Get The App

ગ્લોબલ વોર્મિંગથી રોગચાળા પણ સ્થળાંતર કરશે ?

ડિસ્કવરી - ડો. વિહારી છાયા

Updated: Feb 11th, 2020

GS TEAM

Google News
Google News


ગ્લોબલ વોર્મિંગથી રોગચાળા પણ સ્થળાંતર કરશે ? 1 - imageગ્લોબલ વોર્મિંગના કારણે દુનિયામાં ઠેર ઠેર ઋતુ બદલાઈ રહી છે. ઋતુના બદલાવ સાથે આવતાં રોગચાળાના વિસ્તારો બદલાશેે

આ પણો અનુભવ છે કે ઋતુ બદલાય ત્યારે કેટલાક રોગચાળા ફાટી નીકળતા હોય છે. તેથી પ્રશ્ન થાય કે દુનિયાનું સરેરાશ તાપમાન વધી રહ્યું છે એટલે કે 'ગ્લોબલ વોર્મિંગ' થઇ રહ્યું છે ત્યારે જે આબોહવામાં બદલાવ આવશે તેના કારણે રોગચાળા ફેલાશે ?

આપણે જાણીએ છીએ કેટલીકવાર અમારા મિત્ર કે સંબંધી બિમાર પડી જાય અને પૃચ્છા કરીએ ત્યારે જવાબ મળે છે કે સીઝનના કારણે બિમારી આવી છે. ટૂંક સમયમાં સાજા થઇ જશે. ચોમાસાની ઋતુ આવે અને મેલેરિયા, ડેન્ગ્યૂ, ચિકનગુન્યા, ઝાડા-ઉલ્ટી કમળા જેવી બિમારીઓ ઠેરઠેર ફેલાય છે. દરેક તબીબ ત્યારે અત્યંત વ્યસ્ત થઇ જાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનો, મ્યુનિસિપાલિટીઓ અને પંચાયતો રોગો સામે વિવિધ ઝૂંબેશ ઉપાડે છે. ઠેર ઠેર સફાઈ થવા લાગે છે. પાણીનું વિશેષ ક્લોરિનેશન થવા લાગે છે. આ રોગોથી બચવા કે તેનો સામનો કરવા શું કરવું તે માટે સમાચાર માધ્યમો અને જાહેરાતો દ્વારા ઝુંબેશ ચલાવાય છે. ધીરે ધીરે ઋતુ આગળ વધે છે તેમ રોગનું જોર ઘટતું જાય છે અને રાબેતા મુજબ બધુ ઠરી અને ઠામ થઇ જાય છે.

ચોમાસું પૂરૂં થાય અને શિયાળો આવે છે. વળી ઋતુ બદલાય છે. નવા રોગો આવે છે. તેમાં મુખ્ય શરદી છે. કેટલાકને ખાંસી થાય છે. ફેંફસા અને ગળામાં કફ થાય છે. સસણી થાય છે. શ્વાસની તકલીફ થાય છે. ઇન્ફ્લુએન્ઝાનો રોગચાળો ફેલાય છે.અત્યારે સ્વાઇન ફ્લુનો રોગચાળાએ દુનિયાને ભરડો લીધો છે. પરંતુ શિયાળામાં થતો ઇન્ફ્લુએન્ઝા એટલે કે 'ફ્લુ' જીવલેણ રહ્યો નથી. 'ફ્લુ' ના વાઇરસ વારંવાર પોતાની પ્રકૃતિ બદલીને વાયરા રૂપે આવતાં હોય છે. તે  સહેલાઈથી કાબુમાં આવતા હતા. તબીબો પણ 'વાઇરલ રોગ' છે. તેમ જણાવતા હોય છે. આપણે જાણીએ છીએ કે વાઇરસથી થતા રોગની કોઈ દવા હોતી નથી. આપણું શરીર જ પોતાની રોગ પ્રતિકાર શક્તિથી તેની સામે લડે છે. અલબત 'સેકન્ડરી ઇન્ફેક્શન' એટલો ગૌણ ચેપ મટાડવા તબીબો દવા આપે છે.

આ તો નમૂના થયા. પરંતુ એક વાત તેનાથી સ્પષ્ટ થાય છે કે ઋતુ બદલાય એટલે કે 'સીઝન' બદલાય એટલે રોગચાળો ફેલાતો હોય છે. ઘણીવાર આપણે સીઝનલ માંદગી કહી હળવાશથી લેતા હોઈએ છીએ.

