Get The App

અતિ ભોળા લોકો શોષકોની કપટ વૃત્તિનો શિકાર કેમ બને છે?

Updated: Aug 26th, 2025

GS TEAM

Google News
Google News
અતિ ભોળા લોકો શોષકોની કપટ વૃત્તિનો શિકાર કેમ બને છે? 1 - image

- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- 'ચાલબાજી' એ જુદી, વસ્તુ છે અને 'ચાલવાની કળા' એ જુદી વસ્તુ. દુનિયામાં સૌથી અઘરું કામ છે સુયોગ્ય 'ચાલે' ચાલવાનું પણ એ માટે બાળક બનવું પડે!

અતિ ભોળા, લાગણીશીલ વ્યક્તિનું લોકો શોષણ કરી ગેરલાભ ઉઠાવી અપયશ કેમ આપે છે ?

પ્રશ્નકર્તા : વસંત આઈ સોની, શુકન-૪ નારણપુરા, અંકુર રોડ, અમદાવાદ-૧૩

શા સ્ત્રોમાં 'અતિ'થી બચવાના વિશેષ સલાહ આપી છે. 'અતિ સર્વત્ર વર્જયેત.' દરેક માણસ પોતાના સ્વભાવથી બંધાએલો હોય છે. આ સ્વભાવ દૈવીગુણ સમ્પન્ન પણ હોઈ શકે અને આ સુરી ગુણસંપન્ન પણ. દૈવી ગુણ સંપન્ન માણસ સ્વભાવે સાત્વિક હોય છે, સરળ હોય છે, પ્રેમાળ હોય છે. નિષ્કપટ હોય છે. છેતરપીંડીં દગા-પ્રપંચોથી મુક્ત હોય છે. એ સાચા અર્થમાં વૈષ્ણવ જન હોય છે. કેટલીક સ્વભાવગત વસ્તુઓ તેને ગત જન્મના સંસ્કારો અને પ્રારબ્ધ કર્મ અનુસાર પ્રાપ્ત થઈ હોય છે. સાંખ્ય શાસ્ત્રમાં ગુણોના ભેદને લીધે જ્ઞાન, કર્મ તથા કર્તા - ત્રણ પ્રકારના જ કહેવાયા છે.

જે જ્ઞાનથી માણસ ભિન્ન-ભિન્ન જણાતાં બધાં ભૂતોમાં એક અવિનાશી પરમાત્મભાવને અવિભાજિત રૂપે સમભાવે જુએ છે તે જ્ઞાન સાત્વિક ગણાય છે.

પરંતુ જ્ઞાન સકળ ભૂતોમાં જુદી-જુદી ભાવના અનેક સ્વરૂપે જાણે છે તે એ જ્ઞાન રાજસ્ જ્ઞાન છે.

અને વળી જે જ્ઞાન એકલા કામરૂપ શરીરમાં જ સંપૂર્ણની જેમ આસકત રહેનાર છે તથા જે યુક્તિ વિનાનું તાત્વિક અર્થની રહિત અને તુચ્છ છે એ જ્ઞાન તામસ કહેવાયું છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતાના ૧૮મા અધ્યાયમાં સ્વભાવ અને બુદ્ધિ વિશેના ભગવાન શ્રીકૃષ્ણના વિચારો વ્યક્ત થયેલા છે.

જે કર્તા સંગ વિનાનો, અહંકારભર્યાં વચનો ન બોલનાર, ધૈર્ય અને ઉત્સાહ ધરાવનાર તથા કાર્યની સિદ્ધિ કે અસિદ્ધિમાં હરખ-શોક આદિ વિકારોથી રહિત છે એવો સ્વભાવ સાત્વિક ગણાય છે.

જે કર્તા આસક્તિ ધરાવનાર કર્મોના ફળની લાલસા રાખનાર, લોભી, બીજાને કષ્ટ આપનારો સ્વભાવ ધરાવનાર, અશુદ્ધ આચરણ રાખનાર તેમજ હરખ શોકથી લિપ્ત છે, એ રાજસ સ્વભાવનો ગણાય છે.

જે પોતાને વશમાં ન રાખનાર, અશિક્ષિત ઘમંડી, શઠ બીજાની આજીવિકાનો નાશ કરનાર, શોક કરનાર, આળસુ પ્રમાદી છે તે તામસ પ્રકૃતિનો ગણાય છે.

