લોકો ઉપહાર (ભેટ)ને મહત્ત્વ આપે છે, પણ કોઇએ કરેલા 'ઉપકાર'ને કેમ ગૌણ ગણે છે?
- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- 'દુશ્મનને ભેટ આપવા યોગ્ય વસ્તુ છે' 'ક્ષમા', વિરોધ કરનારને આપવા યોગ્ય વસ્તુ છે સહનશીલતા, મિત્રને આપવા યોગ્ય વસ્તુ હોય તો તે છે હૃદય, બાળક સામે અનુકરણીય આદર્શ, પિતાને આપવા યોગ્ય વસ્તુ છે સન્માન, અને માતાને ભેટ આપવા જેવી વસ્તુ છે એવું શ્રેષ્ઠ આચરણ જેના પર તે ગર્વ કરી શકે
* લોકો 'ઉપહાર' (ભેટ)ને મહત્ત્વ આપે છે, પણ કોઇએ કરેલા 'ઉપકાર'ને કેમ ગૌણ ગણે છે ?
* પ્રશ્નકર્તા : યાકુબ અજમેરવાલા, સૈયદ વાડા, રાની સિપ્રી મસ્જિદ પાસે, આસ્ટોડીઆ, અમદાવાદ
જિં દગીના સંબંધો આદાન-પ્રદાન પર ચાલે છે. વ્યવહારમાં આપણું કોઈ કામ કોઈ કરી આપે તો તેનો આભાર કે કૃતજ્ઞાતા વ્યક્ત કરવા આપણે 'ઉપહાર' કે ભેટ આપીએ છીએ. સંબંધ સાચવવા ખાતર પણ 'વ્યવહારધર્મ' તરીકે ભેટ-સોગાદ અપાય છે. શુભ કે આનંદપ્રદ ઘટના અથવા તહેવાર કે ઉત્સવ નિમિત્તે પણ લોકો પરસ્પરને ભેટ કે ઉપહાર આપતાં હોય છે. પ્રિયપાત્ર, મિત્ર કે નિકટસ્થ સ્નેહીને પણ ઉપહાર આપવામાં માણસને આનંદ આવે છે. શુદ્ધ ભાવનાથી અપાતો ઉપહાર એ દેવનો 'પ્રસાદ' બની જાય છે. ભગવાનને ચરણે અપાતી ભેટ-સોગંદ પણ સમર્પણ સેવા કે ભક્તિ ગણાય છે. વહીવટી સંબંધોમાં અપાતા ઉપહાર 'ગણતરી'પૂર્વકના હોય છે જે ગમે ત્યારે વટાવી ખાવાના ઇરાદે માણસો આપતા હોય છે. એવી રીતે અપાતા લેવાતા ઉપહાર એ લેનાર માટે એક પ્રકારનો 'બોજ' બની જતા હોય છે. શુધ્ધ પ્રેમપૂર્વક અપાએલો ઉપહાર એ સંબંધને લીલોછમ રાખે છે. લાલચથી લીધેલા કે લાલચથી અપાએલા ઉપહાર ધાર્યું કામ ન થતાં શત્રુત્વમાં પરિણમે છે.
માણસ ભેટ પાછળની ભાવના સમજવાને બદલે તેની કિંમતની ગણતરી કરવા લોભાય છે. પોતાને અપાયેલા ઉપહારનો બદલો કેટલી કિંમત જેટલો વાળવો એની પણ માણસ નોંધ રાખે છે. માણસ ભગવાનને ભેટ ધરાવે છે અને એના બદલામાં મનોવાંછિત ફળ પ્રાપ્તિની ખેવના રાખે છે એટલે એવો ઉપહાર નિરર્થક નીવડે છે. 'પૂર્વનિધાન'માં સલાહ આપવામાં આવી છે કે તમે કોઇનોય ઉપહાર કે ભેટ લેશો નહીં, કારણ કે ઉપહાર કે ભેટ વિદ્વાનને પણ અંધ બનાવી દે છે અને સદાચારીના શબ્દોને પણ દૂષિત કરે છે.
શાસ્ત્રોમાં સંબંધની શાન, પવિત્રતા અને મહત્વ ખ્યાલમાં રાખીને કહેવામાં આવ્યું છે વહાલસોયી પત્ની, પ્રિય મિત્ર, નાનેરો પુત્ર, ભવિષ્યવક્તા (જ્યોતિષી) તથા રાજા પાસે ખાલી હાથે ન જશો.
