માણસ આ જન્મમાં પૂર્વ જન્મનાં પાપોને કારણે દુ:ખી હોય છે ? આ જન્મમાં સુખ-શાંતિને સ્વાસ્થ્ય કેવી રીતે મળે ?
- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- માણસે વિચારવું જોઈએ કે ધીરજ, સંતોષ અને અનાસકિત એ મન અને જીવનને સદાય પ્રસન્ન રાખનારાં તત્વો છે. મને ભાગ્ય કે ભગવાન પણ દુ:ખી કરી શકશે નહીં, મેં કુબુદ્ધિનો ત્યાગ કર્યો છે. વાસનાઓને વનવાસ આપ્યો છે. પાર્થિવ સુખોને બદલે આત્મિક શુદ્ધિ અને મનની સહજ મસ્તીને મેં સર્વોપરી ગણી છે
* માણસ આ જન્મમાં પૂર્વ જન્મનાં પાપોને કારણે દુ:ખી હોય છે ? આ જન્મમાં સુખ-શાંતિ ને સ્વાસ્થ્ય કેવી રીતે મળે ?
* પ્રશ્નકર્તા : જયંતીભાઈ એન. ગોહેલ, હેર મિકેનિક, એમ.જી. રોડ, મુ. પોરબંદર (સૌરાષ્ટ્ર)
મા ણસના દુ:ખનું મુખ્ય કારણ તેનો જીવન પ્રત્યેનો નકારાત્મક દ્રષ્ટિકોણ છે. 'પ્રભુ મારી સાથે છે, હું અને પ્રભુ સાથે મળી જીવનમાં આવતા ઝંઝાવાતોને પહોંચી વળીશું' - એવી શ્રદ્ધા અને સકારાત્મક દ્રષ્ટિકોણ દુ:ખોમાં પણ પ્રસન્ન રહેવાનું આશ્વાસન પ્રદાન કરે છે. માણસનું ચંચળ મન જ તેને ઠરવા દેતું નથી. એટલે જેટલા અંશે તમે મનોનિગ્રહ કેળવી શકો તેટલા અંશે શાંતિની અનુભૂતિ કરી શકો. માણસનું મન કારણબાજ છે. દુ:ખો અને પીડાઓનું મૂળ તે બહાર શોધવા પ્રેરણા આપે છે. હકીકતમાં દુ:ખોનું મૂળ કારણ અંદર જ છે એટલે અંત:કરણ જેટલું શુદ્ધ અને મજબૂત, દુ:ખ સહેવાની અને દુ:ખોમાં સ્વસ્થ રહેવાની વૃત્તિ અને શક્તિ પ્રાપ્ત થશે. મનુષ્ય પોતાની આકાંક્ષાઓ વધારતો જ જાય છે. પોતાની અભિલાષાઓ સંતોષવા સ્વાર્થ, ઇર્ષ્યા, દ્વેષ, પ્રપંચ, વિશ્વાસઘાત, હિંસા, વેરવૃત્તિ વગેરે દુષ્ટ ભાવોને પોતાનું સાધન બનાવે તો તેનાં પરિણામો પણ દુષ્ટ જ આવવાનાં.
