Get The App

આજનો માણસ સ્વજન ગણાવાની ઉષ્મા ગુમાવતો જાય છે

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
આજનો માણસ સ્વજન ગણાવાની ઉષ્મા ગુમાવતો જાય છે 1 - image

- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- સંબંધ ભલે લોહીના હોય, લાગણીના હોય કે કાનૂનરક્ષિત હોય, એ નિર્મળપણે વહેતા રહે ત્યાં સુધી એમાં ફોરમ રહે છે. એ બંધિયાર બને ત્યારે મલિનતા જન્મે છે

પ્રશ્ન : મોટેભાગે અંગત સ્વજનો જ આપણી લાગણી અને મમતાને કેમ ઠોકર મારતા હોય છે ?

પ્રશ્નકર્તા : હર્ષ મનીશકુમાર જોષી

સી, કનક્કલા-૨ આનંદનગર રોડ, વેજલપુર, અમદાવાદ

એક સાંસારિક જીવ તરીકે આપણે સ્નેહ, સખ્ય અને આત્મીયતાભરી નિકટતાને નજર સમક્ષ રાખીએ છીએ. રક્તગત અને લાગણીગત સંબંધોની ઉદાત્તતા આપણા જીવનને પ્રસન્નતા અર્પે છે. એમાં પડેલી તિરાડ આપણા મનને વિષાદયુક્ત બનાવી દે છે. સંબંધ ભલે લોહીના હોય, લાગણીના હોય કે કાનૂનરક્ષિત હોય, એ નિર્મળપણે વહેતા રહે ત્યાં સુધી એમાં ફોરમ રહે છે. એ બંધિયાર બને ત્યારે મલિનતા જન્મે છે.

સંબંધોને બંધિયારપણું આપનારું તત્વ હોય તો તે આપણી અપેક્ષાઓનો સકંજો છે. અંગત સ્વજનો અને સ્નેહીઓમાં જ્યારે અન્ય માટે કશુંક કર્યાનો અહં કે સામેના પાત્રે કશુંક ન કર્યાનો કચવાટ સંબંધની ઘનતા, ઘનિષ્ઠતા કે સાર્થકતાનો માપદંડ બની જાય છે. ત્યારે અપેક્ષાઓને ઝૂલે હીંચતો સંબંધ અસલામતીની ભાવના અનુભવે છે.

માણસ દ્વારા પ્રદર્શિત થતો પ્રેમ, લાગણી, સંબંધ નિમિત્તે થતો ત્યાગ કે કુરબાની ફળવી જ જોઈએ એવું ગણિત સંબંધ કે પ્રેમના દેવતાને માન્ય નથી. સ્વજન પ્રત્યેની મમતા કે લાગણી એ સ્વંયભૂ કે સ્વયંસ્ફુરિત ઉદાત્ત ભાવના બને અને કશુંક કર્યાનો પ્રત્યુત્તર ન મળ્યાનો કચવાટ મનમાં ન રહે તો મન અનેક મનોયાતનાઓમાંથી મુક્ત રહી શકે.

સંબંધની સરિતા હંમેશા સપાટ ભૂમિમાં વહેવા માટે જ છે, એવી ખાતરી કોણ અપાવી શકે ? સંબંધે વહેવું પણ પડે છે અને સહેવું પણ પડે છે. સંબંધને ઉબડખાબડ પથ પરથી વહેવાનો વારો આવવાનો જ. ખરેખર તો સંબંધમાં આવતી રુકાવટ, વિક્ષેપ કે સંઘર્ષની ઘડી એ સંબંધની પરીક્ષાની ક્ષણ છે. સંસારમાં આપણને ફાવતું અને ફાવતું મળશે એવો ખ્યાલ આત્મસંતોષ માટે સારો પણ વ્યવહાર એનો સ્વીકાર નહીં કરે.

