Get The App

કવિ ભાલણ રચિત 'રામબાલચરિત' રામભક્તિનો અનન્ય ગ્રંથ

- 'રામબાલચરિત'ના આરંભના પદોમાં પ્રભુ શ્રીરામનો જન્મ થતાં જ માતા કૌશલ્યાજી તેમનું નખશિખ સૌંદર્યમય સ્વરૂપ જોઇને પોતે જ બ્રહ્મમય બની જાય છે

Updated: Sep 1st, 2020

GS TEAM

Google News
Google News
કવિ ભાલણ રચિત 'રામબાલચરિત' રામભક્તિનો અનન્ય ગ્રંથ 1 - image

મ ધ્યકાલીન યુગના મોટાભાગના જૈનેતર સર્જકો કૃષ્ણભક્ત જ રહ્યા છે. એટલે પાટણનો મોઢ વણિક જ્ઞાાતિનો કવિ ભાલણ પણ પ્રારંભમાં તો કૃષ્ણભક્ત જ હતો પરંતુ તેની ઉત્તરાવસ્થામાં તે રામભક્તિ તરફ આકર્ષાય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તેનું પ્રદાન પણ અનન્ય રહ્યું છે. એણે દ્રૌપદી વસ્ત્રાહરણ, રામવિવાહ, નળાખ્યાન, 

મૃગીઆખ્યાન, શિવ-ભિલડી સંવાદ, ચંડીઆખ્યાન, કૃષ્ણવિષ્ટિ, ધુ્રવાખ્યાન જેવી અનેક રચનાઓ લખી છે. પરંતુ એમાં એની ચાલીસ પદોની 'રામ-બાલચરિત' નામની રચનામાં અપાર ભક્તિ અને અપૂર્વ વાત્સલ્યભાવથી મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામજીની બાળલીલા ગવાઈ છે. એમાં ભગવાનશ્રી રામના જન્મથી માંડીને શ્રીરામ, સીતા સ્વયંવરમાં શિવજીના ધનુષ્યનું ચાપ ચઢાવવા ઊભા થાય છે. ત્યાં સુધીની વિવિધ ઘટનાઓનું અદ્ભૂત વર્ણન એમાં થયું છે.

'રામબાલચરિત'ના આરંભના પદોમાં પ્રભુ શ્રીરામનો જન્મ થતાં જ માતા કૌશલ્યાજી તેમનું નખશિખ સૌંદર્યમય સ્વરૂપ જોઇને પોતે જ બ્રહ્મમય બની જાય છે. ભાલણ પોતે પણ શ્રીરામના આ મોહિત સ્વરૂપને જોતાં જ ગાઈ ઊઠે છે કે 'તારી માયાએ ભૂલે બ્રહ્માય, ગુણ નેતિ નેતિ કરી ગાય', અને શ્રી રામજન્મની શુભ વધામણીનું વર્ણન કરતાં કવિ માત્ર થોડાક જ શબ્દોમાં પ્રકૃતિ અને મનુષ્યમાં વ્યાપી ગયેલા હર્ષાનંદને અદ્ભૂત રીતે પ્રગટ કર્યો છે.

જન્મતાંની સાથે જ નીલમણિની જેમ શોભતા બાળરામજીને જોઇને આનંદથી ફૂલી ન સમાતી માતા કૌશલ્યાજીનું પણ આકર્ષક વર્ણન કરતા કવિ ભાલણ લખે છે કે

'કાળો છે પણ કળ્યો ન જાય, નૌતમ નવલે રંગ,

નીલમણિ શો શોભે, રાઘવ-કૌશલ્યા ઓછંગ.'

જેથી હરખઘેલી માતા પોતાના કાળજાના કટકાને જ્યારે હાલરડું ગાઇને ઘોડિયામાં સુવાડતી હોય તેમ ગાતા. કૌશલ્યાજી પણ બાળરામને ઘોડિયામાં નીચા નમીને લાડપૂર્વક સુવાડતા હોય છે ત્યારે ઘોડિયામાં રહેલા તોફાની રામ પોતાના નાના-નાના પગથી લાત મારીને માતાના ગળામાં રહેલી સુવર્ણની માળા તોડી નાંખે છે. એ વાત આ પંક્તિમાં પ્રગટ થઈ છે.

'મૈયા હાલો હાલો મુખે હાલરૂં કહે

વળી, શ્રુતિને વેદ જેને કંઠે રહે

ઝડપ નાંખે ઝરમરને વળી, પાયવતી તોડે.'

