આજના ભયાનક 'કળિયુગ'માં સદાચાર, યોગ માર્ગ, તપ લુપ્ત થાય છે, અને દુષ્ટતા વધી રહી છે, તેનું કારણ શું?
- 'કળિયુગ'માં માણસની સ્વાભાવિક રુચિ તામસિક વિચારો તરફ જાય છે. સજ્જનતા માટે સાત્વિકતા જોઇએ. દુષ્ટતા જન્મે છે તામસિકતા માંથી એટલે કે દુરાચારી માનસથી તામસિકતા મન, હૃદય અને બુદ્ધિમાં અંધકાર ફેલાવે છે. પરિણામે બુદ્ધિ ભ્રષ્ટ થાય છે
- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
* આ ભયાનક 'કળિયુગ'માં સદાચાર, યોગમાર્ગ, તપ લુપ્ત થાય છે અને દુષ્ટતા વધી રહી છે, તેનું કારણ શું ?
* પ્રશ્નકર્તા: કે. એન. રાજદેવ, સિનિયર સીટીઝન, ૩૮, ગાયત્રી કૃપા સોસાયટી, સુરેન્દ્રનગર
હિ ન્દુ શાસ્ત્રોમાં ચાર યુગની ચર્ચા કરવામાં આવી છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળિયુગ.
ત્રેતાયુગ વિભૂતિ ભગવાનનો રામનો યુગ. દ્વાપર યુગ શ્રીકૃષ્ણનો યુગ. 'પ્રસન્નિકા કોશ' પ્રમાણે દ્વાપર યુગ સમાપ્ત થતાં કલિયુગ બેસે છે. કલિયુગ સમાપ્ત થતાં નવા મહાયુગનો પ્રથમ સત્યયુગ બેસે છે. કલિયુગ મહાયુગનો દસમો ભાગ છે. 'મનુસ્મૃતિ'માં તેનાં ૧૦૦૦ કે ૧૨૦૦૦ વર્ષ ગણાવ્યાં છે પણ તે દિવ્ય વર્ષો હોવાથી પુરાણો અનુસાર ૧૨૦૦ ટ ૩૬૦ = ૪,૩૨૦૦૦ વર્ષ થાય છે. અત્યારે ૨૮ મા કલ્પના ૭ મા વૈવસ્વત મનુના ૨૮મા મહાયુગના ચોથા કલિયુગનું ચલણ છે. તેનો આરંભ કારતક સુદ-૯ અથવા શ્રાવણ સુદ પાંચમથી અથવા ભાદરવા વદ ૧૩ના દિવસે થયો, એમ મનાય છે. આ દિવસે ખ્રિસ્તી તારીખ ઇસ્વીસન પૂર્વે ૩૧૦૨ની ફેબુ્રઆરીની ૧૮મી આવે છે.
હવે છેલ્લો અવતાર કલ્કિ હશે. તેમાં માણસની ઊંચાઈ ૩।। (સાડા ત્રણ) હાથ અને આયુષ્ય ૧૦૦ વર્ષનું હશે. પ્રાણ અનન્મય, તીર્થ ભાગીરથી, દેવ વિશ્વેશર તથા ક્ષેત્ર કાશી છે. આ યુગમાં 'કલિ' નામના અસુરની સત્તા રહેવાથી અધર્મની ચડતી માની છે અને એટલે ઓછા પ્રયત્ને ઇશ્વરની પ્રાપ્તિ થાય છે, એવું મનાય છે. સત્ય વગેરે યુગોમાં જેની છૂટ હતી તેવી કેટલીક બાબતોનો કળિયુગમાં નિષેધ છે. મહાભારતના યુદ્ધની સમાપ્તિ સામે કળિયુગનો આરંભ થયો હોવાથી કલિકાલને ભારત યુદ્ધ સંવત અથવા યુધિષ્ઠિર સંવત પણ કહે છે.
ભારતીય 'મિથક કોશ'માં ઉલ્લેખ છે કે કળિયુગના અંતિમ સમયે સંભલ નામના ગામમાં કોઈ બ્રાહ્મણને ઘેર એક શક્તિશાળી બાળકનો જન્મ થશે, જેનું નામ હશે વિષ્ણુયશા કલકી. એ જ કલ્કી અવતાર ધારણ કરીને કળિયુગનો અંત લાવશે અને ફરીથી સતયુગની સ્થાપના કરશે.
મૂળ વાત છે ભૌતિક વિકાસ અને આધ્યાત્મિક વિકાસની. જ્યારે લોકો આધ્યાત્મિક વિકાસની. જ્યારે લોકો આધ્યાત્મિક મૂલ્યોને ગૌણ ગણી ભૌતિક મૂલ્યો ભોગોપભોગો વૈભવ-વિલાસ અને તે દ્વારા પ્રાપ્ત થતાં ઇન્દ્રિયજન્ય સુખોને સર્વસ્વ માને છે, ત્યારે ખાઓ, પીઓ ને મોજ કરોની વિલાસી વૃત્તિને પ્રોત્સાહન મળે છે. 'યોગ' એટલે જોડાવું. ભગવાન કે પરમશક્તિ સાથેના જોડાણને ઉપેક્ષણીય માને છે. કળિયુગમાં 'ભક્તિ'ને સર્વોપરિ માનવામાં આવી છે. ભક્તિ માટે 'તપ' મહત્વનું છે. અહીં તપનો અર્થ સંસાર ત્યાગ કરી 'અરણ્ય નિવાસ'નો નથી, પણ જીવનમાં 'ઉદાત્ત મૂલ્યો' માટે સહન કરી, મનને ભગવાનમય અને ભગવદીય બનાવી જીવને પવિત્ર અર્પણ કરવાની વાત છે.