આપણા અંગત સ્વજનોમાં પણ તેમનો પોતાનો મૂડ, તેમની પોતાની જીવનશૈલી, લાગણીની અભિવ્યક્તિની પોતાની રીત અને નિકટતા અંગેના પોતાનાં ધોરણો રોઈ શકે. એ ધોરણો મુજબ સ્વજન, સ્નેહી, મિત્ર, સાથી કે સંગાથી વર્તન-પરિવર્તન કરે ત્યારે ઉપેક્ષા કે ઉષ્માની ઓટ માણસને મુંઝવણમાં મૂકી દે એ અસ્વાભાવિક નથી, પણ એવી ક્ષણ સહિષ્ણુતા, ધૈર્ય અને ઔદાર્ય માટેની છે. ચાહનામાં વેરવૃત્તિને, બદલાની ભાવનાને, હિસાબની પતાવટને કે પાઠ ભણાવવાની વૃત્તિને સ્થાન નથી. ખરેખર તો એ ક્ષણ આત્મદર્શનની, આત્મમૂલ્યાંકનની અને સંબંધ અંગેની પ્રવર્તમાન સમાજના નવીનીકરણની છે.

સ્વજન આપણી લાગણી કે મમતોની ઉપેક્ષા કરે એનો અર્થ એ થયો કે, એની આપણા પ્રત્યેની અપેક્ષા કે આત્મીયતામાં એને કશીક ઓટ કે ખોટનો અહેસાસ થાય છે. એટલે ઉપેક્ષાનો જવાબ ઉપેક્ષા, તિરસ્કાર, ઉદાસીનતા કે સંબંધની પજવણી - લજવણીથી આપવાને બદલે આપણે આપણી વાણી, વર્તન, વ્યવહાર અને આચરણમાં આવશ્યક પરિવર્તન અને પરિષ્કાર કરવો જોઈએ. નહીં તો સામસામે કીચડ ઉછાળવાની મલિન પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ થવાની અને પરિણામે દુ:ખ સિવાય કશું જ હાથમાં નહીં આવે.

આપણે સ્વજનોના લેણદાર નહીં દેણદાર છીએ. ચૂકવી આપવાની ભાવના જેટલી ઉદાત્ત, મનોશાંતિની તેટલી જ શક્યતા વધુ. સાચી લાગણી કે સાચો પ્રેમ, પ્રિય પાત્રનું ભલું જ વાંછી શકે. કારણ કે પ્રેમનું બુનિયાદી તત્વ છે ઉદારતા અને ઉદાત્તતા, જ્યાં પ્રેમ છે ત્યાં હલકટતા નથી હોતી અને જ્યાં હલકટતાનો હવાલો હોય ત્યાં પ્રેમને રહેવું ગમતું નથી. એટલે જ પ્રેમ, શ્રધ્ધા અને સમર્પણનો પંથ સ્વીકારે છે. સંબંધ ક્યારેક વિસ્મયકારક અને આઘાતજનક પરિવર્તનો લઈને માણસ સામે હાજર થઈ જાય છે, ત્યારે જીવન જે દ્રશ્યો દેખાડે છે તે જીરવવાં જ રહ્યાં, અને એ પણ સ્વજન પ્રત્યે ક્ષમાભાવ અને ઔદાર્ય સહિત કારણ કે આપણો ધર્મ પ્રેમ અને લાગણી દેખાડવાનો હોઈ શકે, એનો પ્રત્યુત્તર અધિકાર રૂપે માગવાની કે મેળવવાની વૃત્તિ બળવત્તર બને તો એવો સંબંધ પ્રેમની ઉદાત્ત ભાવનાને લાયક નથી રહેતો. આત્મનિરીક્ષણ અને મન પરનો કાબૂ જ આવી આફતની ક્ષણોમાં માણસનો સાથી બની શકે. એ ક્ષણે નફરત કે વિષાદથી માણસે અળગા રહેવું જોઈએ.

