- 'કાદંબરી' એ ચંદ્રાપીડ અને કાદંબરીની રોચક પ્રેમકથા છે. તેની સાથે ઉપનાયિકા મહાશ્વેતા તથા ઉપનાયક વૈશંપાયનની પણ જન્મજન્માંતરની કથા છે
મ ધ્યકાળમાં ગુજરાતી ભાષા માટે 'ગુર્જર ભાષા' એવો શબ્દપ્રયોગ કરનાર પાટણનો મોઢ વણિક કવિ ભાલણએ નરસિંહ અને મીરાં વચ્ચેનો સાંકળરૂપ સર્જક હતો પ્રારંભમાં કૃષ્ણભક્ત અને ઉત્તરવસ્થામાં રામભક્તિ તરફ વળેલા આ સર્જકે અનેક રચનાઓ આપવા ઉપરાંત કડવાબધ્ધ આખ્યાન સ્વરૂપનું માળખું બાંધી આપીને આખ્યાન શિરોમણિ પ્રેમાનંદ જેવા કવિઓ માટે એક નવી દિશા ઉઘાડી આપી હતી. વળી અનુવાદકરૂપે એણે સંસ્કૃત ભાષાના મહાકવિ બાણભટ્ટની અદ્ભૂતરસિક ગદ્યકથા 'કાદંબરી'નો ગુજરાતી ભાષામાં અનુવાદ કરીને સૌ પ્રથમ ભારતીય ભાષાઓમાં તેનો અનુવાદ કરવાનો યશ તેણે પ્રાપ્ત કર્યો છે. કાદંબરીનો આ શબ્દશ: અનુવાદ નથી પણ સારાનુવાદ છે. એ વાતનો સ્વીકાર કરતાં ભાલણ લખે છે કે -
''સર્વ ઉપમા કહી નવિ જાય, કિહિતાં ગ્રંથ ઘણું અતિ થાય,
તે સંક્ષેપિ કરી, મુગ્ધબોધની કાદંબરી
કથા માત્ર લેઇ રસ સાર કહી બુધ્ધિ માની પ્રકાર''
આમ તો, મહાકવિ બાણભટ્ટની રચનાને પામવી એ સામાન્ય મનુષ્ય માટે કપરી હોવાથી તેમની વાણીને ''નારિકેલ પાકવાણી'' કહેવાય છે. એટલે કે પ્રથમ નજરે કૃતિને પામવી નારિયેલના કવચ જેટલી કઠીન જણાય પરન્તુ એકવાર તેને પામી લીધા પછી તે નારિયેલના કોપરા જેવી મીઠાશ અને શીતળતાનો અનુભવ કરાવે. આવી કાદંબરીનો આસ્વાદ સામાન્ય રસિકજન પણ કરી શકે તેવા તેના શુભ હેતુને સ્પષ્ટ કરતાં ભાલણ એના મંગલાચરણમાં
લખે છે કે -
''અતિ પંડિત હુઈ તે પ્રીછિ તેહનું નહીં ઉપાય,
મુગધરસિક સાંભલવા ઇછિં પણ પ્રીછિ નવ જાય.
તેહનિ પ્રીછવા કારાણ કીધો ભાલણ ભાષાબંધ
સકલ ઉપમા કહો ન જાય, કિંચિત કથા સમંધ''
આમ, મૂળકૃતિમાં રસક્ષતિ નથાય તેમ તેની ભાષા શૈલીનો ભાર હળવો કરીને તેમાં પોતાની મૌલિકતાથી કલ્પનો ઉમેરીને ભાલણે પોતાની વિદ્વત્તા, રસવિવેક તથા ઔચિત્ય જ્ઞાાનનો પરિચય કરાવ્યો છે.
'કાદંબરી' એ ચંદ્રાપીડ અને કાદંબરીની રોચક પ્રેમકથા છે. તેની સાથે ઉપનાયિકા મહાશ્વેતા તથા ઉપનાયક વૈશંપાયનની પણ જન્મજન્માંતરની કથા છે. રાજા શુદ્રકના દરબારમાં આવેલી અંડલકન્યા પોતાનો વૈશંપાયન નામનો પોપટ રાજાને અર્પણ કરે છે. ત્યાંથી કથાનો આરંભ થાય છે. કથામાં પદ્યવાર્તાઓની જેમ અવકાશગમન, ગત જન્મની સ્મરણ કથા, મૃતસંજીવન પ્રયોગ, આકાશવાણી જેવી અનેક ચમત્કારિક ઘટનાઓનું આ પોપટના મુખે વર્ણન કરાયું છે. વળી, મનુષ્ય દેહ ધરાવતાં પાત્રોની સાથે પશુ-પક્ષીઓ પણ આ કથામાં પાત્રો રૂપે આવે છે.