ઉપહાર કે ભેટ કેવળ 'દેખાડા' ખાતર આપવામાં ન આવે. ભેટ આપવાની રીત ભેટ આપનારના ચારિત્ર્યનનું પ્રતિબિમ્બ છે. અભિમાન અને આત્મીયતાશૂન્ય ઉપહાર ઉદારતાની નહીં પણ 'ઉપયોગિતા' પૂર્ણ ગણતરીની ચાડી ખાય છે. ઉપહાર એ શબરીનાં બોર કે વિદુરની ભાજી બનવી જોઇએ, દુર્યોધન કે ધૃતરાષ્ટ્રના છપ્પન ભોગ નહીં. ભગવાનને અર્પેલો ઉપહાર 'મૂલ્ય' કરતાં ભાવનાનો વિષય છે. કોઈ ગરીબ માણસ પોતાની પાસે પૈસા ન હોય તો પુષ્પ, તુલસીદલ કે ફળ ઇશ્વરને અર્પણ કરે તેની કિંમત ઇશ્વર ઓછી આંકતો નથી.
બાલફોર નામના ચિંતકે કોને શી શી કઇ કઇ ભેટ અપાય, તેનું વર્ણન કરતાં સરસ વાત કરી છે ઃ 'દુશ્મનને ભેટ આપવા યોગ્ય વસ્તુ છે ક્ષમા, વિરોધ કરનારને આપવા યોગ્ય વસ્તુ છે, સહનશીલતા, મિત્રને આપવા યોગ્ય ઉપહાર હોય તો હૃદય, બાળક સામે અનુકરણીય આદર્શ, પિતાને આપવા યોગ્ય વસ્તુ સન્માન અને માતાને આપવા જેવી ભેટ હોય તો તે છે એવું શ્રેષ્ઠ આચરણ, જેથી તે તમારા ઉપર ગર્વ કરી શકે. પોતાની જાતને આપવા જેવી શ્રેષ્ઠ ભેટ પ્રતિષ્ઠા અથવા આબરૂ અને સર્વ જીવોને આપવા જેવી વસ્તુ છે તેમના પ્રત્યે કરુણા.'
'ઉપકાર' અથવા 'અહેસાન'એ અત્યંત પવિત્ર વસ્તુ છે. જેનામાં સાન એટલે કે સમજણ હોય તો 'અહેસાન'નંા મહત્વ સમજી શકે. ઉપકાર એ અમી વર્ષા છે. તેમાં અહંકાર કે સ્વાર્થને સ્થાન નથી. ઉપકાર એ અંતઃકરણમાં આજીવન સાચવી રાખવાની સદ્વૃત્તિ છે. ઉપકાર કે ભલું કરનાર વ્યક્તિથી જાણે-અજાણે કોઈ ભૂલ, ક્ષતિ કે બિનવફાદારી થઇ જાય તો તેના તે અપરાધને વધુ પડતું મહત્ત્વ આપી મનમાં વેરવૃત્તિ રાખવાને બદલે ક્ષમા પ્રદાન કરવી જોઇએ. ઉપકાર માટે જીવનને હોડમાં મૂકવાની પરિસ્થિતિ સર્જાય તો રાજા રંતિદેવ અથવા ઋષિ દધીચિની જેમ સર્વસ્વનું દાન કરતાં લેશમાત્ર સંકોચ કે વિલંબ કરવો જોઇએ નહીં. સ્વામી-ભક્તિ ખાતર પન્ના ધાત્રીમાતાએ પોતાના પુત્રનું બલિદાન આપી સેવકધર્મનું અનુકરણીય દ્રષ્ટાન્ત ચરિતાર્થ કરી બતાવ્યું હતું. જે નિષ્કામ ભાવે બીજાનું ભલું કરે કે ઉપકાર તત્પરતા દાખવે એનું નામ સંત. તેઓ મન, વચન, કર્મથી જીવના જોખમે પણ ઉપકાર કરવામાં પાછી પાની કરતા નથી, જેમ કે સીતાજીને રાવણના પંજામાંથી બચાવવા પાંખો કપાતાં મોત વહોરી લેનાર જટાયું. ભક્ત સૂરદાસે વૃક્ષ જેવા ઉપકારી-પરોપકારી બનવાની સલાહ આપી છે કે વૃક્ષ પોતાનું છેદન કરનાર પ્રત્યે ભલાઈ દાખવવાનો ઉપકાર દર્શાવે છે. ગરમી, આંધી, તોફાન, વાવાઝોડાં, વંટોળ, ભૂકંપના આંચકા સહન કરીને પણ વિચલિત થયા વગર પોતાની શીતળ છાયા પ્રદાન કરવાનો ધર્મ ચૂક્તું નથી.
