- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- શિષ્ય બનવું હોય તો પરમાત્માના જ શિષ્ય બનો. એ તમને જીવનમાં શુભત્વ અને શિવત્વનું સ્થાન શું છે તે શીખવશે
જી વનની વ્યાખ્યા દરેક માણસની પોતાની હોય છે. પોતાના સારા-નરસા અનુભવોથી નિર્મિત થયેલો તેનો દ્રષ્ટિકોણ હોય છે. આવા દ્રષ્ટિકોણ એક માણસના બીજા માણસના દ્રષ્ટિકોણ સાથે મળતા નથી એટલે કોઈકને જીવન 'ટ્રેજેડી' લાગે છે તો કોઈકને 'કોમેડી'. જીવન એ જીવન છે, કોઈના બાંધ્યા બંધનમાં આવે તો એ જીવન શાનું ? જીવન કર્મયોગનું ઝરણું છે કે ધર્મયોગનું ? અથવા બન્નેનો સમન્વય ? એનો સીધો ન સટ કોઈ ઉત્તર હોય તો એ છે કે જીવન ધર્મમય કર્મ કરવાનો અવસર છે. અહીં ધર્મશબ્દ પવિત્રતા અને સત્યનિષ્ઠાના અર્થમાં સમજવાનો છે.
વિમાન ચાલક એક સ્વીચ દબાવે છે અને વિમાનના ભાગો સક્રિય થઈ ઉઠવા માટે સજ્જ બને છે. વહાણનો કેપ્ટન એક બટન દબાવે છે અને વહાણના યાંત્રિક ભાગો સાગરયાત્રા માટે તૈયાર થઈ જાય છે.
પણ માણસનું મન રવૈર વિહારી છે.
માણસ ધારે તેમ તેની પાસે કામ લઈ શકે એ માટે એને નાથવું પડે છે. સંયમને મનોનિયંત્રણની તાલીમ આપવી પડે છે. એટલે મનના શરીર યંત્રને પણ સુપેરે સાચવવું જરૂરી છે. આપણી જિંદગીના મહત્વના નિર્ણાયક બે શબ્દો : શુભત્વ અને શિવત્વ. આ બે શબ્દો માણસ પચાવી શકે તો મનનું પુણ્ય મહેકી ઉઠે. જીવન એ જ્યોતિપથ છે. ઈલેક્ટ્રિક ઉપકરણ નથી. પણ ઘીનો દીવો છે. એમાં કેરોસીનનો ઉપયોગ ન ચાલે. મન શુભત્વનું આરાધક બને તો સ્વાર્થની નાગચૂડમાંથી મુક્ત બની શકે. માણસને હરણફાળ ગમે છે એટલે દિશાનો વિચાર કર્યા સિવાય દોડયા જ કરે છે. રાજકવિ ભતૃહરિએ ઉચિત જ કહ્યું છે કે સમય પસાર થઈ રહ્યો નથી આપણે જ પસાર થઈ રહ્યા છીએ કાળની સાથે સાથે. તૃષ્ણાઓ ક્ષીણ થતી નથી તે આપણને છિન્ન-ભિન્ન કરી નાખે છે. વૃદ્ધત્વ પ્રાપ્ત થતાં તે ભાગી પડે છે અને જીવનનું વરદાન આપનાર જીવન દેવતાને ભાંડે છે. કબીરે સાચું જ કહ્યું છે કે
''દેહ ઘરેકા રોગ હૈ
સબ કાહુકો હોય
જ્ઞાાની ભુગતે જ્ઞાાનસે
મુરખ ભુગતે રોય.''
જીવનમાં દરેક માણસ વૃધ્ધિ ઈચ્છે છે તેટલા પ્રમાણમાં શુધ્ધિ ઈચ્છતો નથી.
