શું રાખડી કે રક્ષાબંધન સાચા અર્થમાં જીવનનું રક્ષણ કરી શકે? રક્ષાબંધનની સાર્થકતા શામાં છે?
- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- રક્ષાબંધન એ ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિનો દિવસ છે. એની આન બાન અને શાનને સુરક્ષિત રાખવા માટે ભાઈ-બહેને સમર્પિત રહેવું પડશે. આજે અનેક બહેનો પર જાતજાતના અત્યાચારો થાય છે ત્યારે માત્ર પોતાની બહેનના જ નહીં, કોઈ પણ નારીના રક્ષણ માટે નાગરિકોએ પ્રતિજ્ઞાબધ્ધ બનવું પડશે, એમાં જ આ તહેવારની સાર્થકતા છે.
* શું રાખડી કે રક્ષાબંધન સાચા અર્થમાં જીવનનું રક્ષણ કરી શકે ? રક્ષાબંધનની સાર્થકતા શામાં છે ?
પ્રશ્નકર્તા : જુગલ કિશોર પટેલ/ચંદ્રિકાબેન જે. પટેલ, ૯૯૭૨, ઇન્ડિયાના પોલિસ-ઇન્ડિયાના સ્ટેટ યુ.એસ.પટેલ (જે.સી.પટેલ ગુજ.યુનિ.ના એસ્ટેટ ઓફિસર)
ર ક્ષાબંધન એ શ્રદ્ધા, ભાવના અને શિવત્વમાં વિશ્વાસનો વિષય છે. દરેક ભાવનાને લાભ હાનિની દ્રષ્ટિએ વિચારવાની આદત જ માણસને સ્વાર્થી બનાવે છે.
શ્રાવણી અને રક્ષાબંધન બન્ને પર્વો એક જ દિવસે ઉજવાય છે. રક્ષાબંધન એ ખૂબ જ પ્રાચીન પર્વ છે એટલે તેને 'વૈદિક પર્વ'ના નામે ઓળખવામાં આવે છે.
પૌરાણિક માન્યતા મુજબ રક્ષાબંધનના દિવસે ઇંદ્રાણીે શાસ્ત્રીય વિધિ-વિધાન સાથે એક રક્ષાકવચ તૈયાર કર્યું હતું. અને તેને ઇન્દ્રના કાંડા પર બાંધ્યું હતું. રાક્ષસો સામેના યુદ્ધના સમયે એનો ઉપયોગ કરી ઇન્દ્રાણીએ ઇન્દ્ર માટે જીતનો માર્ગ ખોલી આપ્યો હતો. રક્ષાસૂત્ર અથવા રાખડી બાંધવાની પ્રથા એ ક્રિયાથી શરૂ થઇ હોવાનું મનાય છે.
રક્ષાબંધન એ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પર્વ છે. જેમાં બહેન ભાઈના રક્ષણની દુવા માગે છે અને ભાઈ તેના રક્ષક બનવાની વણલેખી બાંયેધરી આપે છે. રાખડીની એ પવિત્રતાનું બંધન કોઈ પણ અજાણી બહેન કોઇને રાખડી બાંધી ભાઈ બનાવી શકે છે. ભાઈના કપાળે તિલક કરી મંગલ કામના સાથે રાખડી બાંધે છે. ભાઈ સમુદ્ધ બને, વિજયી બને અને મારી રક્ષા કરે એવી ભાવના 'રક્ષાબંધન'માં સમાએલી છે. જ્યારે બાળક અભિમન્યુ સાત કોઠાના ચક્રવ્યૂહ વીંધવા તૈયાર થયો, ત્યારે માતા કુંતીએ તેના હાથે રાખડી બાંધતાં ગાયું હતું :-
'મારા બાળુડા હો બાળ
તારા પિતા ગયા પાતાળ
સાથે મામો છે શ્રીપાલ'
કુંતી એ તેને વિજયના પ્રતીક તરીકેનું આત્મબળ વધારવા ગાયું હતું.
રક્ષાબંધનના પર્વની એ વિશેષતા છે કે હિન્દુ-મુસ્લિમના સાંપ્રદાયિક ભેદ રાખ્યા સિવાય બહેન મુસ્લિમ ભાઈને પણ રાખડી બાંધી રક્ષણ મેળવી શકે છે. એનું લોકપ્રસિધ્ધ ઉદાહરણ છે રાણી કર્ણાવતી અને મુસ્લિમ બાદશાહ હુમાયૂનું પોતાના પર હુમલો કરનાર સામે રક્ષણ મેળવવા રાણી કર્ણાવતીએ બાદશાહ હૂંમાયૂને રાખડી મોકલી હતી. અને એની લાગણીનું માન રાખીને કર્ણાવતીના રક્ષણ માટે મોટી ફોજ મોકલી આપી હતી.
