- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- નહીં બોલીને સહન કરનારા કરતાં બોલીને પસ્તાનારાની સંખ્યા ઘણી મોટી છે
આધુનિક યુગમાં 'ન બોલ્યામાં નવ ગુણ' કહેવતને સાર્થક માની શકાય ?
ચાવડા અરવિંદતાઈ, જાગૃતિ સોસાયટી રાજકોટ-૬
ક હેવતો અનુભવજન્ય સત્યોરૂપે રમતી મુકાઈ હોય છે પણ એનો અર્થ એ નથી કે એનો સંદર્ભ કે હાર્દ સમજ્યા સિવાય આપણે એની ઉપર શ્રધ્ધા મૂકી તેનું સમજણ શૂન્ય અનુકરણ કરીએ. 'ભસ્યા કુત્તા કાટે નહીં.' એ કહેવતની તમને ખબર છે, પણ કૂતરાને ખબર હોતી નથી. કૂતરું કહેવત અનુસાર તો નથી જ વર્તવાનું. પરિણામે એ ક્યારે ભસવાની યોજના પડતી મૂકી કરડવાનો નિર્ણય કરી બેસે, એની ગેરંટી તો કહેવત ન જ આપી શકે. 'ન બોલ્યામાં નવ ગુણ' કહેવતનું અનુભવ સત્ય એટલું જ કે જ્યાં બોલવાનું જરૂરી કે અનિવાર્ય ન હોય ત્યાં બોલવાની ઉતાવળ ન કરવી એવી ઉતાવળ કરવાથી ઘણીવાર વાતનું વતેસર થઈ જાય, વધારે પડતી ચોખવટ કરવા જતાં વધુ ગેરસમજો પેદા થાય. તમારી વિચારવિહોણી વાણીને લીધે કોઈ તમારા વિષે જુદો જ તોલ બાંધી શકે, તમારા શબ્દો પકડીને કોઈક ખીજાવાનું, લડવાનું કે રડવાનું પણ મન થાય.
એટલે માણસે સમય, સંજોગો, પરિસ્થિતિ વાતાવરણ, સામેની વ્યક્તિનો મૂડ, શબ્દોથી થનાર અસરની શક્યતા-વગેરેનો ખ્યાલ રાખીને શબ્દો ઉચ્ચારવા જોઈએ. એટલે જ કહેવામાં આવ્યું છે કે બૃહસ્પતિના વચન જેવું અર્થયુક્ત વચન હોય તો પણ જો તે આજુબાજુનો સંબંધ જાણ્યા વિના બોલાયું હોય તો ન્યાયનો દ્રોહ કરનારની ક્રિયાઓની જેમ નિષ્ફળ જાય જ છે. સાથેસાથે એ પણ યાદ રાખવું જોઈએ કે આપણું મૌન કાયરતામાં જ ખપે એટલી હદ સુધી મૂંગા ન જ રહેવું જોઈએ.
ઘણીવાર એવી પણ દલીલ કરવામાં આવે છે કે 'બોલે તેના બોર વેચાય' અને 'ન બોલ્યામાં નવ ગુણ' - આવી પરસ્પર વિરોધી મંતવ્યની છડી પોકારતી કહેવતોનું મહત્ત્વ શું ? માણસ એવી ઉક્તિઓ વાંચી કે સાંભળીને ગૂંચવાઈ જાય એ સ્વાભાવિક છે. આ બન્ને કહેવતો એકબીજાની વિરોધી નથી, પણ એકબીજાની પૂરક છે. બન્નેમાં કેન્દ્રીય વાત એ છે કે માણસે ક્યારે બોલવું, અને ક્યારે ચૂપ રહેવું એ અંગેનો વિવેક કેળવી લેવો જોઈએ. જ્યાં બોલવાની જરૂરિયાત હોય ત્યાં માણસ મૂંગો રહે તોપણ કામ બગડે કે એને નુકસાન થાય, અને જ્યાં મૌન રહેવાની જરૂર હોય ત્યાં માણસ બોલી બેસે, બકી નાખે, બાફી બેસે-તો એને પોતાને જ નુકસાન થાય જ. પણ એનું એવું વર્તન એની સંકળાયેલા કે એના પર ભરોસો રાખનાર અન્ય માટે પણ ખતરનાક કે નુકસાનકારક સાબિત થાય. વેપાર ધંધામાં માણસે થોડીક મોંછૂટ, ચાલાકી, ઉત્સાદી વાપરીને પણ પોતાનો કારોબાર ચલાવવો પડે. એ મૂંગો બેસી રહે તો ગ્રાહકો અને સંબંધો બન્નેને ગુમાવી બેસે. એટલે બોલે તેનાં બોર વેચાય, એ કહેવત જરૂરી પ્રચાર પર ભાર મૂકે છે.
