આવી રહ્યા છે: મચ્છરોના ડંખ પ્રતિરોધક જંતુનાશક રહિત વસ્ત્રો
- ડિસ્કવરી-ડો. વિહારી છાયા
- તેમણે બનાવેલ કપડાં પહેરેલ વ્યક્તિને 200 જેટલા જીવંત મચ્છરોના પાંજરામાં બેસાડવામાં આવ્યા ત્યારે તેઓ આ મચ્છરના ડંખથી 100% બચવામાં સક્ષમ રહ્યા
મા નવજાતમાં મહાશત્રુઓમા જેનું નામ અગ્રેસર છે તેમાંનુ એક છે મચ્છર. પ્રાચીનકાળથી જ આ ગતિમાન બોમ્બ દ્વારા લાખો કરોડો લોકો તેની ભયપ્રદ પ્રવૃત્તિથી મોતને ઘાટ ઉતરી ગયા છે. તે જગતના જીવન પર જોખમ ઊભું કરતા અને હાહાકાર મચાવે તેવા રોગોનુ પ્રસારણ કરે છે. મચ્છરો અનેક પરોપજીવી (પેરેસાઇટિક) અને વિષાણું (વાઇરસ) જન્ય રોગો નો ફેલાવો કરે છે. તેમાં મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યૂ, હાથી પગા, વેસ્ટ નાઇલ તાવ વગેરે રોગો છે. ઘણા ઉષ્ણકટિબંધ થી અને ઉપઉષ્ણકટિબંધના દેશોમાં આ રોગનો ઉપદ્રવ વધતો રહ્યો છે.
મચ્છરના ઉદરમાં ઉજરતા વિવિધ પ્રકારના પરોપજીવી અને વિષાણુઓ હજારો લોકોમાં તેમને કરડતી વખતે કે તેમનું લોહી ચૂસતી વખતે તેમાં દાખલ કરે છે. માણસને જે રોગ થાય છે તે આ પરોપજીવી કે વિષાણુના કારણે થાય છે. મચ્છરના તો પોતે પોતાનું પેટ ભરીને ઉડી જાય છે અને આપણામાં રોગાણુ મૂકતુ જાય છે. પરંતુ આપણે અત્યારે મચ્છર વિશે કે મચ્છર કરડવાથી થતા રોગો વિશે વિચારવું નથી. આપણે તો મચ્છર આપણાથી દૂર ભાગે કે મચ્છર આપણને કરડી ન શકે તે માટેના ઉપાયો વિશે વિચારવુ છે.
મચ્છર આપણાથી દૂર ભાગે તે માટે અનેકવિધ મચ્છર પ્રત્યાકર્ષીઓ એટલે કે મચ્છર રિપેલન્ટ શોધાયેલા છે. એક જમાનામાં સાંજ પડે ઘરોમાં લીમડાના પાનની ધુમાડી કરવાનો રિવાજ હતો. હજુ પણ તે ઘણી જગ્યાએ ચાલુ છે. પરંતુ હવે તો અનેકવિધ રાસાયણિક અને જૈવિક પ્રત્યાકર્ષીઓનો મોટાપાયે ઉપયોગ થવા લાગ્યો છે અને અનેક કંપનીઓ મબલખ કમાણી કરી રહી છે. સાદી મચ્છરદાનીની જગ્યાએ રાસાયણિક પ્રક્રિયાકર્ષી યુક્ત મચ્છરદાની વપરાવા લાગી છે.
સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાઓ તે માટે કાર્યરત છે.
