- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- મૈત્રી સુદામા અને કૃષ્ણ જેવી પણ હોઈ શકે, અને કર્ણ દુર્યોધન જેવી પણ હોઈ શકે. કર્ણે સાથ ન આપ્યો હોત તો મહાભારતનું યુદ્ધ લડવા દુર્યોધન લલચાયો ના હોત
પ્રશ્ન : મિત્રની વ્યાખ્યા શું ? મિત્ર કેવા હોવા જોઇએ ?
પ્રશ્નકર્તા : રક્ષિત ઉષાકર વોરા. C.G.-53 કેપિટોલ ફ્લોરા, મુ.પો. સરગાસણ - ગાંધીનગર
મિ ત્રતા એ ઇશ્વરનાં ઉત્કૃષ્ટ વરદાનો પૈકી એક ઉત્તમ વરદાન છે. કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર ઉદ્ભવતી મૈત્રી એ સાચી મૈત્રી છે. જેને સાચો મિત્ર મળે એના જેવો બીજો ભાગ્યશાળી કોણ ? ભર્તૃહરિ સાચા મિત્રોના લક્ષણો ગમાવતાં કહે છે કે સાચો મિત્ર પાપ કરતાં રોકે છે, હિત માટે આયોજન કરે છે, ગુપ્ત વાતને ગુપ્ત રાખે છે, સદ્ગુણો પ્રગટ કરે છે, અને આફત આવતાં તે છોડીને જતો રહેતો નથી, જરૂર પડે મદદ કરે છે. એટલે મિત્રની પસંદગીમાં સાવધાન રહેવું બહુ જરૂરી છે.
સ્વાર્થી મિત્રો ગણતરીપૂર્વક મૈત્રીનો દંભ કરતા હોય છે. એવા દંભના ત્રણ ઉદ્ગમ-સ્થાનો છે : સ્વાર્થ, લોભ અને પ્રતિષ્ઠા મોટા માણસના મિત્રો બનવાની કોશિશમાં સ્વાર્થ, લોભ અને પ્રતિષ્ઠા મુખ્ય હોય છે. પોતાની મેલી મુરાદો સિધ્ધ કરવા પણ કેટલાક લોકો મૈત્રીનું નાટક કરતાં હોય છે. જેમ શત્રુ બનવાનાં અનેક કારણો હોય છે તેમ મિત્ર બનવા - બનાવવાનાં પણ અનેક કારણો હોય છે.
ગુજરાતીમાં પણ સાચા મિત્રના લક્ષણો વર્ણવતા કહેવામાં આવ્યું છે કે 'શેરી મિત્રો સો મળે તાળી મિત્ર અનેક, જેમાં સુખદુ:ખ વહેંચીએ તે લાખોમાં એક.'
મૈત્રી એટલે જ કલ્યાણ, મૈત્રી એટલે સાચી સલાહ, મૈત્રી એટલે જ મદદ. મૈત્રીમાં વ્યક્તિનું નહીં ભાવના અને દાનતનું મહત્વ છે. એટલે જ કહેવાયું છે કે પરદેશમાં વિદ્યા મિત્ર છે, ઘરમાં પત્ની મિત્ર છે, રોગી માટે ઔષધ મિત્ર છે, અને જેનું મરણ નિકટ હોય એને માટે ધર્મ અર્થાત્ કરેલું શુભકર્મ જ મિત્ર છે.
મૈત્રીની આડ લઇને પોતાનો સ્વાર્થ સિધ્ધ કરવા તત્પર બનાવટી મિત્રો સામે મીઠું બોલે છે, પણ પાછળથી દુષ્ટ વ્યવહાર કરે છે. આવા મિત્ર બનેલા શત્રુઓથી માણસે ડરીને ચાલવું જોઇએ.
રશ્મિરથીમાં કવિ રામધારી સિંહ દિનકરે સાચા મિત્રની ઓળખ સુંદર શબ્દોમાં આપી છે
મૈત્રી કી બડી સુખદ છાયા,
શીતલ હો જાતી હૈ કાયા,
ધિક્કારપાત્ર હોગા વહ નર,
જો પાકર ભી ઐસા તરુવર,
જો દૂર ખડા કટવાતા હૈ,
ખુદ આપ નહીં કટ જાતા હૈ.
