સાચો ધર્મ કયો? એને માટે શી વ્યવસ્થા થઈ શકે ?
- ગુફતેગો - ડો.ચંદ્રકાન્ત મહેતા
- હરિયે દીનોં કે દુઃખ જ્યો-ત્યો, ઈસ સે બઢકર ધર્મ નહીં, નહીં મારિયે કભી કિસી કો ઈસસે બઢકર ધર્મ નહી.
ભારતમાં અનેક સંપ્રદાયો અને ધાર્મિક વિચારોથી એકતા ખંડિત થાય છે. સાચો ધર્મ ક્યો ? એને માટે શી વ્યવસ્થા થઈ શકે?
પ્રશ્નકર્તા ઃ ચંદુભાઇ એમ. નાયી, મહેસાણા, એસ.ટી. ઓફિસના નિવૃત્ત કર્મચારી, મહેસાણા.
ધ ર્મ શબ્દ 'ધુ્ર' પરથી બનેલો છે. અંગ્રેજી 'રિલિજિયન' શબ્દ લેટિનના 'રિલિજર' એટલે કે જોડાવું કે અનુસંધાન કરવું પરથી બનેલો છે. ફારસીમાં ધર્મ માટે ''મજહબ'' શબ્દ પ્રયુક્ત થયો છે. કિશોરલાલ મશરૂવાલાએ ધર્મ માટે 'અનુગમ' શબ્દ પ્રયુક્ત કર્યો હતો.
'મહાભારત'માં કહેવામાં આવ્યું છે કે 'ધારણાત્ ધર્મ ઈત્યાહુ ધર્મો ધારયતિ પ્રજા ઃ' મતલબ કે તત્વ, નિયમ, કે સિધ્ધાન્ત જે વ્યક્તિને, સમાજને કે દેશ અને સમગ્ર વિશ્વને ધારણ કરે, ટકાવી રાખે અથવા આધાર કે રક્ષણ આપે તે ધર્મ. આનંદશંકર ધુ્રવના મતાનુસાર સત્ય સ્વરૂપને સમગ્ર આત્માથી અનુકુળ થવું એનું નામ જ ધર્મ. ડૉ. રાધાકૃષ્ણન્ ધર્મને ''સદ્વર્તન''ના નિયમ તરીકે વર્ણવે છે.
હિન્દુધર્મ અનાદિ છે. ઈસ્લામ ધર્મના સ્થાપક હજરત મહમ્મદ પેગંબર છે. ખિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્ત (મસીહા) છે. જૈન ધર્મના સ્થાપક વર્ધમાન મહાવીર છે. બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમબુદ્ધ છે. જરથોસ્તી (પારસી) ધર્મના સ્થાપક અષો જરથુષ્ટ્ર છે. શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકદેવ છે. યહૂદી ધર્મના સ્થાપક મોઝેઝ છે. કોન્ફયૂશ્યસ ધર્મના સ્થાપક કુંગ ફૂ ચે છે. તાઓ ધર્મના સ્થાપક લાઓત્ઝે છે. શિન્તો ધર્મના સ્થાપક વિશે માહિતી ઉપલબ્ધ નથી.
દરેક ધર્મને તેના ધર્મગ્રંથો, પંથો, સંતો અને આરાધ્યો હોય છે.
સંપ્રદાય શબ્દ સં+પ્ર+દા પરથી બનેલો છે. જેને અર્થ છે આપવું કે દાન પરથી નિર્મિત છે. સંપ્રદાય એ શબ્દ માત્ર રૂઢ કે માત્ર યૌગિક નથી, પણ મિશ્ર છે. એક અગર અનેક અસાધારણ મૂળભૂત વ્યક્તિઓથી ઉત્તરી આવતો જ્ઞાાન, આચાર કે તે બન્નેનો વિશિષ્ટ વારસો તે સંપ્રદાય. ધર્મ પરથી નીકળેલો અમુક મતનો ફાંટા, કે ધર્મમત. સામાન્યરીતે ધર્મના અનેક ફાંટો, પેટા ફાંટા જોવા મળે છે. હિન્દુધર્મ વૈષ્ણવ, શૈવ અને શક્તિ આ ત્રણ મોટા પંથોમાંથી કેવળ વૈષ્ણવના જ ૨૦ સંપ્રદાયો હોવાનું મનાય છે. શૈવાના પણ ૭ મોટા ભેદ ગણાય છે. અને શાકતોના પણ ચૌદ મોટા બેદો મનાય છે. એવું જ અન્ય ધર્મો પણ જુદા-જુદા ફાંટા હોવાની સ્થિતિ છે. સંપ્રદાયનો એક પ્રવર્તક હોય છે. સંપ્રદાયના ના અનુયાયીને સંપ્રદાયી કહેવામાં આવે છે.