શ્રીકૃષ્ણ દાનવો સામે લડી રહ્યા હતા ત્યારે એમની આંગળી ઘવાઈ હતી. તે સમયે દ્રૌપદીએ પોતાની સાડીનો છેડો ફાડીને ઘવાયેલી તેમની આંગળીએ પાટો બાંધ્યો હતો. અને શ્રીકૃષ્ણે દ્રૌપદી જ્યારે પણ યાદ કરે ત્યારે તેને મદદરૂપ થવાનું વચન આપ્યું હતું. એ દિવસ પણ રક્ષાબંધનનો દિવસ જ હતો. દ્રૌપદીએ શ્રીકૃષ્ણના કાંડે રાખડી બાંધીને તેમને ભાઈ બનાવ્યા હતા. હિન્દૂ ધર્મની જેમ જૈન ધર્મમાં પણ સાધુઓની પૂજા કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના રાખે છે.
દેવાસુર સંગ્રામ વખતે કર્મકાંડી પંડિતો દ્વારા એક પવિત્ર શ્લોક ઉચારાયો હતો :
યેન બલિ રાજા
દાનવેન્દ્રો મહાબલ,
તેને ત્વામાપિ બંધાનામિ
રક્ષે મા ચલ, મા ચલ
અર્થાત્ જે રક્ષા-સૂત્રથી મહાનશક્તિશાળી દાનવેન્દ્ર રાજા બલિને બાંધવામાં આવ્યો હતો, તે જ સૂત્રથી હું તને બાંધું છું. હે રાખડી, તું અડગ રહેજે, તું પોતાના સંકલ્પથી વિચલિત ન થઈશ. આ દિવસે બ્રાહ્મણો જનોઈ બદલી ક્ષેમકુશળતા માટે ભગવાનને પ્રાર્થના કરે છે.
જો કે હિન્દુ ધર્મમાં વેદ કે ભગવદ્ગીતામાં રક્ષાબંધનની ઉજવણીનો ઉલ્લેખ નથી. જો કે સ્કંદપુરાણ, પદમપુરાણ શ્રીમદ્ ભાગવત પુરાણમાં વામન વેશધારણ કરેલા ભગવાન વિષ્ણુ અને અહંકારી રાજા બલિનો ઉલ્લેખ જોવા મળે છે. બલિનો અહંકાર દૂર કરવા વામનવેશે ઉપસ્થિત થઇ વિષ્ણુ ભગવાને તેની પાસે જે પોતે માગે તે આપવાનું વચન માગ્યું હતું. અને વામને ત્રણ પગલાં ભૂમિ માગીને આકાશ, પાતાળ અને ધરતી માગી લીધી. અને બલિ રાજાને પૂછ્યું હવે ત્રીજો પગ ક્યાં મૂકું ? ભગવાને બલિને રસાતાળમાં મોકલી આપ્યો હતો. બલિએ ભગવાન વિષ્ણુ પાસે વચન માગી ભગવાન વિષ્ણુની સેવામાં રહેવાનું વચન પણ માગી લીધું હતું. લક્ષ્મીજીએ પોતાના પતિની બંધનમુક્તિ માટે બલિરાજાના કાંડે રાખડી બાંધી બલિને બંધનમુક્ત બનાવ્યાહતા. આ ઉપાય નારદે લક્ષ્મીજીને સૂચવ્યો હતો.
અમરનાથ પ્રસિધ્ધ યાત્રાનો આરંભ ગુરુ-પૂર્ણિમાને દિવસે આરંભાઈ રક્ષાબંધનના દિવસે સમાપ્ત થયો હતો. આ જ દિવસે અમરનાથનું બરફ રુપી શિવલિંગ પોતાનો પૂર્ણ આકાર પ્રાપ્ત કરે છે. શિવની કૃપા મેળવવા શ્રદ્ધાળુઓ કષ્ટપૂર્ણ યાત્રા ખેડીને અમરનાથ પહોંચે છે, લાખ્ખોની સંખ્યામાં.
મહારાષ્ટ્રમાં રક્ષાબંધનનો તહેવાર 'નાળિયેરી પૂનમ' અથવા શ્રાવણી નામે પ્રસિધ્ધ છે. રક્ષાબંધનને દિવસે લોકો વરુણદેવને પ્રસન્ન કરવા માટે સમુદ્રમાં નાળિયેર પધરાવે છે. રાજસ્થાનના જોધપુરમાં બંધાતી 'રામરાખી' પરંપરાગત રાખડી કરતાં જુદા પ્રકારની હોય છે.
