- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- માતા-પિતાનો પ્રેમ એ સહજ હોય છે શરતી નહી : પોતાને રંજાડનાર, પજવનાર કે લજવનાર સંતાનો પ્રત્યે પણ માતા-પિતા ક્ષમાભાવ જ દાખવતાં હોય છે
મા-બાપની જીવતાં ઉપેક્ષા અને મરણોત્તર માતૃ-પિતૃ ભક્તિના દેખાડામાં ઔચિત્ય કેટલું ?
પ્રશ્નકર્તા : સંઘમિત્રા સી. ગૌતમ સૈજપુરા બોઘા-નરોડા રોડ, અમદાવાદ.
ભા રતીય સંસ્કૃતિએ માતા-પિતાનું ઋણ જન્મજન્માંતર સુધી ન ફેડી શકાય તેવી પવિત્ર ભાવનાનો જયજયકાર કર્યો છે. માતા-પિતાનો પ્રેમ સહજ હોય છે. શરતી નથી હોતો એટલે પોતાને રંજાડનાર, પજવનાર કે લજવનાર સંતાનો સામે પણ મા-બાપ ક્ષમાભાવ જ દાખવે છે એટલે સંતાનોના હિત પરત્વે તેમની કરુણાની ગંગા વહેતી જ રહે છે.
એવું પણ બને કે કોઈ સંતાને પોતાના માતા-પિતાની ઉપેક્ષા કરી હોય, તેમની સેવાથી પલાયનવૃત્તિ દાખવી હોય, પણ મા-બાપની સઘળી સંપત્તિ વારસામાં મળે, ત્યારે જાણે અજાણે તેના મનમાં એક પ્રકારનો પશ્ચાતાપ કે આત્મદર્શન થાય અને પોતાનાં માતાપિતાને સ્મરણાંજલિ આપવા પોતાના બંગલા સાથે 'માતૃકૃપા' કે 'પિતૃકૃપા' નામ જોડી દે, એવું પણ બને. માતા-પિતા પાછળ દાનધર્મ પણ કરે પણ એ બધુ કરવામાં આવતું દાન કેવળ ઔપચારિકતા બની રહે છે. માતા-પિતાની સેવાના દુર્લભ અવસરની અવગણના કરે છે અને માતા-પિતાના મરણ પછી અનાથઆશ્રમમાં, શાળા-મહાશાળામાં, વૃદ્ધાશ્રમોમાં, બાળકલ્યાણ ગૃહોમાં પોતાની પ્રસિધ્ધિને નજર સમક્ષ રાખીને દાન કરે છે. તેનું વિજ્ઞાપન પણ કરે છે. આવાં સકામ દાન શ્રેષ્ઠતાની શ્રેણીમાં આવતાં નથી. એટલે જ તનધર્મ કરતાં સેવાધર્મને ચઢિયાતો ગણવામાં આવ્યો છે, ભલે પછી માતા-પિતાની સ્મૃતિમાં બાંકડા મુકાવવાનું હોય, અનાથ આશ્રમમાં ડોનેસન આપવાનું કામ કર્યું હોય. પણ માતા-પિતાની હાજરાહજૂર સેવા કરનાર જ તેમના નામને ચિરસ્મરણીય બનાવવા દાન આપે તો તેનો મહિમા આપોઆપ વધી જાય છે.