ધાર્મિક જીવન કે તપ એટલે વ્રત, ઉપવાસ, કર્મકાંડ એવો અતિ સીમિત અર્થ ઘટાવી ન શકાય. માણસના ચંચળ મનને વશ કરવા માટે 'સંયમ' જોઈએ, ત્યાગ જોઈએ, વિવેક જોઈએ એ બધું જ્યાં સુધી અંતઃકરણપૂર્વક વિકસિત ન થાય ત્યાં સુધી જીવનમાં શુધ્ધતા અને પવિત્રતા ન આવે. જૈન દર્શન મુજબ કોઈ પણ કાર્યમાં સહયોગ પ્રદાન કરનાર શ્રેષ્ઠ ભાવનાનો ધર્મ છે. આ ધર્મ દસ છે. ક્ષમા, મૃદુતા, સરળતા, શૌચ (પવિત્રતા), સત્ય, સંયમ, તપ, ત્યાગ ઉદાસીનતા અને બ્રહ્મચર્ય. તપમાં ત્યાગ, સાધના અને સમર્પણ જોઈએ. તેને બદલે આજે 'તપ' ભાવનાવિહીન બની ગયું છે.
તપના ત્રણ પ્રકારને માનવામાં આવ્યા છે. કાયિક તપ, વાચિક તપ, અને માનસિક તપ. 'મહાભારત'ના ઉલ્લેખ મુજબ દેવતા, બ્રાહ્મણ, ગુરૂ અને જ્ઞાાની જનોનું પૂજન અને પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસાએ શરીર સંબંધી એટલે કે કાયિક તપ કહેવાયાં છે. જે ઉદ્વેગ ન કરનારું, સત્ય અને પ્રિય તથા હિતકારક વકતવ્ય છે અને જે સ્વાધ્યાયનો અભ્યાસ કરાવનારું છે, તેને વાચિક તપ કહેવામાં આવે છે.
મનની પ્રસન્નતા, સૌમ્યત્વ, આત્મનિગ્રહ અને ભાવશુદ્વિને માનસિક તપ માનવામાં આવે છે. અહિંસા, સત્ય, ક્રૂરતા ત્યાગ, મન અને ઇન્દ્રિયોનો સંયમ અને પ્રાણીમાત્ર પ્રત્યે દયાભાવ એ બધું 'તપ' છે. માત્ર શરીરને તપાવીને સૂકવી નાખવું એ તપ નથી. સંત એકનાથે સાચું જ કહ્યું છે કે સ્નાન કરવું, દાન કરવું, શાસ્ત્રોનું અધ્યયન, માત્ર એ જ તપ નથી. તપનો અર્થ છે વાસનાનો પરિત્યાગ, જેને કારણે કામ-ક્રોધ વગેરેનો સંસર્ગ છૂટી જાય છે.
આજે નથી રહી સાચી ધર્મભાવના કે નથી ઋષિતુલ્ય ધર્મોપદશેકો. એટલે પોતાના અનુકરણીય પવિત્ર જીવન દ્વારા લોકોને પ્રેરણા મળે એવાં ધાર્મિક વ્યકિતત્વ દુર્લભ છે. માણસને પાર્થિવ સુખોમાં જ રસ છે એટલે વાસનાની બોલબાલા છે. ધનની ઘેલછાં છે, વિષય- સુખોની અમર્યાદિ ભૂખ છે. માણસનું મન અશાન્ત અને બેબાકળુ છે. એટલે સંયમહીન છે. અંતઃકરણની શુદ્ધિને અભાવે આજનો માણસ કોઈ પણ પ્રકારની દુષ્ટતા આચરવામાં પાછી પાની કરતો નથી. 'મત્સ્યપુરાણ'માં ઉચિત જ કહેવામાં આવ્યું છે કે કળિયુગમાં માણસની સ્વાભાવિક રુચિતામસિક વિચારો તરફ જાય છે. સજ્જનતા માટે સાત્વિકતા જોઈએ. દુષ્ટતા જન્મે છે. તામસિકતામાંથી. તામસિકતા મન, હૃદય અને બુદ્ધિમાં અંધકાર ફેલાવે છે. પરિણામે તેની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. ભ્રષ્ટતા જ દુષ્ટતાની યજમાન છે.
એક સંસ્કૃત સુભાષિત મુજબ દેવતાઓમાં દેવત્વ રહ્યું નથી, તપસ્વી લોકો કપટ ચતુર બની ગયા. લોકો મિથ્યાવાદી થઈ ગયા. મેઘ ઓછો વરસાદ આપનારા બની ગયા, લોકો નીચ લોકોનો સંગ પસંદ કરતા થઈ ગયા, શાસકો દુષ્ટ હૃદયના થઈ ગયા, લોકો નષ્ટ- ભ્રષ્ટ થઈ ગયા. અરે ! કળિયુગ પોતાનો કેવો પ્રભાવ દેખાડી રહ્યો છે. જે જુઠો અને બનાવટ કરી જાણે તે કળિયુગમાં ગુણવાન તરીકે પંકાય છે.