અત્યારના સમયમાં વધુ પડતી 'લાગણી' અને વધુ પડતો વિશ્વાસ રાખવાથી કેમ પસ્તાવું પડે છે?
- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- સર્વોત્તમ સિધ્ધાંતોનો 'અતિરેક' કરવામાં આવે તો તે વિઘાતક બુરાઈઓમાં બદલાઈ જાય છે. 'અતિ વિશ્વાસ' એ 'વિષ' વાસનું થાણું છે અને 'અતિ' લાગણી ઘણીવાર માગણીની નાગણી બની શકે છે, એ સત્ય સ્વીકારી માણસે 'અતિ' મુક્ત જીવનશૈલી ગોઠવવી જોઇએ
* અત્યારના સમયમાં વધુ પડતી 'લાગણી' અને વધુ પડતો 'વિશ્વાસ' રાખવાથી કેમ પસ્તાવું પડે છે ?
* પ્રશ્નકર્તા : અલકા મુકેશ ચંદારાણા, ટાઉન-૨૮ પોસ્ટ ઓફિસ સામે, મીઠાપુર-૩૬૧૩૪૫
સ હુથી પહેલાં આપણે લાગણી શબ્દને સમજવાની કોશિશ કરીએ. લાગણી એટલે અંતરમાં થતી સારી માઠી અસર, મનોવૃત્તિ, ભાવના, ડંખ, દાઝ, મનમાં ખૂંપીને પ્રેમ, વાત્સલ્ય, દયા, સમભાવ વગેરે સંબંધી અસર કરનારો વિચાર, વેદના ભાવ. એક ઉલ્લેખ મુજબ નર્મદનો એવો નિયમ હતો કે જે જે મોટા પ્રશ્નો એમને વિચારવા જેવા લાગે તેને તેઓ ભીંત પર નોંધતા અને મિત્રો ભેગા થાય ત્યારે એ પ્રશ્નોની ચર્ચા ઉપાડવામાં આવતી. એક વખત લાગણી માટે યોગ્ય ગુજરાતી શબ્દ વિશે મિત્ર મંડળીમાં ચર્ચા ચાલી. આખરે લાગણી શબ્દ નક્કી થયો. આજકાલ લાગણી માટે વપરાતો આ શબ્દ પહેલ વહેલો કોણે વાપર્યો તે કોઇનેય જાણ નથી પણ આ શબ્દ પ્રથમ વાર વાપરવાનું માન કવિ નર્મદને ફાળે જાય છે.
લાગણી શબ્દ માટે જ્ઞાાન, બુધ્ધિ, સમજ, બોધ શબ્દો પણ વપરાય છે. લાગણી સાથે જોડાયેલા કેટલાક અન્ય શબ્દો પણ જાણવા જોઇએ. લાગણી ઘેલું એટલે આવેશભર્યું, જેનામાં મુખ્ય ભાવ વધારે વેગથી પ્રગટ થાય તેવું. લાગણીપ્રધાન એટલે વિચાર કે તર્ક નહીં પણ લાગણી જેનામાં મુખ્ય હોય તેવું, ભાવપ્રધાન, લાગણીવાળુ એટલે જેને બહુ લાગી આવે તેવું, તીવ્ર લાગણી ધરાવનાર. એના ઉલટો શબ્દ છે લાગણીશૂન્ય, જડ, લાગણી વિનાનું (ભ.ગો.મં.)
પ્રસન્નિકા કોશમાં પણ લાગણી વિશે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. તદનુસાર માણસને ક્રોધ ચડે છે, આનંદ થાય છે, શોક થાય છે, ભય લાગે છે, રોષ ચઢે છે આ બધી મનની લાગણીઓ છે. તેમને આવેગો એટલે 'ઇમોશન' પણ કહે છે. તે ઘણું ખરું મોં પર વિશેષ હાવભાવ રૂપે પ્રગટ થાય છે. મગજમાં શું ચાલે છે, તે જાણવું અઘરું છે. લાગણી મનની પ્રતિક્રિયા છે. કંઇક જોઇને, સાંભળીને, સ્પર્શીને, મનમાં કેવળ વિચાર આવવાથી લાગણી ઉદ્ભવે છે. લાગણી મોટે ભાગે થોડી ક્ષણો ટકે છે. તે લાંબો સમય રહે તો તે મનોદશા કે ચિત્તવૃત્તિ કહેવાય છે. લાગણીની વિશેષ અસરો પણ હૃદયના ધબકારા, ઝડપી શ્વોચ્છવાસ રૂપે વ્યક્ત થાય છે. માણસમાં પ્રકૃતિ, સ્મૃતિ, અનુસાર આ પ્રતિક્રિયાઓ ઉગ્ર અથવા સામાન્ય હોય છે. કાલ્પનિક ભય સાથે ચિંતાની લાગણી જન્મે છે. વધારે પડતી લાગણીશીલતા સ્વાસ્થ્ય પર હાનિકારક અસર પણ જન્માવી શકે છે.
