- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- સુખને આડે આવતું જો કોઈ તત્વ હોય તે માણસ પોતે જ છે. કારણ કે એનું મન બેશુમાર વાસનાઓનો ભંડાર સાથે લઈને જીવે છે
લોકોનું સાચું સુખ શામાં સમાએલું છે ?
પ્રશ્નકર્તા : C/o, જલારામ, તન્ના સોસાયટી, માણાવદર જિલ્લો જૂનાગઢ.
મા ણસનું જીવન એટલે પ્રકૃતિનું મહાન વરદાન, ઈશ અને ઈષ્ટ દેવતાઓની અદ્ભૂત કૃપા. ચો તરફની ૮૪ લાખ યોનિઓમાં જન્મ-જન્માંતરની યાત્રા બાદ માનવદેહ પ્રાપ્ત થયો છે. એટલે એ અમૂલ્ય છે. આ સૃષ્ટિમાં મનુષ્યત્વ કરતાં વધુ શ્રેષ્ઠ બીજાું કશું જ નથી. એટલે જ મીરાંબાઈ કહે છે કે ''ના જાનૂં કછું પુણ્ય પ્રગટયું મિલ્યો માનુષાવતાર કવિ મનસુખલાલ ઝવેરીએ ઉચિત જ કહ્યું છે કે''
''આ નીલ-નીલ નભની
દિવ્ય શોભા
આ રૂપને રસતણું
કાવ્ય વસુંધરાનું
આવ્યાં ન અહીં તો
આ બધું ક્યાં મળત
માણવાનું ?''
કોઈ ભક્તિમાં સુખ માને છે કોઈ ધન કે ઉચ્ચ હોદ્દામાં સુખ અને દુ:ખની દરેક માણસની વ્યાખ્યા જુદી જુદી હોય છે. જિંદગીનું આકાશ સ્વચ્છ અને નિરાપદ રહે તે સુખ અને જિંદગીનું આકાશ દૂષિત, દુ:ખગ્રસ્ત અને જીવન અભિશાપરૂપ લાગે તેનું નામ દુ:ખ. માણસ માનસિક સુખાનુભૂતિ નથી કરી શકતો કારણ કે એ અંદરથી પ્રસન્ન નથી. શ્રીમદ્ ભગવદ્ગીતા કહે છે કે તેમ 'પામ્યો પ્રસન્નતા તેનાં દુ:ખો સહુ નાશ પામતાં પોતાના સુખને આડે આવતું કોઈ વિઘાતક તત્વ હોય તો તે માણસ પોતે છે. કારણ કે એ મનને તૃષ્ણાઓનો ભંડાર બનાવે છે તૃષ્ણાઓ બહુરૂપિણી હોય છે.'
એકને સંતુષ્ટ કરો તો બીજી હજાર એષણાઓ તમારા મન અને હૃદયના દરવાજે ટકોરા મારશે. જિંદગીનું સાચું સુખ એષણા નિયંત્રણ પર અવલંબે છે. એના માટે યોગ, ધ્યાન, મનન, ચિંતન, સાધના, સંયમ અને અનાસક્તિની જાતને કેળવણી આપવી જરૂરી છે.
સ્વ. મહાન લેખક-સમીક્ષક સુરેશ જોશીએ નોંધ્યું છે તેમ આપણે એક સાથે ચાર યુગોમાં જીવીએ છીએ. હમણાં જ મત્સ્યની જેમ જળમાં સરતા હતા. પછી કચ્છપગતિ (કાચબાની જેમ) ચાલતા થયા. વરાહની દંતશૂળ સાથે દોડતા થયા પછી પશુમાંથી અર્ધ માનવ થઈને નૃસિંહ બન્યા. વામના બનીને પ્રથમ પગલાં ભર્યાં રામ બનીને બે સંસ્કૃતિ વચ્ચે સેતુ બાંધ્યો. કૃષ્ણ થઈને મહાભારતના યુદ્ધના સાક્ષી બન્યા. આખરે બુદ્ધ બની મુદ્રાભરી આંખો ખોલી. હજી કલિનો શ્વેત અશ્વ પલાણીને સંહારયાત્રા કરવાનું બાકી છે.
સુખ કે દુ:ખ અંગત, સામાજિક, આર્થિક, દેશગત અને વૈશ્વિક પણ હોઈ શકે.
આજનો માણસ અશાન્ત છે, બેચેન છે, હિંસક છે. વેરવૃત્તિવાળો છે, દુરાચારી છે. ચારિત્ર્યભ્રષ્ટ છે કારણ કે એના જીવનમાંથી ઉચ્ચ જીવન મૂલ્યો વિદાય લઈ રહ્યાં છે. હિન્દીના પ્રસિદ્ધ કવિ નરેશ મહેતાએ સંશય કી એક રાત ખંડકાવ્યમાં માણસના વાણી, વર્તન, વ્યવહાર, જીવનશૈલી એ બધાંનાં બેવડાં રૂપ અને ધોરણો જોવા મળે છે :
''સત્ય દો,
સંકલ્પ દો
દો દો આસ્થાએં
આદમી મેં એક
બેઈમાન પૈદા
હો ગયા હૈ
ઔર ઈસ
બેઈમાન મેં
ન જાને ! કિતને
બેઈમાન હો.''
