- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- આઝાદી પહેલાં એક એકથી ચઢિયાતા નેતાઓ યૌવનનો આદર્શ બનતા હતા. દેશ ખાતર ફાંસીના માચડે લટકી જવું તેને તેઓ સાચું શિક્ષણ માનતા હતા.
પ્રશ્ન : દેશને અભણ કરતાં ભણેલા માણસોએ વધારે નુકસાન પહોંચાડયું છે, એવું નથી લાગતું ?
પ્રશ્નકર્તા : સમીક્ષા ચતુર્વેદી, અમદુપુરા-કાલુપુર સ્ટેશન રોડ, અમદાવાદ.
હો શિયાર શબ્દ મૂળ અરબી શબ્દ છે. જેનો અર્થ થાય છે સમજુ, ચાલાક, અક્કલવાળું. એનો બીજો અર્થ સાવધ અને સજાગ એવો પણ થાય છે. ગુજરાતીમાં પણ આવડતવાળું, ડહાપણવાળું, સાવધ એવા અર્થમાં હોશિયાર શબ્દ પ્રયુક્ત થાય છે.
'અણઘડ' શબ્દ નહીં ઘડાયેલું કે નહીં કેળવાયેલું એ અર્થમાં પ્રયોજાય છે. શિક્ષણ નહીં પામેલું કે બિનઅનુભવી એ અર્થમાં પણ અણઘડ શબ્દ વપરાય છે.
ભણતરનો સદુપયોગ થાય તો માણસ ઇન્સાનિયતનો રખેવાળ બને અને તેનો ઉપયોગ પોતાની મેલી મુરાદો બર લાવવામાં કરે તો એ દુર્જન બને. જીવન માટે ભણતર આવશ્યક છે પણ વિદ્યા પચે નહીં તો એ વિવાદનું નિમિત્ત બને છે. ભણેલો માણસ હોશિયાર બની એનો ઉપયોગ કાવતરાં, પ્રપંચ, વેરવૃત્તિ, ગદ્દારી વગેરે માટે પણ કરી શકે. ખાનદાનીને ભણતર સાથે કોઈ લેવાદેવા નથી. ભણેલા માણસ પાસે ગુનેગારીનો બચાવ કરવાની ચાલાકી હોય છે. એટલે ઘણીવાર તે અપરાધ ઢાંકવામાં સફળ થઈ જતો હોય છે. દેશને અભણ કરતાં ભણેલા લોકોએ વધારે નુકસાન પહોંચાડયું છે એવું કહી શકાય.
પહેલાંના લોકો ઓછું ભણેલા કે નિરક્ષર પણ હતા. પરંતુ એમનામાં કોઠાસૂઝ જબરી હતી. તેઓ પાઠશાળાના નહીં પણ જીવનશાળામાં ઘડાયેલા, કેળવાયેલા માણસો હતા. નીતિનો ભંગ કરતાં અચકાતા હતા. માનવતા ખાતર મરી ફિટવા તૈયાર રહેતા. આપેલો વાયદો પાળતા. નોકરી-ધંધામાં વફાદારીને ક્યારેય નેવે મૂકતા નહીં. એમનામાં જબરદસ્ત સ્વામીભક્તિ હતી. પન્નાધાઈ જેવી નિરક્ષર બાઈ પોતાના રાજાના પુત્રને બચાવવા પોતાના પુત્રનું બલિદાન આપવા પણ તૈયાર રહેતી. પરિવારમાં સંપ, એકતા અને શાંતિ રહે એ માટે સહિષ્ણુતાની ભાવના તેઓ નજર સમક્ષ રાખતાં. પડયું પાનું સુખે-દુ:ખે નિભાવી લેતા. એટલે છૂટાછેડાની ઘટનાઓ જવલ્લે જ બનતી. તેમનામાં ત્યાગ, બલિદાન અને ક્ષમાભાવના અધિક હતી. અંતરાત્માના અવાજને અનુસરી જીવનશૈલી અને વર્તણૂંક ગોઠવતા એટલે અપ્રમાણિતકા, અસત્ય કે બહાનાંખોરીને તેઓ જીવનમાંથી જાકારો આપતાં. તેમનું જીવન કેવળ બુદ્ધિથી નહીં પણ હૃદયની ઉદ્દાત ભાવનાઓ અને લાગણીથી ચાલતું. ધન જાય પણ ધર્મ ન વિસરાય એ એમનું જીવનદર્શન હતું. અતિથિને તેઓ દેવતુલ્ય માનતા અને 'ભૂલો ભલે બીજું બધું પણ, મા-બાપને ભૂલશો નહીં' એવું એમને શીખવવું પડતું નહોતું. મા-બાપની પૂજા, આદર, સેવા અને સન્માનને પોતાનું અનિવાર્ય કર્તવ્ય માનતા અને તેમને દેવતુલ્ય માનતા.
