For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

માનવીનું મૃત્યુ ક્યારે થયું કહેવાય ?

Updated: Dec 21st, 2021

માનવીનું મૃત્યુ ક્યારે થયું કહેવાય ?

- ડિસ્કવરી-ડો. વિહારી છાયા

- ઉત્ક્રાંતિવાદના જીવવિજ્ઞાાનીઓ આ કુદરતી પૂર્વનિર્ધારિત મૃત્યુના વિચારને સ્વીકારતા નથી. તેમના મતે પ્રાણીઓ વૃદ્ધ થયા પછી ઘણી બધી રીતે મૃત્યુ પામે છે

પ્રથમ ત્રણથી પાંચ મિનિટમાં મગજના કોષો મૃત્યુ પામે છે તેને 'બ્રેઈન ડેથ' અર્થાત્ દિમાગી મૃત્યુ કહે છે

ન વજાત પૃથ્વી પર સ્થાયી જીવનનો આરંભ ૩.૮ અબજ વર્ષ પહેલા થયો હતો. અહીં પ્રશ્ન એ થાય કે મૃત્યુનો આરંભ  પણ તે જ સમયે થયો હતો. તે વખતનું જીવન તો પ્રાથમિક કક્ષાના સૂક્ષ્મ જીવોનુ હતુ. તે એક કોષી જીવ હતા. તે એકમાંથી બે, બેમાંથી ચાર, ચારમાંથી આઠ, આઠમાંથી સોળ... એમ દ્વિભાજનની પ્રક્રિયાથી પોતાની નકલો પેદા કરતા હતા અને વૃદ્ધિ પામ્યા કરતા હતા. તેમનું મૃત્યુ કેવી રીતે થતું હશે?

આપણે માનવીઓ બહુકોશી જીવો છીએ કોઈ પણ પુખ્ત વયની વ્યક્તિ અંદાજે એક લાખ અબજ કોષોની બનેલી હોય છે આટલા બધા કોષો જુદા જુદા અવયવો  અને તંત્રો રચે છે. કોઈ માનવીનું મૃત્યુ ક્યારે થયું કહેવાય ? એક વ્યાખ્યા પ્રમાણે માનવીનું ચેતાતંત્ર, રુધિરાભિસરણ તંત્ર અને શ્વસન તંત્રની ક્રિયાઓનું કાયમી અને બિન ઉત્ક્રણીય રૂપે બંધ થવાને મૃત્યુ કહે છે.

ઉપરોક્ત શારીરિક તંત્રો કામ કરતા બંધ થાય તેને દૈહીક, ક્લીનિકલ કેસિસ્ટમનનુ મૃત્યુ કહે છે. દૈહીક મૃત્યુ સાથે શરીરના કોષો, પેશીઓ અને અવયવોને ઑક્સિજન મળતો બંધ થાય છે તેથી તે કોષો મૃત્યુ પામવા માંડે છે તેને કોષીય મૃત્યુ કહે છે. જુદા જુદા કોષો જુદા જુદા સમયે મૃત્યુ પામે છે. સૌપ્રથમ મગજના કોષો મૃત્યુ પામે છે. પ્રથમ ત્રણથી પાંચ મિનિટમાં મગજના કોષો મૃત્યુ પામે છે તેને 'બ્રેઈન ડેથ' અર્થાત્ દિમાગી મૃત્યુ કહે છે. 

ઘણીવાર તે પછી શ્વસન અને રુધિરાભિસરણ ચાલુ રહે છે અથવા કૃત્રિમ રીતે રખાય છે. અલબત્ત તેમ ન થાય તો સ્નાયુ કોષોનું મૃત્યુ એક કલાકથી માંડી થોડા કલાકો સુધી ચાલે છે. લોહીના કોષો અને આંખનું પારદર્શક પટલ પાંચ કલાક બાદ મૃત્યુ પામે છે.  હૃદય, લિવર અને મૂત્રપિંડ વહેલા મૃત્યુ પામે છે જ્યારે તંતુપેશી લાંબુ જીવે છે.  દૈહીક અને કોષીય મૃત્યુના સમયના તફાવતને કારણે વ્યક્તિના મૃત્યુ પછી યોગ્ય સમયના ગાળામાં તેની પેશીઓ કે અવયવો કાઢી લઈને તેનુ પ્રતિરોપણ પણ કરી શકાય છે. માણસ મૃત્યુ પામે છે પણ તેના અવયવો કે પેશીઓ આ રીતે જીવિત રહી શકે છે અલબત્ત એ પણ અજર અમર તો નથી જ.