અત્યારે તો સમગ્ર દુનિયાની આબોહવા બદલાવાનો સવાલ છે. વાતાવરણમાં કાર્બન ડાયોકસાઇડ અને અન્ય ગ્રીનહાઉસ વાયુઓ ઉમેરાવાથી દુનિયાનું સરેરાશ તાપમાન વધી રહ્યું છે. તેને ગ્લોબલ વોર્મિંગ કહે છે. ઉપરોક્ત વાયુઓ દિવસ દરમ્યાન પૃથ્વીને મળેલી સૂર્યની ગરમીને રાત્રે અવકાશમાં ફેંકાઈ જતી રોકે છે. પરિણામે ગ્લોબલ વોરમિંગ થાય છે. ગ્લોબલ વોર્મિંગથી મહાસાગરના પાણી લેવલ ઉંચા જતાં કાંઠાના પ્રદેશો અને કેટલાય ટાપુઓ ડૂબમાં જશે. ત્યાં વસતા લોકોને હિજરત કરવી પડશે. વળી પૃથ્વી પર પડતાં વરસાદના પટ્ટાઓ પોતાના સ્થાનેથી ખસશે. દાખલા તરીકે ગંગા અને બ્રહ્મપુત્રના પ્રદેશોમાં ઘણો વરસાદ પડે છે અને તેથી ત્યાં અન્ન ઉત્પાદન ઘણું થાય છે. આ પટ્ટો ઉત્તર રફ ખસતાં ત્યાં ઘણો વરસાદ પડશે જ્યારે અહીં ગંગા-બ્રહ્મપુત્રના પ્રદેશોમાં પાણીની અછત સર્જાશે. વરસાદ અને ખેતી પર નિર્ભર તેનાં અર્થતંત્રને મોટી હાનિ થશે. આવું તો દુનિયામાં અનેક સ્થળે થશે.

આ ઉપરાંત હવામાનના બદલાવ સાથે રોગચાળા ફેલાવાશે. પરંતુ કેટલાક પારિસ્થિતિકી વિજ્ઞાાનીઓ તેની સાથે સંમત નથી. તેમણે વિવાદનો મધપૂડો છેડયો છે કે હવામાનના બદલાવે 'ટ્રોપિકલ' તરીકે ઓળખાતાં ઉષ્ણ કટિબંધીય વિસ્તારોમાં પપ્રવર્તતા રોગો દૂર દૂર સુધી વ્યાપક રીતે ફેલાવશે તેવું સંભવિત ન પણ બને. આ બાબત પરસ્પર કાદવ ઉછાળતા હોય તે હદે વિવાદ છેડયો હતો. ઉપરોક્ત વિષય પરના સંશોધનપાત્ર સામે 'જર્નલ ઇકોલોજી'એ એક નહીં પણ છ પ્રતિક્રિયાઓ પ્રસિધ્ધ કરી.

આ અંગેના કેટલાક સંશોધકોએ ચેતવણી આપી છે વૈશ્વિક તાપમાનમાં થઇ રહેલો વધારો વધારે રોગોને નોતરશે. દાખલા તરીકે ગ્લોબલ વોર્મિંગ ઉષ્ણકટિબંધના રોગોને અત્યારે જેને સમસીતોષ્ણ વિસ્તારો ગણવામાં આવે છે તેમાં ફેલાવવામાં મદદરૂપ થશે. આવો ફેલાવો ખાસ કરીને 'મેલેરિયા' અને 'સ્લીપિંગ સિકનેસ' જેવા જંતુઓને લીધે ફેલાતા રોગોને ખાસ લાગુ પડે છે. મેલેરિયાનો રોગ એનોફેલિસ માદા મચ્છર ફેલાવે છે અને આફ્રિકામાં થતો 'સ્લીપીંગ સિકનેસ'નો રોગ 'ત્સે ત્સે' નામની માખી દ્વારા ફેલાય છે. જો યોગ્ય સારવાર ન મળે તો તે જીવલેણ નીવડે છે.

કેવિન લાફેર્ટી નામના રોગ પારિસ્થિતિકી વિજ્ઞાાનીનાં મતે આ બાબત વાસ્તવિક્તા ઘણી જ સંકીર્ણ છે. તેના મતે કેટલાક વિસ્તારોમાં હવામાનનાં તાપમાનનો વધારે કેટલાક રોગોના ફેલાવાની તરફેણ કરે છે પરંતુ તે અન્ય કેટલાક રોગોને રોકે છે અર્થાત્ નિરોધે પણ છે. અલબત્ત લાફેર્ટી ના નથી કહેતા કે આબોહવાના બદલાવને કારણે મેલેરિયાનો રોગ નવા વિસ્તારોમાં ફેલાશે નહીં. અલબત્ત આફ્રિકાના સાહેલ વિસ્તાર જેવા વિસ્તાર કે જ્યાં મેલેરિયાના મચ્છરોની વૃધ્ધિની ચડતી કળા આજે છે ત્યાંની વધારે ગરમ અને વધારે સૂકી હવામાનની પરિસ્થિતિમાં તે ત્યાંથી નેસ્તનાબૂદ થાય. મેલેરિયાના દર્દીઓથી ખદબદતા આ વિસ્તારમાંથી મેલેરિયા સંપૂર્ણ નાબૂદ થાય તેવું બની શકે છે અને તે પણ ગ્લોબલ વોર્મિંગના કારણે થાય તેમ છે. જો સર્વત્ર આમ જ થવાનું હોય તો સરવાળે રોગોના ઉપદ્રવના જોખમમાં ચોખ્ખો વધારો ભાગ્યે જ થશે અથવા તો થશે તો પણ બહુ ઓછો થશે.

