Get The App

''દશમસ્કંધ'' : પ્રેમાનંદનું કૃષ્ણચરિત્રાત્મક આખ્યાન

Updated: Aug 17th, 2021

GS TEAM

Google News
Google News
''દશમસ્કંધ'' : પ્રેમાનંદનું કૃષ્ણચરિત્રાત્મક આખ્યાન 1 - image

- પ્રેમાનંદમાં માનવહૃદયના ભાવોને સમજવાની ઊંડી સૂઝ છે. કંસની ક્રૂરતાને કારણે પુત્રો ગુમાવતી દેવકીની માતૃહૃદયની વેદના અને વાત્સલ્યભાવ વેધકતાથી નિરૂપાયો છે

આ ખ્યાન કૃતિ 'દશમસ્કંધ' એ આખ્યાન શિરોમણિ પ્રેમાનંદની પરિણિત પ્રજ્ઞાાનું ફળ છે. શ્રીમદ ભાગવતના કુલ બાર સ્કંધમાં નિરૂપીત કૃષ્ણચરિતને એણે પોતાના આખ્યાનનો વિષય બતાવ્યો છે. એકસો પાંસઠ કડવાની આ રચના એની અંતિમ કૃતિ હોવાથી ભાગવતના નેવુ અધ્યાયમાંથી લગભગ ત્રેપન અધ્યાય સુધીની કથા જ સમાવિષ્ટ હોવાથી તે અધૂરી રહી જવા પામી હતી જેને સુંદર મેવાડાએ પૂર્ણ કરી હતી. આમ તો, આ કૃતિ અનુવાદિત કહેવાય છે પરન્તુ તેણે એના મુખ્ય પ્રસંગોને વળગી રહીને વર્ણનો અને ભાવને પોતાની નિજી પ્રતિભાથી ખીલવ્યાં છે. અહીં ભક્તિબોધનું તત્ત્વ ગાઢ રીતે નિરૂપાયું છે.

પ્રેમાનંદના દશમસ્કંધમાં દેવકીનો આઠમો પુત્ર કંસ વધ કરશે તેવી આકાશવાણી, કૃષ્ણજન્મ, નંદ-જશોદાને ત્યાં મૂકવા જવું, જોગમાયાની આકાશવાણી, પૂતનાવધ, શકરાસુર, તરૂણાવંત, વત્સાસુર, બકાસુર, ગદર્ભાસુર જેવા રાક્ષસોનો કૃષ્ણ દ્વારા વધ, ઉખળબંધનનો પ્રસંગ, બ્રહ્મા દ્વારા કૃષ્ણના પરમેશ્વરપણાની પરીક્ષા, નાગદમન, દાવાનળપ્રાશન, ગોપીઓનો વસ્ત્રાહરણ, ગોવર્ધન પર્વત ઊંચકવો, રાસલીલા, કંસવધ અને રૂકમણિહરણ જેવા પ્રસંગોનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. દશમસ્કંધના સુરેખ ચિત્રો પુતના માસીનું વર્ણન, શકરાસુર, બકાસુર, અધાસુર, કાલીયનાગ અને નાગપત્નીઓનાં વર્ણનો પ્રેમાનંદની વર્ણનશક્તિનાં સુંદર ઉદાહરણો છે. કૃષ્ણને સ્તનપાન કરાવવા પુતના પોતાના ખોળામાં લે છે ત્યારનું ચિત્ર અને પુતનાના વિશાળ દેહ ઉપર સ્તનપાન કરતા છ દિવસના કૃષ્ણનું ચિત્ર ખુબ જ આકર્ષક બન્યું છે. વળી બાળકૃષ્ણની સાહજિક ચેષ્ટાઓનું નિરૂપણ પણ અતિ સુંદર બન્યું છે 

જેમ કે,

''ઘૂંટણીયે ઘનશ્યામ માતા કને આવે,

ઢળી પડે બેઠા થાય તે જનની ગમે

પ્રગટ કરે અજ્ઞાાન, હાથમાં દીપ ગ્રહે''

;;;

'અધવચ નાસી જાય પ્રભુ નવરાવતાં,

રાંધતાં લાગે વાર, કઢાવે અન્ન કાચું,

છાશમાં માગે ખાંડ, દૂધમાં માગે મીઠું'

મુશળધાર વરસાદથી વ્રજવાસીઓનું રક્ષણ કરવા શ્રીકૃષ્ણ ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઊંચકી લે છે તેનું ઉપમા અલંકારસભર સુંદર વર્ણન કર્યું છે કે- ''જેમ વર્ષાઋતુમાં નાનકડું બાળ તણખલાંને ઉપાડી લે, જેમ ઉન્મત્ત ગજસૂંઢમાં કોઇ 'સુકોમાળ કમળનાળને ઊંચકી લે તેમ ભગવાને કોઇપણ જાતના શ્રમ વિના ગોવર્ધન પર્વતને 'જેમ કો મુદ્રિકા ધરે હાથ'ની જેમ ઊંચકી લીધો.'' બાળકના જન્મ પછી દેવકી એને ખોળામાં લઇ સ્તનપાન કરાવતાં આલિંગનો-ચુંબનો વડે જે માતૃપ્રેમ વરસાવે છે તેનું વર્ણન પણ આકર્ષક છે.