ઘણીવાર અમુક કાર્યો વિષે મૌન સેવવું આવશ્યક છે, એ ટાણે માણસ બોલી નાખે કે વસ્તુ, નિર્ણય, આયોજન, ઉપાય, પગલાં જાહેર કરી દે તો એને કારણે બાજી બગડી જાય. વિપરિત પરિણામો ઊભાં થાય અને નામોશીભર હાર કે પીછેહઠ સેવવી પડે. એટલે જ એક સુભાષિત એ વાત ભારપૂર્વક સમજાવે છે કે મનથી વિચારેલુ (પૂરુ કર્યા પહેલાં) વાણીથી પ્રકાશિત ન કરવું, કારણ કે જે કાર્યને (પૂરું થયા પહેલાં) બીજાઓ જાણી જાય છે, તે સિધ્ધ થતું નથી. અથવા જે માણસ કાર્યને કરવાના લક્ષ્યમાંથી ચૂકીને કાર્યને જાહેર કરવાના લક્ષ્યમાં જોડાય છે, તેનું કામ સિધ્ધ થતું નથી.
ઘણીવાર ઘેલછા, આદર્શપ્રિયતા કે નિખાલસતાના ઉભરામાં માણસ પોતાની નિકટસ્થ આગળ પેટ ખોલી બેસે છે. એવી વ્યક્તિ એવા કાર્ય કે રહસ્યનો અમુક રીતે વિચાર કરી વિચિત્રએ અકલયવલણ અપનાવે ત્યારે બોલનારની સ્થિતિ કફોડી થઈ જાય છે અને બોલવાનો ભારે દંડ તેણે ઘણીવાર આજીવન ભોગવવો પડે છે.
ઘણીવાર બોલવાથી જે કામ નથી થતું એ મૌન દ્વારા થઈ જાય છે. કોઈ વસ્તુનો તમે વધારે પડતો પ્રત્યુત્તર આપો એટલે માણસને છંછેડાઈ જવા કે વળતી દલીલી કરવાનું મોકળું મેદાન મળી જાય છે. એટલે જ્યાં વિસ્તારની જરૂરિયાત ના હોય ત્યાં ટૂંકાવવું વધુ સારું.
ગાંધીજીએ એટલે જ સાચી શીખામણ આપતાં કહ્યું છે કે મૌન સર્વોત્તમ ભાષણ છે. જો બોલવું પડે તો ઓછામાં ઓછું બોલો. એક શબ્દથી કામ સરતું હોય તો બીજો શબ્દ ન જ બોલો. મૌન મોટેભાગે માણસ સાથે વિશ્વાસઘાતી નથી બનતું.