આપણને જીવનનું વરદાન આપનારના આપણે કર્જદાર છીએ. પણ લાગણીનો શ્રાવણ વરસાવવામાં ય નાનમ અનુભવે એવાં સંતાનોનો બચાવ થઇ શકે નહિ. આપણું નાનકડું અમથું કામ કરનારનો ય આપણે 'થેન્ક યુ' કહી આભાર માનતા હોઈએ છીએ. પણ કોણજાણે કેમ માતા-પિતાને પ્રત્યુત્તર પાઠવવામાં આપણે કંજૂસાઈ દાખવતાં હોઈએ છીએ. માતા-પિતાનું ઋણ અદા ન કરી શકાય તેટલું મોટું છે. એટલે તો ધર્મોપદેશકોએ અને સંતો મહંતોએ તેમના પ્રત્યેના ભક્તિભાવને પૃથ્વીની પરિક્રમાથી ય વધુ પુણ્યદાયક વર્ણવ્યું છે. માતા-પિતા અને સંતાનોના સંબંધો લાગણીના છે એટલે એમાં ઓટ કે ખોટનો ભય નથી, આધુનિકતા પણ અંતરાય રૂપ બની શકે નહીં. મૂળ સવાલ છે જીવનદ્રષ્ટિ અને વ્યસ્તતાનો. વૈચારિક દૂરત્વ કે ભિન્નત્વને કારણે બન્નેએ અંતિમ છેડે ઊભા રહીને એકબીજાને મૂલવવાની જરૂર નથી. જ્યાં અહં અને અધિકારભક્તિનો આગ્રહ હોય ત્યાં સ્નેહની સમવાણીને નુકસાન પહોંચવાનું જ. ગણતરી વગરની લાગણી હોય તો જ સગાઈ નિર્મળ રહે. લાગણી માટે લાયકાત નહીં નિર્મળ વ્યવહાર જરૂરી છે. પરંતુ ઘણીવાર અતિ વ્યસ્તતા, આધુનિકતા, અસહિષ્ણુતા જેવાં કોઈપણ કારણસર સંતાનો માતા-પિતા પ્રત્યે લાગણી દાખવવામાં ઊણા ઉતરે છે. આવા સંતાનોને ઘણીવાર માતા-પિતાને ગુમાવ્યા પછી પોતાની ભૂલ સમજાતી હોય છે.
આજે 'ઘરડાં-ઘર'ની માગ અને સંખ્યામાં વધારો થતો જાય છે. એનાં આર્થિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક કારણો પણ હોઈ શકે. વૃધ્ધત્વની પણ એક વિશિષ્ટ મનોદશા હોય છે, એને લીધે વૃધ્ધોની વાણી, વર્તન, વ્યવહાર, જીવનશૈલી, રહેણીકરણી વગેરેનો યુવાન સંતાનો, પુત્રો-પુત્રવધૂઓ સાથે મેળ ન ખાય એવી સમસ્યાઓ પણ સર્જાતી હોય છે. યૌવન પાસે જોશ હોય છે અને વૃધ્ધત્વ પાસે ધીરજનો અભાવ. વૃધ્ધત્વ માણસના મનને આળું બનાવી દે છે. અંદર અને બહારની એકલતા, પોતે નકામા નગણ્ય એ ઉપેક્ષણીય બની ગયાની વેદના ભલે એ સાચી હોય કે કલ્પિત, પણ એમને કોરી ખાતી હોય છે.
વડીલોએ કેમ જીવવું, એ પણ એક વિચાર માગી લે તેવો નોખો વિષય છે. ઘરેડમાં પડે કે પડયો રહે તે ઘરડો અને નિરંતર અંદરથી નમ્રતા, સહિષ્ણુતા, પ્રેમ, ક્ષમાભાવ, કરુણા વગેરેની વૃધ્ધિ રાતદિવસ કરતો રહે તે વૃધ્ધ ટકટક કરે તે ઘરડો અને ટકોર કરે તે વૃધ્ધ. વૃધ્ધોની ઇજ્જત સાચવવી એ યુવા પેઢીનું વ્રત બનવું જોઇએ. અને યુવાનો સંતાનો સાથે યથાશક્ય સાનુકૂલન જાળવવું એ વરિષ્ઠ વડીલોનો ધર્મ બનવો જોઇએ. ઘરને અધિકાર-પ્રિયતા અને કર્તવ્ય પ્રત્યેની ઉદાસીનતાથી મુક્ત રાખવું એ બન્ને પેઢીની ફરજ છે.