પ્રેમાનંદમાં માનવહૃદયના ભાવોને સમજવાની ઊંડી સૂઝ છે. કંસની ક્રૂરતાને કારણે પુત્રો ગુમાવતી દેવકીની માતૃહૃદયની વેદના અને વાત્સલ્યભાવ વેધકતાથી નિરૂપાયો છે. દેવકી અને જશોદા દ્વારા કૃષ્ણપ્રતિ વ્યક્ત થતો વાત્સલ્યભાવ, બંનેની આંતરવ્યથા આબેહૂબ રીતે રજૂ થાય છે. ગોપીઓ અને જશોદા વચ્ચેનાં પ્રસંગોમાં માનવસહજ લાગણીઓનું વિગતપૂર્ણ નિરૂપણ થયું છે. પ્રેમાનંદનો વાસુદેવ એ જ્ઞાાની વાસુદેવ નથી પણ એક વત્સલ પિતા છે. પરબ્રહ્મતસ્વરૂપે પ્રતીતી થતાં શ્રીકૃષ્ણ અહીં માનવીય ગુણોથી સભર જોવા મળે છે.

પ્રેમાનંદે 'દશમસ્કંધ'માં કરૂણરસની સરવાણી વહાવી છે. આકાશવાણી સાંભળી કંસ દેવકીની હત્યા કરવા આવે છે ત્યારે દેવકીનો વલવલાટ, કૃષ્ણજન્મ સમયે બાળકથી વિખૂટી પડતા દેવકીના આક્રંદમાં આબેહૂબ કરૂણરસ નિરૂપાયો છે.

''એમે વલવલતી હો, રોતી ગજગાંમિની,

દેવકી રોતાં હો, રોઇ પ્રજા ગામની

રોયાં વૃધ્ધ જોબન હો રૂએ  બાળક બાંડુવાં,

રોયાં હય હાથી હો, રોયાં નગ્ન ઝાંડુવાં''

એ જ રીતે કૃષ્ણને નંદના ઘેર વિદાય કરતાં દેવકીની માતૃવેદના તીવ્ર બને છે તો કૃષ્ણ યમુનામાં જંપલાવે છે ત્યારે ''મારૂં માણેકડું રિસાવ્યું રે શામળિયા'' એમ કહેતી જશોદાનો વિલાપ પણ બહુ જ અસરકારક કરૂણ રસ પ્રગટ કરે છે તો અસુરો સાથેના સંઘર્ષમાં વીરરસનું આલેખન છે જ્યારે ગોવર્ધન પર્વતને ઊંચકતી વખતે, સમગ્ર જળ શોષી લેતી સમયે, કંસને સંભળાતી આકાશવાણી, કૃષ્ણજન્મ પહેલાં વસુદેવ દેવકીને થતું સ્વપ્નદર્શન, કૃષ્ણજન્મ સમયે દ્વારપાળોનું સૂઇ જવું, કારાગારનાં દરવાજા ખુલી જવા, તથા યમુનાનું માર્ગ આપવું જેવા પ્રસંગોમાં અદ્ભુત રસની પ્રતીતિ થાય છે. તો કૃષ્ણએ કરેલી ટીખળમાં હાસ્યરસ જોવા મળે છે.

જો કે અહીં પ્રેમાનંદની કેટલીક મર્યાદાઓ પણ દેખાય છે. જેમ કે, કંસ, કૃષ્ણ, જશોદા જેવાં પાત્રોમાં માનવીય આલેખન થયું હોવાથી ગૌરવહીણાં ચિતરાયાં છે. વળી, અનુવાદનું બંધન તેને નડયું હોવાથી સમગ્ર રચનાનો આકાર સુગ્રથિત સ્થાપત્ય રચના જેવો નહીં પણ મણિમાળા જેવો થાય છે. વાર્તારસ સિવાય આ કૃતિમાં ક્યાંય પ્રેમાનંદની પ્રતિભા નબળી પડતી જણાતી નથી. આમ છતાં, પ્રેમાનંદ શબ્દોનો સ્વામી હોવાથી એણે વર્ણનોની સુરેખતા અને ચિત્રાત્મકતા સુંદર રીતે ઊભી કરી છે. મૂળ સંસ્કૃતનો એકેય પ્રસંગ એણે છોડયો નથી. વળી, ક્યાંક નવા પ્રસંગોનું મૌલિક કલ્પનાબળથી સર્જન કરીને સમગ્ર રચનાને રસપ્રદ બનાવી છે. ટૂંકમાં 'દશમસ્કંધ'નો વિષય વૈષ્ણવધર્મ સંબંધી હોવાથી એમાં સાંસારચિત્રો ખુબ જ આકર્ષક રીતે નિરૂપાયાં છે, જે સર્વ રસિકજનોને સ્પર્શે એવાં પ્રિયકર બન્યાં છે.

- ડૉ. ઋષિકેશ રાવલ