'ઉપકાર'ની વિરુધ્ધનો શબ્દ છે 'અપકાર' અથવા બૂરું કરવાની વૃત્તિ. ઉપકારનું માપ ન જોવાય. અણીના સમયે કોઇકે કરેલો નિસ્વાર્થ ઉપકાર મેરૂ પર્વત કરતાં પણ મહાન છે. વ્રજનારાયણ 'ચકબસ્તે' કહ્યું છે તેમ
'જિસને કુછ 'એહસાન' કર દિયા,
એક બોઝ હમ પર રખ દિયા,
સરસે તિનકા ક્યા ઉતારા,
સિર પે છપ્પર રખ દિયા.'
બીજા માણસે કેટલો અને કેવડો ઉપકાર કર્યો એને ધ્યાનમાં લીધા સિવાય કરેલા ઉપકારનો હજાર ગણો બદલો ચૂકવવા તૈયાર રહે તે સાચો ઉપકારી.
મુનશી પ્રેમચંદે 'ગોદાન' નવલકથામાં યોગ્ય જ કહ્યું છે કે નેકી, ભલાઈ કે ઉપકાર જો કરનારના દિલમાં રહે તો નેકી ગણાય,
અને એને અભિવ્યક્ત કરી દેવામાં આવે તો એ 'બદી' ગણાય.
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર પાસે એક માણસ કોર્ટનું દેવું ચૂકવવા રૂપીઆ પાંચસો ઉછીના લેવા આવ્યો હશે. ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરે તે વખતે મૌન જાળવ્યું, પણ બીજે દિવસે તે માણસ વતીથી કોર્ટમાં હાજર થઇ તેનું દેવું ચૂક્તે કરી દીધું. આ છે મૌન ઉપકારનો મહાન આદર્શ.
'ઉપહાર' એ લોભ છે, લાલચ છે, મોહ છે કારણ કે એમાં કશું પ્રાપ્ત થાય છે જ્યારે 'ઉપકારમાં માણસની ગણતરી 'રોગ મટયો કે વૈદ્ય વેરી'ની હોય છે. ઘણીવાર માણસ સગા કે સંબંધીએ કરેલા ઉપકારને મહત્વ આપવાને બદલે 'તેવું કરવાની તેમની ફરજ હતી, એમાં શી ધાડ મારી' જેવી નમકહરામ દલીલો કરી ઉપકારને ભૂલી જાય છે. કોઈ ધનિક દાન કરે તો એવી દલીલ કરશે કે 'ધન હતું ને દાન કર્યું એમાં શી નવાઈ ? માણસે બીજાએ કરેલા 'અપકાર કે બિનવફાદારીને યાદ ન રાખવી જોઇએ, કારણ કે એનાથી ખેદ અને ક્રોધ બન્ને વધે છે.
માણસ સ્વભાવે સ્વાર્થી છે એટલે બીજાના ઉપકારને એ અવગણે છે. એનામાં 'કદરદાની' નો અભાવ છે પણ મોહની અધિકતા છે એટલે મફતમાં મળતી મોંઘી વસ્તુ એને પ્રિય લાગે છે. 'ઉપહાર' 'ભોગ' છે અને 'ઉપકાર' ત્યાગ. ઉપહાર કે 'ભેટ'માં મળેલી વસ્તુ માણસને 'ખપ'ની લાગે છે જ્યારે 'ઉપકાર'ને માણસ એટલા માટે ગૌણ ગણે છે કે એમાં મૌનકલ્યાણની ભાવના છે. મહાત્મા તિરુવલ્લુવરે કહ્યું છે તેમ ઉપકાર 'તણખલા' જેટલો કેમ ન હોય, તેના ફળને સમજનારા લોકોને તો એ તાડ જેવો લાગે છે. સોક્રેટીસના શબ્દો યાદ રાખીએ કે સંસારમાં સૌથી મોટી વસ્તુ એ નથી કે આપણે ક્યાં છીએ, પરંતુ મહત્ત્વની વસ્તુ એ છે કે આપણે કઇ દિશામાં જઇ રહ્યા છીએ. આજનો માણસ તન ચોખ્ખું રાખે છે, પણ મન ચોખ્ખું રાખતો નથી એટલે ઉપકારને ગૌણ સમજે છે.