બંસીધરભાઈ શુક્લના મતાનુસાર પ્રાચીન ભારતની જીવન પદ્ધતિમાં મૂળ બ્રહ્મચર્ય, ગૃહસ્થ તથા વાનપ્રસ્થ એમ ત્રણ જ આશ્રમો એટલે કે જીવન ગાળા હતા. સમય જતાં, જે ઈચ્છે તેમના માટે સંસારત્યાગ, ભિક્ષાવૃત્તિ, તથા પરબ્રહ્મની સાધનાના બનાવો વધતાં ચોથા સંન્યસ્તાશ્રમની યોજના ઘડાઈ. ધર્મની સ્થાપના થાય ત્યારે સ્થાપકના વિચારોથી પ્રભાવિત થઈ લોકો જે તે ધર્મના અનુયાયી બને છે. સ્થાપકના અવસાન પછી મુખ્ય ધર્મગુરૂ રૂપે તેનો મોટો શિષ્ય કે અનુયાયી સ્થાન લે છે. કોઈ વાર તે લોકોને પ્રભાવિત કરવા તે નવી વાત પણ લાવે છે. ધણીવાર સંપ્રદાયના અનુયાયીઓમાં મતભેદ થતાં ઉપસંપ્રદાય બને છે. જેમ કે વૈષ્ણવોમાં પુષ્ટિમાર્ગ કે સ્વામીનારાયણ.
આટલી ભૂમિકા પછી એ વાત વિચારીએ કે અનેક સંપ્રદાયો ધાર્મિક, આધ્યાત્મિક વિચારો પરથી શું એકતા ખંડિત થાય છે. એકતા ખંડિત થવાની સ્થિતિ ત્યારે જ બને જ્યારે ધર્મ કે ધાર્મિક બાબતોમાં સંકીર્ણતા વધે. ધર્મનું ધ્યેય આખરે માણસને સાચા માનવ બનાવવાનું અને માનવતાના પ્રચાર-પ્રસાર દ્વારા તેની આત્મોન્નતિ કરવાનું છે. સાચી ધર્મભાવના કે સાંપ્રદાયિકતામાં સ્વાર્થવૃત્તિ પ્રવેશે ત્યારે ધર્મ કે સંપ્રદાય તેની શુદ્ધતાને બદલે પોતાના મતનો દુરાગ્રહ રાખે છે. ધર્મના સિદ્ધાંતોનું મનમાન્યું અર્થઘટન કરે છે. સ્વર્ગ, નરક કે મોક્ષની વાતને મહત્વ અપાય છે. બાકી તો 'મજહબ નહીં સિખાતા, આપસ મેં વૈર રખના' એજ વાત મહત્વની છે. ધર્મ કે સંપ્રદાયમાં તેનો વડો સત્યને બદલે 'સ્વ'ને પૂજ્ય માનવા-મનાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે ધર્મભાવના નંદવાય છે.
