For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

''શાંત ઝરૂખે''ના નઝમકાર સૈફ પાલનપુરી

- મનુષ્યને સૌથી વિશેષ આઘાતો પોતાના સ્વજનો તરફથી જ મળતા હોય છે, કવિ જીવનના પાછલા વર્ષોમાં પોતાના જીવનના ચોપડાઓમાંથી હિસાબ-કિતાબનું સરવૈયું કાઢે છે

Updated: Sep 8th, 2020

''શાંત ઝરૂખે''ના નઝમકાર સૈફ પાલનપુરી

ઉ ર્દૂ અને ગુજરાતી એમ બંને ગઝલોની નખશિખ શાસ્ત્રીય સમજ ધરાવતા ગુજરાતના જાણીતા ગઝલકાર સૈફ પાલનપુરીએ ગઝલક્ષેત્રના બધા જ પ્રકારોને સફળતાથી ખેડયા છે. મુક્તક ગઝલ અને નઝમ આ ત્રણેય પ્રકારોમાં ઉત્તમ રચનાઓ આપીને પોતાની કાવ્યકળાનો પરિચય કરાવ્યો છે. મૂળ ઉર્દૂ ભાષાના આ ગઝલકાર જણાવે છે કે - ''શયદાભાઈએ મારી આંગળી પકડી, શૂન્યભાઈએ તખલ્લૂસ આપ્યું, બેકાર સાહેબે પરિચય કરાવ્યો અને અમીરીએ મારામાં શાયર તરીકેનું આત્મજ્ઞાાન પ્રગટાવ્યું. સૈફ પાલનપુરીએ 'ઝરૂખો' અને 'હિંચકો' નામના બે ગઝલસંગ્રહો આપ્યા છે, પરન્તુ એ 'નઝમસમ્રાટ તરીકે વિશેષ જાણીતા હતા. એમની 'ઝરૂખો' - 'શાંત ઝરૂખે વાટ નીરખતી...' આ નઝમ સિવાય અન્ય પણ કેટલીક નઝમોને જાણીતા ગઝલગાયક મનહર ઉધાસે ગાઈને સંગીતપ્રેમીઓના હૃદય સુધી પહોંચાડી છે.''

એમની રચનાઓની ભાષાશૈલીની જેમ એમનો સ્વભાવ પણ એટલો જ સરળ અને પરગજુ હતો. સૈફ પોતાની ગઝલના મત્લામાં પોતાનો સ્વભાવ જણાવી દે છે કે -

''અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે.

રૂદનમાં વાસ્તવિકતા છે ને હસવામાં અભિનય છે.''

એમની ગઝલોમાં એમના આગવા મિજાજની સાથે-સાથે તેમના અલગારીપણાનો પણ પરિચય થાય છે. જોકે સૈફભાઈને એવા અનેક મતલબી માણસોનો પરિચય થયો છે અને એમના એવા કડવા અનુભવો થયા છે કે, મિત્રતાની બાબતમાં હવે તેઓ જાણે કે 'છાશ પણ ફૂંકીને પીવે છે' એવો ભાવ આ શેરમાં પ્રગટ કરે છે જેમ કે,

''ફૂલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે.

એને રૂઝાયેલ ઝખ્મો યાદ આવી જાય છે.''

સ્વજનોના આવા આઘાતો અને દગાબાજીઓથી પરેશાન થયેલા કવિ હવે ફૂલનો તો શું ઈશ્વરનો ય ભરોસો કરવા તૈયાર નથી એવું અહીં જણાવે છે જેમ કે -

''દિલના દર્દોનો હું એને ય ઈશારો ન કરું

એવો દાઝ્યો છું ખુદાનોય ભરોસો ન કરું''

મનુષ્યને સૌથી વિશેષ આઘાતો પોતાના સ્વજનો તરફથી જ મળતા હોય છે, કવિ જીવનના પાછલા વર્ષોમાં પોતાના જીવનના ચોપડાઓમાંથી હિસાબ-કિતાબનું સરવૈયું કાઢે છે, ત્યારે જીવનમાં આઘાતો પહોંચાડનારા સૌથી વધારે તો આ સ્વજનો જ છે. એને એ વેદના અહીં રજૂ કરે છે કે,

''જીવનની સમી સાંજે મારે, ઝખ્મોની યાદી જોવી'તી

બહુ ઓછા પાનાં જોઈ શક્યો, બહુ અંગત-અંગત નામ હતા.''