મહાભારતમાં ક્યારે બોલવું એનું માર્ગદર્શન આપતાં ઉમેરવામાં આવ્યું છે કે કોઈ પ્રશ્ન ન પૂછે ત્યાં સુધી બોલવું નહીં. કોઈ માણસ કોઈ પ્રશ્ન અન્યાયપૂર્વક ઊભો કરે તો ચોખવટ માટે ઉતાવળે કૂદી ન પડવું. બુધ્ધિશાળી માણસે એવા સમયે બુધ્ધિની જેમ વર્તવું. સલાહભર્યું છે નહીં બોલીને સહન કરનારા કરતાં બોલીને પસ્તાનારાની સંખ્યા ઘણી મોટી છે. એટલે જ ચિંતક સાયરસે કહેવું પડયું હશે કે મને એ વાતનો રંજ નથી કે હું મૌન કેમ રહ્યો, પરંતુ મને ખેદ એ વાતનો છે કે મેં શું કામ બોલી નાખ્યું ? ખરેખર તો બોલવું એ પણ એક કળા છે. સફળ વકતા ક્યારે બોલવું અને ક્યારે મૌન રહેવું એ જાણતો હોય છે. સભા-સંચાલનના નિયમો હોય છે. સભા હોય એટલે હોદ્દેદારો પર કે વ્યક્તિવિશેષ પર આક્ષેપો થવાના. શાણો માણસ આક્ષેપોનો જવાબ તરત નહીં આપે. આક્ષેપ કરનારા બૂમબરાડા કરી થાકી જાય ત્યાં સુધી મૌન ધારણ કરશે એ પછી મુદ્દાસરનો પણ ટૂંકો જવાબ આપશે. આક્ષેપોનો જવાબ આક્ષેપોથી આપવો એટલે વિવાદનો વકરાવવો. જવાબ આપવામાં નમ્રતા અને સંયમ, છતાં ધારદારપણું હશે તો જવાબ અસરકારક સાબિત થશે, વાણીની કટુતાબાજી બગાડે છે.
મૌન રહેવું અર્થ એ નથી કે નિષ્ક્રિય રહીને અસત્યને પ્રોત્સાહન આપવું. મૌનનો અર્થ એટલો જ છે કે જો વાત સાચી હોય તો બોલવામાં સંયમ રાખવો.
કોઈકે સાચુ જ કહ્યું છે કે વાચાળતા માણસને વામન બનાવે છે અને મૌન ઉન્નતિપ્રદ. બોલતુ ઝાંઝર પગમાં સ્થાન પામે છે અને નિઃશબ્દ હાર કંઠનું આભૂષણ બની ઊર્ધ્વસ્થાને ઈજ્જત પામે છે. હકીકતમાં દરેક જગા અને સમય બોલીકે બકી નાખવા યોગ્ય નથી હોતી. ક્યારેક જ્યાં વાણી હારી જવાની શક્યતા હોય ત્યાં મૌન પોતે જ શ્રેષ્ઠ ભાષણનું કામ કરી લે છે. ક્યારેક કર્તવ્ય અને અકર્તવ્ય, કરણીય અને અકરણીય વચ્ચેનો સૂક્ષ્મ ભેદ પારખી બહારથી અસત્ય લાગતું હોય તો પણ માનવતાની દ્રષ્ટિએ મૌન ધારણ કરવાનું ઉચિત લાગતું હોય ત્યારે એવું 'મૌન' પાપ ગણાશે કે કેમ તેની પરવા કર્યા સિવાય સત્પુરુષો કે સન્નારીઓ પ્રસંગોચિત મૌન ધારણ કરીને પણ વાસ્તવિક ધર્મની રક્ષા કરી લેતાં હોય છે. એટલે 'ના બોલ્યામાં નવ ગુણ'માં ઘણા ફાયદા પણ રહેલાં છે.
સમજણ અને સમયપૂર્વકનું મૌન તમારી હારને જીતમાં પરિવર્તિત કરવાની ક્ષમતા ધરાવે છે. વિરોધીને તમે નિરુત્તર કરી શકો છો. કારણ કે તે ગમે તેટલો ક્રોધ કરે પણ તમે સામે જવાબ ન આપો એટલે આપોઆપ કમજોર પડી જશે.
'ન બોલ્યામાં નવ ગુણ' એ કહેવત સમય, સંજોગો, પરિસ્થિતિ, વાતાવરણ, સામેની વ્યક્તિનો મૂડ, વગેરેને ખ્યાલમાં રાખીને અનુસરવી જોઈએ... જે આજે તો શું કોઈપણ યુગમાં સાર્થક નીવડશે.