ભાલણે પોતાના અનુવાદમાં કેટલીક ઘટનાઓનું તો મૂળ કૃતિમાંથી જૈસે થે નિરૂપણ કર્યું છે. જેમ કે જાબાલિના આશ્રમનું વર્ણન, શુકનાસ કુંવરનો ઉપદેશ, શાલ્મલિ વૃક્ષનું વર્ણન, તપોવનમાં સંધ્યાનું વર્ણન, મહાશ્વેતાના સાંગોપાંગ વર્ણન ઉપરાંત આચ્છોદ સરોવરનું ટૂંકાવેલું વર્ણન. આ વર્ણનોમાંથી રસિકોને બાણભટ્ટના કલ્પનાવૈભવ, કાવ્યવિલાસ અને શૈલીનો પરિચય મળે છે.
જ્યારે કેટલીક જગ્યાએ ભાલણે મૂળ કથામાં પોતાની કલ્પનાઓનું ઉમેરણ કરીને પોતાની કાવ્યશક્તિનાં ચમકારાઓ દર્શાવ્યાં છે. એમાં પંપા, આચ્છોદ કે વિંધ્યાટવી સરોવરોના વર્ણનો, શબર સૈન્યએ કરેલાં પક્ષીસંહારનું ચિત્રાત્મક વર્ણન, પુંડરિક અને કાદંબરીની વિરહવ્યથા તેમજ અપુત્ર વિલાસવતીની વાત્સલ્ય ઝરતી પુત્ર ઝંખનામાં સુંદર બાળકના સહજ આલેખન દ્વારા ભાલણે પોતાની કાવ્યશક્તિનો પરિચય કરાવ્યો છે. તો તારાપીડની ક્રિયાના ઉન્માદક વર્ણનમાં ''આ મણિ કિહુ ? કહી કુચ ગ્રહિ, એમે ઉમશિ એ વાર'' - જેવી પંક્તિઓમાં ભાલણે ઉત્કટપણે શૃંગારરસ આલેખ્યો છે.
જો કે, અહીં ભાલણે કરેલાં બધાં જ મૌલિક ઉમેરણો રસિક કે કલાપૂર્ણ બની શક્યાં નથી જેમ કે - ચંદ્રાપીડના ગયા બાદ કાદંબરી અગાસી ઉપરથી અશ્વની ખરીથી ઉડતી ધૂળ જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી જોઈ રહી છે. ભાલણનું આ વર્ણન એની મૂળ કૃતિના ભાવને જાળવી રાખી શકતું નથી.
ભાલણે આ સારાનુવાદમાં નાનાં મોટા એમ બે પ્રકારની કડવા રચનાઓવાળું આખ્યાન સ્વરૂપ સ્વીકારીને તેમાં વિવિધ તાલરચના પણ કરી છે. દોહરાની દેશી, હરિગીતની દેશીના પ્રયોગ દ્વારા ભાવોચિત રાગસૃષ્ટિનું નિર્માણ કરીને રામગ્રી, વિરાડી, મેવાડો અને આશાવરી જેવા રોગોનો પણ કુશળતાપૂર્વક પ્રયોગ કર્યો છે.
આમ તો ભાલણ પોતે પણ સંસ્કૃત અને ગુજરાતી ભાષાનો પ્રકાંડ પંડિત હતો. છતાંયે કૃતિને સામાન્ય જનપ્રિય બનાવવાના હેતુથી તેણે મૂળ કૃતિના જટિલ સંકુલ કથાવસ્તુ, સમાસપ્રચુરતા, અલંકાર-પ્રચુરતા અને અદ્ભૂત વર્ણનછટાનો ત્યાગ કરીને કૃતિને લોકભોગ્ય બનાવવા સતત પ્રયત્નશીલ રહ્યો છે, અને એટલે જ એની કાવ્યભાષા સરળ, સંક્ષિપ્ત આરોહ-અવરોહ સભર મધુ અને તળપદી છે.
આ પ્રકારની સહજસિધ્ધ રચનાકળા એ ભાલણની અનુવાદક તરીકેની મોટી સિધ્ધિ છે અને એને બિરદાવતાં શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી લખે છે કે - ''બાણની કાદંબરીનો આત્મા ભાલણે પોતાના સમયની ગુજરાતી ભાષાના શરીરમાં જેટલો સમાઈ શકે તેટલો ઉતાર્યો છે'' તો વિજયરાય વૈદ્ય લખે છે કે - ''ભાલણની કાદંબરી બાણકૃત છે એટલી જ ભાલણકૃત પણ છે.''
આમ જ્યારે સમગ્ર મધ્યકાલીન સાહિત્ય ધર્મના પરિઘમા સીમિત હતું ત્યારે ભાલણે સંસ્કૃત કાવ્ય દ્રષ્ટિથી સમૃદ્ધ એવી કાદંબરીનો સારાનુવાદ આપીને ગુજરાતી સાહિત્યની એક અમૂલ્ય સેવા બજાવી છે અને એટલે જ ''કાદંબરી''એ ભાલણની એક યશોદાયી કૃતિ છે.
- ડૉ. ઋષિકેશ રાવલ