આપણને એ જાણીને આશ્ચર્ય થાય કે મચ્છરની માત્ર બે ચાર જ નહીં પરંતુ ૩૫૦૦ જાતિઓ છે. તેમનું જીવન ચક્ર ચાર અવસ્થામાંથી પસાર થાય છે. પ્રથમ અવસ્થામાં તે ઈંડા રૂપે પેદા થાય છે. મચ્છર સ્થિર અને બંધિયાર પાણીમાં ઈંડા મૂકે છે. ઈંડામાંથી લાર્વા એટલે કે ડિમ્ભક બહાર આવે છે. તેનુ પ્યુપા (કોશિત)મા રૂપાંતર થાય છે. તેમાંથી પુખ્ત મચ્છર બહાર આવે છે. તેની પાંખો સુકાય તે પછી ઊડવાને તૈયાર થઈ જાય છે. ખૂબીની વાત એ છે કે નર મચ્છરો કરડતા નથી. તે મધુરસ કે વનસ્પતિના અન્ય રસોથી પોતાનું પેટ ભરે છે. મચ્છરોની અમુક જાતિની માદાને ઈંડા મુકવા માટે રક્તનું ભોજન જોઈએ છે.
મચ્છરોના ત્રાસથી મુક્તિ મેળવવા માટે જે પદ્ધતિઓનો ઉપયોગ મોટા પાયે થયો છે તેમાં રાસાયણિક પદ્ધતિઓ મુખ્ય છે. ઓર્ગેનોક્લોરિન એટલે કે ડીડીટી, કારબો મેક્સ જે કાર્બોરીલ તરીકે ઓળખાય છે, પાઇરેથ્રોઇડ્સ વગેરેનો ઉપ્યોગ થાય છે. ત્યારબાદ ઘણા જુદી જુદી જાતના મચ્છર નિયંત્રણકારક (mosquito repellent) બજારમાં આવ્યા છે. જેનો જુદી જુદી રીતે ઉપયોગ થાય છે. આજે તો જીવાતનાશક રસાયણમાંથી અંતર્ભિરત રંગ પણ તૈયાર થાય છે. તેને વેર્નાસાઈડ કહે છે. આ કીટનાશક રંગને દીવાલ પર લગાડવાથી ધીમે ધીમે કિટક ઘટકને છોડે છે. તેના વિકાસથી દિવાલના રંગોની ટેકનોલોજીમાં એક નવું પરિણામ ઉમેરાયેલ છે. લાકડાની અને ધાતુની સપાટી પર પણ આ રંગ લગાવી શકાય છે. દીવાલના આવા રંગ મચ્છરો, વંદાઓ અને અન્ય કીટકોને દૂર રાખે છે.
છેલ્લા કેટલાક દાયકાઓમાં જૈવિક નિયંત્રણની વૈકલ્પિક પદ્ધતિ પણ ઉપયોગમાં લેવાય છે. જુદા જુદા પ્રજનન સ્થળોમાં મચ્છરના ડીમ્ભક(લાર્વા)ની વસ્તીને અંકુશમાં રાખવા માટે જૈવિકકારકોનો ઉપયોગ થાય છે. આ જૈવિકકારકોમાં કુદરતી ભક્ષકો, પરોપજીવીઓ અને રોગાણુઓ છે. અસરકારક જૈવિકકારકોમાં કેટલીક માછલીઓ છે. તેમાં ગામ્બુસિયા, ગપ્પીસ, સાઇપ્રિનિડ્સ, ટીબાપિઆ વગેરેનો સમાવેશ થાય છે. તે પાણીમાં વસ્તા ડીમ્ભકને આરોગી જાય છે. આ ઉપરાંત બેક્ટેરિયા આધારિત જૈવિકકારકોનો પણ ઉપયોગ થાય છે.
આમ રાસાયણિક અને જૈવિક નિયંત્રણ માટેના દાયકાઓના પ્રયત્નો છતાં આ નાનકડા જંતુનુ પૂરેપૂરો નિયંત્રણ આપણે કરી શક્યા નથી. મચ્છરોની નવી પેઢી મોટાભાગના નિયંત્રકો સામે પ્રતિકાર શક્તિ પ્રાપ્ત કરી જન્મે છે. આ કારણથી કોઈ આગવી અને અસરકારક પદ્ધતિ શોધવા માટે સતત સંશોધનો થતા રહે છે.