વળી આ રોગો જ્યાં ફેલાવાની શક્યતા છે તે પૃથ્વી સમશીતોષ્ણ વિસ્તારો જેવા કે દક્ષિણ યૂરોપ અને દક્ષિણ અમેરિકામાં આરોગ્યની વ્યવસ્થા તેમજ મચ્છર જેવા જંતુઓની વૃધ્ધિ પર નિયંત્રણ વ્યવસ્થા સારી છે. તેના કારણે આ વિસ્તારોમાં આવા રોગો ફેલાતા અટકશે. આબોહવાની પરિસ્થિતિ આવા રોગોના ફેલાવાને અનુકુળ હશે તો પણ આ વિસ્તારમાં આવા રોગો ફેલાશે નહીં. વધુમાં તજજ્ઞા લાફેર્ટીના મતે આબોહવાના બદલાવના કારણે જીવોની અનેક જાતિઓનો પૃથ્વી પરથી સફાયો થઇ જશે. તેમાં એવા જંતુઓ આવી જાય છે કે જેનામાં રોગકારક પરોપજીવો (પેરાસાઇ)નો વાસ હોય. આ જંતુઓ તો આ પરોપજીવો ના યજમાન હોય છે. જંતુ કરડે ત્યારે તે માનવશરીરમાં આ રોગના પરોપજીવોને દાખલ કરે છે તેનાથી રોગ ફેલાય છે. હવે આબોહવાના બદલાવને કારણે આ યજમાન જંતુઓનો સફાયો થઇ જાય તો પછી પેલા પરોપજીવો ટકે કેવી રીતે ? આ પરોપજીવી રોગાણુઓ પર પણ લુપ્ત થઇ જવાનું જોખમ ઊભું થાય તે દેખીતું છે.

તજજ્ઞા લાફેર્ટીના સંશોધનપત્ર એ પરિસ્થિતિકી વિજ્ઞાાનીઓ (ઇકોલોજીસ્ટો)માં એક પ્રકારનો વિરોધનો દેકારો મચી ગયો. તે જે સામયિકમાં પ્રસિધ્ધ થયેલ તે સામયિકના તંગીને શ્રેણીબધ્ધ પ્રતિક્રિયાઓ તે સંશોધનપત્રની જોડાજોડ છાપવી પડી.

એક મહિલા વિજ્ઞાાની મર્સીડીસ પાસ્કુઆલે જણાવ્યું કે લાફેર્ટીની આખી વિચારધારા સાથે તે બિલકુલ સંમત નથી. તેના કહેવા પ્રમાણે ઉત્તર આફ્રિકાના ઉંચાણવાળા પ્રદેશોમાં એવી મોટી વસ્તીઓ છે જે આજની તારીખે મેલેરિયાના મચ્છરોની પ્હોંચની બહાર છે. ત્યાં મેલેરિયાના મચ્છરો પેદા થતા નથી. પરંતુ જે તાપમાનો વધતા ચાલશે તેમ મેલેરિયાના મચ્છરો આ વિસ્તારોમાં પણ પ્હોંચશે. આના કારણે ત્યાં મેલેરિયાનો ઉપદ્રવ વધશે. અન્યત્ર મેલેરિયાના જોખમમાં જે ઘટાડો થવાથી લાભ થયેલ હશે તેને તે ઉલ્ટાવી નાખશે. અન્ય એક તજજ્ઞાના મતે વિકસિત દેશોમાં આરોગ્ય વ્યવસ્થાનું સુચારૂ માળખુ સારી વાત છે. પણ તે સાર્વત્રિક નથી હોતું. દાખલા તરીકે કેટલાક પારિસ્થિતિક વિજ્ઞાાનીઓ દર્શાવે છે કે એવા પૂરાવા છે કે આબોહવા બદલાવવા કારણે આફ્રિકામાં ઇથિયોપિયામાં ઉંચાણવાળા પ્રદેશોમાં મેલેરિયાના દર્દીઓમાં વધારો થવા લાગ્યો છે. ઇથિયોપિયામાં તો આરોગ્ય વ્યવસ્થાની માળખાગત સુવિધા નબળી છે.

આબોહવાના બદલાવને કારણે માનવ સિવાયના જીવોમાં પણ રોગો વધતા માલૂમ પડયા છે. કેરેબિયન એટલે કે વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓના વિસ્તારમાં પરવાળામાં રોગનો દર વધી રહ્યો છે.

મોટાભાગની પારિસ્થિતિથી વિજ્ઞાાનીઓ એક બાબતમાં સંમત થાય છે કે એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં રોગનું જવું માત્ર આબોહવા ઉપરાંત બીજી બાબતો પર પણ આધાર રાખે છે. આબોહવા બદલાવના કારણે આરોગ્ય પર અસર પ્રત્યે જે ચિંતા સેવાય છે તે આબોહવા બદલાવની નીતિ ઘડતી વખતે ધ્યાનમાં લેવી જોઇએ.

આવી ચર્ચાથી તે અંગે જે પગલાં ભરવાના હોય તે ધીમા ન પડવા જોઇએ કે નબળા ન પડવા જોઇએ.

Tags :