કર્મના સિદ્ધાંત પ્રમાણે કર્મોના ત્રણ પ્રકાર છે. ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. માણસે પોતાનાં વર્તમાન જીવનમાં કરેલાં કાર્યો તે ક્રિયમાણ કર્મ. એવાં કર્મો શુભ પણ હોઇ શકે અને અશુભ પણ. એવાં કર્મોનો સરવાળો એટલે સંચિત કર્મ. સંચિત કર્મો પાકીને સારું કે માઠું ફળ આપે તે પ્રારબ્ધ કે નશીબ. ગતજન્મમાં કરેલાં પાપી કર્મોનું ફળ કેવી રીતે ભોગવવું પડે છે એનું ઉદાહરણ કર્મ સિદ્ધાંત મર્મજ્ઞા હીરાલાલ ઠક્કરે આપ્યું છે. તદ્નુસાર રાજા ધૃતરાષ્ટ્રના ૧૦૦ પુત્રો એક સામટા મરી ગયા, ત્યારે ધૃતરાષ્ટ્રે શ્રીકૃષ્ણને તેના પાછલા જન્મનાં કર્મ જોઈ જવા દ્રષ્ટિ આપી. ધૃતરાષ્ટ્રે ત્યારે જોયું કે આશરે ૫૦ વર્ષ પહેલાં પોતે એક શિકારી હતો અને વૃક્ષ પર બેઠેલાં પક્ષીઓને પકડવા તેણે એક સળગતી જાળ વૃક્ષ પર નાખી. તેમાંથી કેટલાંક પક્ષીઓ ઉડીને બચી ગયાં પરંતુ તે સળગતી જાળની ગરમીથી તેઓ આંધળાં થઈ ગયાં, જ્યારે બાકીનાં ૧૦૦ પક્ષીઓ બળીને ખાખ થઈ ગયાં. આ ક્રિયમાણ કર્મ ૫૦ વર્ષ સુધી સંચિત કર્મમાં પાક્યા વગર પડી રહ્યું. જ્યારે પોતે રાજા બન્યો ત્યારે તેને આ જન્મમાં ૧૦૦ પુત્રો પ્રાપ્ત થયા. ત્યારે પૂર્વ જન્મનું સંચિત કર્મ ફળ આપવા તત્પર થયું તેથી પોતાને (ધૃતરાષ્ટ્રને) અંધાપો આવ્યો અને ૧૦૦ પુત્રો પણ મર્યા. ક્રિયમાણ કર્મે તેનો છાલ છોડયો નહીં. ૧૦૦ પુત્રો પ્રાપ્ત થાય ત્યાં સુધી કર્મ રાહ જોઈને બેસી રહ્યું. અને બરાબર લાગ આવ્યો ત્યારે તત્કાલ જરા પણ વિલંબ સિવાય ફળ આપીને શાંત થયું.' મતલબ કે પ્રારબ્ધમાં જે હાનિ, લાભ, જીવન, મરણ, યશ કે અપયશ જે નિર્ધારિત થયાં હોય તેને મિથ્યા કરી શકાતાં નથી. માણસ બીમાર હોય તો વૈદ્ય તેને ચરી એટલે કે ખાન-પાનના નિયમો પાળવાનું સૂચવે છે. એક ભક્ત કવિએ આવી ચરી પાળવાની યાદી આપી છે :
૧. પહેલું પથ્ય અસત્ય ન વદવું.
૨. નિંદા કોઇની થાય નહીં.
૩. નિજ નવ વખાણ કરવાં નહીં, સુણવાં નહીં.
૪. વ્યસન કશું કરાય નહીં.
૫. પરધનને પથ્થર સમ લેખી કદી તે લેવાય નહીં.
૬. પરસ્ત્રીને માતા સમાન લેખી કદી કુદ્રષ્ટિ કરાય નહીં.
૭. કર્યું, કરું છું ભજન, આટલું જ્યાં ત્યાં વાત કરાય નહીં.
૮. હું મોટો સહુ મુજને પૂજે, એ અભિમાન ધરાય નહીં. વગેરે.
એટલે પૂર્વજન્મની માથાકૂટમાં ન પડવું એ જ ઉચિત.