બીજાં પદોમાં માતા કૌશલ્યાજી જ્યારે બાળરામજીને શણગારતા હોય છે ત્યારે ભગવાન તેમની બાળસહજ નટખટ નિર્દોષ તોફાન-મસ્તીઓ કરે છે, નાચ-ગાન અને કાલી ઘેલી ભાષામાં નખરાં કરે છે, તો વસ્ત્રો પહેરતાં ભાગી જાય છે ત્યારે માતા પ્રેમપૂર્વક સમજાવીને તેમને વસ્ત્રો પહેરાવે છે. વળી બાળરામ જ્યારે ચાલતા શીખે છે ત્યારે એમની ઠુમકતી, ડગુમગુ થતી મધુર ચાલનું પણ કવિ સુંદર વર્ણન કરતાં લખે છે કે,

'ડગમગ કરતા ડગલા ભરતાં રમતાં રાજકુમાર,

લથડતા સિંહાસન પકડે બ્હીતાં અપરંપાર'

જ્યારે માતા પોતાના પ્રાણસમા બાળરામની આંખોમાં કાજળ આંજવા જાય છે ત્યારે પ્રભુ રામ નટખટ તોફાનો કરતાં ભાગી જાય છે અને પોતાની નાની નાની આંગળીઓથી આંખો ચોળીને પોતાના હાથ કાજળથી ખરડે છે. તો માતા જ્યારે આંગળી પકડીને ચાલવા લઈ જાય છે ત્યારે રામજી દૂર દોડી જઈને પોતાના નાના પગોથી લાતો મારીને ધૂળ ઉડાડે છે ત્યારે માતા કૌશલ્યા રોષે ભરાય છે કે 'પાયે ઉડાડે રેણુકા, માતા મન ધરે રીશ.'

ભગવાન શ્રીરામજી ભલે સમગ્ર સૃષ્ટિના પાલનહાર કે જગદ્નિયંતા હતા પણ માતા કૌશલ્યા માટે તો એમના લાડકવાયા પુત્ર જ હતા, એટલે માતા એમને જાત-જાતના લાડ લડાવે છે તો સામે પક્ષે બાળસહજ નિર્દોષ હઠ અને તોફાન કરતા રામનું ચિત્ર પણ કવિએ મનોહર રૂપે ઉપસાવ્યું છે. માતા કૌશલ્યા જ્યારે તેમને હેતપૂર્વક સ્નાન કરાવે છે ત્યારે રામજી પાણીમાં છબછબિયાં કરીને પાણી ઉડાડે છે જેથી માતા કૌશલ્યાના વસ્ત્રો ભીનાં થાય છે, એટલે માતા એને પ્રેમપૂર્વક ઊંચકીને ભેટીપડે છે, અને પોતાના ખોળામાં બેસાડે છે. આ દ્રશ્યનું આ પંક્તિમાં સુંદર વર્ણન કર્યું છે. જેમ કે,

'છબછબ કરતા છેડા પલાળે, પાણીડાં ઢોળે,

ચંચળ ચતુરા રૂદયે ચાંપી, બેસારે ખોળે'

વળી બાળપણમાં અજાણપણે દીવો પકડવા જતા રામજી શેરડીના નાના ટુકડાઓ ચાવવાને બદલે ચપ્પુ મોઢામાં ચૂસે છે, તો નીલમણિ ચૂસવાની ક્રિડાઓનું પણ આબેહૂબ વર્ણન થયું છે.

આ સિવાય આ કૃતિમાં સરયૂ નદીના કિનારે ગેડી દડો રમતો રામ-લક્ષ્મણ, મુનિ વિશ્વામિત્ર સાથે વનગમન કરતા રામ, નદી પાર કરવા નાવિક પાસે જતા શ્રી રામ, રામ-લક્ષ્મણનો મિથિલા નગરીમાં પ્રવેશ, અને અંતે સીતા-સ્વયંવરમાં ગુરૂ વિશ્વામિત્રાના આદેશથી શિવનું ધનુષ્ય તોડતા ભગવાન શ્રી રામનાં પ્રસંગો પણ અહીં નાટયાત્મક રૂપે વર્ણાવાયા છે.

આમ, કવિ ભાલણની આ 'રામબાલચરિત'માં રામનાં બાળપણના પ્રસંગો એટલી અદ્ભૂત રીતે નિરૂપાયાં છે કે, તે સમગ્ર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની ઉત્તમ કૃતિ બને છે.

- ડૉ. ઋષિકેશ રાવલ