એટલે કહેવાતા 'શિક્ષિત' કરતાં સૌજન્યમાં આવા બિનકેળવાયેલા લોકો લાખ દરજ્જે ઉચ્ચ ગણાય. શિક્ષણ કે કેળવણી એટલે 'તૃષ્ણાઓની રિફાઈનરી'. ભણેલો માણસ પોતાની તૃષ્ણાઓ અને સ્વાર્થસિદ્ધિમાં પ્રવિણ હોય છે. જાણકારી કે જ્ઞાનનો ઉપયોગ પોતાના લાભાર્થે જ કરે છે એટલે આવી આત્મકેન્દ્રી વૃત્તિમાં પરોપકારને સ્થાન રહેતું નથી. 'તન ઉજળાં પણ મન મેલાં' ધરાવનારને શિક્ષિત કે કેળવાયેલો કહેવાય પણ શી રીતે ?
મારી એક કવિતા અનુસાર,
મેં ઊજળાં-ઊજળાં વસ્ત્રોમાં
શેતાન છુપાયેલ જોયા છે,
મેં ગંદી સડતી ગલીઓમાં
ઇન્સાન છુપાયેલા જોયા છે.
મેં ધર્માલયનાં દ્વારોમાં
ને શિક્ષણ કેરાં ધામોમાં
મેં ધનભૂખ્યા ને રૂપભૂખ્યા
'મહેરબાન' છુપાયેલ જોયા છે.
મેં ત્યાગ શરાફત નેકીથી
મૂંગા મોઢે સેવા કરતા
એ નિર્ધનતાની ભઠ્ઠીમાં
ખાનદાન છુપાયેલા જોયા છે.
ના મંદિરમાં ના મસ્જિદમાં
માણસ ભણેલો હોય કે અણઘડ, એ નિર્દોષ, નિષ્પ્રપંચી અને નેક હોવો જોઈએ. જીવનમાં પવિત્ર રહેવા માટે મુખ્ય આવશ્યકતા છે વિવેકની. વિવેક એટલે સારા-નરસાને સમજવાની, પારખવાની અને જે સાચું-સારું છે તેને સહજ રીતે સ્વીકારવાની તૈયારી. ભણેલો માણસ અંદરથી જાણે છે કે અમુક વસ્તુ ખોટી છે. છતાં સ્વાર્થ ખાતર એ ખોટાને ત્યજ્વા તૈયાર થતો નથી.
અભણ, અણઘડ કે બિનઅનુભવી માણસ કેવો સમજદાર હોય તેના ઉદાહરણ તરીકે આપણે સાધુસિંહ નામના એક બિનઅનુભવી સ્વાતંત્ર્યસેનાનીની મનોવૃત્તિને સમજવાની કોશિશ કરીશું.
આઝાદી પહેલાંનાં સ્વાતંત્ર્યસંગ્રામના એ દિવસે ગાંધીજીએ સત્યાગ્રહ અને કાનૂનભંગનો આદેશ આપેલો. સાધુસિંહે નક્કી કરી લીધેલું કે પોતે ક્યારેય જુઠ્ઠું નહીં બોલે. એ અભણ માણસને કાયદા-કાનૂનનું ભાન પણ ક્યાંથી હોય ? એના ગામમાં ૧૪૪ની કલમ લાગુ થયેલી તેમ છતાં લોકોએ તેનો ભંગ કરી સરઘસ કાઢ્યું. સાધુસિંહ એમાં હોંશેહોંશે જોડાઈ ગયો. હાથમાં ધ્વજ લઈ 'મહાત્મા ગાંધી કી જય' બોલી હરખાતો ચાલે. ૧૪૪ની કલમ વિશે તેને કશી જાણકારી નહીં.