'વિશ્વાસ' એટલે ભરોસો, ખાતરી, શ્રદ્ધા, પ્રતીતિ, ઇતબાર, પાકી આશા. વિશ્વાસ આપવો દેવો એટલે વિશ્વાસમાં લેવું, વિશ્વાસ કરવો, મૂકવો મતલબ કે ભરોસો રાખવો, વિશ્વાસ પડવો એટલે ખાતરી થવી, વિશ્વાસે રહેવું એટલે ભરોસો રાખી બેસી રહેવું, વિશ્વાસપાત્ર એટલે વિશ્વાસ કરવા યોગ્ય. એનાથી વિપરીત વિશ્વાસઘાતી એટલે દગો કરનાર, દ્રોહી, વિશ્વાસ આપીને ફરી જનાર, કપટી, દગાબાજ, નમકહરામ, વિશ્વાસભંજક એટલે વિશ્વાસનો ભંગ કરનાર, દગલબાજ. 'અતિ' એ ક્રિયા વિશેષણ છે જેનો અર્થ થાય છે અતિશય, હદપારનું, ઘણું, હદથી આગળ જવું. અતિરેક એટલે અતિશયના, ચઢિયાતાપણું. અત્યારના જ નહીં કોઈ પણ સમયમાં 'અતિ'ને ગતિ આપી તેના શરણે થવું એ ભયાનક છે.
પવન મર્યાદામાં હોય ત્યાં સુધી અનુકૂળ લાગે છે પણ પવનની અતિશયતા પ્રભંજક બને છે. વરસાદ મર્યાદામાં હોય ત્યાં સુધી સારી અસર કરે છે પણ મર્યાદા છોડે એટલે એ વિનાશક વાવાઝોડું બની વિનાશક બને છે. અગ્નિ મર્યાદામાં હોય ત્યાં સુધી ભોજન તૈયાર કરવામાં, વસ્તુને ગરમ કરવામાં, ટાઢ ઉડાડવા તાપણા તરીકે ઉપયોગી બને છે. પરંતુ અગ્નિનું અતિક્રમણ આગ બને છે અને આગ સર્વનાશ નોંતરી શકે છે.
'અતિ'ને ચેતવણી સ્વરૂપ ગણવામાં જ ડહાપણ છે. સીતાજીએ સાધુ વેશે આવેલા રાવણમાં વિશ્વાસ રાખી લક્ષ્ણમરેખા ઓળંગી તેનાં કેવાં માઠાં પરિણામો આવ્યાં તે આપણે જોઇએ છે. સંબંધો એ મૈત્રીમાં અતિ નિકટના લાંબા ગાળે નુકસાનકારક નીવડે છે. અતિ શબ્દ પ્રેમીઓ માટે વિવેકશીલ અને મર્યાદાયુક્ત રહેવાનું સૂચવે છે. પ્રેમીઓ હંમેશાં આવેશશીલ હોય છે. એવો આવેશ ઘેલછારૂપ પણ બની જતો હોય છે. અને મૂકેલો આંધળો વિશ્વાસ સંબંધ કે પ્રણભંગમાં પરિણમે છે. 'અતિ' એ આંધળાપણું દર્શાવે છે. સંતાનો માટે મા-બાપનાં લાડ-પ્રેમ આશીર્વાદરૂપ છે પણ અતિ લાડ-પ્રેમને ખાતર સંતાનોના ગંભીર દોષો પ્રત્યે પણ આંખ આડા કાન કરે છે. જે અંતે કટુ અનુભવ સાબિત થાય છે. અતિશય લાગણીવેડા માણસને સ્વસ્થ ચિંતનમાં નુકસાનરૂપ નડતરરૂપ બને છે. વિચાર કરી યોગ્ય નિર્ણય લેવા અંતરાયરૂપ બને છે. સામાન્ય વ્યવહારોમાં પણ માણસ અતિ વિશ્વાસ કે અતિલાગણીને કારણે દુઃખી થવાની અનેક સમસ્યાઓ સર્જે છે. પૈસાની લેણ-દેણમાં અતિ વિશ્વાસે માણસ છેતરાય છે. 'અતિ' માણસને લોભીઓ બનાવે છે. અનેક ઠગારાઓ એકના બમણા કરી આપવાના કે મોટા વ્યાજનું પ્રલોભન આપી ભણેલા-ગણેલાને પણ છેતરી જાય છે. 'અતિ' માણસને ખોટું ધારવા પ્રેરે છે અને માણસ ફરિયાદ કરે છે કે 'મેં તમને આવા નહોતા ધાર્યા' શુક્રનીતિ માણસને ચેતવતાં કહે છે કે અતિદાનથી દરિદ્રતા, અતિ લોભથી તિરસ્કાર જન્મે છે. 'અતિ' નાશનું કારણ બને છે એટલે માણસે 'અતિ'થી દૂર રહેવું જોઇએ.
