- આરોગ્ય સંપદા-વિસ્મય ઠાકર
- વારંવાર થતી કસુવાવડને નિવારવાની ઉત્તમ ઔષધિનું નામ છે - 'દુર્વા.' ગુજરાતીઓ એને 'ધરો'ના નામથી ઓળખે છે
વા રંવાર થતી કસુવાવડને ગુજરાતીમાં કોઠે રતવા કહેવાય. કોઠો (ગર્ભાશય), રત (રક્ત), વા (વાયુ) એવા અર્થઘટન થકી વાયુને કારણે દુષિત રકતથી થયેલ ગર્ભાશયનો વિકાર એમ સમજવું. અંગ્રેજીમાં એને હેબિચ્યુઅલ અબોર્શન કહેવાય. એ અનુસાર સ્ત્રીને ગર્ભ રહે તો ખરો, પણ એ ટકે નહિ, અને બહાર ફેંકાઈ જાય. આવી કસુવાવડ એક પછી એક એમ બે કે તેથી વધુ વખત અને ગર્ભ રહ્યા પછી નિશ્ચિત સમયે થતી હોય છે.
સામાન્ય રીતે ગર્ભ ધારણ થયા પછીના સોળ અઠવાડિયા સુધીમાં થતાં ગર્ભસ્રાવને અબોર્શન, સોળથી અઠયાવીસ અઠવાડિયા સુધીમાં થતાં ગર્ભપાતને મીસ કેરેજ અને ત્યાર પછીના અઠવાડિયામાં થતી કસુવાવડને પ્રી-મેચ્યોર લેબર કહેવાય છે. આમ થવાના ઘણા કારણો છે. જેમ કે - (૧) ગર્ભાશયમાં થતો ચેપ (ઈન્ફેકશન), ગાંઠ કે ચાંદુ (અલ્સર), (૨) હોર્મોન ઉત્પન્ન કરતી થાઈરોઈડ અને અન્ય ગ્રંથીની વિફળતા, (૩) વધી ગયેલું વજન- મેદસ્વિતા - સ્થૂળતા, (૪) કવચિત્ સર્વીક્સ (ગર્ભાશય ગ્રીવા) જેવા મહત્ત્વના અવયવના અભાવની સ્થિતિ, માલપોઝીશનીંગ ઓફ યુટરસ (પોતાના સ્થાન પરથી ખસી ગયેલ ગર્ભાશય) (૫) વધુ પડતો પરિશ્રમ અને અપૂરતું પોષણ.
ક્યારેક ઉપર જણાવેલા કારણો ન હોય, પરિક્ષણોના રિપોર્ટ નોર્મલ આવતાં હોય છતાં પણ કોઈ અજ્ઞાત કારણોસર કસુવાવડ થતી જોવા મળે છે.
સ્પષ્ટ કારણોની ઉપસ્થિતિ હોય કે ન હોય, વારંવાર થતી કસુવાવડને નિવારવાની ઉત્તમ ઔષધિનું નામ છે - 'દુર્વા.' ગુજરાતીઓ એને 'ધરો'ના નામથી ઓળખે છે. ઉત્તર ગુજરાતનાં ગ્રામીણ વિસ્તારમાં એને 'ધ્રોખડ' અને દક્ષિણ ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં એને 'દરો' કહે છે. ચોમાસા પછી ઊગી નીકળતી આ વનસ્પતિ દેખાવે ઘાસ જેવી છે. મહારાષ્ટ્ર બાજુ બાગ-બગીચામાં એને ઉગાડવામાં આવે છે. ત્યાં એ ઘણાં પ્રમાણમાં થતી જોવા મળે છે. ઢોરોનું એ પસંદગીનું ખાદ્ય છે. ગાંઠે-ગાંઠે મૂળિયા નાખી ઊગી નીકળતી આ વનસ્પતિનો ફેલાવો જમીન પર ઘણો વિસ્તરે છે, તેથી સંસ્કૃતમાં એનું એક નામ 'અનંતા' પણ છે.
