Get The App

પદ, પૈસો, પ્રતિષ્ઠાને સલામ અને સાદગી, નેકીને ઠેબાં કેમ?

Updated: Apr 28th, 2026

GS TEAM

Google News
Google News
પદ, પૈસો, પ્રતિષ્ઠાને સલામ  અને સાદગી, નેકીને ઠેબાં કેમ? 1 - image

- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- ધનિકોને પૂજતી આ ગણતરીબાજ દુનિયા ગરીબીને સિતમ, શોષણ અને વિષય બનાવવાનું ચૂકતી નથી

પ્રશ્ન - અત્યારે બધા મોટા મોટા, પૈસાદાર રાજકીય વગવાળા, માથાભારે લોકોને મને-કમને સલામ ભરે છે, પણ બીચાર ગરીબ, સાચા, નાના માણસનો કોઈ ભાવ સુધ્ધાં નથી પૂછતું એવું શા માટે ?

પ્રશ્નકર્તા - અરવિંદ ચાવડા, જાગૃતી સોસાયટી, ભોગેશ્વર મંદીર પાછળ, રાજકોટ

પ્ર ભુતા અને પૈસો એ અહંમની જનની અને આયાઓ છે. પૈસાને પગલે ગર્વ-દર્પ-મિથ્યાભિમાન, ઉદ્ડંતા, સ્વચ્છંદતા... જેવા અતિથિઓ બારણે ટકોરા માર્યા જ કરે છે. એવી હીનતાને હાંકી કાઢવા માટે જે વિવેક, આત્મબળ અને નૈતિક ચારિત્ર્યની જરૂર પડે એ બધું પૈસાજન્ય વિલાસપ્રિયતા, સુખ-સાહયબીની આળપંપાળ અને અધિકારપ્રિયતા છીનવી લે છે. પૈસા મેળવવાની લાલસા અને પૈસા વધારવાની આકાંક્ષાઓ માણસને અનેક પ્રકારની શિથિલતાઓ અને મલિનાઓ આચરતાં રોકી શકતી નથી.

દુ:ખ-પીડા અને વેદના સ્વજનો વચ્ચે આત્મીયતા અને હમદર્દીની વાદળીઓ સર્જે છે તે સાચી વાત છે. પણ ધનિકતા આવતા આત્મીયતાનો કબજો ગર્વ અને પ્રદર્શનપ્રિયતા લઈ લે છે. ધનિક માણસ એમ માનીને ચાલે છે કે પૈસો સ્વજનોના સાથ-સહકારનો વિકલ્પ બનીને ભાડૂતી સેવોકે અને સ્વાર્થી સ્નેહીઓની વણજાર ખડી કરી દેશે. પરિણામે નિકટતા સગાં-વહાલાં કે સ્વજનોથી તે દૂર રહેવા કોશિશ કરશે.

પૈસાના બળે અનેક માણસોને પોતે આજ્ઞાવાહી કે પ્રીતિપાત્ર બનાવી શકે છે એવો ખ્યાલ જ માણસને અભિમાની અને સ્વજનો તથા ગરીબ માણસો પ્રત્યે ઉપેક્ષાભાવ દાખવતો બનાવી દે છે.

ખિસ્સુ ભરાય એની સાથે આત્મા પણ આંતરિક અમીની અભિવૃધ્ધિથી છલકાવો જોઈએ, પરંતુ પૈસો માણસને બહેકાવીને, સરળતા, સાદગી  અને નિર્મળતાને જાકારો આપવાની પળોજણમાં અટકાવી દે છે. એના અભિમાની સ્વભાવને પોતાના ગરીબ સ્વજનોને બદલે અમીરીજન્ય દેખાવપ્રિય, ઠાઠમાઠવળા, 'ઊંચા લાગતા' લોકો વધુ શાનદાર અને માનપાત્ર લાગે છે. પોતે નાના માણસ જોડે સંબંધ રાખશે તો પોતાની ગણતરી નાનામાં થવા લાગશે, એવા કલ્પિત ભયથી તે નાના લોકો કે ગરીબ સ્વજનોથી દૂર ભાગે છે. એમને આવા સાચા પણ નાના માણસોનો ભાવ સુધ્ધાં પૂછતા નથી.

ધનિકોને પૂજતી આ ગણતરીબાજ દુનિયા ગરીબીને શોષણ, સિતમ અને અન્યાયનો વિષય બનાવવાનું ચૂકતી નથી. મોટાભાગના લોકો કર્મ ઓછું અને ફળ મોટું ઝંખતા હોય છે. પરિણામે તેમનામાં પ્રદર્શનપ્રિયતા હોય છે. નજીવી સિધ્ધિ, કે ફરેબી સિધ્ધિને મહાસિધ્ધિમાં ખપાવવા માટે તેઓ પ્રચારના પડઘમ વગાડે છે, વગડાવડાવે છે, સન્માન ન થતાં હોય તો કરાવડાવે છે. મધ્યમવર્ગના અને ગરીબ લોકો સેવા કરવાથી મેવા મળશે એ લાલચમાં આવા ધનિકોની સેવા કરે છે અને તેમની પાછળ પાછળ ફરતાં થઈ જાય છે. પ્રચારલીલામાં પાવરધા ધનિકો આવા સ્વાર્થી અને લાલચુ લોકોના પયગંબર, તારણહાર અને દીન-દુખિયાના બેલી બનીને પદ, પૈસો કે ખુશામતખોરોની કલમના જોરે પોતાની જાતને મોટામાં ખપાવવામાં કામિયાબ નીવડે છે.