અતિ ભોળા લોકો પોતાની સ્વભાવગત મર્યાદાઓને કારણે દુષ્ટતાપૂર્ણ આચરણ કરી શકતા નથી. તેઓ રૂપાળા શબ્દો, પ્રલોભનો અને પ્રપંચોનો શિકાર જલ્દી થઈ જાય છે. તેઓ દયાળુ હોય છે ખુવાર થવાનું પસંદ કરશે પણ કોઈને ખુવાર કરવાનું ક્યારેય વિચારશે નહીં. સામાજિક અને આર્થિક વ્યવહારોમાં પણ આવા ભોળા માણસો લાગણીશીલ રીતે વર્તતા હોય છે. તેઓ સ્વભાવે ધર્મિષ્ઠ એટલે કે કર્તવ્ય પરાયણ હોય છે. પોતાનો ક્ષય ભલે પણ સત્યનો તો વિજય જ થવો જોઈએ એવી ઉદાત્ત ભાવનાને આવા લોકો વરેલા હોય છે.

આ જગત હંમેશાં સ્વાર્થપ્રિય રહ્યું છે. 'યેનકેન પ્રકારેણ' પોતાનો સ્વાર્થ કેમ સિદ્ધ થાય, તેવાં કાવત્રાં વિચારતું રહ્યું છે એટલે જ આ જગતમાં જરાસંઘ, શિશુપાલ, રાવણ, દુર્યોધનો, કંસ અને રાક્ષસોનું વર્ચસ્વ રહ્યું છે. ઋષિઓ હવન કરે છે. રાક્ષસો હવનમાં હાડકાં નાખે છે.

અતિશય ભોળા અને લાગણીશીલ સ્વભાવના લોકો કપટી, ચાલબાજ, શોષક અને દુષ્ટ લોકો માટે ઉત્તમ શિકાર સિદ્ધ થતાં હોય છે. લોકો તેમને ચાવી જતાં હોય છે. આવા ભોળા માણસોને પોતે છેતરાઈ ગયા એ વાતનું પણ દુ:ખ હોતું નથી. તેઓ બૂરું કરનારનું પણ ભલું ઈચ્છતા હોય છે. ઈસા મસીહની જેમ પોતાને વધ સ્તંભે લટકાવી દેનારના અપરાધને પણ તેઓ ક્ષમા આપવામાં માનતા હોય છે. એટલે શોષકોને ફાવતું મેદાન મળી જાય છે.

જેવું અન્ન તેવો ઓડકાર. આયુષ્ય, બુદ્ધિ, બળ, આરોગ્ય, સુખ અને પ્રીતિ વધારનારા અને સ્વાભાવિક રીતે જ મનને એવા આહાર એટલે કે ભોજન કરવાના પદાર્થો સાત્વિક માણસને ગમતા હોય છે. એનાથી ઉલટા પ્રકારનાં ભોજ્ય પદાર્થો રાજસ અને તામસ પ્રકૃતિનાં લોકોને ગમતા હોય છે. એટલે એમની બુદ્ધિ પણ ભ્રષ્ટ હોય છે એવા લોકો બુદ્ધિનો ઉપયોગ મદ, મોહ, કામ, ક્રોધ, મત્સર અને લોભ માટે ફરતા હોય છે. અને નિર્દોષ તથા ભોળા લોકોનું શોષણ કરી એ વાતનો ઢંઢેરો પીટતાં હોય છે કે પોતે બીજાને ઉલ્લૂ બનાવવામાં કેવી રીતે સફળ થયા. પોતાના કપટજાળમાં ભોળા અને લાગણીશીલ માણસોને ફસાવી ઉપરથી તેમના ભોળપણ અને સરળતાની કુથલી કરતા હોય છે. આવી દુષ્ટતા તેમનામાં સ્વભાવગત હોય છે. તેઓ ધારે તો પણ સજ્જન બની શકતા નથી. અધર્મ શું એ જાણ્યા છતાં તેઓ એ ધર્મનો માર્ગ છોડી શકતા નથી અને અને ધર્મ એટલે શું એ જાણ્યા છતાં ધર્માનુઆચરણ દાખવી શકતા નથી.

'ચાલબાજી' જુદી વસ્તુ છે અને 'ચાલવાની કળા એ જુદી વસ્તુ. દુનિયામાં સૌથી અઘરું કામ છે સુયોગ્ય ચાલે ચાલવાનું. પણ એ માટે બાળક બનવું પડે, જે આ સ્વાર્થી જગતને મંજૂર નથી.'