મૈત્રી તો શીતળ છાયા પ્રદાન કરતું વૃક્ષ છે. એનાથી તન-મનને ટાઢકની અનુભૂતિ થાય છે. કવિ દિનકરના મતે એવો માણસ ધિક્કારપાત્ર છે, જે મૈત્રી રૂપી વૃક્ષને દૂર રહે કપાવે છે, પણ પોતે કપાઈ મરતો નથી. એટલે જ કવિ કહે છે :
મિત્ર બડા અનમોલ રતન
કબ ઈસે તોલ સક્તા હૈ ધન ?
ઉતાવળે મિત્ર બનાવવા નહીં જોઇએ અને એકવાર મિત્ર બનાવી જ લો તો મૈત્રી કોઈપણ ભોગે ટકાવી રાખવી જોઇએ. તૂટે તે મૈત્રી નહીં, મિત્ર કોને બનાવવા જોઇએ ? સમાન શીલ, સમાન વય, સમાન વિદ્યા, સમાન આચાર-વિચાર-આવું થોડુંક સામ્ય જરૂરી ખરું, પણ અનિવાર્ય નહીં. જો મિત્રતા પ્રગાઢ હોય તો મૈત્રી ટકી રહે એ માટે ત્રણ વાત નહીં કરવી જોઇએ : વાદવિવાદ, આર્થિક લેવડ દેવડ અને મિત્રની પત્ની સાથેની નિકટતા.
આ સ્વાર્થી જગતમાં કપટી માણસને ઓળખવાનું મુશ્કેલ છે. જેની કથની અને કરણીમાં સામ્યતા હોય અને જેની વાણી વર્તન-વ્યવહારને મૂલવતાં જેનામાં સ્વાર્થ સિધ્ધિની બદબૂ ન આવતી હોય તેવાને મિત્ર બનાવવો જોઇએ. જેનું ચિત્ત અને હૃદય શુધ્ધ હોય તેને મિત્રતાના વર્તુળમાં પ્રવેશવા દેવો જોઇએ.
મૈત્રી પ્રેમને અણમોલ ભેટ માનવામાં આવે છે. મિત્ર માટે દોસ્ત, દોસ્તદાર, સખા જેવા શબ્દો પ્રયુક્ત થાય છે. સૂર્યને પણ મિત્ર કહેવામાં આવે છે. કારણ કે સમસ્ત સ્થાવર જંગમનો આધાર તે જ છે. એટલે ઋષિ મુનિઓએ તેને આવું નામ આપ્યું છે. મિત્રને બીજો બંધુ કહેવાય છે. સાચો મિત્ર સુખ-દુ:ખ બન્નેમાં, સાથ આપે છે. વિદ્ય, શૌર્ય, દક્ષતા, બળ અને ધૈર્ય આ પાંચને સ્વાભાવિક મિત્ર ગણાવવામાં આવ્ય છે. વિદ્વાન પુરુષો આ મિત્રો થકી જ સંસારના કાર્યો કરે છે.
મૈત્રી સુદામા અને કૃષ્ણ જેવી પણ હોઈ શકે અને કર્ણ અને દુર્યોધન જેવી પણ. સાચો મિત્ર પાપમાં ભાગીદાર બનતો નથી. કર્ણે સાથ ન આપ્યો હોત તો, મહાભારતનું યુદ્ધ લડવા દુર્યોધન લલચાયો ના હોત. શ્રી નરનારાયણે 'મહાભારતની મૈત્રી કથાઓ'માં અનેકવિધ મિત્રોનું સવિસ્તાર વર્ણન કર્યું છે. 'જાતકકથાઓ'ના મતાનુસાર ભલે મિત્ર દુર્બળ હોય, પરંતુ મિત્રનાં કર્તવ્યોને પૂરાં કરે, તે સગો ભાઈ, અને સખા છે.
'ભાઈ કરતાં ભાઈબંધ ચઢે' એ લોકકિતમાં કર્તવ્યનિષ્ઠ મિત્રનું ગૌરવ અંકિત થયેલું છે. મૈત્રી ઉતાવળે બાંધવી પણ ન જોઇએ અને ઉતાવળે તોડવી પણ ન જોઇએ.