સંબંધ રાખવો એ એક વસ્તુ છે અને સંબંધ જીવી જાણવો એ બીજી વસ્તુ છે. જેની સમક્ષ સંબંધ જીવી જાણવાની, જીરવી જાણવાની અને સંબંધ લાગણી કે મમતાને બિનશરતી અપેક્ષા વગર મૂલવી જાણવાની દ્રષ્ટિ હોય તે પોતાનું તથા તેના સ્વજન-સંબંધી પ્રિય પાત્રનું ગૌરવ વધારી જાણે છે. સંબંધો વહેતા રહે તો જ વિશુદ્ધ રહે. સંબંધને રાખવા માટે સંબંધની આન અને શાનને ગૌરવ બક્ષવા ખાતર ક્ષમાશીલતા, ધીરજ અને સહિષ્ણુતા કેળવવાં પડે. આપણને સંબંધનું શોષણ કરતાં તો આવડે છે, પણ સંબંધનું પોષણ કરી તેને તંદુરસ્ત રાખવામાં આપણે ઊણા ઉતરીએ છીએ. છૂટવું એ એક કળા છે, તેમાં બધાવું એ પણ એક કળા છે.

માણસ એ હૂંફ ભૂખ્યું પ્રાણી છે. આ હૂંફની તલાશમાંથી સંસારે આકાર લીધો છે. આવી હૂંફના અનેક સ્રોત હોય છે. પણ માણસની બે મુખ્ય સ્રોત સાથે નિકટતા છે. એક લોહીના સંબંધો અને બે લાગણીના સંબંધો.

સ્વજનોને મોટેભાગે આપણે લોહીની સગાઈની પરિધિમાં સમાવેશ કરીએ છીએ. ક્યાંક આવા સંબંધો આફતની પળોમાં પ્રાપ્ત થતા ઉપકાર, સહયોગ, નિ:સ્વાર્થ પ્રેમ, આભાર, કરુણા એમ વિવિધ સરવાણીઓને કારણે આકાર લેતા હોય છે.

માણસને પ્રેમ કે લાગણી ગમે છે, પણ એ પ્રેમ કે લાગણીની સાથે કોઈ અધિકારપ્રિયતા, જોહુકમી, અહંકાર, આજ્ઞાપાલિકતાલક્ષી તાબેદારી વગેરે પ્રયોજવા જાય તો એની લાગણી ઘવાય છે.

સામાન્ય રીતે લોહીના સંબંધોમાં અધિકારપ્રિયતા અળગી રહી શકતી નથી. એટલે લોહીની સગાઈના સંબંધોમાં અપેક્ષાઓનું પાસું પણ એટલું જ પ્રબળ હોય છે. આવી સગાઈથી બંધાયેલી વ્યક્તિ એવી અપેક્ષાઓ સંતોષવા સદાય તત્પર રહે, મન-વચન-કર્મથી સદાય અનુકૂળ રહે, પોતાની સ્વભાવગત મર્યાદાઓ બાજુએ રાખીને પણ સગાને ફાવતું-ગમતું કરવા તૈયાર રહે એવી આગ્રહભરી આકાંક્ષાઓને તેઓ નજર સમક્ષ રાખે છે. એનાથી સહેજ પણ વિપરીત વ્યવહાર કરનારને દોષી માની સગાઈની શાન સાચવતાં આવડતું નથી - એવું જગપ્રચલિત બહાનું આગળ ધરીને સંબંધ ખતમ કરી નાખવા સુધ્ધાનાં આક્રમક, અવિચારી કે એકતરફી પગલાં લેવામાં આવે છે. ઘણીવાર લોહીના સંબંધોમાં આગ્રહ, દુરાગ્રહ, જીદ, મમત વગેરેની માત્રા એટલી બધી જોવા મળે છે કે એનો મારો સંબંધીને અકળાવી મૂકે છે અને 'મન-મોતી ને કાચ, તૂટયાં સંધાતા નથી' - જેવી ઉક્તિઓ આગળ સંબંધને નામશેષ કરી દેવામાં આવે છે.