Get The App

શ્રદ્ધા એ માનસિક સેનાનો નેપોલિયન છે

Updated: May 27th, 2025

GS TEAM


Google News
Google News
શ્રદ્ધા એ માનસિક સેનાનો નેપોલિયન છે 1 - image


- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- સ્વભાવ અને સંસ્કારો બદલી શકાય છે. તમે વેંતિયા બનવાનો વિચાર કરી ભીમસેન બની શકશો નહીં. વિચારોમાં જડતા રાખનાર પોતાની જાતને બદલી શકશે નહીં

સ્વભાવ, સંસ્કારો અને વિચારો ઘણા પ્રયત્નો છતાં કેમ બદલાતા નથી?

 પ્રશ્નકર્તા : મુકેશ ટી. ચંદારાણા, ઑફિસર પ્રોજેક્ટ, તાતા કેમિકલ લિમિટેડ, મીઠાપુર, ૩૬૧૩૪૫ (સૌરાષ્ટ્ર)

માણસનો 'સ્વભાવ' સમાજ અને પૂર્વજન્મના સંસ્કારો મુજબ ઘડાય છે. માણસની પ્રત્યેક વૃત્તિ અને વિચારો તેના મગજ પર અંકિત થાય છે. અને તે મુજબ એની વિચાર શક્તિ વિકસે છે. આમ માણસ પોતાનું જીવનચરિત્ર જાતે જ લખે છે.

પ્રત્યેક કુવૃત્તિ શરીરમાં ફેરફાર કરે છે અને પ્રત્યેક સદ્વૃત્તિ જીવનવર્ધક તત્વો ઉત્પન્ન કરે છે. મનમાં ઉત્પન્ન થતો પ્રત્યેક વિચાર તેના અંત:કરણને પ્રભાવિત કરતો હોય છે. માણસ જાતે જ પોતાનાં મિત્ર પણ છે અને શત્રુ પણ. પરતુ કેટલાક કુવિચારોએ તેની વિવેક દ્રષ્ટિ છીનવી લીધી હોય છે એટલે દુર્યોધનની જેમ તે કહે છે 'ધર્મ શું છે તેની મને ખબર છે પણ તે મુજબનું વર્તન હું દાખવી શકતો નથી અને અધર્મ શું છે, તે હું જાણું છું પણ તેનાથી હું મુક્ત થઈ શકતો નથી.'

કોઈ પણ નિર્ણયને વળગી રહેવા માટે દ્રઢ મનોબળ જરૂરી છે. કારણ કે 'પડી ટેવ તે તો ટળે કેમ ટાળી ?'

કોઈ પણ માણસ જો ધારે તો દરરોજ એક કલાક આનંદ દાયક વિચારો કરીને તથા આનંદદાયક પ્રસંગોનું સ્મરણ કરીને પોતાના મનમાં અપેક્ષિત વિચારોનું નિર્માણ કરી શકે છે. માણસે પોતાની જાતને સુધારવા માટે માનસિક વ્યાયામ કરવો જોઈએ. મતલબ કે સદ્વિચારો માટે સમય ફાળવવો જોઈએ.

અધ્યાપક ગેટ્સ કહે છે કે ધારો કે એક ઓરડામાં અડધો ડઝન માણસો છે. તેમાંનો એક નિરાશ થયેલો છે. બીજો પ્રશ્ચાત્તાપ કરે છે. ત્રીજો ક્રોધ કરે છે. ચોથો ઇર્ષ્યા કરે છે. પાંચમો આનંદી છે અને છઠ્ઠો પરોપકારના વિચારો કરે છે. અને આમાંના પ્રત્યેકને પોતાની સ્વભાવગત મર્યાદાઓ છે. જે માણસ પોતાના મન પર શાસન કરી શકે છે. તે પોતાની જાતને બદલી શકે છે. પરમાત્માએ માણસ પાસે કદીએ એવી અપેક્ષા નથી રાખી કે તેની વૃત્તિઓ મુજબ તે નાચે.

બાળકોને જેવી રીતે શરીર વિજ્ઞાાનનું શિક્ષણ આપવામાં આવે છે તે રીતે મનોવિજ્ઞાાનનું શિક્ષણ આપવામાં આવે તો તે પોતાના મનને શુદ્ધ અને સ્વચ્છ રાખવા અંગે વિચારતો થઈ શકે છે. પ્રેમ અને લાગણીના વિચારોથી માણસ પોતાના મનને સંસ્કારી બનાવી શકે છે. સદ્ગુણના શાન્તિપ્રદ વિચારોથી મનને ભર્યું-ભર્યું રાખવું એ મનને સુધારવાનો હાથવગો કીમિયો છે.