સૈફભાઈએ પોતાની કેટલીક રચનાઓમાં આપણી કહેવતો કે માન્યતાઓને ખૂબ જ સુંદર રીતે સાંકળી લીધી છે. આપણે ત્યાં 'કોઈના ઘર ઉપર બેસીને કાગડો બોલતો હોય તો મહેમાન આવશે' એવી માન્યતા છે. પરન્તુ સર્જકનો કાગડો તો ઘણાં દિવસ પછી આવીને કંઈક નવા જ પ્રકારના સમાચાર લાવે છે, સર્જક પરંપરાથી ચાલી આવતી આ માન્યતાને આપણી સમક્ષ જરા જુદી રીતે પ્રસ્તુત કરે છે જેમ કે,

''ઘણાં દિવસ પછી બારીએ કાગડો આવ્યો,

ને કહી ગયો કે હવે કોઈ આવનાર નથી,''

આવો જ આપણો એક વ્યવહારમાં સહજ રીતે પ્રયોજાતો રૂઢિપ્રયોગ 'ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મર' તેને પણ જરા આપણી સમક્ષ જુદી રીતે મૂકી આપે છે કે,

''બસ એ જ કારણે બહુ શરમાઈ હું ગયો

ડૂબી જવાને માટે ફક્ત વાડકી હતી.''

સૈફ પાલનપુરીએ ઉત્તમ ગઝલોની સાથે સાથે નઝમસર્જનમાં એટલા બધા કુશળ હતા કે તેઓ 'નઝમસમ્રાટ' રૂપે જાણીતા બન્યા હતા. 'ઝરૂખો' ઉપરાંત, તાજમહલ, સંસ્કૃતિ, કદી અવતાર ન લેવો, સ્વપ્નનો સોદાગર, બરબાદીનું સોળમું વર્ષ, એક વૃદ્ધ, નર્તિકા, રિસાયેલું યુગલ, મારો યુગ, નેતાજી સુભાષ બોઝ, મોત આવવાનું છે, વસિયત, એક લોકકથા તથા ઉઘરાણી જેવી અસંખ્ય નઝમો એમણે આપી છે.

સૈફ સાહેબની યાદશક્તિ ભલભલાને નવાઈ પમાડે તેવી હતી. વિવિધ પ્રસંગોને અનુરૂપ અનેક ઉર્દૂ તથા ગુજરાતી ગઝલકારોના શેરો તેઓ ગમે ત્યારે ધારાપ્રવાહ બોલી શકતા, મુશાયરાના સમયે એમની રજૂઆતની શૈલી પણ એટલી વિશેષ હતી કે, શ્રોતાઓ ઉપર અનેરૂં કામણ કરી જતા. અને એટલે જ તે સમયના મુશાયરાઓમાં સંચાલન તો સૈફ સાહેબ પાસે જ રહેતું.

સૈફ પાલનપુરીના કેટલાંક શેરો તો ગુજરાતી ગઝલનાં અણમોલ રત્નો સમાં છે જેમ કે -

''બે-ચાર શ્વાસ લઈને જે બાળક મરી ગયું

એની કને ખુદાની કોઈ બાતમી હતી.''

* * *

પહેલાં સમું તરસનું યે ધોરણ નથી રહ્યું

પાણી મળે છે તોય હવે પી જવાય છે.

* * *

પેલા ખૂણામાં બેઠા તે 'સૈફ' છે, જાણો છો મિત્રો ?

કેવો ચંચળ જીવ હતો, ને કેવા રમતા રામ હતા

* * *

એક વાર મેં ફૂલો સમો દેખાવ કર્યો'તો

આ એની અસર છે કે હું કરમાઈ રહ્યો છું.

- ડૉ. ઋષિકેશ રાવલ

Gujarat