સન્માન કરવાની પ્રવૃત્તિ પણ ચેપી રોગ જેવી હોય છે. એક સંસ્થા કે સંગઠન અમુકનું સન્માન-બહુમાન કરે એટલે બાકીની સંસ્થાઓનો પણ સળવળાટ વધી જાય છે. વિશેષણો અનેક સન્માનપત્રમાંથી વૃધ્ધિ પામી બીજા સન્માનપત્રમાં પગપેસારો કરતાં હોય છે. ઘણીવાર જેનું સન્માન કરવામાં આવે છે એને પોતાને પણ ખબર ન હોય એવા વિશેષ ગુણો એના સન્માનપત્રમાં લાદવામાં આવે છે. આવા લોકોને તેમના ચમચાઓ બહુ ચઢાવી મારે છે. કોઈને ખોટી રીતે ચઢાવી મારવાની પ્રવૃત્તિ પણ એક સામાજિક અને નૈતિક અપરાધ જ છે. એનાથી ઊલટું સાચો કર્મશીલ માણસ ફળની આસક્તિ વગર જ ચૂપચાપ કામ કરે છે. એને કીર્તિની કામના કે કોઈને નોંધ લેવડાવવાની આદત હોતી જ નથી. ફૂલની જેમ એ ખુશ્બો ફેલાવીને વિલોપાઈ જવાનું સૂત્ર અપનાવતો હોય છે. એટલે કદરદાની માટે નથી એક કોઈની કદમબોસી કરતો કે ઉપરછલ્લા સન્માનના વાઘા પહેરવાની એને નથી હોતી અભિલાષા. કદરની તાલાવેલી કે ધમપછાડાથી અળગા રહેવું એજ એમની સુપાત્રતા છે.

આજે સન્માનને જોરે વકરેલા કુપાત્રો હવે સમાજના નેતા-ભાગ્યવિધાતા બનતા જાય છે. આવ કુપાત્રો ને સન્માનિત કરી સુપાત્રની હરોળમાં પ્રતિષ્ઠિત કરવાને કારણે સમાજમાં બનાવટી શ્રેષ્ઠ લોકોનું વર્ચસ્વ વધતું ગયું છે, જેનાં માઠાં પરિણામો આજે આપણને સર્વત્ર જોવા મળે છે. આવા કુપાત્રોને તેમના સમર્થક ચમચાઓ વિદ્વાનોની પંગતમાં બેસાડી દે છે, અને પાંચસો-હજારનું દાન કરાવી બેનર સાથે ફોટા પડાવી તેઓને 'સમાજ સેવક' નું બિરૂદ પણ અપાવી દે છે.

સુપાત્રની કદરની ઉપેક્ષા અને કુપાત્રની કદરદાની અંતે તો આજના સમાજના વિવેકના દીવા તદ્દન ઝાંખા થઈ ગયાની જ શાખ પૂરે છે. સુપાત્રોને શોધી કાઢીને એમનું સન્માન કરી એમની પાત્રતા અને પ્રદાનનો સમાજને પરિચય કરાવવો એ જ સાચી સમાજસેવા છે.

પૈસાદાર, રાજકીય વગવાળા, માથાભારે જેવા લોકો ખપના છે એવા ખ્યાલ સાથે મોટા ભાગના લોકો તેમને હારતોરા કરવા પડાપડી કરતા હોય છે. સ્વાર્થના ચશ્માં ધારણ કરનાર લોકો વિવેકદ્રષ્ટિ ગુમાવી બેસે છે, અને કુપાત્રના ગીતો ગાવા માંડે છે. અને એમનું સન્માન કરે છે. પરિણામે સન્માનિત હસે છે, પણ સન્માન તો બિચારું ચોધાર આંસુડે રડતું જ હોય છે.

'સાચો નાનો માણસ કોઈ કામનો નથી' એવી સ્વાર્થી દ્રષ્ટિ ધરાવતાં લોકો સાચા માણસનો ભાવ પૂછતાં નથી. ત્યાગ, ઉદારતા, પરોપકાર એ જ એના માટે પ્રાણવાયુ સન્માન હોય છે તેવા સત્યનિષ્ઠ, ધર્મનિષ્ઠ, પ્રામાણિક માણસ, જેની નજર ધન તરફ નહીં પણ ધર્મ, તરફ હોય છે, પદ તરફ નહીં સેવા તરફ હોય છે.... એવા સાચા અંત:કરણવાળા માણસોની આજના ગણતરીબાજ બની ગયેલા લોકો ઉપેક્ષા કરે છે.

સાચા બનાવાનો, થવાનો કે રહેવાનો આગ્રહ એટલે પડકારોનો સામનો કરવાની તૈયારી રાખવી જ પડે, કારણ કે સત્ય મૂલ્ય માગે છે, સત્યનિષ્ઠા માગે છે, સત્ય સહિષ્ણૂતા અને સમર્પણ માગે છે. આ બધા ગુણો આકરી કસોટી કરતાં હોઈ 'સાચા' સુપાત્ર માણસના જીવનમાં ઝંઝાવાતો સર્જાવાના જ. પણ આંધીનેય સાચા માણસો વરદાન માનતા હોય છે. અપ્રમાણિકતાની ખીચડી રાંધી 'ગાંધી' ન બનાય. ગાંધી બનવા માટે આંધી અને ઉપાધિ સહવાનું ફરજિયાત છે. આજે ધનબળ વધતાં ધર્મબળનું સાચું પોત ઝાંખુ પડી ગયું છે, પરિણામે ધન રાજ કરે અને ધર્મ તેની કદમબોસી કરે એવી સ્થિતિ સર્જાઈ છે.