માતા-પિતાને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ તેમને જીવન દરમિયાન ઠારવાં એ જ છે. પણ માનો કે કોઈ સંતાનથી એમાં ચૂક થઇ ગઈ અને માતા-પિતાના ઉપકારનું સ્મરણ કરતાં તેમના નામ અને સંબંધને કૃતજ્ઞાતાની અભિવ્યક્તિ માટે, ઇજ્જત બક્ષવા નિવાસ સ્થાન સાથે જોડવાની ઇચ્છા થાય તો તેને શંકા, નિંદા કે વહેમથી ન જોવું, એનાં પણ નાગરિક તરીકે આપણી ખાનદાની છે. ભક્ત પુંડલીકનું જીવન માતા-પિતાની સેવાનું અનુપમ દ્રષ્ટાંત રજૂ કરે છે. એમની સેવાથી પરિતુષ્ટ થયેલા ભગવાન પાંડુરંગ તેને મળવા સામેથી હાજર થયા. તેમને જોઇને પણ પુંડલીકે માતા-પિતાની સેવા કરવાનં કાર્ય પડતું ન મૂક્યું. માતા-પિતાની સેવા પુંડલીકને મન દેવસેવા હતી. પુંડલીક પ્રભુદર્શનની આસક્તિમાં ફસાયા નહીં. વિનોબાજીના શબ્દોમાં : 'હે ભગવાન, તું સાક્ષાત ઇશ્વર છે ને આ મારાં માબાપ પણ મારે સારું ઇશ્વર છે એમની સેવામાં હું છું તે વખતે તારા તરફ ધ્યાન આપી શક્તો નથી. તું મને માફ કરજે.' આમ કહીને ભક્ત પુંડલીકે ભગવાન પાંડુરંગને ઊભા રહેવા માટે એક ઇંટ આગળ સરકાવી. અને પોતે પોતાના સેવાકાર્યમાં મશગૂલ થઇ ગયા. ત્યારે તુકારામજી કહે છે : 'અલ્યા, પ્રેમથી કેવો ફાટયો છે કે ખુદ વિઠ્ઠલને પણ ઊભા રહેવા માટે ઇંટ ફેંકી' આ છે કર્મસમાધિ.
એટલે દાન-દક્ષિણા, મૃત માબાપની સ્મૃતિમાં થતાં કાર્યો જેટલા અંશે યશકામના કે પ્રસિધ્ધિ મુક્ત તેટલા વંદનીય. અનેક એવા લોકો છે જે આજે પણ ગુપ્ત દાનમાં માને છે. જીવતાં મા-બાપને તરછોડીને દયાપૂર્ણ સ્થિતિમાં રાખીને તેમના મૃત્યુ બાદ કરવામાં આવતું સ્મૃતિદાન પુણ્યદાયક ઠરી શકે નહીં.
આ ભાવનાને મહત્વ આપી સંત પુનિત મહારાજે 'મા-બાપને ભૂલશો નહીં' એ ભક્તિગીત રચ્યું હતું.
'ભૂલો ભલે બીજું બધું મા-બાપને ભૂલશો નહીં,
અગણિત છે ઉપકાર એના, એહ વીસરશો નહીં
લાખો કમાતા હો ભલે, મા-બાપ જેથી ના ઠર્યા,
એ લાખ નહીં પણ રાખ છે, એવું માનવું ભૂલશો નહીં.'
મતલબ કે માતા-પિતાને માત્ર શ્રાદ્ધમાં જ યાદ કરવા એ દુર્ભાગ્યપૂર્ણ છે. જે માતા-પિતાએ આપણને જન્મ આપ્યો એમનનો આપણે અંશ છીએ. માતા-પિતાને માત્ર અમુક સમયે જ યાદ કરવા એવું નથી. તેઓ તો આપણા સાચા ભગવાન છે. આપણો પ્રત્યેક શ્વાસ તેમનો ઋણી છે. હંમેશા આપણા અંતરમાં એમનો વાસ હોવો જોઇએ.


