Get The App

જીવન નિરર્થક પસાર થઈ ગયું એવું કેમ લાગે છે ?

Updated: Jul 29th, 2025

GS TEAM

Google News
Google News
જીવન નિરર્થક પસાર થઈ ગયું એવું કેમ લાગે છે ? 1 - image


- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- શું પ્રસન્નતા કે આનંદ જ જીવનને સાર્થકતા પ્રદાન કરી શકે?

જીવનમાં કશું ન મળ્યાનો બળાપો વ્યક્ત કરનારને કોઈ સુખી ન કરી શકે. ભગવાનનો આભાર માનો કે જીવનને માણવાનો અવસર તેણે આપ્યો છે આનંદમાં રહેવું અને બીજાને પણ આનંદ આપવો એ પણ કળા છે.

પ્રશ્નકર્તા : અલકા મુકેશ ચંદારાણા, બી ૪૦૨, શ્લોક એપાર્ટમેન્ટ, મેહુલનગર જામનગર (સૌરાષ્ટ્ર)

મા ણસને શોધ છે પ્રસન્નતાની. માણસને ભૂખ છે પ્રશંસાની. માણસને તરસ છે પ્રતિષ્ઠાની. માણસને અપેક્ષા છે એને કોઈ આનંદમાં રાખે.

માફ કરજો...  આનંદનાં પેકેટ બજારમાં વેચાતાં નથી મળતાં. આનંદ નથી ખરીદી શકાતો નથી કે નથી વેચી શકાતો. હા તમે માણસને ભ્રમમાં નાખીને મનોરંજનનાં સાધનોની વણઝાર તેની સમક્ષ ખડી કરી શકો.

આનંદ એ પર્સનલ વસ્તુ છે. એક માણસ માટે જે ક્ષણ આનંદની હોઈ શકે, બીજા માણસ માટે એ વિષાદની પણ હોઈ શકે એક માણસ એક ક્ષણ સ્વસ્થ સંવાદની હોઈ શકે, બીજા માણસ માટે તે ક્ષણ વિવાદની તૈયારી.

આનંદમાં રહેવું એ કલા પણ છે અને વિજ્ઞાન પણ. આનંદમાં રહેવાના કેટલાક શાશ્વત નિયમો છે જે માણસે પારખવા પડે છે, પચાવવા પડે છે.

કેટલાક લોકો પ્રસન્નતાના શત્રુ બનવા માટે જ જન્મ્યા હોય છે. તેમના શબ્દકોશમાં પ્રસન્નતા નામનો શબ્દ જ નથી હોતો. ચહેરા પર જાણે દુ:ખનું પાટિયું લટકાવી જીવતા-ફરતા હોય એવી મનોદશા સાથે જિંદગીના દિવસો પસાર કરતાં હોય છે. ''મેજિક ઓફ થિકિંગ બીગ''માં આત્મ સુધારણા માટે ત્રીસ દિવસની માર્ગદર્શિકા આપવામાં આવી છે. માણસે પોતાના આયોજન મુજબ તારીખ-વાર લખી લેવાની છૂટ છે. દા.ત. છોડવાપાત્ર આદતો : કામ ટાળવાની આદત, નકારાત્મક ભાષા વાપરવાની ટેવ, દિવસ દરમ્યાન સતત ટી.વી. જોવાની આદત, બિનજરૂરી ગપ્પાં મારવાં. આવી વ્યર્થ પ્રવૃત્તિઓમાં મનને વ્યસ્ત રાખવા કરતાં સારી આદતો કેળવવી જોઈએ. જેમ કે મારું વ્યક્તિત્ત્વ સુધારવા દરરોજ કામ કરીશ, બીજા દિવસે કરવાનાં કામની આગોતરી યાદી બનાવીશ, હું હસતો રહીશ અને બીજાને હસાવતો રહીશ. દરરોજ એક કુટેવને વિદાય અને સુટેવનું સ્વાગત કરતો રહીશ. દરરોજ એક શત્રુ ઘટે એવું માંગલ્યપૂર્ણ મન બનાવીશ. એક માણસે બં.નં. ૪૨ વિશે પૂછપરછ કરતાં ત્યાં ઊભેલા એક ભાઈએ કહ્યું : ''હા, આ બે.નં. ૪૨ છે પણ એના માલિકને મળવાની ચેષ્ટા ના કરશો. તમારી સવાર ન બગાડશો.''

બં.નં. ૪૨ના મુજી માલિકને ન મળવાની સલાહ અવગણીને પણ પેલા મુલાકાતીએ તેવા એપાર્ટમેન્ટનું ડોરબેલ દબાવ્યું. અંદરથી વાઘ જેવાં ઘૂરકીઆં કરતો માણસ બહાર આવ્યો. તેણે કહ્યું : મારી નેઈમ પ્લેટ નીચે ચિતરાવેલ બોર્ડ તમે જોઈ નહીં ? હું સવારે ૮થી ૧૦ કોઈને મળતો નથી. તમારી અક્કલ ચરવા ગઈ હશે એમ લાગે છે.