મૈત્રી સ્વાર્થને ત્રાજવે ન તોળવી જોઇએ. આપણાં નવ્વાણું કામ કર્યા હોય અને એકાદ કામ ન કરી શકે, તો પણ તેની સાથેના મૈત્રી સંબંધમાં ઘટાડો ન કરવો જોઇએ. મિત્ર બનવું બનાવવું સરળ છે, પણ મૈત્રી નિભાવવી મુશ્કેલ છે. મિત્રને ક્રોધાવસ્થા, મિત્રોમાં અવગુણ શોધવાની આદત એ મૈત્રીના દુશ્મનો છે. વિપત્તિ એ મૈત્રીની અગ્નિપરીક્ષા છે.
'કહિ રહીમ સંપત્તિ સગે,
બનત બહુત રીત,
વિપત્તિ કસૌટી જે કસે,
સોઈ સાચો મિત'
રામાયણ યુદ્ધ કાંડમાં કહેવામાં આવ્યું છે કે જેમ કમળ પગ પર પડેલું પાણીનું ટીપું તેમાં સ્થિર રહેતું, તેમ નીચ લોકો સાથેની મૈત્રી સ્થિર નથી હોતી. દરેકની આગળ ન હૈયું ખોલાય, ન હોઠ. આકાશમાં અનેક વાદળો હોય છે. કેટલાંક વ્યર્થ ગાજે છે, તે સર્વે વરસતાં નથ. એટલે જેની તેની આગળ પોતાની લાચારી વ્યક્ત ન કરવી જોઇએ.
લોકો સ્વાર્થ ખાતર, લોભ ખાતર, કોઈ ઇરાદો પાર પાડવા ખાતર, ઘણા છેતરવા ખાતર મૈત્રી બાંધે છે, એવા મિત્ર, મિત્ર નહીં પણ વિષકુંભ છે. મૈત્રીને તપવાનો, પાકવાનો અને ટકવાનો સમય આપવો જોઇએ. સમર્પણ, ત્યાગ બહુ મહત્ત્વનું પરિબળ છે. મિત્ર ખાતર ખુવાર થવું પડે તો ખુવાર થવાની તૈયારી અને ધૈર્ય સાચી મૈત્રીને પરિપુષ્ટ કરે છે.
જેને કોઈ સાચો મિત્ર ન મળે એના જેવો અભિશપ્ત માણસ બીજો કોઈ નથી. મોહરુ ધારણ કરી મૈત્રીનું નાટક કરે, એવો મિત્ર શત્રુ કહેવાય.
જીવનમાં અતિ કે અતિશયતા એ અત્યંત વિઘાતક છે. મૈત્રીને પણ આ વાત લાગુ પડે છે. બુહ નિકટતા અધિકારપ્રિયતાને પોષે છે. પરિણામે નાની-નાની વાતોમાં વાંકું પડવાની શક્યતા વધી જાય છે, એટલે મૈત્રીમાં વિવેકની પાળ બાંધવી જોઇએ. એક સ્વયં સ્વીકૃત શિસ્તની લક્ષ્મણરેખા બાંધવી અત્યંત જરૂરી છે. દુર્જનો સાથે મિત્રતા કે પ્રીતિ ન કરવી જોઇએ, કારણ કે દુર્જન અંગારા જેવો હોય છે. કારણ કે અંગારો સળગતો હોય ત્યારે તે બાળે છે અને ઓલવાયેલો હોય ત્યારે તે હાથ કાળા કરે છે.
મિત્રની પસંદગી પણ અતિ ઉત્સાહથી મુક્ત રહી કરવી જોઇએ. ઘણાં મિત્રોમાં કોણ સાચું અને
કોણ ખોટું, તે નક્કી કરવું મુશ્કેલ હોય છે. એટલે જ મિત્રોની પસંદગીમાં 'લક્ષ્મણ રેખા' નું પાલન કરવું જરૂરી છે.
મૈત્રી હોય કે પ્રેમ 'અતિ', ઘેલછા વધારે છે. અતિ નિકટતાને કારમે ઘણીવાર માણસને અરુચિ થાય છે. માટે મિત્રની પસંદગીમાં સાવધાન રહેવું જરૂરી છે. તમે જેને ચાહો તેને નહીં, પણ તમને જે ચાહતા હોય તેને સાચા મિત્ર બનાવો. મિત્રને અણિ સમયે સાથ આપો. મિત્રની નિંદા ન કરો. તેની ગુપ્ત વાતો ગુપ્ત રાખો. મૈત્રીમાં ત્યાગ અને સહિષ્ણુતાને મહત્વ આપો. મૈત્રીમાં અતિશય નિકટતા ન કેળવો. મૈત્રીને સહજ રીતે વિકસવા દો.