પરંતુ માનવી ઉત્ક્રાંતિમાં છેલ્લો આવેલો છે. આપણી પ્રજાતિ 'મેધાવી માનવ'  એટલે કે 'હોમોસેપીયન્સ સેપીયન્સ' કહે છે. તે તો હજુ માત્ર અંદાજે સવા લાખ વર્ષ પહેલાં જ ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં પેદા થયો છે. અલબત્ત એ અગાઉ અનેક માનવ પ્રજાતિઓ થઇ ગઇ. પરંતુ સમગ્ર માનવવંશ એટલે કે 'હોમીનીડ'  ની વાત કરીએ તો તે પણ ૪૦ લાખ વર્ષોથી વધારે પુરાતન નથી.  તે અગાઉ અનેક જીવોની પ્રજાતિઓ થઇ ગઇ પરંતુ તેઓ મૃત્યુથી અજ્ઞાાત હતા અને આજે પણ અન્ય પ્રાણીઓની એ જ સ્થિતિ છે.

પરંતુ આ જીવોમાં જો પશુ-પંખીઓ જળચરો  વગેરેને ગણીએ તો તે પણ બધા 'બહુ કોષી' છે. તેમના તંત્રો કામ કરતાં સદંતર અને કાયમી ધોરણે બંધ થાય ત્યારે તે મૃત્યુ પામ્યા કહેવાય છે. પરંતુ બેક્ટેરિયા જેવા એકકોષી જીવો કે જે માત્ર એક જ કોષના બનેલા છે તેમને તંત્રો ક્યાં હોય છે. આ એકકોષી જીવો જ આરંભિક જીવો છે. તેમાંથી જ સાઠ કરોડ વર્ષો પહેલા બહુકોષી પ્રાણીઓ ઉદભવ્યા છે. ક્રીયૈનોફલેગેલેટ્સ નામના એક કોષી પ્રોટીઝૂઆનાના અભ્યાસ પરથી એકકોષી જીવોમાંથી બહુકોષી જીવો કેવી રીતે ઉદવિકાસ પામ્યા તે જાણી શકાય છે.

બહુકોષી પ્રાણીઓ જીવ સૃષ્ટિમાં સુંદરતા અને વિવિધતા લાવ્યા. આજે સર્વત્ર તે દેખાય છે પરંતુ આજે પણ એકકોષી જીવોની પ્રજાતિઓ અને એકકોષી જીવોની સંખ્યા બહુકોષી જીવ કરતા અનેક ગણી વધારે છે. એકકોષી જીવો સુંદર નથી પરંતુ એક કોષી જીવન સૌથી વધારે સફળ છે.

આમ તો દરેક સજીવ પોષણના અભાવે કે ઇજા પામવાથી હંમેશા મૃત્યુ પામતા આવ્યા છે. પરંતુ એક બીજા પ્રકારનું મૃત્યુ છે જેમાં કોષો અને સંભવત: સમગ્ર સજીવો પોતાનો વિનાશ પસંદ કરે છે. જેથી વિશાળ જીવનને લાભ થાય છે. બીજી રીતે કહીએ તો તેનો અર્થ એ થાય કે તે મૃત્યુ ઉત્ક્રાંતિની વયૂહરચના  છે. કોષના નિર્ધારિત મૃત્યુમાં આ બાબત સ્પષ્ટ થાય છે. તેને 'પ્રોગ્રામ્ડ સેલ ડેથ' કહે છે. તેને એક શબ્દમાં એપોપ્ટોસીસ કહે છે. એપોપ્ટોસિસ એ પ્રોગ્રામ કરેલ કોષ મૃત્યુ અથવા 'સેલ્યુલર આત્મહત્યા'નું એક સ્વરૂપ છે. તે, આપણા શરીરના વિકાસ દરમિયાન,  સંભવિત કેન્સરગ્રસ્ત અને વાયરસથી સંક્રમિત કોષોને દૂર કરે છે અને શરીરમાં સંતુલન જાળવી રાખે છે.