હવે તો મચ્છર પ્રત્યાકર્ષી વસ્ત્રો પણ મળે છે. આ વસ્ત્રોને બનાવવામાં પરમીથ્રીન નામના જંતુનાશક (ઈન્સેકટીસાઈડ)નો ઉપયોગ કરવામાં આવે છે. આ પરમીથ્રીન નામના જંતુનાશકને પર્યાવરણીય સંરક્ષણ એજન્સી (EPA) દ્વારા વાપરવાની છૂટ આપેલી છે. અને આ પ્રકારનાં વસ્ત્રો બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતું આ એકમાત્ર જંતુનાશક છે.
પરંતુ તાજેતરમાં જૂન ૨૦૨૧માં ઉત્તર કેરોલિના સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ મચ્છરના ડંખ ન શકે એવા જંતુનાશક મુક્ત મચ્છર પ્રતિરોધક વસ્ત્રો બનાવ્યા છે. આ વસ્ત્રો બનાવવામાં કોઈ જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ખાસ કરીને 'એડીસ એજિપ્ટી' નામના મચ્છર ડંખ મારતા હોય છે.
જે ઝીકા, ડેન્ગ્યુ અને પીળા તાવ જેવા રોગોનું કારણ બને છે. આ યુનિવર્સિટીના સંશોધકોએ રજૂ કરેલા એક સંશોધન પ્રમાણે જ્યારે તેમને બનાવેલ કપડાં પહેરેલ વ્યક્તિને ૨૦૦ જેટલા જીવંત મચ્છરોના પાંજરામાં બેસાડવામાં આવ્યા ત્યારે તેઓ આ મચ્છરના ડંખથી ૧૦૦% બચવામાં સક્ષમ રહ્યા. આવા કપડા બનાવવા માટે વપરાતા કાપડની ડિઝાઇન તૈયાર કરવા માટે તેમને કોમ્પ્યુટેશનલ મોડેલનો ઉપયોગ કર્યો.
'એડીસ એજિપ્ટીસ'ના એન્ટેના અને મુખના પરિમાણો માપ્યા અને તે કેવી રીતે ડંખ કરે છે તેના મિકેનિકસની સમજણ મેળવી અને તેની મુખની જાડાઇ અને છિદ્રાળુ કદના માપ ઉપરથી આ વસ્ત્ર બનાવવા માટે કેવા કાપડનો ઉપયોગ કરવો જોઈએ તેનો આ મોડેલ દ્વારા અંદાજ મેળવ્યો.
સંશોધનકારોએ જણાવ્યું હતું કે માત્ર 'એડીસ એજિપ્ટીસ' જ નહીં પરંતુ ડંખ મારવાની વર્તણૂંકમાં સમાનતા દાખવતા મચ્છરની અન્ય પ્રજાતિઓ સામે પણ આ વસ્ત્રો અસરકારક થઈ શકશે. તેઓએ જુદી-જુદી જાડાઈના અને જુદા જુદા છિદ્રાળુ કદના વિવિધ પ્રકારના કાપડ નો અભ્યાસ કરીને જે વસ્ત્ર બનાવ્યા તે સો ટકા ડંખ પ્રતિરોધક બન્યા. તેઓએ આ વસ્ત્રમાંથી બનતા કપડાં, ગરમી અને ભેજવાળા વાતાવરણમાં કેટલા અનુકૂળ રહે છે તે અભ્યાસ પણ કર્યો છે.
સામાન્ય રીતે આપણે પહેરતા વસ્ત્રો મચ્છર પ્રતિરોધક નથી હોતા. પરંતુ આ સંશોધનકારોએ સામાન્ય રીતે પહેરાતા વસ્ત્રો કેવી રીતે મચ્છરોના ડંખથી પ્રતિરોધક બનાવી શકાય તે શોધી કાઢયુ. યુએસએની 'વેકટર ટેક્સટાઇલ' નામની કંપની સંબંધિત પેટન્ટ અધિકારોને લાયસન્સ આપી ચૂકી છે અને યુનાઈટેડ સ્ટેટ્સમાં વેપારી વેચાણ માટે કપડા બનાવવાનો ઇરાદો ધરાવે છે.