માણસના હાથની વાત કઈ ? પ્રત્યેક પરિસ્થિતિમાં સમતા ધારણ કરવી, મમતા છોડવી અને ભૂલ કે દુષ્ટ કર્મ થાય ત્યારે ખરા અંત:કરણથી પશ્ચાતાપ કરવો. દુ:ખદ પરિસ્થિતિમાં મનને શાંત રાખવાનો ઉપાય પણ શ્રીમદ્ ભગવદ્ગીતાના નવમા અધ્યાયના શ્લોક ૩૦ તથા ૩૧માં વર્ણવાયો છે. કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે જો કોઇ દુરાચારી પણ મને અનન્ય ભાવે મારો (પરમાત્માનો) ભક્ત બનીને મને ભજે છે તો એ સાધુ જ માનવા યોગ્ય છે. કેમકે તે ખરો નિશ્ચય કરનારો છે. એ સત્વરે ધર્માત્મા થઇ જાય છે અને સદા રહેનારી શાંતિને પામે છે.
એટલે પોતે પૂર્વજન્મમાં પાપી હોવાને કારણે દુ:ખી છે એવું માનવાને બદલે હું પુણ્ય કર્મો કરવા જન્મ્યો છું અને જે તે કર્મ ભલે નાનું હોય કે મોટું પણ મારું સમર્પણ રેડી તેને ન્યાય આપીશ, એવી ભાવના સેવવી અને અનાસક્ત ભાવે કર્મરત રહેવું તે દુ:ખને ભૂલવાનો અને મનને પ્રસન્ન રાખવાનો શ્રેષ્ઠ ઇલાજ છે. સુખી થવું હોય તો 'સંસાર'ના નહીં પણ 'ભગવાન'ના માણસ બનો. ભગવાનના એટલે ભગવદીય મનવાળા, શુદ્ધ અંત:કરણવાળા, અને પવિત્ર કર્મ કરનારા. આપણે આપણા મનનો પવિત્ર ઓરડો વાસનાને ભાડે ન આપીએ તો વાસનાને રહેવાનું ઠેકાણું નહીં મળે.
મનમાં એવો ભાવ સદાય વિકસિત કરવો જોઈએ કે આ સંસારમાં એવો કોઈ પણ માણસ નથી જન્મ્યો કે જેણે જીવનમાં દુ:ખનો સામનો ન કરવો પડયો હોય. પાપને લોભનું મૂળ, રસ અથવા જીભના ચટાકાને વ્યાધિનું મૂળ અને મનોવાંછિત પામવાની અદમ્ય વૃત્તિ શોકનું મૂળ છે. સંતોષ સુખપ્રદાયક છે, જ્યારે વિલાસ દુ:ખદાયક. એટલે રાગ દુ:ખ જન્માવે છે અને ત્યાગ સુખ પ્રદાન કરે છે. 'શાંતિપર્વ'માં વ્યાસજીએ એટલે જ સલાહ આપી છે કે બુદ્ધિશાળી માણસે સુખ કે દુ:ખ, પ્રિય કે અપ્રિય જે કાંઇ આવી મળે તેનું હૃદયપૂર્વક સ્વાગત કરવું જોઈએ. 'બુદ્ધચરિત્ર'માં અશ્વઘોષ સુખ-દુ:ખનું રહસ્ય સમજાવતાં કહે છે તેમ 'હું તો સર્વત્ર દુ:ખ તેમજ સુખને ભેગાં મળેલાં જોઇને રાજ્યત્વ તેમજ દાસત્વને સમાન ગણું છું. ન તો રાજાના નશીબે સદાય હાસ્ય લખાએલું હોય છે કે ન તો ગુલામને નશીબે કાયમ માટે સંતપ્તતા કે દુ:ખ.
ધીરજ, સંતોષ અને અનાસક્તિ. એ મન અને જીવનને સદાય પ્રસન્ન રાખનારાં તત્વો છે. મને ભાગ્ય કે ભગવાન પણ દુ:ખી કરી શકશે નહીં, કારણ કે મેં કુબુદ્ધિનો ત્યાગ કર્યો છે. વાસનાઓને વનવાસ આપ્યો છે અને પાર્થિવ સુખોને બદલે આત્મિક શુદ્ધિ અને મનની સહજ મસ્તીને સર્વોપરિ ગણી છે.