વાત બીજા વિશ્વયુદ્ધ વખતની છે. એ દરમ્યાન ટ્રેડ બેંગ રમી નામનો અધિકારી તત્કાલીન સંહાર લીલા જોઈ હચમચી ઉઠયો. એને લીધે એને માથાનો દુ:ખાવો અને પેટમાં ચૂંક સહિતની વેદનાઓ શરૂ થઈ ગઈ હતી. એણે યુધ્ધમાં માર્યા ગયેલા સૈનિકોની લાશો અને તેમની ચીજવસ્તુઓ તેમનાં સગાં-વહાલાંને પહોંચતી કરવાનું પવિત્ર કામ શરૂ કર્યું : ટ્રેડને પોતાનાં બાળકોની ચિંતા પણ સતાવતી હતી. શારીરિક દ્રષ્ટિએ પણ એ કમજોર થઈ ગયો હતો. અનિચ્છાએ પણ તેને રુદન આવતું હતું. અંતે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
ડૉક્ટરે ટ્રેડનો માનસિક અને શારીરિક ઈતિહાસ તપાસ્યો અને ટ્રેડને કહ્યું : ''ટ્રેડતુ તારા જીવનને રેત ઘડીઆળ માની લે. રેત ઘડીઆળનાં કણો ઉપરના ભાગમાંથી પસાર થઈ નીચે જાય છે. અને ગોઠવેલી વ્યવસ્થા મુજબ વળી પાછી રેત ઉપર ચઢે છે. રેતી ઘડીઆળનો ઉપયોગ સમય માપવા માટે થતો. આપણા જીવનનું પણ એવું જ છે એ ખાલી થતું રહેવાનું અને ફરી પાછું ભરાવાનું.''
જિંદગી ખાલી રહેવા માગતી નથી એટલે પરિવર્તનોની વણઝારની આવન જાવન ચાલુ જ રહે છે. ક્યારે સુખદ પળ આવશે અને ક્યારે દુ:ખદ એની આપણી પાસે કોઈ ગણત્રી નથી હોતી પરિણામે આપણે ઘટનાઓના દ્રષ્ટા બની શકતા નથી. એટલે જુદા-જુદા કામોને જુદા-જુદા વિભાગોમાં કામ કરતો રહીશ તો ટ્રેડ તું સુખી થઈશ. અહીં મારી પાસે આવનાર દર્દીઓ તેમણે કલ્પેલી માનસિક બીમારીઓનું શારીરિક પરિણામ છે. તું માંદો છે એ ખ્યાલ કાઢી નાખ. અને જિંદગીને પડકારતાં કહે કે
''મોત આવે તે છતાં
મરવું નથી,
જિંદગી ! તારા થકી
ડરવું નથી !
લે સિતમ ઝાઝા ગુજારી
તે છતાં
છું હવે લાચારએ
વદવું નથી.
હાસ્યકાજે વિશ્વમાં
આવ્યો ઘડી
જિંદગી ! તું રડાવે
તે છતાં રડવું નથી.''
ટ્રેડ બેંગરમી કહે છે કે ડૉક્ટરની સલાહ પછી મારા કાર્યોને એક સામટાં કરવાને બદલે જુદા-જુદા વિભાગોમાં વહેંચીને હું કામ કરું છું કારણ કે હવે મને એ વાત સમજાઈ છે કે જીવન પોતે કર્મયોગનું ઝરણું છે. એ એક જ દિશા અને દશામાં રહેવાનું નથી. તો પછી દુ:ખની ક્ષણોમાં રુદન શા માટે ? અને પીડા આવે ત્યારે માનસિક લાચારી શા માટે ?
કામ કરતી વખતે શુભત્વ અને શિવત્વ બન્નેને આગળ રાખવામાં આવે તો જિંદગીમાં પસ્તાવાનો વારો ભાગ્યે જ આવે.
આપણે ઘટનાઓના હાથનું રમકડું ન બનીએ તેમાં જ આપણું શ્રેય છે. બાહ્ય ઘટનાઓ સુખનું સ્ત્રોત નથી. મિલ્ટને એટલે જ કહ્યું હતું કે માણસનું પોતાનું મસ્તક જ પોતાની અંદર સ્વર્ગને નર્ક અને નર્કને સ્વર્ગ બનાવી શકે છે. નેપોલિયને એ વસ્તુનો સ્વીકાર કર્યો હતો કે મેં યશ, પ્રતિષ્ઠા, સત્તા બધું જ મેળવ્યું પણ મેં જિંદગીમાં છ દિવસ પણ સુખચેનથી ગુજાર્યા નથી.
પરમાત્માના શિષ્ય બનીને જીવશો તો બીજા કોઈ ગુરુની જરૂર નહીં પડે.


