- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- કથા એ માત્ર કાન કે શ્રવણનો વિષય નથી. એ જાતને માંજવાની પ્રક્રિયા છે
પ્રશ્ન : માણસ રોજ કથામાં જાય છે બેસે છે, પણ કથા ક્યારેય માણસમાં ઉતરતી નથી એવું કેમ ?
પ્રશ્નકર્તા : અરવીંદ ચાવડા. ૧૧, જાગૃતિ સોસાયટી
ભોમેશ્વર મંદિર પાછળ, રાજકોટ.
શા સ્ત્રોમાં ધર્મકથા શ્રવણનું આગવું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. અને પુરાણો વગેરેમાં અનેક કથાઓ દર્શાવવામાં આવી છે. માત્ર હિંદુ ધર્મમાં જ નહીં, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, ઈસ્લામ સહિત વિવિધ ધર્મોમાંથી વિવિધ પ્રકારની પ્રેરક કથાઓ પ્રાપ્ત થાય છે. આજકાલ ધર્મ વિષયક પ્રવચન અથવા રામાયણ-પુરાણાદિના અર્થઘટન સહિત વાચન પ્રચલિત છે. રામકથા, ભાગવતકથા, સત્યનારાયણ કથાને લોકજીવનમાં આગવો સત્કાર મળ્યો છે. કથા સાથે ભજન કે સંગીતને જોડીને કથા-કીર્તનને રસપ્રદ બનાવવામાં આવે છે.
કથા એ માત્ર કાન કે શ્રવણનો વિષય નથી. માત્ર સમય પસાર કરવા માટે બેસી રહેવાનો વિષય પણ નથી. પોતાને ભક્તિપ્રિય દેખાડવાનો પણ વિષય નથી. ધર્મકથા શ્રવણ એટલે નૈતિક રીતે, આચાર-વિચારની દ્રષ્ટિએ, વાણી-વર્તનની દ્રષ્ટિએ, વેપાર-ધંધા કે નોકરી-વ્યવસાયમાં કર્મનિષ્ઠા, પ્રામાણિકતા, ચારિત્ર્યશીલતા, નીતિમત્તા, નમ્રતા, સદ્વર્તન, નિ:સ્વાર્થપણે સહયોગ-તત્પરતા, મનુષ્યમાત્ર તેમજ પ્રાણીમાત્રમાં પરમાત્માનું દર્શન કરી કરુણાશીલ, પરોપકારી, અહિંસક અને સદાચારી બનવાનો શુભ અને દ્રઢ સંકલ્પ.
કથાશ્રવણ એ જાતને માંજવાની પ્રક્રિયા છે, એ થકી ઊજળા થવાની પ્રક્રિયા છે. કથાની પૂર્ણાહુતિ એ જીવનને નિર્મળ, બહેતર અને સન્માર્ગના મુસાફર બનવાની સ્વયંસ્વીકૃત બાંયધરી છે. વિભૂતિવંદન કરી અટકી જવાનો એ ઉત્સવ કે મહોત્સવ નથી.
ધર્મકથા એ અર્પણ-સમર્પણની ભાવનાને મજબૂત બનાવવાનો સંકલ્પ છે. 'મોક્ષ' નામની કોઈ નિર્ધારિત જગા વિષે કોઈ ગેરન્ટી આપી શકે નહીં, પણ કથાઓ, વિભૂતિઓ, સંતો, દેવી-દેવતાઓ, ભજન, દ્વારા માણસોમાં પવિત્રતા પ્રગટે, પ્રબળ બને અને માણસમાં માણસાઈ પ્રગટે એ માટે માંહ્યલાને જગાડવા માટેનો ઢંઢોળવા માટેનો સદ્પ્રયાસ છે.
કથાકાર સુધરવાનો નિર્દેશ આપી શકે, પ્રેરકની ભૂમિકા ભજવી શકે, પરંતુ અંતે જાગવાનું તો માણસના હાથમાં જ છે ને ! નારદ વાલિયા લૂંટારાને ઉપદેશ આપી આત્મદર્શન કરાવી શકે, પરંતુ વાલ્મિકી બનવાનું તપ તો વાલિયા એ જાતે જ કરવું પડે.