સરઘસ આગળ વધ્યું અને ૧૪૪ની કલમના ભંગ બદલ તમામ સ્વાતંત્ર્યસેનાનીઓની ધરપકડ થઈ. સાધુસિંહની પણ ધરપકડ થઈ. બધાએ ગુનો કબૂલ્યો એટલે એમને સજા થઈ, સિવાય કે સાધુસિંહને. એણે જજને કહ્યું કે, ગાંધીજીનો ચેલો છું હું ૧૪૪ની કલમની હિંસા ન કરું. પણ ભૂલથી મેં તે કલમ તોડી હોય તો માફ કરજો. સાધુસિંહને જજે છોડી મૂક્યો. એણે માફી માગી એટલે ગામના લોકોએ ઠપકો આપ્યો. કલમ ૧૪૪નું મહત્વ સમજાવ્યું. બીજા દિવસે સાધુસિંહે સરઘસનું નેતૃત્વ લીધું. ધરપકડ થઈ. જજે પૂછ્યું 'તમે કલમ ૧૪૪ તોડી છે ?' સાધુસિંહે કહ્યું : 'આ વખતે તો એવી રીતે તોડી છે કે છ મહિના સુધી પથારીમાં પડયો-પડયો એ દૂધ અને હળદર પીતો રહેશે.' જજે તેને સજા કરી. આ હતી સાચા સ્વાતંત્ર્યસેનાનીની ખુમારી.
યૌવનની સૌથી મોટી સમસ્યા એ છે કે આજે તેની સામે અનુકરણીય વિભૂતિઓ નથી. એક સમય હતો કે એકએકથી ચઢિયાતા મહાપુરુષો યૌવનનો આદર્શ બનતા હતા. 'જાન જાએ તો જાએ, પર હિન્દ આઝાદ હો જાએ.' બિસ્મિલ જેવા ઉદ્દાત્ત આદર્શો અને ભાવનાઓને તેઓ વરેલા હતા. દેશ ખાતર ફાંસીના માચડે લટકી જવાને તેઓ સાચું શિક્ષણ માનતા.
આઝાદીના થોડા વર્ષો સુધી લાલબહાદુર શાસ્ત્રી જેવા નેતાઓએ સાદગી, નિર્ભયતા અને દેશભક્તિની ભાવના ચરિતાર્થ કરી દેખાડી. જયપ્રકાશ નારાયણ જેવી મહાન પ્રતિભાઓ પણ યૌવન માટે અનુકરણીય બની. પછી રાજકારણમાં નેકી અને જીવનમૂલ્યોનો હ્રાસ થવા માંડયો. ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બનવા માંડયો.
દેશ ગૌણ બનવા માંડયો. સ્વજનોનો અભ્યુદય મુખ્ય બનવા માંડયો. 'સ્વજન'ના તારણહાર બનવામાં નેતૃત્વએ નેકી અને દેશભક્તિને કોરાણે મૂકી. મનીપાવર અને મસલપાવર ચૂંટણીઓ જીતવાનું અમોઘ શસ્ત્ર બની ગયાં. રાજકારણીઓને મન યુવાનો પોતાની મેલી મુરાદો બર લાવવા માટેનો 'કાચો માલ' બની ગયા.
સત્તા ભૂખ કહેવાતી 'લોકસેવા' માટે દંભી સાધન બની ગઈ. ધર્મ પણ યુવાપેઢીને માંજવાના બદલે આંજવાનું પ્રલોભન બની ગયો. ભણતર માનવીને માનવી ન બનાવે તો એવા ભણતરનો અર્થ શો ?
.... ત્યારે યૌવન કોઈને રાહબર બનાવવાની પ્રતીક્ષા કરવાને બદલે પોતે જ પોતાના રાહબર બનવાનું છે. ગૌતમ બુદ્ધે સાચું જ કહ્યું છે 'આત્મદીપો ભવ'
ચારિત્ર્યશીલતા, વર્તણૂંકની પવિત્રતા, શ્રમપ્રિયતા અને સ્વાવલંબન, સ્વાધ્યાય નિષ્ઠા અને જ્ઞાનનું સતત નિરીક્ષણ, જીવનમાં તપ અને સાધનાના મહત્વનો સ્વીકાર, સર્વધર્મ સમભાવ, પ્રાણીમાત્રની સેવા ભાવના, પ્રેરક સાહિત્યવાંચન, વ્યસનોથી દૂર રહેવું, શિસ્ત, સંયમ, સમાનુકૂલન કેળવવાનો પ્રયાસ આ બધું અત્યારના યુવાને જીવનમાં ઉતારવા જેવું છે. ભણતર તો ખરું જ પણ ભણતર ઉપરાંત અમલ મૂકવા જેવા ગુણો પણ આત્મસાત્ કરવા જોઈએ.