ચંદન આમ શીતળતા પ્રદાયક હોય છે. પણ જો તેનો અતિ સંઘર્ષણ કરવામાં આવે તો તેમાંથી અગ્નિ પ્રગટ થાય છે. ઘણીવાર 'અતિ' અતિપણું હાનિકારક નીવડે છે. ચાણક્યના મતાનુસાર સીતાજીના અપહરણનું કારણ તેમનું અતિ સૌંદર્ય જ કારણભૂત બન્યું હતું. રાવણનો અતિ ગર્વ જ તેના વિનાશનું કારણ બન્યો હતો. અતિ દાનશીલતાને કારણે બલિરાજા બંધનમાં સપડાયો હતો એટલે માણસે સર્વત્ર 'અતિ'નો ત્યાગ કરવો જોઇએ. ઘણીવાર અતિ લાગણી માણસને દુઃખી બનાવતી હોય છે અતિ હર્ષાવેશ પણ દુઃખદ સાબિત થતો હોય છે. ઉતાવળે ઊંચે ચઢનાર પટકાય છે. કવિ રહિમની સલાહ ધ્યાનમાં લેવા જેવી છે તેઓ કહે છે -
'રહિમ 'અતિ' ન કીજિયે
ગહિ રહિએ નિજ કાની (મર્યાદા)
સહિજન અતિ ફૂલે-ફૂલે
ડાર-પાત હો હાનિ'
અર્થાત્ માણસે કોઈ પણ વસ્તુની બાબતમાં 'અતિ'નો આશરો ન લેવો જોઇએ અને હંમેશાં મર્યાદાને અનુકૂળ જ કામ કરવું જોઇએ. જુઓ, સરગવાનું વૃક્ષ પુષ્કળ વિકસે છે તો પરિણામે તેના ડાળીઓ અને પાંદડાને નુકસાન થાય છે. કર્ણ બાણાવળી અને દાની તરીકે પ્રસિધ્ધ છે પણ અર્જુનથી ચઢિયાતા બનવાના 'અતિ' લોભનો શિકાર બની પોતાની મૂળ જાતિ છૂપાવી પરશુરામનો શિષ્ય બન્યો પણ તેમનો 'અતિ' વિશ્વાસપાત્ર બન્યો, પણ 'અતિ' સહિષ્ણુતાથી (ભ્રમરના દેશની અતિ પીડા સહન કરતાં) પરશુરામને શંકા ગઇ અને કર્ણનું રહસ્ય છૂપાવવાનો અતિ તેને ભારે પડયો.
ગણપણ લોકોને પ્રિય હોય છે પણ મીઠી ગળી વસ્તુઓનું 'અતિ'સેવન ડાયાબીટીસ નોંતરે છે. સજ્જનો પણ મર્યાદાશીલ હોય છે પણ તેમને ય 'અતિ' ઉત્તેજિત કરવા જતાં તેઓ સહનશીલ રહેતા નથી. પ્રકૃતિનો આ વણલખ્યો નિયમ છે કે 'અતિ' વિધ્વંસકારક નીવડશે. 'અતિ'થી અમૃત પણ વિષ બની જાય છે. અતિ વર્ષા નકામી તેમ અતિ તાપ પણ નકામો. અતિશય બોલવું નકામું તેમ અતિશય ચૂપ રહેવું પણ નકામું. 'દયારામ સતસઈ'માં એટલે જ કહેવામાં આવ્યું છે કે ધન વગર સંસાર વ્યર્થ છે પણ અત્યાધિક ધન પણ વ્યર્થ છે. અન્ન વગર શરીર ટકતું નથી પણ વધુ પડતું ખાઉધરાપણું પ્રાણ હરી લે છે.
કુદરતે માણસને અતિ લાગણી અને અતિ વિશ્વાસના નિયમન માટે વિવેકનું મીટર આપ્યું છે. એનું ઉલ્લંઘન કરનાર અતિ લાગણીશીલ કે અતિ વિશ્વાસુએ રડવાનો કે પસ્તાવાનો વારો આવે છે. અતિ વેગે દોડનાર થાકી જાય છે અને ધીમેથી પણ દ્રઢતાપૂર્વક દોડનાર મેદાન મારી જાય છે. સર્વોત્તમ સિધ્ધાંતોનો 'અતિરેક' કરવામાં આવે તો તે વિઘાતક બુરાઈઓમાં બદલાઈ જાય છે. ભક્તિ ઉત્તમ વસ્તુ છે પણ સામાજિક ઉત્તરદાયિત્વની અતિ ઉપેક્ષા એ 'વિષ' વાસનું થાણું છે અને અતિ લાગણી ઘણીવાર માગણીની નાગણી બની શકે છે એ સત્ય સ્વીકારી 'અતિ' મુક્ત જીવનશૈલી ગોઠવનારે પસ્તાવું પડતું નથી.