તામીલનાડુ, કેરલા તથા ઓરિસ્સાના બ્રાહ્મણો રક્ષાબંધનના આ પર્વને 'અવનિ અવિત્તમ પણ કહે છે. જેમાં નદીસ્નાન સહિત ઋષિઓનું તર્પણ કરી નવી જનોઇ ધારણ કરે છે. યજુવેદી બ્રાહ્મણો ૬ મહિના માટે વેદના અધ્યયનનો આરંભ કરે છે. એટલે આ પર્વનું એક નામ ઉપક્રમણ પણ છે જેનો અર્થ છે નવી શરૂઆત. રક્ષાબંધનના દિવસે બલિરાજાનું બળ વિષ્ણુ ભગવાન વામનવેશે ખંડિત કર્યું હતું, એટલે રક્ષાબંધનના દિવસને 'બળેવ' પણ કહેવામાં આવે છે. આફ્રિકા સહિત અન્ય દેશોમાં રહેતા ભારતીય નાગરિકો પણ રક્ષાબંધનના પવિત્ર દિવસની ઉજવણી કરે છે.' આજના પ્રૌદ્યોગિકી યુગમાં રાખડી 'ઓનલાઈન'નો વિષય બની ગઇ છે. એની સામે આ તહેવારની પવિત્રતાનું વિસ્મરણ ન થાય એ માટે જાગૃતિ કેળવવાનું અનિવાર્ય બન્યું છે. રક્ષાબંધન નિમિત્તે ચલચિત્રો અને એની મેટેડ સીડી પણ પ્રચલિત થઇ ગઇ છે.
મૂળ વાત છે 'રાખડી'ના ધાગા (દોરો)માં જીવનનું રક્ષણ કરવાની શક્તિ છે ? આ શક્તિ રાખડીમાં નહીં પણ તેની ભાવનામાં છે. એ ભાવના સાથે બહેન ભાઈને રાખડી બાંધે છે. એનો અર્થ એ થયો કે ભાઈ, હું તમારી રક્ષા માટે રાખડી બાંધુ છું. ભગવાન તમારી રક્ષા કરે. 'અને ભાઈ આજીવન બહેનની રક્ષા કરવાની ભાવનાથી બંધાય છે. એટલે રક્ષાની ભાવના માટે જેલમાં રહેતા કેદીઓને પણ રક્ષા બાંધી 'સદ્વિચાર' જેવી સંસ્થાઓ આ દિવસે કેદીઓને રાખડી બાંધે છે.'
જૈન મતાનુસાર રક્ષાબંધનના દિવસે વિષ્ણુકુમાર નામના મુનિએ ૭૦૦ જૈન મુનિઓની રક્ષા કરી હતી. એની સ્મૃતિમાં રક્ષાબંધનનું પર્વ ઉજવાય છે.
રાખડીમાં વિશ્વાસ, પવિત્રતા અને ભાવનાનું મહત્વ છે. શુભેચ્છાની પવિત્ર ભાવના સાથે બહેને ઉચ્ચારેલા શબ્દો જાણે અખિલ બ્રહ્માંડમાં સંભળાય છે અને ભાઈને દેવરક્ષણના પવિત્ર શબ્દો અનુસાર બહેનની ભાવના સફળ પણ થઇ શકવાની ભૂમિકા બંધાય છે.
રક્ષાબંધનની આ ભાવનાની સાર્થકતા આજના યુગમાં યાંત્રિકતા ધારણ કરી ન દે તેમાં રહેલી છે. એની સાર્થકતાની મૂળ ભાવના જળવાઈ રહે તેવી પવિત્રતા મનોમન ધારણ કરી કોઈ પણ ગણત્રી વગર ભાઈ-બહેનનો આ તહેવાર ચિરંજીવી રાખે તેમાં રહેલો છે. વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે શ્રાવણ માસની પૂનમના દિવસે ભગવાન વિષ્ણુએ 'હયગ્રીવ'નો અવતાર ધારણ કરીને વેદોને બ્રહ્મા માટે ફરીથી પ્રાપ્ત કરાવ્યા હતાં. ભગવાન હયગ્રીવને વિદ્યા અને બુદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.
રક્ષાબંધન એ ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિનો દિવસ છે. એની આન-બાન અને શાનને સુરક્ષિત રાખવા માટે દરેક ભાઈ-બહેને સમર્પિત રહેવું પડશે. આ જે અનેક બહેનો પર જાતજાતના અત્યાચારો થાય છે ત્યારે માત્ર પોતાની બહેનના જ નહીં કોઈ પણ નારીના રક્ષણ માટે નાગરિકોએ પ્રતિજ્ઞાબધ્ધ બનવું પડશે. એમાં જ આ તહેવારની સાર્થકતા છે.