કથાઓ એ સદ્વિચાર, સદાચાર અને ચારિત્ર્યસંપન્ન બનવાની વિચાર શિબિરો છે. એમાં જોડાનાર આપોઆપ કે રાતોરાત ન સુધરી શકે, પણ ધર્મકથાઓ દ્વારા આબોહવા સર્જાય છે. ધર્મની કોઈક વાત સદ્ભાગીના હૃદયને સ્પર્શી જાય એવી પણ ઘટનાઓ બને છે. ધર્મકથા શ્રવણથી કોઈ દાન માટે પ્રેરાયા હોય, પોતાની તમામ સંપત્તિ કલ્યાણકારી પ્રવૃત્તિઓ માટે અર્પણ કરી દીધી હોય એવા દાખલાઓ પણ જોવા મળે છે.
મૂળ વાત છે માનવ સ્વભાવની કેટલાક રાજસી અને કેટલાક તામસી. સાત્ત્વિક માણસો પોતાની વાણી-વર્તન-વ્યવહારમાં સત્ય અને નીતિનાં ધોરણો ન લોપાય તેનો સતત ખ્યાલ રાખતા હોય છે. એવા લોકો ધર્મકથાઓનો પ્રબોધ હૃદયમાં ઉતારી, પવિત્ર બનવાની-રહેવાની સદાય કોશિશ કરતા જ હોય છે. તેઓ સેવાકાર્યો પ્રદર્શન માટે કરતા નથી. રાજસી લોકો આત્મકેન્દ્રી હોય છે. અને સ્વભાવગત મર્યાદાઓ ત્યજી શકતા નથી. તેથી તેઓ સ્વાર્થ ત્યજીને પરોપકારના માર્ગે જવામાં પણ ગણતરીને કેન્દ્રમાં રાખે છે. ત્રીજા પ્રકારના માણસો કામ, ક્રોધ, લોભ, મોહ વગેરેથી ગ્રસ્ત હોય છે તેથી ધર્મ, નીતિ કે પરોપકારમાં તેમને રસ હોતો નથી. એવા માણસો કથાશ્રવણ કરે તો પણ એક કાનેથી સાંભળી બીજે કાનથી કાઢી નાખે છે.
આજના માણસને ભૌતિક સુખોમાં રસ છે, પણ પરલોક કે મોક્ષ વિષે તો સશંક છે. થોડાક સત્કાર્યથી પુણ્યશાળી કે મોક્ષલાયક બની જવાનું હોય તો કથામાં આંટો મારી આવવામાં કશું ગુમાવાનું નથી, એમ માનીને ચાલતા હોય છે. એટલે જ્યાં સુધી માણસ જાતે સુધરવાનો સંકલ્પ ન કરે ત્યાં સુધી તેનામાં સુધારો થતો નથી. માણસ દ્વિધાગ્રસ્ત છે. એણે સાંસારિક બાબતોમાં પણ ગળાડૂબ રહેવું છે અને મોકો મળે તો ભક્તિમાં પણ પરોવાવું છે. કબીર કહે છે 'પ્રેમ ગલી અતિ' સાંકરી, તા મેં દો ન સમાઈ,' હરિ હોઠનો વિષય નથી, પણ હૈયાનો વિષય છે. એટલે અંત:કરણ સુધરે તો જ ધર્મકથા તેના જીવનની પરિવર્તનની દિશા ઉઘાડે.
જીવન સુધારવું હોય તો પ્રહલાદ્ કે પરીક્ષિતની જેમ દ્રઢ બનવું પડે. આજકાલ ધર્મકથાઓ પણ વેપાર બનવા માંડી છે અને પ્રવર્ચનકારોની કથની અને કરણીમાં અંતર જોવા મળે છે ત્યારે તેમના ઉપદેશની ઝાઝી અસર લોકમાનસમાં ન થાય તે સ્વાભાવિક છે.
માણસની કથની અને કરણીમાં એકરૂપતા ન પ્રવેશે ત્યાં સુધી માણસ સુધરતો નથી. જ્યાં સુધી માણસ દ્રઢ મનોબળપૂર્વક સુધરવા એકાગ્રતા ન કેળવે, ત્યાં સુધી કથા માણસને સુધારી શકતી નથી. ઘણા લોકો પૈસાને બળે કથામાં આગલી રો માં સ્થાન મેળવી, આરતીનો મોકો મેળવી માત્ર માન-સન્માન ખાતર કથાઓમાં જોડાતા હોય છે.
