથી શરીરમાં પેદા થતા વિષતત્વોના નિકાલની વ્યવસ્થા ઊભી થશે અને પ્રતિકાર શક્તિ વધશે. રોગ નિયંત્રણમાં આવે પછી દિવેલના રેચનની માત્રા ક્રમશઃ ઓછી કરવી.

(૪) સ્ટ્રેસ, તનાવ, ઊંડા ભયની લાગણી, મનોદૌર્બલ્ય જેવી મનની ક્ષુબ્ધ કે વિક્ષિપ્ત અવસ્થા શરીરની ઇમ્યુન સિસ્ટમને નબળી પાડે છે. મન-હૃદયમાં દબાવી રાખેલી ઇચ્છાઓ અને લાગણીઓ (SUPRESSED FEELINGS) ને યોગ્ય અભિવ્યક્તિ ન મળે તો રોગ બનીને બહાર આવે છે. વ્યક્તિત્વમાં રહેલો ખાલીપો પૂરવા રચનાત્મક અને કળાત્મક પ્રવૃત્તિ અપનાવવી. પોતાની રચનાત્મકાને અભિવ્યક્ત થવા દો. બંધનો અને નિષેધોમાંથી મુક્ત થાવ અને સમગ્રતાથી અસ્તિત્વનો આનંદ માણો.

એલર્જીજન્ય રોગો માટે પાયાના નિયમો પાળ્યા પછી વિશેષ ઉપચારોની સૂચિ આવતા લેખમાં (ક્રમશઃ)