કસુવાવડમાં આ વનસ્પતિનો ઉપયોગ કરવાથી સફળ પરિણામ મળે છે. ગર્ભ રહ્યા પછી જ્યારે માસિક આવતું બંધ થાય એના પ્રથમ અઠવાડિયાથી લઈને સળંગ ચાર માસ સુધી નીચેનો પ્રયોગ કરવો. આશરે દસ ગ્રામ તાજી લીલી દુર્વા (દુર્વાના મૂળનો ઉપયોગ કરવો નહિ) સ્વચ્છ જળથી ધોઈ, સાફ કરી, પથ્થર પર વાટી, એની ચટણી બનાવી લેવી. આશરે એક ગ્લાસ પાણીમાં આ ચટણી મેળવી લેવી, એમાં પાંચ ગ્રામ ખડી સાકર ઉમેરી સ્વચ્છ કપડાથી ગાળી લેવું અને નરણાં કોઠે પ્રતિદિન સેવન કરવું. આ સાથે નીચે જણાવેલ આહાર-વિહારનું કડક પાલન કરવાથી અવશ્ય સફળ પરિણામ મળે છે. (૧) રીંગણ, પપૈયું, ફણસ, આમલી, અખરોટ, કાજુ, બાજરી, લાલ તથા લીલું મરચું, તજ, લવિંગ અને મરી જેવાં ગરમ મસાલાનો ઉપયોગ ત્યાગવો. (૨) કોઈપણ ફળોના બીયા પેટમાં ન જાય એનું ધ્યાન રાખવું, (૩) વધુ પડતો પરિશ્રમ, ઉજાગરા, નિંદ્રા, મૈથુન, ક્રોધ, ચિંતા, હાસ્ય અને ગળા સુધી ઠાંસીને કરેલું ભોજન- ત્યાગવું, (૪) વધુ પડતાં ગરમ કે ઠંડા પાણીથી સ્નાન ન કરવું, (૫) વજન ઊંચકવું, કૂદકો મારવો, ખાડા-ટેકરાવાળા રસ્તા પરની મુસાફરી, કમરેથી
વળીને કામ કરવું કે ઉભડક બેસવું યોગ્ય નથી. શરીરને પૂરતો આરામ આપી, બેડ-રેસ્ટ લેવો, (૬) કબજિયાત રહેતી હોય તેવી ગર્ભિણી સ્ત્રીઓને મળત્યાગ વખતે ઘણું જોર કરવું પડતું હોય છે જેની અસર ગર્ભાશયના સ્નાયુ પર થવાથી ક્યારેક કસુવાવડ થવી સંભવી શકે. કબજિયાત ન રહે તે માટે આમળાનું ચૂર્ણ, ઈસબગુલ, પાણીમાં પલાળી રાખેલી સૂકી કાળી દ્રાક્ષ (બી કાઢેલી) જેવાં નિર્દોષ દ્રવ્યોનો ઉપયોગ કરી શકાય. (૭) પોષણના દ્રષ્ટિકોણે કસુવાવડ માટે વિટામીન બી-કોમ્પ્લેક્સ અને વિશેષ કરીને ફોલિક એસિડની અછત કારણ બનતા હોય છે, તેથી તેમની પૂરતી કરવી જરૂરી છે. તદુપરાંત કેલ્શીયમ અને આયર્ન જેવાં ખનીજો અને ખાસ કરીને પ્રોટીનની પર્યાપ્ત માત્રા શરીરને મળવી આવશ્યક હોઈ, નીચે જણાવેલ આહારને રોજીંદા ખોરાકમાં સ્થાન આપવાથી પોષણની સમતુલા જળવાશે. રોજનું બે થી ત્રણ ગ્લાસ દૂધ તથા માખણ, પનીર, ઘીનો માપસર ઉપયોગ, ફણગાવ્યા પછી બાફેલાં મગ, કેળું, સફરજન, દાડમનો રસ, દ્રાક્ષ, ઘઉંના ફાડાની લાપશી, ઘઉંના કકરા લોટનો શીરો અને જૂના ચોખાની ખીર.