'હરિ તને પ્રસન્ન કેમે થાયે,
તારા મનનું કપટ નવ જાયે.'
સાચા કથાશ્રવણકર્તા બનવા માટે અહંકારનો ત્યાગ કરી, એકાગ્રતા, માનસિક અને અંત:કરણની પવિત્રતા કેળવવી જોઈએ. માણસો કથા સાંભળવાં ઉપવાસ પણ કરતા હોય છે. પણ તેમનું મન 'ફલાહાર'થી મુક્ત હોતું નથી. ઉપવાસનો અર્થ જ છે મનને ઈશ્વર સમીપ રાખવું. માણસ મનને જીતે તો જ સાચો ધાર્મિક આધ્યાત્મિક બની શકે. સંત કબીરે સાચું જ
કહ્યું છે -
માલા તો કરમેં ફિરૈ,
જીભ ફિરૈ મુખ માહી,
મનવા તો ચહું દિશિ,
યહ તો સ્મરણ નાહિ.'
એટલે કથાશ્રવણ બાદ માણસ હાથનો મણકો છોડી મનનો મણકો ફેરવે, મતલબ કે મનને ભક્તિમય બનાવે, તો જ ઈશ્વરસ્મરણ સફળ થાય.
રાવણ શિવભક્ત હતો, પણ એનામાં અગણ્ય વાસનાઓ અને અભિમાન હતું, તેથી તે સાચા અર્થમાં ધાર્મિક બની શક્યો નહીં. સ્વામી ચૈતન્ય મહાપ્રભુએ સાંસારિક સુખોનો મોહ ત્યજી પોતાનું મન ભક્તિમય બનાવી સંસાર ત્યજી ભગવાન પ્રત્યે મન સમર્પિત કર્યું હતું અને મૃદંગ સાથે નાચતાં-નાચતાં ભાન પણ ભૂલી જતાં એ કક્ષાએ મનને પહોંચાડવું એ દુર્લભ છે, પણ સાંસારિક કર્તવ્યો નિષ્કામભાવે અદા કરી કથાશ્રવણ કરો, તો એવી કથા આત્મોદ્ધાર માટે સહાયક બની શકે.
એકવાર બે જણ કથાશ્રવણ કરી બહાર નીકળ્યાં. એકે કહ્યું : 'તું કથા તો સાંભળતો હતો, પણ તારું મન ચારેતરફ ડાફોળિયાં મારતું હતું. પછી તને કથાનું ફળ ક્યાંથી મળે ?' બીજાએ કહ્યું : ''હું ડાફોળિયા મારતો
હતો, એ જોવા તું પણ તારા મનને કથા કરતાં હું શું કરું છું તે જોવામાં રચ્યું-પચ્યું રાખતો હતો. તારું પણ કથાશ્રવણ વ્યર્થ છે.'' આ મુદ્દા પર બંને જણાં વાક્યુદ્ધ કરતાં કરતાં મારામારી પર આવી ગયાં.
કથાશ્રવણ દરમિયાન મન દૈહિક નહીં દૈવિક બને તો જ કથામાં હાજરીનો ઉદ્દેશ સફળ થાય.
ધર્મનો ઉપદેશ સાંભળવાથી કે સંભળાવવાથી કોઈ ધર્માત્મા નથી બની જતું. પરંતુ ઉપદેશ અનુસાર આચરણ અને વ્યવહાર કરવાથી મનુષ્ય સાચા અર્થમાં કથાશ્રવણનો લાભાર્થી બને છે. સંસાર સાગરને માણસના મનની દુષ્ટતા જ ખારો બનાવે છે. કથાઓ તો ખારાશ ધોવાનું કામ કરે છે.
ટૂંકમાં અનેક સંતો, ભક્તો, અવતારી ધાર્મિક પુરુષોએ ઉપદેશ આપ્યા છતાં માણસમાંથી હજી સુધી પશુતા કે દુષ્ટતા ગઈ નથી, કારણ કે એના ત્યાગ માટે મનને સાત્ત્વિક બનાવવું પડે. જ્યાં સુધી મન રાજસિક અને તામસિક ગુણોથી ભરેલું હોય ત્યાં સુધી મનને સુધારી શકાતું નથી. પરિણામે કથાશ્રવણનો અર્ક કથામંડપમાં જ છોડી માણસ હતો તેવો જ ઘરે પાછો આવે છે.