પેલા મુલાકાતીએ શાન્ત ચિત્તે તે માણસની વાત સાંભળી લીધા બાદ કહ્યું : ક્ષમા કરજો, આપે સુંદર રીતે ચિતરાવેલું બોર્ડ સરત ચુકવી વાંચવાનું રહી ગયું. આપનું વ્યક્તિત્વ જ અલગારી છે અદ્દભુત છે. બગલાની પાંખ જેવાં આ શ્વેત વસ્ત્રો, આપનો રૂઆબદાર ચહેરો અને અને ચહેરા પર શોભતાં સોનેરી ફ્રેમનાં ચશ્મા, બધું જ અફલાતૂન. ભલે, મને રજા આપો. આપની શાન્તિમાં ખલેલ પહોંચાડયા બદલ દિલગીર છું. કહી પેલા મુલાકાતીએ વિદાય થવાની કોશિશ કરી. એટલામાં તેમના કાને શબ્દો પડયા. થોભો તમારા જેવા કદરદાન. માણસ સાથે મળવાનો મોકો ન ગુમાવાય, આ મારો દેવપૂજાનો સમય છે પણ તમારામાં દેવોપમ સદ્દગુણો અને વિનમ્રતાનાં મને દર્શન થાય છે. મારું આતિથ્ય સ્વીકારવા કૃપા કરો.

શબ્દોની તાકાતનો આ નમૂનો છે. સન્માન એ અત્તરદાની છે, જેના છંટકાવથી સુગંધ જ પ્રગટે છે. શબ્દો અહંકારી બનવાની છૂટ નથી આપતા.

કોઈની સાથે પ્રથમ મુલાકાતમાં કેમ વર્તવું એ પણ આગવી કોઠાસૂઝનો વિષય છે. માણસને માપી લેવાની કુશળતાથી તમે અડધું મેદાન આપોઆપ જીતી શકો છો. મુલાકાત માટે જાઓ ત્યારે તમારી અપેક્ષાનું બુલેટિન બહાર પાડવાની ઉતાવળ ન જ કરતા. જીવન એળે ગયું. કશું પામી શકયો નહીં એવા નિરાશા અને નિસાસા જનક શબ્દો એવા માણસ ઉચ્ચારે છે જેઓ આનંદમાં રહેવાની અને બીજાને આનંદમાં રાખવાની કળા જાણતા નથી. જીવનમાં એક સંકલ્પ કરો હું ખુશ રહીશ અને મને મળનારને ખુશ રાખીશ.

જીવનને સાર્થક બનાવવા માટે સંતોષનું આગવું મહત્ત્વ છે. જીવનદેવતા સમક્ષ એક લાચાર જીવનયાત્રી તરીકે નહીં પણ એક સફળ ઈન્સાન તરીકે હાજર રહેવાની ટેવ પાડો. એક ઉર્દુ શેર મુજબ હે અલ્લા, દિલ આપ તો એવું આપ કે બે રંજની ઘડીઓ પણ ખુશાલીમાં ગુજારી દે.

વ્યર્થ ચિંતાગ્રસ્ત રહીને વિચારવું કે

''ઉમ્ર-એ-દરાજ માંગ કે

લાયે થે ચાર દિન

દો આરઝુ મે કટ ગયે

દો ઈંતજાર મેં''

જિંદગીમાં ખુશ રહેવું હોય તો વાણી પર સંયમ જરૂરી છે. વાણીની પવિત્રતામાં વિષયતાનું વિષ ઉમેરી એની પાવનતાને નષ્ટ ન કરશો. હ્ય્દયને તૂટતું બચાવવા માટે એમીલી ડિકિન્સનાં આ શબ્દો યાદ રાખો : ''જો હું એક પણ હૈયું તૂટતું રોકી શકીશ તો મારું જીવન વ્યર્થ ગયું છે એમ નહીં માનું મારી પાસે જે કાંઈ સર્વશ્રેષ્ઠ છે તે સઘળું જીવનમાં અર્પણ કરવાનો આનંદ નહીં. સમજનારા જ જીવનને વગોવે છે. મનમાં નિરાશાનાં વાવેતર કોઈ બહારનું નથી કરતું, આપણે જ કરીએ છીએ, અને આપણી નિષ્ક્રિયતા છૂપાવવા મૂડનું હાથવગું બહાનું ઉપયોગમાં લઈએ છીએ. પ્રભુના સિંહાસન પાસે મસ્તક ઝુકાવી એક માણસે કહ્યું : 

''પ્રભુ ! હું હાર્યો

ત્યારે ભગવાન બોલી ઉઠયા :

''હરગિઝ નહીં, તારાથી બનતું - શ્રેષ્ઠ તે કર્યુ આજ સાચી સફળતા અને મનને સાર્થકતાની અનુભૂતિ કરાવવાનો કીમિયો છે.''

Tags :