દુ:ખમાંથી ત્રણ અનેક રૂપ શક્ય બને.
૧. ખુમારીપૂર્વક દુ:ખો સહન કરીને.
૨. કોઈકની મહેરબાનીના યાચક બનીને.
૩. સિદ્ધાંતોનું બલિદાન આપીને.
લોકોનું સાચું સુખ સંતોષ અને આત્મનિયંત્રણમાં સમાયેલું છે. અહીં 'સુખી કોણ' પ્રેરક પ્રસંગમાં વર્ણવાયેલા લીડિયાના રાજા કી સસનો દાખલો નોંધવા જેવો છે.
ક્રી સસ ભારે ધનવાન હતો. તેને પોતાની સમૃદ્ધિને પરદેશથી આવતા લોકોને બતાવવાની બહુ હોંશ હતી. એણે ગ્રીસના શાણા સંત સોલનને પોતાની સમૃદ્ધિ બતાવીને પૂછ્યું : ''બોલો, મારા કરતાં વધારે સુખીઓ માણસ તમે બીજે ક્યાંય જોયો છે ?''
સંત સોલને કહ્યું : રાજાજી, મેં એંથેસના એક નાનકડા ગામમાં એક ખેડૂત જોયો હતો. તે મને ખૂબ જ સુખી લાગેલો. સોલનનો જવાબ સાંભળી ક્રીસસ ડઘાઈ ગયો. તેની સોલન જેવા મહાન માણસના મુખે પોતાની અઢળક સંપત્તિનાં મોંફાટ વખાણ સાંભળવાની આકાંક્ષા હતી. એટલે સોલનને પૂછ્યું ''એ ખેડૂત પાસે એવું તે શું છે જેને કારણે તમે તેને સુખી માનો છો ?''
સોલને કહ્યું : એ ખેડૂત પાસે નાનું ખેતર છે, સુશીલ અને પ્રેમાળ પત્ની છે. વહાલભર્યાં સંતાનો છે તે ગરીબ છે પરંતુ કશાય અસંતોષ વગર પ્રસન્નતાપૂર્વક જિંદગી ગુજારે છે. એક વાર દેશના રક્ષણ માટે યુદ્ધમાં જોડાયો અને મૃત્યુ પામ્યો. લોકો આજે પણ તેની નમ્રતા, સરળતા, સાદગી, નિરાડંબરતા અને સત્ય નિષ્ઠા યાદ કરે છે. સોલને બીજો એક દાખલો આપીને કહ્યું કે એક ખેડૂત બળદ ન હોવાને કારણે પોતાની માતાને ગાડામાં બેસાડી ગાડું જાતે ખેંચીને દેવદર્શને લઈ જતો હતો. હું તેને સુખી માણસ કહું છું.
ટૂંકમાં, ચિત્ત તું શીદને ચિંતા કરે કૃષ્ણએ કરવું હોય તે કરે એવી શ્રદ્ધા અને ખુમારીથી જ માણસ સાચા સુખની અનુભૂતિ કરી શકે. દુ:ખથી ડરાય નહીં. દુ:ખને વળતો જવાબ આપ્યા સિવાય જવા ન જ દેવાય. એમ પણ બને કે દુ:ખના આક્રમણ સામે કદાચ તમે ન પણ ટકી શકો. પણ દુ:ખને તમે ભારે પડયા છો. એ વાતની તો સમયના ચોપડે નોંધ લેવાવાની જ એક દિવસ આપણું મૂલ્યાંકન થશે કે આપણી સંપત્તિને આધારે, પણ ચારિત્ર્ય જ જિંદગીનું માપ બની રહેશે.
''મેં જિંદગી પાસે કેટકેટલું માગ્યું પણ જીવનદેવતાએ આજ દિન સુધી મારી જિંદગીની ઝોળીમાં પીડા સિવાય કશું જ નાખ્યું નથી.'' આવી ફરિયાદ કરનાર સાથે તમારો પણ ભેટો થયો હશે.
જિંદગીમાં સકારાત્મક દ્રષ્ટિકોણ અને સંતોષ તથા સંયમ જ સુખ આપી શકે જે માણસ વેઠેલા દુ:ખોના ગાણાં ગાયા કરે છે તે માણસ માનસિક દ્રષ્ટિએ અસ્વસ્થ જ હોય છે. કબીરે સાચું જ કહ્યું છે કે
''દેહ ધરે કો રોગ હૈ,
સખ કાહુકો હોય
જ્ઞાની ભુગતે જ્ઞાનસો
મૂરખ ભુગતે રોય.''
જીવન પ્રત્યેનો ઉન્નત અભિગમ જ માણસને સુખી બનાવી શકે. દુ:ખે તમને માંજ્યા કે મલિન કર્યાં એટલું વિચારવાની તમારામાં આવડત ન હોય તો તમારા જેવો બીજો ભોટ કોણ ?