સખત અને સરળ એ બન્નેમાંથી તમને શું પસંદ કરો છો, તેની ઉપર તમારા જીવનનનો દ્રષ્ટિકોણ નિર્ભર છે.

ઘણા લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે પોતે પરાણે મનને બદલવાની પ્રવૃત્તિ કરે છે તો તેની અવળી અસર મન પર થાય છે. ખરેખર તો માણસ ધારે તો મનોવૃત્તિ બદલી શકે છે. તિરસ્કાર, દ્વેષ, વેરવૃત્તિ જેવા દુર્ગુણો માણસના મનને પારાવાર નુકસાન પહોંચાડી શકે છે એટલે મનને સુધારવા ધીરજ જોઈએ. સંત કબીરે ઉચિત જ કહ્યું છે કે,

ધીરે-ધીરે રે મના,

ધીરે સબકુછ હોય

માલી સિંચે સો ઘડા

ઋતુ આયે ફલ હોય'

આપણું શાશ્વત તારુણ્ય બીજે ક્યાંય નહીં પરંતુ આપણા મનમાં જ રહેલું છે. માત્ર તરુણ દેખાવાનો પ્રયત્ન કરવાથી કે તરુણને ગમતો પોષાક ધારણ કરવાથી કોઈ તરુણ બની શકતું નથી. માણસે પોતાના હૃદય અને મનને સમૃદ્ધિ રાખવાનો વિચાર કરવો જોઈએ.

જ્યારે પ્રાત:કાળે તમારી આંખ ખુલી ત્યારે આત્મદર્શન કરો અને 'આજે મારે સારા અને સાચા માણસ બનવા માટે જે કાંઈ સદ્પ્રયત્નો કરવા પડે એમાં હું કોઈપણ પ્રકારની કચાશ રાખીશ નહીં, એવો દ્રઢ સંકલ્પ કરવાથી તમે મન પાસે અપેક્ષિત કામ લઈ શકો છો.

પર્વતોને ખસેડી શકે તેવી કોઈ શક્તિ હોય તો તે મનુષ્યમાં પોતાનામાં છે. તમારા આદર્શો એ તમે કેવા મનુષ્ય બનશો તેના માપદંડ છે. માણસ જેટલા અંશે પોતાની ઇચ્છા શક્તિને મજબૂત બનાવી શકે તેટલા પ્રમાણમાં પોતાની જાતને સુધરવા માટેની ભૂમિકા તૈયાર કરી શકે છે. પ્રબળ અને દ્રઢ આત્મ શક્તિ દ્વારા માણસ ધૈર્યપૂર્વક પ્રયત્ન કરતો રહે તો પોતાના દુર્ગુણોને નાથી શકે છે.

ઘણા માણસો મનથી ગરીબ હોય છે અને તેનું વર્તન પણ ગરીબ જ રહે છે. જો તમે વેંતિઆ બનવાનો વિચાર કરતા હો તો કદી ભીમસેમ બની શકશો નહીં. જો તમે કોઈ મહાન કાર્ય કરવા ઇચ્છતા હો તો પ્રમાદ ત્યજી તેમાં ખૂંપી જાઓ. શ્રદ્ધા એ માનસિક સેનાનો નેપોલિયન છે. જેઓ નિષ્ફળ નીવડે છે તેમણે સાચા અર્થમાં આત્મશ્રદ્ધા ગુમાવી દીધી હોય છે. સ્વભાવ પણ બદલી શકાય છે. માણસને તેની શ્રદ્ધા મુજબ જ પ્રાપ્તિ થતી હોય છે. શિથિલ મહત્વાકાંક્ષા ધરાવનાર માણસ કદી પોતાની જાતને સુધારી શકતો નથી. સંસ્કારો અને વિચારોમાં એક પ્રકારની જડતા પ્રવેશેલી હોય તો માણસ તે આપોઆપ એકદમ બદલાઈ જતો નથી. ધીરજનો અભાવ, સંકલ્પોને વળગી રહેવાની તૈયારી ન હોય તો ઘણા પ્રયત્નો છતાં વિચારો બદલાશે નહીં એવી પોકળ માન્યતાને કારણે જ માણસ પોતાને બદલી શકશે નહીં પણ એ વાત દ્રઢતાપૂર્વક યાદ રાખવી જોઈએ કે સ્વભાવ અને સંસ્કારો અવશ્ય બદલી શકાય છે એ માટે શુદ્ધ દાનત જોઈએ.

Tags :