ધર્મમાં પ્રેમ, સહિષ્ણુતા, ક્ષમા અને બીજાના મનનું પણ સન્માન એવી ઉદાત્ત ભાવના રહેલી છે. ધાર્મિક વિચારો કે આધ્યાત્મિક વિચારોથી એકતા ખંડિત થતી નથી પણ વિચારોને બીજા પર થોપવાની વૃત્તિથી ધર્મ કે સંપ્રદાયને નુકસાન થાય છે. ધર્મ પ્રચારની બિન આરોગ્યપ્રદ સ્પર્ધા પણ ધર્મની મૂળ ભાવનાને દૂષિત કરે છે. પોતાના ધર્મ કે સંપ્રદાયને બીજા ધર્મ કે સંપ્રદાય કરતાં મોટો અને મહત્વનો બનાવવા માટે જાતજાતના પ્રયત્નો થાય છે. તેમાંથી અસહિષ્ણુતા આકાર લે છે. આહાર, નિંદા, ભય અને મૈથુનએ ચાર પ્રવૃત્તિઓ તો મનુષ્ય અને પ્રાણીઓમાં સમાન છે. તો પ્રાણીઓથી અલગ ગણવામાં આવતો માણસ ઈન્દ્રિયો પરના વિજય અને ધર્મભાવનાને કારણે પ્રાણીઓ કરતાં જુદો પડે છે. જ્યારે ધર્મ કે સંપ્રદાયના અનુયાયીઓમાં અંધ-શ્રધ્ધા મહત્વની બને ત્યારે તે વિવેક ગુમાવી દે છે. ભોગવાદ વકરે સત્તા ભૂખ વધે ત્યારે માણસ બધા જ સિદ્ધાંતો નેવે મૂકી પોતાને ફાવતું-ભાવતું એ જ ધર્મ છે એવી હીત મનોવૃત્તિઓનો શિકાર બને છે. વિનોબાજીએ સાચું જ કહ્યું છે કે પશુતા સુખ તરફ ખેંચે છે અને માનવતા મુક્ત મનની આઝાદી તરફ માનવ જીવનનું ધ્યેય સુખ નહીં સમતા છે. અહિંસા, સત્ય, અચૌર્ય, પવિત્રતા ઈન્દ્રિયનિગ્રહ, દાન, દયા, સંયમ અને ક્ષમાની જ્યારે માનવજીવનમાં બાદબાકી થવા માંડે છે ત્યારે શેતાન પોતાનો વિસ્તાર વધારવા તૈયાર બેઠો હોય છે. શેતાનિયતને નાથવી અને દેવત્વને ઉજાળવી એ જ માનવ જીવનનું ચરમ અને પરમ લક્ષ્ય છે. જે ધર્મ બીજા ધર્મને બાધક બને છે, તે ધર્મ નહીં પણ કુકર્મ છે. સાચો ધર્મ એ જ ગણાય જે બીજા ધર્મનો વિરોધી ન હોય. જ્યારે માણસ બીજા ધર્મમાંથી પણ ઉદાત્ત વસ્તુઓ ગ્રહણ કરવામાં સંકોચ ન રાખે ત્યારે સાચી ધર્મભાવના વિકસે છે. શ્રેષ્ઠ જીવન મૂલ્યોની ઉપેક્ષા અને હઠ, દુરાગ્રહ કે અહંકાર માણસને પતિત કરે છે.
સાચા અર્થમાં ધર્મભાવના માટે એક જ વસ્તુ કામ કરી શકે અને તે મનુષ્યની ધર્મ પ્રત્યેની ઉદારતા, હ્ય્દયનો વિસ્તાર, માનવ-કલ્યાણીની ભાવના અને સત્યના પ્રયોગો. કોઈ એક ધર્મ વિશેષમાં માણસને બાંધી શકાય નહીં.
અસલી ધર્મ એક જ છે માનવતા અને માત્ર માનવતા. ત્યાગ ભાવના સેવી માણસ જ્ઞાાની બનવાને બદલે શ્રીમદ ભગવદ્ગીતાના બીજા અઘ્યાયમાં કહ્યું છે તેમ બુદ્ધિની સ્થિરતાવાળો પ્રજ્ઞાાવાન બને તો જ શ્રેષ્ઠ માનવ બની શકે. મહાભારતમાં ધર્મભાવનાનું સ્વરૂપ સમજાવતાં કહેલી કે સાવધાન થઈને ધર્મનું વાસ્તવિક રહસ્ય સાંભળો. એ સાંભળીને તદ્નુસાર આચરણ કરો. જે કાંઈ તમને પોતાને માટે હાનિપ્રદ કે દુઃખદાયક લાગે તેવું આચરણ બીજા સાથે ન કરો. ''આ જ સાચો ધર્મ. સમચરિત ઉપાધ્યોયે સુંદર વાત કરી છે કે હરિયે દીનો કે દુઃખ
જ્યોં ત્યોં ઈસસે
બઢકર ધર્મ નહીં,
નહીં મારિએ કભી કિસીકો
આપ વિશ્વ કે હિત
મરિએ.
ધર્મ એ કોઈ ધ્યેય સિદ્ધ કરવાનું કે મોક્ષ પ્રાપ્તિનું સાધન નથી, પણ જીવનનું એક માત્ર શ્રેષ્ઠ સાધ્ય છે. જીવન એ આજીવન સત્ય અને સદાચારની ઉપાસના માટેની યાત્રા છે. 'રોજ-બરોજ'
આત્માને પરિશુધ્ધ બનાવી માનવ જીવનને સાર્થક બનાવવાનો અણમોલ અવસર છે. આવો અવસર ગુમાવવો એટલે માનવજીવનને વરદાનને બદલે અભિશાપ બનાવવું.