એપોપ્ટોસીસ (પ્રાચીન ગ્રીક ભાષામાં એપોપ્ટોસિસ એટલે 'ફોલિંગ ઓફ' એવો અર્થ થાય) એ પ્રોગ્રામ કરેલ કોષ મૃત્યુનું એક સ્વરૂપ છે જે બહુકોષીય સજીવોમાં થાય છે. એપોપ્ટોસિસને કારણે સરેરાશ પુખ્ત વ્યક્તિ દરરોજ ૫૦ થી ૭૦ અબજ કોષો ગુમાવે છે. ૮ થી ૧૪ વર્ષની વય વચ્ચેના સરેરાશ માનવ બાળક માટે, દરરોજ આશરે ૨૦-૩૦ અબજ કોષો મૃત્યુ પામે છે.

એપોપ્ટોસિસ એ અત્યંત નિયંત્રિત પ્રક્રિયા છે જે સજીવના જીવન ચક્ર દરમિયાન ફાયદાઓ પ્રદાન કરે છે. દાખલા તરીકે, વિકાસશીલ માનવ ગર્ભમાં આંગળીઓ અને અંગૂઠાનું વિભાજન આ પ્રક્રિયાને કારણે થાય છે. આપણા હાથની પાંચ આંગળીઓ હોય છે તેનું કારણ એ છે કે તેમની વચ્ચે જે કોષો હોય છે તે આપણે માતા ના ઉદરમાં હોઇએ છીએ ત્યારે મૃત્યુ પામે છે.

આંગળીઓ વચ્ચેના કોષો એપોપ્ટોસિસની પ્રક્રિયામાંથી પસાર થાય છે અને આંગળીઓ અંગૂઠા છુટા પડે છે. માતાના ઉદરમાં માતાના અંડાણુ અને પિતાના શુક્રાણુના મિલન પછી ફલીનીકરણ પામેલ અંડ રૂપે આપણે હોઈએ છીએ. તે પછી ત્રણથી ચાર વખત કોષ દ્વિભાજન થતાં  ૮ થી ૧૬ કોષોનું ભ્રૂણ બને છે. આમ થવું કોષ મૃત્યુ પર આધારિત છે. કોષોનું જૂથ મૃત્યુ અને વિકાસ વાંકોચૂકો થતો રહે છે.

કોષોનું સ્વ મૃત્યુ ન થતું હોત તો પાંચ આંગળીઓ અલગ અલગ ન હોત. પરંતુ તેથી પણ આગળ કોષોનુ મૃત્યુ ન થતું હોત તો આપણે જન્મ્યા જ ન હોત. માનવ શરીરના ઘણા કોષોમાં એપોપ્ટોસિસમાંથી પસાર થવાની આંતરિક ક્ષમતા હોય છે. કેટલાક કોષોને વિકાસ દરમિયાન  જ કાઢી નાખવાની જરૂર હોય છે. કેટલાક કોષો અસામાન્ય હોય છે અને જો તેઓ જીવિત રહે તો બાકીના જીવતંત્રને નુકસાન પહોંચાડી શકે છે, જેમ કે  ડીએનએ નુકસાનવાળા કોષો. આમ આપણો જન્મ જ આપણા કોષોના પૂર્વ નિર્ધારિત મૃત્યુને આભારી છે.

જૈવિક ઘટના તરીકે તેના મહત્વ ઉપરાંત, ખામીયુક્ત એપોપ્ટોટિક પ્રક્રિયાઓ વિવિધ પ્રકારના રોગોમાં સામેલ છે. અતિશય એપોપ્ટોસીસ એટ્રોફીનું કારણ બને છે, જ્યારે અપૂરતી માત્રામાં કેન્સર જેવા અનિયંત્રિત કોષોના પ્રસારમાં પરિણમે છે.

કોષોના સ્વયં નિર્ધારિત મૃત્યુ વિના આપણે સૌ કેન્સરનો શિકાર બન્યા વિના રહી શકીયે નહીં. આપણા શરીરના કોષો પોતાનામાં સતત ઉદ્પરિવર્તન (સેાર્ચૌહ)ના ઉધામા કરતા હોય છે. તેનાથી તેમની પ્રકૃતિમાં પરિવર્તન આવતા હોય છે. પરિણામે કોષના વિભાજનનુ ચુસ્ત નિયંત્રણ પડી ભાંગે છે. આડેધડ કોષોની વૃદ્ધિ થવા માંડે છે. પરંતુ આ વખતે શરીરનું તકેદારી તંત્ર આવી લગભગ બધી શક્તિઓની ભાળ રાખે છે અને જે કોષોમાં આવું ઉદ્પરિવર્તન થયેલ હોય તે કોષોને આત્મહત્યા કરવા ફરમાન કરે છે.

એપોપ્ટોસીસ એટલે કે પ્રોગ્રામ સેલ ડેથ અર્થાત પૂર્વનિર્ધારિત મૃત્યુ દૈનિક જીવનમાં પણ કેન્દ્રિય ભાગ ભજવે છે. આપણા પાચન તંત્રની દીવાલ પરના અસ્તરના કોષોનું સતત સર્જન કર્યા કરે છે અને આપણી ચામડીનું મૃત કોષોનું બહારનું સુરક્ષા પૂરી પાડતું પડ પેદા કરે છે. 

જ્યારે શરીરને કોઈ ચેપ લાગે છે ત્યારે તેનો સામનો શરીરનું રોગપ્રતિકારક તંત્ર કરે છે. એક વખત આ પ્રતિકાર તંત્ર ચેપને નાબૂદ કરે છે તે પછી પ્રતિકારક તંત્રના હવે નકામા થઈ ગયેલા લોહીના કોષો વ્યવસ્થિત રીતે આત્મહત્યા કરે છે જેથી સોજો દૂર થાય છે.

વનસ્પતિ તો રોગાણુ સામેથી ધરા જેવી તેની સંરક્ષણ પદ્ધતિ જે જય પદ્ધતિમાં જ્યારે ચેપ લાગ્યો હોય તે વિસ્તાર ફરતે દીવાલ ખડી કરી દે છે અને તે પછી અંદરના ભાગે આવેલ કોષોનુ મૃત્યુ નીપજાવે છે.

કેટલાક કોષોના બલિદાનથી જીવને થતો લાભ સહેલાઈથી સમજી શકાય છે. પરંતુ ઉત્ક્રાંતિની પ્રક્રિયાનો, આખેઆખા જીવોના મૃત્યુને આકાર આપવામાં હાથ હોવાનુ સંભવિત છે. બધા વધારે ઉચા વર્ગના જીવોના કોષો વાર્ધક્ય પામવા લાગે છે. કોષના કેટલાક ડઝન દ્વિભાજન પછી તેમનામાં જીર્ણતા આવવા લાગે છે. અને છેવટે જીવ પોતે મૃત્યુ પામે છે.  એક રીતે અનિયંત્રિત વૃદ્ધિ સામે આ એક વધારે રક્ષણ છે. પરંતુ એક વિવાદાસ્પદ વાદ સૂચવે છે કે આ રીતે પૂર્વ નિર્ધારિત જનીનના વાર્ધક્ય આપણા બધાના આયુષ્ય પર મર્યાદા લાદે છે.

પરંતુ ઉત્ક્રાંતિવાદના જીવવિજ્ઞાનીઓ આ કુદરતી પૂર્વનિર્ધારિત મૃત્યુના વિચારને સ્વીકારતા નથી. તેમના મતે પ્રાણીઓ વૃદ્ધ થયા પછી ઘણી બધી રીતે મૃત્યુ પામે છે. કોષોના સ્વમૃત્યુ જેવા એક જ રીતે મૃત્યુ પામતા નથી. આમ મૃત્યુનો પાર પામવો અતિ દુષ્કર છે.

Gujarat